Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વભરમાં મોતની સજા આપવાની ઘટનાઓમાં અસામાન્ય ઉછાળો નોંધાયો છે. એમનેસ્ટી ઇન્ટરનૅશનલના તાજેતરના રિપોર્ટ મુજબ, વર્ષ 2024માં કુલ એક હજાર 518 લોકોને ફાંસી આપવામાં આવી હતી.
જે વર્ષ 2023ની સરખામણીમાં 32 ટકા વધુ છે તથા વર્ષ 2015 પછી આ સૌથી મોટો આંક છે. જોકે, મોતની સજા આપનારા દેશોની સંખ્યા 16થી ઘટીને 15 થઈ હતી.
એમનેસ્ટી ઇન્ટરનૅશનલના જણાવ્યા પ્રમાણે, વિશ્વમાં સૌથી વધુ ફાંસી ચીનમાં આપવામાં આવે છે, પરંતુ તેના વિશેનો કોઈ આંકડો ઉપલબ્ધ નથી.
ચીન ઉપરાંત વિયેતનામ અને ઉત્તર કોરિયામાં પણ મૃત્યુદંડ આપવાનું વ્યાપક ચલણ છે, પરંતુ આ દેશો ક્યારેય તેમના આંકડા સાર્વજનિક નથી કરતા.
ઈરાનમાં સજા-એ-મોત સૌથી વધુ

ઇમેજ સ્રોત, Getty Images
ઉપલબ્ધ સાર્વજનિક આંકડાનું વિશ્લેષણ કરવામાં આવે, તો સૌથી વધુ મોતની સજા ઈરાનમાં આપવામાં આવે છે.
એમનેસ્ટી ઇન્ટરનૅશનલના મહાસચિવ એગ્નેસ કૅલામાર્ડને કહે છે, “માનવાધિકારનો ભંગ, નશાકારક ચીજવસ્તુઓની હેરફેર તથા આતંકવાદના આરોપ સબબ ઈરાન, ઇરાક તથા સાઉદી અરેબિયામાં ગત વર્ષની સરખામણીએ 91 ટકા વધુ મોતની સજા ફટકારવામાં આવી હતી.”
રિપોર્ટ મુજબ, વર્ષ 2024માં ઈરાનમાં ઓછામાં ઓછા 972 લોકોને મોતની સજા આપવામાં આવી હતી, જેમાં 30 મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. વર્ષ 2023 દરમિયાન આ આંકડો 853નો રહ્યો હતો.
ઈરાનના માનવાધિકાર કાર્યકર્તાઓ ફાંસીની સજામાં વૃદ્ધિને ત્યાં પ્રવર્તમાન રાજકીય ઊથલપાથલ સાથે જોડીને જુએ છે.
ઈરાનમાં અબ્દુર્રહમાન બોરૌમંદ સેન્ટર ફૉર હ્યુમન રાઇટ્સના કાર્યકારી નિદેશક રોયા બોરૌમંદના કહેવા પ્રમાણે, “અમે વ્યાપક વિરોધપ્રદર્શનો તથા અનિશ્ચિતતાના સમયગાળા દરમિયાન મોતની સજામાં વધારો અવલોક્યો છે.”
બોરૌમંદે જણાવ્યું કે વર્ષ 2022માં 12 તથા વર્ષ 2023માં 25 મહિલાઓને મોતની સજા ફટાકરવામાં આવી હતી. એમાંથી અમુક મહિલાઓને ડ્રગ્સસંબંધિત ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવી હતી. બોરૌમંદના કહેવા પ્રમાણે, સરકારની ટીકા કરનારાઓને પણ નિશાન બનાવવામાં આવે છે.
બોરૌમંદે બીબીસીને કહ્યું, “અનેક મહિલા કાર્યકર્તાઓને મોતની સજા આપવામાં આવી છે. જે ભેદભાવજનક કાયદા તથા પ્રથાઓનો વિરોધ કરનારાં ઈરાની મહિલાઓ માટે મોટી ચેતવણી છે.”
ઈરાનના પાડોશી દેશ સાઉદી અરેબિયામાં 345 તથા ઇરાકમાં 63 લોકોને મોતની સજા ફટકારવામાં આવી હતી.
એમનેસ્ટી ઇન્ટરનૅશનલના જણાવ્યા પ્રમાણે, ઈરાન તથા સોમાલિયામાં અઢાર વર્ષથી ઓછી ઉંમરના ચાર-ચાર લોકોને ફાંસીની સજા આપવામાં આવી. ઈરાન અને અફઘાનિસ્તાન એવા બે દેશ છે કે જ્યાં વર્ષ 2024 દરમિયાન સાર્વજનિક રીતે ફાંસી આપવામાં આવી હતી.
‘હજારો ફાંસી’
એમનેસ્ટી ઇન્ટરનૅશનલ ખાતે મૃત્યુદંડની બાબતોનાં નિષ્ણાત ચિયારા સાંગિયોર્જિયોએ બીબીસીને જણાવ્યું, “વર્ષ 2024ના આંકડામાં ચીનના આંકડા સામેલ નથી. જ્યાં હજારોની સંખ્યામાં રહસ્યમય રીતે મોતની સજા આપવામાં આવે છે. અમે જે માહિતી મેળવી શક્યા છીએ, તે ખૂબ જ ભયજનક છે.”
એમનેસ્ટીનું માનવું છે કે ચીનમાં ભ્રષ્ટાચાર તથા માદક પદાર્થોની તસ્કરી માટે મોતની સજા અપાઈ રહી છે, જે સંયુક્ત રાષ્ટ્રોના પ્રસ્તાવના ભંગ સમાન છે. એ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે મોતની સજાને માત્ર “સૌથી ગંભીર પ્રકારના ગુના” પૂરતી મર્યાદિત રાખવી જોઈએ.
સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ મુજબ, જે ગુના પ્રત્યક્ષ તથા ઈરાદાપૂર્વક મૃત્યુ માટે કારણભૂત નથી, તેના માટે મૃત્યુદંડ ન આપવો જોઈએ. જેમ કે, જાતીય ગુના તથા માદક પદાર્થ.
સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર સમિતિ આ પ્રકારના કિસ્સામાં સજાને હત્યા કરવા જેવા ગંભીર ગુના તરીકે પરિભાષિત કરે છે.
સાંગિયોર્જિયો કહે છે, “અમે એવું પણ જોયું છે કે અધિકારીઓ પ્રભુત્વ જાળવી રાખવા માટે મૃત્યુદંડનો આશરો લે છે, જેથી એવો સંદેશ જાય કે ગુના તથા વિરોધને સહન કરવામાં નહીં આવે.”
ચીનમાં ફાંસીની સજાનો લાંબો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
ચીનમાં મૃત્યુદંડનો લાંબો ઇતિહાસ રહ્યો છે. ગુનાખોર ટોળકીઓને ખતમ કરવા માટે વર્ષ 1983માં ‘સ્ટ્રાઇક હાર્ડ’ નીતિ લાગુ કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, એ ગાળા દરમિયાન કેટલાક લોકોને ઢોરઢાંખર કે વાહનચોરી જેવા આરોપો માટે પણ મૃત્યુની સજા આપવામાં આવી હતી. નશીલી દવાઓના તસ્કરોને વિશેષતઃ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
એમનેસ્ટીએ વર્ષ 1996માં રિપોર્ટ આવ્યો હતો, “26મી જૂનના ‘આંતરરાષ્ટ્રીય નશાવિરોધી દિવસ’ના રોજ અનેક શહેરોમાં એક જ દિવસે 230થી વધુ લોકોને મોતની સજા આપવામાં આવી હતી.”
મૃત્યુદંડમાં ઘટાડાની શક્યતા કેટલી?
હૉંગકૉંગસ્થિત ચાઇનીઝ યુનિવર્સિટીનાં પ્રોફેસર મિશેલ મિયાઓએ તાજેતરનાં વર્ષો દરમિયાન મૃત્યુદંડની સજા માટે જે કારણો આપવામાં આવ્યાં છે, તેના વિશે અભ્યાસ કર્યો છે.
તેમણે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે શા માટે ચીનમાં ન્યાયિક નિષ્પાદનની સંખ્યા વિશે અનુમાન કરવું મુશ્કેલ કેમ છે?
પ્રો. મિયાઓનાં કહેવા પ્રમાણે, “મૃત્યુદંડ આપનારા અનેક દેશોની જેમ ચીન પણ મૃત્યુની સજા સંબંધિત આંકડા જાહેર નથી કરતું. નીતિના અભાવે જે પરંપરા ચાલી રહી છે તેના કારણે તથા વિષયની સંવેદનશીલતાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે.”
ચીનમાં દોષિત ઠરવાનો ઊંચો દર

ઇમેજ સ્રોત, Michelle Miao
પ્રો. મિયાઓએ પોતાના સંશોધન માટે ચીનના 40 જજ તથા બચાવ પક્ષના 40 વકીલોના ઇન્ટરવ્યૂ લીધા હતા. પ્રો. મિયાઓનું તારણ છે કે મૃત્યુની સજામાં એકરૂપતા તથા કાયદામાં સ્પષ્ટતાના અભાવે આમ થાય છે.
પ્રો. મિયાઓના મતે, “ફોજદારી કાયદા મુજબ, મૃત્યુદંડ ત્યારે જ અટકાવી શકાય, જ્યારે કોઈને તત્કાળ ફાંસીની સજા આપવાની જરૂર ન હોય, પરંતુ આ સિદ્ધાંતને કેવી રીતે વ્યાખ્યાયિત કરવો તે ચીનના જજ ઉપર આધાર રાખે છે.”
પ્રો. મિયાઓ કહે છે, “સુપ્રીમ પીપલ્સ કોર્ટના ન્યાયાધીશો સહિત બે તૃતીયાંશ લોકો મારી સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન આ સવાલનો સચોટ જવાબ આપી શક્યા ન હતા.”
અમેરિકાસ્થિત માનાધિકાર સમહૂ ડુઈ હુઆના મતે ચીનમાં મૃત્યુદંડની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2002માં આ આંકડો બાર હજારનો હતો, જે ઘટીને બે હજાર જેટલો રહ્યો છે.
એ પછીનાં વર્ષો માટે કોઈ વિવરણ નથી આપ્યું. બીબીસીએ આ અંગે ડુઈ હુઆ સાથે વાત કરીને સ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.
મિયાઓનું કહેવું છે કે ગત બે દાયકા દરમિયાન ન્યાયિક પ્રણાલીમાં સુધારો આવ્યો છે, જેના કારણે મૃત્યુદંડની અનુમાનિત સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કોઈ અપરાધી હવે એકના બદલે બે વખત અપીલ કરી શકે છે.
વર્ષ 1979ની ચીની દંડસંહિતા મુજબ 74 પ્રકારના ગુનામાં મોતની સજા ફટકારી શકાતી હતી. વર્ષ 2011 તથા વર્ષ 2015 દરમિયાન દંડસંહિતામાં સુધાર કરવામાં આવ્યો. હવે, માત્ર 46 પ્રકારના ગુનામાં જ ફાંસીની સજા આપી શકાય છે.
પ્રો. મિયાઓનાં મતે, “મોટા ભાગે હત્યા તથા નશાકારક પદાર્થોની તસ્કરીના કેસમાં મૃત્યુની સજા આપવામાં આવે છે.”
તેમનું માનવું છે કે આવતા વર્ષથી તકનીકી ફેરફારોને કારણે કાયદો લાગુ કરવા તથા ચીનમાં જીવનસ્થર સુધરવાને કારણે ગુનાખોરી ઘટશે.
“માદકપદાર્થો સંબંધિત ગુના – જેમ કે, માનવતસ્કરી, તસ્કરી, નશાકારક દ્રવ્યોનું ઉત્પાદન તથા તેની ફેરફેર તથા હત્યા જેવા ગુનાઓમાં ઘટાડો નોંધાયો છે તથા તે યથાવત્ રહેશે, એમ માનવામાં આવે છે. આને કારણે આગામી વર્ષો દરમિયાન ફાંસીની સજામાં ઘટાડો થવાની શક્યતા છે.”
ચીનમાં ગુનો સાબિત થવાનો દર સૌથી વધુ

ઇમેજ સ્રોત, Getty Images
ચીનની અદાલતોમાં મોટી સંખ્યામાં કેસ ચાલી રહ્યા છે, એટલે જ ત્યાં સજાનો દર પણ ખૂબ જ ઊંચો છે.
ડુઈહુઆ દ્વારા પ્રકાશિત એક અહેવાલ અનુસાર, “વર્ષ 2022 દરમિયાન ચીનની અદાલતોમાં 14 લાખ 31 હજાર 585 કેસોની સુનાવણી થઈ, જેમાંથી માત્ર 631 આરોપીઓને જ નિર્દોષ છોડવામાં આવ્યા.”
ડુઈહુઆમાં પ્રકાશિત લેખમાં જણાવ્યા પ્રમાણે, “વર્ષ 2022 દરમિયાન 99.95 ટકા આરોપીઓ દોષિત ઠર્યા હતા. ચીનની લૉ ઈયરબુકના આંકડા પ્રમાણે, આ એક રેકૉર્ડ છે.”
પ્રો. મિયાઓના કહેવા પ્રમાણે, તપાસ પ્રક્રિયાને કારણે વધુ સંખ્યામાં આરોપીઓ દોષિત ઠેરવાય છે.
તેઓ કહે છે, “ચીનની ફોજદારી ન્યાયપ્રક્રિયા દરમિયાન પહેલાં તપાસ હાથ ધરવામાં આવે છે. જે કિસ્સામાં આરોપી દોષિત ઠરે તેવી શક્યતા હોય, તેને જ આગળ વધારવામાં આવે છે.”
“જેથી કરીને સરકારી વકીલો નબળા કેસને હઠાવી દેવા માટે પ્રોત્સાહિત કરે છે. ન કેવળ મૃત્યુદંડ, પરંતુ સામાન્ય ફોજદારી બાબતોમાં પણ આ વાત લાગુ પડે છે.”
આટલા ઊંચા સજાના દરને કારણે ન્યાય તોળવામાં ચૂક થવાની પણ આશંકા રહે છે.
વર્ષ 2016માં એક યુવકને હત્યા તથા બળાત્કારના આરોપ સબબ ફાંસીની સજા આપવામાં આવી હતી, પરંતુ તેમાં ચૂક રહેવા પામી હતી. જેના કારણે 27 અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને 18 વર્ષીય કિશોરનાં માતા-પિતાને વળતર ચૂકવવામાં આવ્યું હતું.
ચીનમાં સજાનો આટલો ઊંચો દર અસામાન્ય બાબત નથી. પાડોશી દેશ જાપાનમાં લોકશાહી પ્રવર્તે છે. ત્યાં પણ આરોપનામું ઘડાયા બાદ 99 ટકા કેસોમાં સજા થઈ હતી. જોકે, જુલાઈ-2022 પછી જાપાનમાં કોઈને મોતની સજા ફટકારવામાં નથી આવી.
પ્રો. મિયાઓનું કહેવું છે કે ચીનમાં મોટા પાયે ફાંસીની સજા આપવામાં આવે છે તથા આ અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયે ચિંતા વ્યક્ત કરી છે. આમ છતાં ત્યાંની જનતા મહદંશે મૃત્યુદંડની હિમાયતી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS