Source : BBC NEWS

બીબીસી ગુજરાતી બગલિહાર ડૅમ ચિનાબ નદી ભારત પાકિસ્તાન હાઈડ્રો પ્રોજેક્ટ કાશ્મીર ઝેલમ

ઇમેજ સ્રોત, ANI

5 મે 2025, 21:06 IST

અપડેટેડ 58 મિનિટ પહેલા

પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળસંધિ અટકાવી દીધી છે. ત્યાર પછી પાકિસ્તાને એવી આશંકા વ્યક્ત કરી છે કે ભારત તેને મળતો પાણીનો પૂરવઠો અટકાવી દેશે.

હવે એવા અહેવાલ અને વીડિયો બહાર આવ્યા છે જેમાં જમ્મુના રામબનમાં ચિનાબ નદી પર આવેલા બગલિહાર ડૅમના બધા દરવાજા બંધ થયેલા દેખાય છે.

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે સિંધુ જળસંધિ સસ્પેન્ડ થયા પછી પહેલી વખત ભારતે આ સંધિ હેઠળ બનેલા ડૅમ પર કોઈ કામ શરૂ કર્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોનો હવાલો આપીને દાવો કર્યો છે કે ભારત આવી જ રીતે ઉત્તર કાશ્મીરમાં ઝેલમ નદી પર બનેલા કિશનગંગા ડૅમના દરવાજા પણ બંધ કરવાની યોજના ધરાવે છે.

આ મામલે સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે બગલિહાર અને કિશનગંગા હાઇડ્રો ઇલેક્ટ્રિક ડૅમ છે, જેથી ભારત પાણી છોડવાનો સમય નક્કી કરી શકે છે.

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ તાજેતરમાં કહી ચૂક્યા છે કે પાકિસ્તાનમાં પ્રવેશતા પાણીને રોકવા અથવા તેની દિશા બદલવાનો ભારત પ્રયાસ કરશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે.

તેમનું કહેવું છે કે, “યુદ્ધ માત્ર તોપના ગોળા કે બંદૂક ચલાવવા પૂરતું સીમિત નથી હોતું. તેનાં ઘણાં સ્વરૂપ હોય છે. તેમાંથી એક આ પણ છે. તેનાથી દેશના લોકો ભૂખ-તરસથી મરી શકે છે.”

બગલિહાર ડૅમ શું છે?

બીબીસી ગુજરાતી બગલિહાર ડૅમ ચિનાબ નદી ભારત પાકિસ્તાન હાઈડ્રો પ્રોજેક્ટ કાશ્મીર ઝેલમ

ઇમેજ સ્રોત, ANI

વર્ષ 1960માં વર્લ્ડ બૅન્કની મધ્યસ્થતામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળસંધિ થઈ હતી.

એ સમજૂતી હેઠળ બંને દેશો સિંધુ અને તેની સહાયક નદીઓના પાણીનો ઉપયોગ કરવા માટે સહમત થયા હતા.

બંને પડોશી દેશો વચ્ચે બગલિહાર ડૅમ ઘણા સમયથી વિવાદનું કેન્દ્ર છે. પાકિસ્તાન અગાઉ પણ આ મામલે વર્લ્ડ બૅન્કની દખલગીરીની માંગણી કરતું આવ્યું છે. થોડા સમય માટે વર્લ્ડ બૅન્કે આ મુદ્દે મધ્યસ્થી કરી હતી.

આ ઉપરાંત કિશનગંગા ડૅમ અંગે પણ પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે અને તેની તપાસ કરવા માંગણી કરી રહ્યું છે. આ બંને હાઇડ્રો ઇલેક્ટ્રિક ડૅમ છે, તેથી તે વીજળી પેદા કરે છે.

બગલિહાર ડૅમના જળાશયમાં 475 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત તે 900 મેગાવૉટ વીજળી પેદા કરી શકે છે. ડૅમમાંથી વીજળી પેદા કરવાની યોજનાને ‘બગલિહાર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ’ નામ અપાયું છે.

વર્ષ 1992થી આ પ્રોજેક્ટ માટે વિચાર ચાલતો હતો અને અંતે 1999માં તેના પર કામ શરૂ થયું. ત્યાર પછી અનેક તબક્કામાં કામ ચાલતું રહ્યું. અંતે 2008માં આ ડૅમ તૈયાર થયો હતો.

ડૅમના દરવાજા કેમ બંધ કરાયા?

બીબીસી ગુજરાતી બગલિહાર ડૅમ ચિનાબ નદી ભારત પાકિસ્તાન હાઈડ્રો પ્રોજેક્ટ કાશ્મીર ઝેલમ

ઇમેજ સ્રોત, Getty Images

અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સે બગલિહાર ડૅમના દરવાજા બંધ કરવા અંગે એક વિગતવાર અહેવાલ પ્રકાશિત કર્યો છે.

આ રિપોર્ટમાં નૅશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કૉર્પોરેશનના એક અધિકારીને ટાંકીને જણાવાયું છે કે સરોવરમાંથી કાંપ કાઢવા માટે દરવાજા બંધ કરવામાં આવ્યા છે. તેથી પાકિસ્તાન તરફ જતો પાણીનો પ્રવાહ 90 ટકા ઘટી ગયો છે.

અધિકારીએ એ પણ જણાવ્યું કે કિશનગંગા ડૅમ માટે પણ આવી યોજના ચાલી રહી છે.

એક બીજા અધિકારીએ નામ ન છાપવાની શરતે અખબારને જણાવ્યું કે, “બગલિહાર હાઇડલ પાવર પ્રોજેક્ટના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. અમે જળાશયમાંથી કાપ કાઢવાનું કામ કર્યું છે અને હવે તેને પાણીથી ભરવામાં આવશે. શનિવારે આ પ્રક્રિયા શરૂ થઈ હતી.”

ધ ટ્રિબ્યુનના અહેવાલ પ્રમાણે કાંપ કાઢવાની પ્રક્રિયા અને જળાશયને ભરવાની પ્રક્રિયા પહેલી વખત નથી, પરંતુ સામાન્ય રીતે ઉત્તર ભારતના ડૅમ માટે ઓગસ્ટ મહિનામાં આ કામગીરી થાય છે.

ઉત્તર ભારતના ડૅમોમાં જળાશયમાં સૌથી વધારે પાણી મેથી સપ્ટેમ્બર મહિના વચ્ચે ભરાય છે, કારણ કે આ દરમિયાન ચોમાસાની સિઝન હોય છે. બગલિહાર જળાશયમાં હવે પાણી ભરવાની પ્રક્રિયામાં ઑગસ્ટ મહિનાની તુલનામાં ઘણો વધારે સમય લાગશે.

પાકિસ્તાનને કઈ વાતનો ભય છે?

બીબીસી ગુજરાતી બગલિહાર ડૅમ ચિનાબ નદી ભારત પાકિસ્તાન હાઈડ્રો પ્રોજેક્ટ કાશ્મીર ઝેલમ

ઇમેજ સ્રોત, Getty Images

ચિનાબ એ સિંધુ જળસંધિની પશ્ચિમી નદીઓ પૈકી એક છે.

આ સમજૂતી કૃષિ, ઘરેલી અને વીજ ઉત્પાદન માટે પાણીના ઉપયોગની મંજૂરી આપે છે. જોકે, વર્ષ 1992થી જ બગલિહાર ડૅમ અંગે પાકિસ્તાને વાંધા ઉઠાવ્યા છે.

વર્લ્ડ બૅન્કની મધ્યસ્થતામાં આ ડૅમ પર સહમતી માટે બંને દેશો વચ્ચે અનેક તબક્કામાં વાતચીત થઈ હતી.

પાકિસ્તાનનું કહેવું છે કે ભારતમાંથી થઈને પાણી આવે છે તેથી તે પાણીની તંગી હોય ત્યારે તેને રોકી શકે છે અને પુરવઠો વધારે હોય તો તેને ગમે ત્યારે છોડી શકે છે.

ભારતની દલીલ છે કે પાકિસ્તાનના આ પ્રકારના ડરને દૂર કરવા માટે તે કોઈ સમાધાન આપી શકે તેમ નથી.

બંને દેશો વચ્ચે ઘણી ચર્ચા અને વાતચીત પછી 1999માં આ ડૅમ બાંધવા માટે સહમતી બની હતી. અંતે તેનું નિર્માણ થયું, પરંતુ ત્યાર પછી પણ પાકિસ્તાને ઘણા વાંધા ઉઠાવ્યા હતા.

આના વિશે અનેક તબક્કાની ચર્ચા થઈ હતી, પરંતુ બંને દેશો વચ્ચે મતભેદ રહ્યા છે.

ભારતની હવે શી યોજના છે?

બીબીસી ગુજરાતી બગલિહાર ડૅમ ચિનાબ નદી ભારત પાકિસ્તાન હાઈડ્રો પ્રોજેક્ટ કાશ્મીર ઝેલમ

ઇમેજ સ્રોત, Getty Images

બગલિહાર ઉપરાંત ચિનાબ નદી પર અન્ય ઘણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. ચિનાબ અને તેની ઉપનદીઓ પર આવા ચાર પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જે 2027-28 સુધીમાં કાર્યરત થશે.

આ પ્રોજેક્ટ્સમાં પાકલ દુલ (1000 મેગાવૉટ), કિરુ (624 મેગાવૉટ), ક્વાર (540 મેગાવૉટ) અને રાતલે (850 મેગાવૉટ) સામેલ છે, જે નૅશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કૉર્પોરેશન અને જમ્મુ અને કાશ્મીર રાજ્ય વીજ વિકાસ નિગમ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકલ દુલ પ્રોજેક્ટનું શિલારોપણ 2018માં કર્યુું હતું, કિરુ માટે 2019માં અને ક્વાર હાઈડલ પાવર પ્રોજેક્ટનો પાયો 2022માં રાખ્યો હતો.

હિન્દુસ્તાન ટાઇઈમ્સના અહેવાલ મુજબ પાકલ દુલ ખાતે 66 ટકા, કિરુ ખાતે 55 ટકા, ક્વાર માટે 19 ટકા અને રાતલે ખાતે 21 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

પાકિસ્તાને આ પ્રોજેક્ટ્સનો પણ વિરોધ કર્યો છે. તેમનો વિરોધ ખાસ કરીને રાતલે અને કિશનગંગા પ્રોજેક્ટ્સને લઈને રહ્યો છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ ડૅમની ડિઝાઇન સિંધુ જળસંધિનું ઉલ્લંઘન કરે છે.

બગલિહારથી ઇતર પાકલ દુલ, કિરુ, કવાર અને રતલેની વીજ ઉત્પાદન ક્ષમતા 3014 મેગાવૉટ છે. આ પ્રોજેક્ટથી દર વર્ષે 10,541 મિલિયન યુનિટ્સ વીજળી પેદા થશે તેવો અંદાજ છે.

સાથે સાથે એવું અનુમાન છે કે એકલા જમ્મુ-કાશ્મીરમાં જ 18,000 મેગાવૉટ વીજળી પેદા કરવાની ક્ષમતા છે, તેમાંથી 11,823 મેગાવૉટ ક્ષમતા એકલા ચિનાબ બેસિનમાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS