Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
વિજયનગરમ જિલ્લામાં કારમાં ફસાયેલાં ચાર બાળકોનાં શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થઈ ગયાં.
વિજયનગરમ ગ્રામીણ મંડલના દ્વારપુડી ગામનાં ચાર બાળકો સવારે રમવા માટે બહાર ગયાં હતાં.
રવિવારે બપોર સુધી આતુરતાપૂર્વક રાહ જોયા પછી તેમનાં માતાપિતાએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ, સાંજ થતાં સુધીમાં તેઓ કારની અંદર મૃત અવસ્થામાં મળી આવ્યાં.
મૃતક ચારેય બાળકોની ઉંમર આઠ વર્ષથી ઓછી હતી.
બાળકો કારમાં કઈ રીતે બેસી ગયા?

ઇમેજ સ્રોત, UGC
દ્વારપુડીનાં બાળકો કાંડી માનેશ્વરી (છ વર્ષ), બુર્લા ચારુલતા (સાત વર્ષ), બુર્લા જશ્રિતા (આઠ વર્ષ) અને પાંગી ઉદય (સાત વર્ષ) સવારના સમયે રમતાં હતાં, ત્યારે તેઓ ગામના મહિલા મંડળ કાર્યાલય નજીક પાર્ક કરેલી કાર પાસે ગયાં હતાં.
કારનો દરવાજો લૉક નહોતો, એટલે તેઓ કારમાં બેસી ગયાં. ત્યારે જ, ઑટોમેટિક દરવાજો લૉક થઈ ગયો. પોલીસ જણાવ્યું કે, ત્યાર પછી બાળકોએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ, દરવાજો ખૂલ્યો નહીં અને તેઓ કારમાં ફસાઈ ગયાં અને શ્વાસ રૂંધાવાથી તેમનાં મૃત્યુ થઈ ગયાં.
દ્વારાપુડીની આ ઘટનામાં સ્પષ્ટ હતું કે, કારમાં બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા; કેમ કે, કોઈએ તેમને જોયાં નહોતાં. તાજેતરમાં જ તેલુગુ રાજ્યમાં એવા બે બનાવ બન્યા છે, જેમાં કારના દરવાજા બંધ હતા તે કઈ રીતે ખોલવા તે બાળકોને ખબર ન હોવાથી તેમનાં મૃત્યુ થયાં.
રમતી વખતે અનલૉક કારમાં ચઢી ગયા પછી ગૂંગળામણથી બાળકોનાં મૃત્યુ થવાની ઘટનાઓ દેશભરમાં બનતી રહે છે.
જો તમે લૉક થયેલી કારની અંદર હોવ તો શું થાય?

ઇમેજ સ્રોત, UGC
પાર્ક કરેલી કારમાં બેસતાં બાળકોને કેવા પ્રકારનું જ્ઞાન આપવું જોઈએ? જો કારનો દરવાજો બંધ હોય તો કેવી રીતે બહાર નીકળવું? અને કારમાં બાળકો માટે લૉકિંગ સિસ્ટમ (ચાઇલ્ડ લૉક) જેવી સુવિધાઓનો ઉપયોગ કેવી રીતે કરવો?
સત્યગોપાલ 17 વર્ષનો અનુભવ ધરાવતા ઑટોમોબાઇલ એન્જિનિયર છે. બીબીસીએ તેમની સાથે વાત કરી કે માતા-પિતાએ કેવી જાગૃતિ રાખવી જોઈએ અને આ બાબતો તેમનાં બાળકોને કેવી રીતે સમજાવવી જોઈએ.
સત્યગોપાલ વાહન વીમા અન્વેષક તરીકે પણ કામ કરે છે. તેમણે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો કહી.
સત્યગોપાલે સમજાવ્યું કે, “જ્યારે કારના દરવાજા અને બારીઓ બંધ અને લૉક હોય, ત્યારે હવા અંદર કે બહાર જવાની કોઈ શક્યતા નથી હોતી. આપણે શ્વાસમાં ઑક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયૉક્સાઇડ બહાર કાઢીએ છીએ. જો કારના દરવાજા અને બારીઓ લૉક હોય અને કારમાં કોઈ હોય, તો કાર્બન ડાયૉક્સાઇડ ધીમેધીમે વધે છે, ઑક્સિજન ઘટે છે. આના કારણે, કારની અંદર બેઠેલા લોકોને ચક્કર આવવા લાગે છે. આ ધીમેધીમે વધે છે. શ્વાસ રૂંધાવા લાગે છે અને અંદર બેઠેલા લોકો મૃત્યુ પામે છે.”
તેમણે કાર માલિકોએ અનુસરવા જોઈએ તેવા કેટલાક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો સમજાવ્યા. જેમ કે,
- જ્યાં પણ વાહન પાર્ક કરો, વાહન લૉક કરવું જોઈએ.
- બાળકોને કાર કે અન્ય વાહનોમાં એકલાં ન મૂકવાં જોઈએ.
- વાહન લૉક કરતાં પહેલાં, તપાસ કરો કે અંદર કોઈ છે કે નહીં.
- બાળકોને વાહનોનું લૉક કેવી રીતે ખોલવું તે શીખવવું જોઈએ, પરંતુ વાહનનું લૉક બાળકોની પહોંચથી દૂર રાખવું જોઈએ.
- જો ખોવાયેલું બાળક ન મળે તો, નજીકનાં વાહનોમાં અચૂક તપાસ કરવી જોઈએ.
- બાળકોને એ સમજાવવું જોઈએ કે કાર કે અન્ય વાહનો રમવાની જગ્યા નથી અને જ્યારે કોઈ આસપાસ ન હોય ત્યારે તેમાં પ્રવેશ ન કરવો જોઈએ.
‘કારમાં ચાઇલ્ડ લૉક હોવાં જોઈએ’

ઇમેજ સ્રોત, UGC
ચાઇલ્ડ લૉક ચેક સિસ્ટમ એ કારમાં બાળકોની સલામતી માટે ડિઝાઇન કરાયેલી એક મહત્ત્વપૂર્ણ સલામતી સુવિધા છે. હવે તે બધી જ કારમાં ઉપલબ્ધ છે. આનો અર્થ એ કે, જો કોઈ કારની અંદર રહી જાય તો કારનો દરવાજો બહારથી ખોલી શકાય છે.
ચાઇલ્ડ લૉક ક્યાં હોય છે તે જાણવાની ખાસ જરૂર છે. તે સામાન્ય રીતે પાછળના દરવાજાની બાજુમાં હોય છે, એટલે કે, જ્યારે દરવાજો ખુલ્લો હોય ત્યારે દરવાજાની નીચેના ભાગમાં. ત્યાં એક નાનું લીવર અથવા સ્વિચ હોય છે, જેના પર એક નાના બાળકનું ચિત્ર કે ચાઇલ્ડ લૉક લખેલું હોય છે.
ચાઇલ્ડ લૉકનો ઉપયોગ કેવી રીતે કરવો?

ઇમેજ સ્રોત, UGC
તેના પર ઑન/ઑફ લખેલું હોય છે. તેમાંથી આપણે એક પસંદ કરવાનું છે. જો આપણે ઑન અથવા લૉક વિકલ્પ પસંદ કરીએ, તો અંદરથી દરવાજો ખોલી શકાશે નહીં (પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે). જો આપણે ઑફ અથવા અનલૉક વિકલ્પ પસંદ કરીએ તો અંદરથી દરવાજો ખોલી શકાય છે (પાંચ વર્ષથી વધુ ઉંમરનાં સમજદાર બાળકો માટે).
પોતાના ઘરનાં બાળકોની ઉંમરના આધારે, જો તેઓ અંદરથી જાતે કાર ખોલી શકે એટલી ઉંમરનાં હોય તો, લૉક કે ઑફ કરવું જોઈએ. જો તેઓ તેમ કરવા જેટલી ઉંમરનાં ન હોય, તો લૉક અથવા ઑન બટનનો વિકલ્પ પસંદ કરી શકાય છે અને આ બાબત બાળકો સમજી શકે તે રીતે સમજાવવી જોઈએ.
આ બાબત ફક્ત બાળકોને જ નહીં, જેઓ કાર અને ડોર લૉકિંગ સિસ્ટમથી અજાણ છે, તેમને પણ સમજાવવી જોઈએ.
બાળકો સાથે મુસાફરી કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ
- બાળકો કાર/વાહનમાં હોય ત્યારે લૉક ન કરો.
- ખાતરી કરો કે, કાર/વાહનની ચાવી હંમેશાં તમારી પાસે છે.
- કાર બહારથી ખૂલશે કે નહીં, પહેલાં આપણે તેનું પરીક્ષણ કરવાની જરૂર છે. ખાસ કરીને ત્યારે, જ્યારે ચાઇલ્ડ લૉક ઑન હોય.
- ઇમરજન્સીના સમયે કારને લૉક અને અનલૉક કરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ તેની માહિતી કાર મેન્યુઅલમાં આપેલી હોય છે, તેને સંપૂર્ણ વાંચવું જ જોઈએ.
‘દરવાજો લૉક ન કરવો એ નૈતિક ગુનો છે’

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ વિશાખાપટ્ટનમ ટ્રાફિકના ઍડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રવીણકુમાર સાથે પાર્કિંગ અને કારના દરવાજા લૉક કરવા સંબંધી સમસ્યા વિશે વાત કરી.
એડીસીપી પ્રવીણકુમારે બીબીસીને જણાવ્યું, “જ્યારે પણ તમે તમારી કાર પાર્ક કરો, ત્યારે તમારે તેને અચૂક લૉક કરવી જોઈએ. તે સમયે તમારે ખાતરી કરવી જોઈએ કે કારમાં કોઈ બાળક કે અન્ય કિંમતી સામાન તો નથી ને? જોકે, કાયદા અનુસાર કાર લૉક ન કરવી એ ગુનો નથી, પરંતુ, જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે નૈતિક રીતે તે ગુનો છે.”
“માત્ર લૉકિંગ સિસ્ટમ જ નહીં, પાર્કિંગ વખતે પણ તમારે કેટલીક સાવચેતીઓ રાખવાની જરૂર છે. મોટા ભાગના લોકો જ્યાં જગ્યા જુએ ત્યાં ગાડી પાર્ક કરી દે છે. પરંતુ, રસ્તા પર પાર્ક કરેલાં વાહનો અચાનક ચાલવા લાગે છે. તે અકસ્માતનું કારણ બની શકે છે. લોકો ગલીઓ અને નાના રસ્તાઓ પર પણ આડેધડ પાર્ક કરે છે. આ બધું ક્યારેક અણધાર્યા અકસ્માતોનું કારણ બને છે.”
એડીસીપીએ વાહનો અને બાળકો અંગેની કેટલીક સાવચેતીઓ પણ કહી.
બાળકો માટે શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- ડુપ્લિકેટ ચાવી મેળવો: કારની બે ચાવી આપવામાં આવી હોય છે, પરંતુ જ્યારે એક ચાવી ખોવાઈ જાય, ત્યારે બીજી ચાવીનો ઉપયોગ કરીને ચલાવી ન લો. બલકે, ડુપ્લિકેટ ચાવી બનાવડાવો અને તેને ઘરે રાખો.
- બાળકોને મૂળભૂત બાબતો શીખવો: બાળકને કાર લૉક કરતાં, અનલૉક કરતાં અને હૉર્ન વગાડવા જેવી મૂળભૂત બાબતો શિખવાડો.
- નવી કાર્સને હવે ફોનમાંની ઍપ દ્વારા પણ અનલૉક કરી શકાય છે. આવી ઍપને ઍક્ટિવ કરીને સાચવી રાખવી જોઈએ.
ઉનાળામાં વધુ કાળજી રાખવાની જરૂર છે: સત્યગોપાલ
ઉનાળામાં કારની અંદરનું તાપમાન ખૂબ જ ઝડપથી વધે છે. ઉનાળામાં, પાર્ક કરેલી કારમાં બેઠેલી કોઈ પણ વ્યક્તિને શ્વાસ લેવાની તકલીફ થઈ શકે છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને.
કેટલાંક માતા-પિતા મુસાફરી દરમિયાન ક્યાંક રોકાય છે ત્યારે, ‘તડકો છે’ એમ કહીને તેમનાં બાળકોને કારમાં છોડી દે છે. આ રીત સારી નથી. બાળકોને પોતાની સાથે લઈ જાઓ, અથવા કોઈ પુખ્ત વ્યક્તિને પણ કારમાં રાખો.
શુભ પ્રસંગો અને અન્ય કામો માટે જતાં માતા-પિતા સગાંસંબંધીઓ સાથે વ્યસ્ત રહે છે, તેથી તેઓ કાર અને અન્ય વાહનોમાં પાછળ રહી ગયેલા લોકો પર ધ્યાન નથી આપતાં. પરિણામે, ક્યારેક દુર્ઘટના જોવી પડી શકે છે, એટલે સાવચેત રહેવું જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS