Source : BBC NEWS

બાંગ્લાદેશના ભ્રષ્ટાચાર વિરોધી આયોગ (એસીસી)એ કહ્યું કે તે પદભ્રષ્ટ વડાં પ્રધાન શેખ હસીનાની ગેરકાયદે સંપત્તિઓની તપાસ કરશે.

ઇમેજ સ્રોત, Antonio Masiello/Getty Images

18 મે 2025, 07:38 IST

અપડેટેડ 3 કલાક પહેલા

બાંગ્લાદેશના ભ્રષ્ટાચાર વિરોધી આયોગ (એસીસી)એ કહ્યું કે તે પદભ્રષ્ટ વડાં પ્રધાન શેખ હસીનાની ગેરકાયદે સંપત્તિઓની તપાસ કરશે.

આ તપાસની જવાબદારી એસીસીના ઉપનિદેશક મસુદુર રહમાનને સોંપાઈ છે. રવિવારે તેમના નેતૃત્વમાં એક તપાસ સમિતિ બનાવાઈ છે, જેની પુષ્ટિ એસીસીના એક અધિકારીએ કરી છે.

તપાસ સમિતિ શેખ હસીનાની સ્થાવર અને જંગમ સંપત્તિઓની તપાસ કરશે. જેમાં સંપત્તિની જાહેરાત માટે નોટિસ જારી કરવી સામેલ છે.

તેમજ તેમની વાસ્તવિક સંપત્તિની તુલના તેમના આયકર દસ્તાવેજો સાથે કરાશે.

અગાઉ એસીસીએ પ્લૉટ ગોટાળો, મની લૉન્ડરિંગ અને પ્રોજેક્ટ ફંડની લૂંટના સંબંધમાં અનેક રીતની તપાસ શરૂ કરી હતી.

દરમિયાન ‘પૂર્બાચલ પ્લૉટ ગોટાળા’ મામલે ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોર્ટે શેખ હસીના સામે ધરપકડ વૉરંટ જારી દીધું છે.

આ સિવાય એસીસી હવે હવાઈમથકના વિકાસની પરિયોજનાઓમાં કથિત ગોટાળા મુદ્દે પણ શેખ હસીના સામે વધુ એક કેસ કરવા જઈ રહી છે.

હૈદરાબાદ : ચારમિનાર પાસે ઇમારતમાં આગ લાગવાથી 8 બાળકો સહિત 17 લોકોનાં મૃત્યુ

હૈદરાબાદ: ચારમીનાર પાસે ઇમારતમાં આગ લાગવાથી 8 બાળકો સહિત 17 લોકોનાં મૃત્યુ- ન્યૂઝ અપડેટ

હૈદરાબાદમાં ચારમિનાર પાસે ઇમારતમાં આગ લાગવાને કારણે 17 લોકોનાં મૃત્યુ થયું હોવાનું સમાચાર સંસ્થા એએનઆઈએ તેલંગાણા ફાયર ડિઝાસ્ટર રિસ્પોન્સ ઇમર્જન્સી અને સિવિલ ડિફેન્સના હવાલે જણાવ્યું છે.

અહીં ચારમિનાર પાસે ગુલઝાર હાઉસ નામની ઇમારતમાં આગ લાગી હતી.

વડા પ્રધાન કાર્યાલય તરફથી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.

પીએમઓએ ઘોષણા કરી છે કે “પરિજનોને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત કોષથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.”

આ ઘટના પર મુખ્ય મંત્રી રેવંત રેડ્ડીએ પણ શોક વ્યક્ત કર્યો છે.

ઈસરોનું કયું મિશન ત્રીજા ચરણમાં થયું અસફળ?

ઈસરોનું કયું મિશન ત્રીજા ચરણમાં થયું અસફળ? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ISRO/YT

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી શનિવારે પીએસએલવી-સી 61 રૉકેટ લૉન્ચ કર્યું હતું. પરંતુ આ મિશન સફળ ન થઈ શક્યું.

લૉન્ચ બાદ ત્રીજા ચરણ દરમિયાન મિશન અધુરું રહી ગયું. આ વાતની જાણકારી ઈસરો પ્રમુખ વી. નારાયણએ આપી.

ઈસરોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “આજે 101મા લૉન્ચિંગની કોશિશ હતી. પીએસએલવી-સી 61નું પ્રદર્શન બીજા ચરણ સુધી બરાબર હતું. પરંતુ ત્રીજા ચરણમાં એક તપાસ બાદ આ મિશન પૂર્ણ નહીં કરી શકાયું.”

આ મિશન અંતર્ગત ઈઓએસ-09 (અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઇટ-09)ને સન સિનક્રોનસ પોલર ઑર્બિટ (એસએસપીઓ)માં સ્થાપિત કરવાનું હતું.

ઈઓએસ-09 સેટેલાઇટ ઈઓએસ-04નું રિપીટ સંસ્કરણ છે. તેને આ ઉદ્દેશ્યથી બનાવવામાં આવ્યું છે કે તે દેશની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓને વધુ મજબૂત કરી શકે.

કૉંગ્રેસે વિદેશ જઈ રહેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળની યાદી મામલે હવે કયા સવાલો ઉઠાવ્યા?

ઑપરેશન સિંદૂર, પંજાબ અને હરિયાણા પોલીસ, પાકિસ્તાન, કૉંગ્રેસ, સર્વપક્ષીયદળ, વિદેશ, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, ન્યૂઝ અપડેટ, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ વિવિધ દેશોના પ્રવાસ કરનારા નેતાઓની યાદી જાહેર કરી છે. ત્યાર પછી કૉંગ્રેસે તેના પર પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે.

હકિકતમાં ભારતના ‘ઑપરેશન સિંદૂર’ અને ‘સીમાપાર આતંકવાદ સામે ભારતની નિરંતર લડાઈ’ના સંદર્ભમાં દુનિયાના ઘણા દેશોને જાણકારી આપવા સાત પ્રતિનિધિમંડળો જલ્દી વિદેશના પ્રવાસે રવાના થશે.

કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશના હવાલાથી કૉંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું, “16મી મેની સવારે મોદી સરકારે પાકિસ્તાનથી આતંકવાદ પર ભારતની સ્થિતિને આંતરરાષ્ટ્રીય સ્તર પર સમજાવવા માટે વિદેશમાં મોકલનારા પ્રતિનિધિમંડળમાં કૉંગ્રેસના ચાર સાંસદો અથવા નેતાઓના નામ માગ્યા હતા.”

“આ નામો લોકસભામાં વિપક્ષના નેતાએ તે જ દિવસે 16મી મેના રોજ બપોરે 12 વાગ્યે સંસદીય કાર્યમંત્રીને લેખિતમાં આપી દેવામાં આવ્યાં હતાં.”

નિવેદનમાં કહેવામાં આવ્યું, “17 મેના રોજ રાત્રે જ્યારે તમામ પ્રતિનિધિમંડળોની યાદી જાહેર કરવામાં આવી ત્યારે કૉંગ્રેસે આપેલાં નામોમાં માત્ર એક જ નામ સામેલ કરવામાં આવ્યું.”

“જોકે, મોદી સરકાર તરફથી પસંદ કરવામાં આવેલા કૉંગ્રેસના ચાર પ્રતિષ્ઠિત સાંસદ અથવા નેતા પ્રતિનિધિમંડળોમાં સામેલ કર્યા છે તેઓ પ્રવાસે જરૂર જશે અને પોતાનું યોગદાન આપશે.”

કિરેન રિજિજૂ દ્વારા જારી યાદીમાં ભાજપ, કૉંગ્રેસ અને અન્ય પાર્ટીઓનાં નામો પણ સામેલ છે.

આ પહેલાં કૉંગ્રેસ તરફથી જે નામો સર્વદળીય બેઠક માટે મોકલવામાં આવ્યાં હતાં તેમાં શશિ થરુરનું નામ નહોતું.

કૉંગ્રેસ નેતા જયરામ રમેશ પ્રમાણે શુક્રવારે બપોરે ચાર નામો આપવામાં આવ્યાં હતાં જેમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડૉ. સૈયદ નાસિર હુસૈન અને રાજા બરારનાં નામો હતાં.

ભારતે બંદરથી આયાત આ બાંગ્લાદેશી સામાન પર લગાવ્યો પ્રતિબંધ

ભારતે બંદરથી આયાત આ બાંગ્લાદેશી સામાન પર લગાવ્યો પ્રતિબંધ - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે શનિવારે બાંગ્લાદેશથી રેડીમેડ કપડાં અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જેવા કેટલાક સામાન પર બંદરથી આયાત કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

વાણિજ્ય મંત્રાલયના ડાયરેક્ટરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડ (ડીજીએફટી)એ આ સંબંધમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે.

આ પ્રતિબંધો તરત જ લાગુ પડી ગયા છે. આ પ્રતિબંધો અંતર્ગત હવે બાંગ્લાદેશથી રેડીમેડ ગાર્મેન્ટ્સના આયાતની અનુમતિ કોઈ પણ ભૂમિ બંદર પરથી નહીં આપવામાં આવે.

જાહેરનામા પ્રમાણે તેની અનુમતિ હવે માત્ર ન્હાવા શેવા પૉર્ટ તથા કોલકાતા બંદરના માધ્યમથી જ આપવામાં આવશે.

ડીજીએફટી પ્રમાણે બંદર પ્રતિબંધ બાંગ્લાદેશથી માછલી, એલપીજી, ક્રશ્ડ સ્ટોન તથા ખાદ્યતેલના આયાત પર નહીં લાગે. મત્રાલય પ્રમાણે આ બંદર પ્રતિબંધ ભારતથી થઈને નેપાળ તથા ભૂટાન જઈ રહેલા બાંગ્લાદેશી સામાન પર નહીં લાગુ પડે.

રાજકોટ: યુટ્યૂબર બન્ની ગજેરાની ધરપકડ કેમ કરાઈ?

બન્ની ગજેરા, અલ્પેશ ઢોલરિયા

ઇમેજ સ્રોત, Banni Bhavin Gajera/FACEBOOK

રાજકોટ ભાજપના નેતા અલ્પેશ ઢોલરિયાની ફરિયાદને પગલે ગોંડલ તાલુકા પોલીસે જેતપુર જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યૂબર બન્ની ગજેરાની ધરપકડ કરી છે.

રાજકોટસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયા જણાવે છે, “બન્ની ગજેરા ઉપર આરોપ છે કે તેમણે ઢોલરિયા તથા ગણેશ જાડેજા ઉર્ફ ગણેશ ગોંડલ વિશે અનેક વીડિયો અપલોડ કર્યા હતા.”

ગોંડલ હિંસા, અલ્પેશ ઢોલરિયા, રાજકોટ પોલીસ,

ઇમેજ સ્રોત, Social Media

“ગોંડલના વિશાલ ખૂંટની ફરિયાદના પગલે પોલીસે આ કાર્યવાહી કરી હતી. અલ્પેશ ઢોલરિયાએ રૂ. 10 કરોડના વળતરની માગણી પણ કરી છે. તેમનું કહેવું છે કે વીડિયોને કારણે તેમને તથા તેમના પરિવારજનોને માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક અને વ્યવસાયિકસ્તરે ગંભીર અસર થઈ છે.”

ટંકારિયા જણાવે છે કે ફરિયાદમાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર બન્ની ગજેરાએ અપલોડ કરેલા બદનક્ષીજનક વીડિયોને દૂર કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

મનરેગા કૌભાંડ: પંચાયતી મંત્રી બચુભાઈ ખાબડના દીકરા બળવંત ખાબડના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

જશવંત બચુભાઈ ખાબડની ધરપકડ, મનરેગા કૌભાંડ, બીબીસી ગુજરાતી અપડેટ્સ સમાચાર,

ઇમેજ સ્રોત, Daxesh Shah

દાહોદ પોલીસે કરોડો રૂપિયાના મનરેગાનાં કામોમાં કથિત ભ્રષ્ટાચારના આરોપ સબબ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના દીકરા બળવંત ખાબડ તથા તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) દર્શન પટેલની ધરપકડ કરી છે. અદાલતે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે .

ગોધરાસ્થિત બીબીસ ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ જણાવે છે, “વર્ષ 2021થી 2025 દરમિયાન દાહોદ જિલ્લાનાં દેવગઢ બારિયા તાલુકાના ધાનપુર તથા અન્ય ત્રણ ગામોમાં, મનરેગા (મહાત્મા ગાંધી નૅશનલ રુરલ ઍમ્પલોયમેન્ટ ગૅરંટી ઍક્ટ) હેઠળ રસ્તા બનાવવાનાં કામોમાં રૂ. 71 કરોડ કરતાં વધુના કૌભાંડની ફરિયાદ 35 એજન્સીઓ સામે કરવામાં આવી હતી.”

“જેની ફરિયાદમાં પંચાયત મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત તથા કિરણ ખાબડનાં નામ પણ હતાં. બળવંત ખાબડે દાહોદ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને બુધવારે પાછી ખેંચી લીધી હતી, એ પછી બળવંત ખાબડ તથા ટીડીઓ (તાલુકા વિકાસ અધિકારી) દર્શન પટેલની ધરપકડ કરી છે. દાહોદના ડીવાયએસપી બળવંત ભંડારી આ કેસમાં તપાસનીશ અધિકારી હતા.”

“શનિવારે તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે તેમના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. અદાલતે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.”

સેનાની ગુપ્ત માહિતી આપવાના આરોપ સબબ યુટ્યૂબરની ધરપકડ

ઑપરેશન સિંદૂર, પંજાબ અને હરિયાણા પોલીસ, પાકિસ્તાનને ગુપ્ત માહિતી

ઇમેજ સ્રોત, Kamal Saini

હરિયાણા અને પંજાબ પોલીસે ભારતીય સશસ્ત્રદળો વિશે ગુપ્ત માહિતી આપવા બદલ પાંચેક લોકોની ધરપકડ કરી છે, જેમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલાં લોકોમાં જ્યોતિ મલ્હોત્રા (હિસાર, હરિયાણા), દેવેન્દ્રસિંહ (કૈથલ, હરિયાણા), ગુજાલા (મલેરકોટલા, પંજાબ) તથા યામીન મોહમ્મદની (મલેર કોટલા, પંજાબ) ધરપકડ કરી છે.

જ્યોતિએ પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો છે, જ્યારે દેવેન્દ્રસિંહ કરતારપુર ગયા હતા, ત્યારે આઈએસઆઈના એજન્ટોના સંપર્કમાં આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે.

આરોપીઓએ ભારતના ‘ઑપરેશન સિંદૂર’ સંબંધિત ગુપ્ત માહિતી તેમના પાકિસ્તાની હેન્ડલર્સને આપી હોવાના આરોપ છે.

ગુજાલા અને યામીન દિલ્હીસ્થિત પાકિસ્તાન દૂતાવાસના કર્મચારીને ગુપ્ત માહિતી પહોંચાડતાં હતાં.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે વાટાઘાટો

ઇઝરાયલ હમાસ સંઘર્ષ, ગાઝા પટ્ટી, કતારમાં મધ્યસ્થી, બંધકો, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સસમાચાર

ઇમેજ સ્રોત, Abed Rahim Khatib/Anadolu via Getty Images

ઇઝરાયલ તથા હમાસની વચ્ચે શનિવારે ગાઝામાં સંઘર્ષવિરામ સંબંધે નવેસરથી વાટાઘાટો શરૂ થઈ છે. જેમાં હમાસે નવા સંઘર્ષવિરામ હેઠળ વધુ કેટલાક ઇઝરાયલી બંધકોને છોડી મૂકવાની તૈયારી દાખવી છે.

ઇઝરાયલે ગાઝાપટ્ટીમાં નવેસરથી વ્યાપકપણે હુમલા શરૂ કર્યા, એના ગણતરીના કલાકો બાદ હમાસે આ પ્રસ્તાવ મૂક્યો હતો.

પેલેસ્ટાઇનના એક અધિકારીએ બીબીસીને જણાવ્યું કે હમાસે 60 દિવસના સંઘર્ષવિરામ તથા ઇઝરાયલ તરફથી પેલેસ્ટાઇનના કેદીઓને છોડવાની અવેજમાં નવ ઇઝરાયલી કેદીઓને છોડી મૂકવા માટે સહમતિ દાખવી છે.

અધિકારીના કહેવા પ્રમાણે, નવા કરાર હેઠળ ગાઝામાં દરરોજ રાહત સામગ્રી ભરેલા 400 ટ્રક સામગ્રી આવવા દેવી તથા બીમાર લોકોને ગાઝામાંથી બહાર નીકળવા દેવા, જેવી શરતોનો પણ સમાવેશ થાય છે.

ઇઝરાયલની માગ છે કે બાકીના તમામ બંધક હયાત છે તેના વિશે માહિતી આપવામાં આવે તથા તેમના વિશે દરેક પ્રકારની માહિતી આપવામાં આવે.

અમેરિકાની દરમિયાનગીરીથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે શનિવારે બપોરે કતારમાં આ મંત્રણા શરૂ થઈ હતી.

ઇઝરાયલે પ્રસ્તાવિત સમાધાન વિશે સાર્વજનિક રીતે કોઈ પ્રતિક્રાય નથી આપી, તેણે કહ્યું હતું કે તે ગાઝામાંથી સેના હઠાવશે નહીં તથા યુદ્ધને સમાપ્ત કરવા અંગે કોઈ વાયદો નહીં કરે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS