Source : BBC NEWS
અપડેટેડ એક કલાક પહેલા
દેશના પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર શ્યામ બેનેગલનું નેવું વર્ષની વયે અવસાન થયું છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ મુંબઈની વોકહાર્ટ હૉસ્પિટલનાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બેનેગલે સોમવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા.
બીબીસીના સહયોગી પત્રકાર મધુ પાલના જણાવ્યા અનુસાર, શ્યામ બેનેગલનાં પુત્રી પિયા બેનેગલે જણાવ્યું કે સોમવારે સાંજે લગભગ 6.30 વાગ્યે તેમના પિતાનું અવસાન થયું હતું.
શ્યામ બેનેગલ છેલ્લાં બે વર્ષથી કિડનીની ગંભીર બીમારીથી પીડાતા હતા.
‘મંથન’, ‘અંકુર’, ‘નિશાંત’, ‘ભૂમિકા’ અને ‘મંડી’ જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર બેનેગલને 70-80ના દાયકામાં સમાંતર સિનેમાની ચળવળના અગ્રણી મશાલચી માનવામાં આવે છે.
તેમની ફિલ્મોમાં સ્ત્રીપુરુષ સમાનતા, સામાજિક ન્યાય અને રાજકીય સંઘર્ષ જેવા વિષયોનો સમાવેશ થતો હતો.
શ્યામ બેનેગલને ‘ભારત એક ખોજ’ અને ‘સંવિધાન’ના નિર્માણ માટે પણ યાદ કરવામાં આવશે.
ફિલ્મ નિર્દેશક બેનેગલે થોડા દિવસો પહેલાં જ 14 ડિસેમ્બરે પોતાનો 90મો જન્મદિવસ ઊજવ્યો હતો.
બેનેગલની ફિલ્મ ‘અંકુર’થી પોતાની કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી શબાના આઝમીએ તેમના જન્મદિવસની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.
2023માં પ્રકાશિત થયેલો બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યનો અહેવાલ વાંચો…
વર્ષ 1976માં એક દાખલારૂપ ઘટના બની હતી. ગુજરાતના પાંચેક લાખ ખેડૂતોએ ભેગા થઈને મંથન નામક ફિલ્મ ‘પ્રોડ્યૂસ’ કરી હતી. આ ફિલ્મના નિર્દેશક હતા શ્યામ બેનેગલ અને ફિલ્મનું શૂટિંગ પણ થયું હતું ગુજરાતમાં જ.
આ ફિલ્મની પટકથા જાણીતા મરાઠી નાટ્યકાર વિજય તેંડુલકરે લખી હતી અને સંવાદો કૈફી આઝમીએ લખ્યા હતા.
ફિલ્મની ટાઇટલ સિક્વન્સ તેમજ પોસ્ટરમાં જ લખ્યું હતું : ‘ફાઇવ લાખ ફાર્મર્સ ઑફ ગુજરાત પ્રેઝન્ટ્સ…’
આ ફિલ્મ માટે સહકારી મંડળીના પાંચ લાખ ખેડૂતોએ બબ્બે રૂપિયા ફાળવ્યા હતા અને દસ લાખ રૂપિયાના બજેટમાં ‘મંથન’ ફિલ્મ તૈયાર થઈ હતી.
સહકારી માળખાની વાત કરતી ફિલ્મ
ફિલ્મમાં ગામડામાં કેવી રીતે સહકારી મંડળી દ્વારા લોકશાહી વ્યવસ્થાનું સ્થાપન થઈ શકે તેની વાત કરવામાં આવી છે. સહકારી મંડળીના મૉડલ પર જ ગુજરાતમાં અમૂલ સ્વરૂપે શ્વેતક્રાંતિ થઈ છે. ગામ લોકોની મહેનત પર ઠેકેદારોના ઘર ભરાય એના કરતાં ગામલોકો જ ઉત્પાદન કરે અને સહિયારી સંપત્તિ ગામની જ થઈ પડે એ સહકારિતાના વિચાર પર ફિલ્મ રચાયેલી હતી.
ફિલ્મની કહાણી પ્રમાણે ગુજરાતના એક ગામડામાં ડેરીનો માલિક સરપંચની મદદથી દૂધનો વ્યવસાય કરનારાનું શોષણ કરે છે. આ દરમિયાન ગામની બહારથી આવેલા ડૉ. રાવ (ગિરીશ કર્નાડ) ગામલોકોને સમજાવે છે કે દૂધ વેચનારાની એક સહકારી મંડળી બનાવવામાં આવે તો તેમને વધુ ભાવ મળી શકે છે.
ફિલ્મમાં એ પછી કેવી રીતે ગામલોકોની સહકારી મંડળી આકાર લે છે, તેની વાત છે. ફિલ્મમાં લોકશાહીનાં મૂલ્યોની સાથેસાથે આભડછેટ નાબૂદી, સ્ત્રીપુરુષ સમાનતા વગેરેની વાત પણ વણી લેવામાં આવી છે.
આ ફિલ્મમાં સ્મિતા પાટીલ, અમરીષ પુરી, નસીરુદ્દીન શાહ, કુલભૂષણ ખરબંદા જેવા કલાકારોએ પણ અભિનય કર્યો છે.
‘મંથન’ ફિલ્મ મૂળે વર્ગીસ કુરિયન અને અમૂલના સહકારી મૉડલ પર રચાયેલી ફિલ્મ છે.
નોંધનીય વાત એ છે કે મંથન ફિલ્મ જ્યારે રજૂ થઈ ત્યારે દેશમાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધી કટોકટી લાદી હતી.
જ્યારે આ ફિલ્મ રશિયા અને ચીનમાં દર્શાવાઈ
શ્યામ બેનેગલની સાથે ફિલ્મમાં સ્ટોરી આઇડિયાની ક્રેડિટ દૂધક્રાંતિના જનક વર્ગીસ કુરિયનને આપવામાં આવી છે.
શ્યામ બેનેગલે અગાઉ અમૂલની જાહેરાતો માટે જિંગલ્સ પણ બનાવ્યાં હતાં. તેથી તેઓ અને કુરિયન એકબીજાને જાણતા હતા.
વર્ગીસ કુરિયન દ્વારા બનાવવામાં આવેલી સહકારી મંડળી પર શ્યામ બેનેગલ એક ડૉક્યુમૅન્ટરી બનાવવાનું વિચારી રહ્યા હતા. એક દિવસ તેમણે આ અંગે કુરિયન સાથે વાત કરી હતી.
કુરિયને તે વખતે ડૉક્યુમૅન્ટરી નહીં પણ એક ફીચર-ફિલ્મ બનાવવાનો વિચાર રજૂ કર્યો અને બેનેગલ તેના માટે તૈયાર થઈ ગયા. ખર્ચ વિશે જ્યારે કુરિયને શ્યામ બેનેગલને પૂછ્યું તો તેમણે કહ્યું કે દસેક લાખ જેટલો ખર્ચ થશે.
કુરિયને સામે જવાબ આપ્યો, “થઈ જશે પૈસાનો પ્રબંધ.” વર્ગીસ કુરિયને દૂધ સહકારી મંડળીના પાંચ લાખ સભ્યોને બબ્બે રૂપિયા આપવા હાકલ કરી. ગણતરીના મહિનામાં ફિલ્મનું બજેટ એકઠું થઈ ગયું અને ફિલ્મ બનવાની શરૂઆત થઈ.
જે રીતે બજેટ એકઠું થઈ ગયું એ જોઈને બેનેગલ પણ ચોંકી ગયા હતા. આ ફિલ્મ કેવી રીતે બની, તેનો આ ઘટનાક્રમ શ્યામ બેનેગલે એક મુલાકાતમાં કહ્યો હતો.
ફિલ્મે ધાર્યા મુજબની સફળતા તો મેળવી જ, સાથેસાથે ઘણા ઍવૉર્ડ પણ મેળવ્યા હતા. યુનાઇટેડ નેશન્સ ડેવલપમૅન્ટ પ્રોગ્રામ (યુએનડીપી)એ આફ્રિકા, દક્ષિણ અમેરિકા સહિત અન્ય દેશોમાં દૂધ સહકારી મંડળી શરૂ કરવા માટે આ ફિલ્મને આગળ ધરી હતી.
યુનાઇટેડ નેશન્સના ન્યૂયૉર્કસ્થિત મુખ્ય મથકમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું હતું. જેમાં વર્ગીસ કુરિયનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ફિલ્મ તે બાદ રશિયા, ચીન જેવા દેશોમાં પણ રજૂ કરવામાં આવી હતી.
જેને લઈને બેનેગલે એક વખત કહ્યું હતું, “ગામના લોકોએ કેવી રીતે સહકારી મંડળી રચીને સહિયારો કારોબાર શરૂ કર્યો, તેની એક કહાણી ફિલ્મમાં રજૂ કરીશું એવું અમે ક્યારેય વિચાર્યું નહોતું. અમે એમ પણ નહોતું વિચાર્યું કે ફિલ્મ દેશવિદેશમાં વખણાશે. પરંતુ અમારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે એવું કંઈક થયું, જેની અમને કલ્પના પણ નહોતી.”
આ ફિલ્મ ખરેખર ખેડૂતોએ ભેગા મળીને બનાવી એમ કહી શકાય?
આ પ્રશ્ન મુંબઈસ્થિત ફિલ્મ ઇતિહાસકાર અમૃત ગંગરનો છે. તેમનું કહેવું છે કે સરળ ઢબે રજૂ કરાયેલી ‘મંથન’ જોવા જેવી ફિલ્મ છે. જોકે, તેઓ માને છે કે કોઈ કાર્ય માટે ખેડૂતો ભેગા મળીને નક્કી કરીને ભંડોળ ફાળવે એ એક અલગ વાત છે અને કોઈ મંડળીમાં ખેડૂતોના પૈસા જમા થતા હોય અને તેમના વતી કોઈ નિર્ણય લઈને પૈસા ફાળવી દે એ અલગ વાત છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે, “પાંચ લાખ ખેડૂતોએ ફિલ્મ માટે ભંડોળ ફાળવ્યું એ વાત થોડી ચગાવેલી છે. ખેડૂતોએ પૈસા સ્વેચ્છાએ આપ્યા નથી. વર્ગીસ કુરિયને ડેરી વતી ખેડૂતોના એ પૈસા ઉધારીમાં આપ્યા હતા. તેથી એ ફિલ્મ ખેડૂતોએ પ્રોડ્યૂસ કરી એવું કહેવું કે નહીં એ તપાસનો વિષય છે.”
તેમણે આગળ કહ્યું, “ખેડૂતોએ ભેગા મળીને એક ઉદ્દેશપૂર્ણ ફિલ્મ બનાવી એવું ફિલ્મના પોસ્ટર કે ક્રેડિટમાં વાંચીએ તો એ વાત રોમૅન્ટિક લાગે, પણ સાધનશુદ્ધિની દૃષ્ટિએ યોગ્ય ન કહેવાય.”
‘મારો ગાંવ કાંઠા પારે, જ્યાં દૂધકી નદીયાં વાહે…’
આ ગીત ઘણા લોકોએ સાંભળ્યું હશે. ઘણાને ખ્યાલ પણ હશે કે આ ‘મંથન’ ફિલ્મનું ગીત છે, પરંતુ મોટા ભાગના લોકો તેનાથી અજાણ હોય છે.
ફિલ્મમાં આ ગીત એક પણ વખત આખું વાગતું નથી.
વર્ષો વીત્યાં પછી પણ એ ગીત ક્યારેય જૂનું થયું નથી. આ ફિલ્મનું એક માત્ર ગીત હતું. કચ્છી માડુ એવા મહાન સંગીતજ્ઞ વનરાજ ભાટિયાએ ગીત તૈયાર કર્યું હતું.
ફિલ્મ રજૂ થયા પછી તો આ ગીત અમૂલની ઓળખ બની ગયું હતું. અમૂલે પોતાની જાહેરાતમાં પણ આ ગીત લીધું હતું.
સામાન્ય રીતે ગુજરાતી બૅકડ્રોપ પર બનેલી હિંદી ફિલ્મોમાં ગુજરાતી સંગીતની વાત આવે એટલે મોટા ભાગે ગરબા અથવા તો ગરબાની તાલે તૈયાર કરાયેલ હિંદી ગીતો જ તૈયાર કરવામાં આવે છે.
ફિલ્મ મર્મજ્ઞ અને જાણીતા લેખક બીરેન કોઠારીએ મુંબઈમાં વનરાજ ભાટિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે ‘મંથન’ ફિલ્મના આ ગીત વિશે પણ વાત કરી હતી.
બીરેન કોઠારીએ પોતાના બ્લૉગમાં લખ્યું છે, “કોઈ પણ ગુજરાતી ગીત હોય અને તે લોકગીત જેવું હોય તો તેમાં ગરબાના તાલ અનિવાર્ય ગણાય. એ સિવાય ગુજરાતી ગીત ગુજરાતી ગણાય જ નહીં. આ ગીતમાં તમને ક્યાંય એ તાલ નહીં મળે. છતાં પણ તેના આરંભથી જ ખબર પડી જાય છે કે આ ગુજરાતી ગીત છે. આ વનરાજ ભાટિયાની કમાલ છે.”
‘મંથન’નું આ ગીત લોકપ્રિય થવા પાછળ અન્ય એક કારણ એ પણ હતું કે એ જમાનો રેડિયોનો હતો અને રેડિયો પર તેને ઘણી વખત પ્રસારિત પણ કરવામાં આવ્યું હતું. વનરાજ ભાટિયાનું 7 મે, 2021ના રોજ અવસાન થયું હતું. અમૂલે પોતાનું પ્રખ્યાત ડૂડલ બનાવીને તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
SOURCE : BBC NEWS