Source : BBC NEWS

બાંગ્લાદેશ, ભારત, શેખ હસીના, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, પ્રત્યાર્પણ સંધી

ઇમેજ સ્રોત, Getty Images

31 મિનિટ પહેલા

બાંગ્લાદેશે પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને દેશમાં પરત લાવવા માટે ભારત સરકારને પત્ર લખ્યો છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને સોમવારે આ અંગે માહિતી આપી હતી.

આ પહેલાં બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે “શેખ હસીનાની વતનવાપસી માટે વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે.”

તેણે કહ્યું હતું કે “પ્રત્યર્પણ સંધિ હેઠળ શેખ હસીનાને ભારતમાંથી લાવી શકાય છે.”

આ વર્ષે ઑગસ્ટમાં બાંગ્લાદેશમાં વ્યાપક હિંસક વિરોધ વચ્ચે શેખ હસીનાએ પીએમપદ પરથી રાજીનામું આપી દીધું હતું અને દેશ છોડીને ભારત આવી ગયાં હતાં.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે શું કહ્યું?

બાંગ્લાદેશ, ભારત, શેખ હસીના, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, પ્રત્યાર્પણ સંધી

ઇમેજ સ્રોત, BSS

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને કહ્યું કે, “અમે ભારત સરકારને રાજદ્વારી પ્રક્રિયાના ભાગરૂપે પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને પરત મોકલવાનો સંદેશ આપ્યો છે. અમે તેમને (ભારત સરકારને) આ સંદેશ આપ્યો છે કે અમે તેમના પર કેસ ચલાવવા માગીએ છીએ તેથી તેમનાં પાછાં ફરવાની માગ કરીએ છીએ.”

આ પહેલાં ગૃહ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ કહ્યું હતું કે “શેખ હસીનાની વાપસી માટે વિદેશ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે.”

તેમણે સોમવારે ઑર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB)ના મુખ્યાલયમાં BGB સ્થાપનાદિન પર આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે “પ્રત્યર્પણ સંધિ હેઠળ શેખ હસીનાને પરત મોકલી શકાય છે, તેથી વિદેશ મંત્રાલય (બાંગ્લાદેશ)ને એક પત્ર મોકલવામાં આવ્યો છે જેથી ભારતનો સંપર્ક કરવા માટે જરૂરી પગલાં લઈ શકાય.”

બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) એ 17 ઑક્ટોબરે ‘ફરાર’ શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વૉરંટ જાહેર કર્યું હતું. બાંગ્લાદેશ સરકારે ત્યારે કહ્યું હતું કે તે આ નિર્દેશને લાગુ કરવા માટે તાત્કાલિક પગલાં લેશે.

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના આંદોલનમાં સેંકડો લોકોનાં મોત થયાં હતાં.

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં શરૂ થયેલો વંટોળ શેખ હસીનાને પદ પરથી હટાવવાની માગ સુધી પહોંચ્યો હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યર્પણ સંધિ

બાંગ્લાદેશ, ભારત, શેખ હસીના, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, પ્રત્યાર્પણ સંધી

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યર્પણ સંધિ છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 28 જાન્યુઆરી 2013ના રોજ પ્રત્યર્પણ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતના તત્કાલીન ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે અને બાંગ્લાદેશના ગૃહમંત્રી મોહિઉદ્દીન ખાન આલમગીરે ત્યાંની રાજધાની ઢાકામાં આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.

જોકે, સંધિની કલમ છમાં કેટલીક જોગવાઈઓ છે, જેમાં એવા સંજોગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેના હેઠળ વ્યક્તિનું પ્રત્યર્પણ કરી શકાતું નથી.

તે સ્પષ્ટપણે જણાવે છે કે આ સંધિ રાજકીય અપરાધોના આરોપીઓને લાગુ પડશે નહીં અને જે લોકો પર હત્યા અને અન્ય ગંભીર ગુનાઓનો આરોપ છે તેમને જ તે હેઠળ આવરી લેવામાં આવશે.

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સંસદમાં શું કહ્યું હતું?

બાંગ્લાદેશ, ભારત, શેખ હસીના, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, પ્રત્યાર્પણ સંધી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે 6 ઑગસ્ટે શેખ હસીનાની ભારત મુલાકાત અંગે સંસદમાં માહિતી આપતાં કહ્યું હતું કે શેખ હસીનાએ ખૂબ જ તાકીદની મુદ્દતે થોડા સમય માટે ભારત આવવાની પરવાનગી માગી હતી.

તેમણે કહ્યું હતું કે, “5 ઑગસ્ટના રોજ, કર્ફ્યૂ હોવા છતાં ઢાકામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. અમે જે સમજીએ છીએ તે એ છે કે સુરક્ષા સંસ્થાના નેતાઓ સાથેની બેઠક બાદ વડાં પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. તેમણે થોડા સમય માટે ભારત આવવાની પરવાનગી માગી હતી. એ સાથે બાંગ્લાદેશ પ્રશાસન પાસેથી ફ્લાઇટ ક્લિયરન્સ માટે પરવાનગી માગવામાં આવી હતી. તેઓ ગઈ કાલે સાંજે દિલ્હી પહોંચ્યાં હતાં.”

17 ઑક્ટોબરની સાંજે, ભારત સરકારે ઔપચારિક રીતે કહ્યું હતું કે શેખ હસીના હજુ પણ ભારતમાં છે.

બાંગ્લાદેશમાં અવામી લીગ સરકારના પતન અને વડાં પ્રધાન શેખ હસીનાએ ભારતમાં શરણ લીધાં બાદ ભારત સાથેના સંબંધોમાં તણાવ વર્તાઈ રહ્યો છે.

બાંગ્લાદેશમાં ‘લઘુમતીઓ પર અત્યાચાર’, ઇસ્કૉન સાથે સંકળાયેલા મહંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ, ત્રિપુરામાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનમાં ભારતીય પ્રદર્શનકારીઓ ઘૂસી જવા વગેરે સહિત આવી અનેક ઘટનાઓ બની હતી, જેના પછી બંને દેશો વચ્ચે તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.

આ મહિનાની 4 તારીખે બાંગ્લાદેશની વચ ગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસ અને મુખ્ય રાજકીય પક્ષોની બેઠકમાં દેશના સાર્વભૌમત્વ, અસ્તિત્વ, સ્વતંત્રતા અને ગરિમા જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા વચ ગાળાની સરકારના કાયદાકીય સલાહકાર આસિફ નઝરુલે કહ્યું હતું કે બાંગ્લાદેશ ભારતના ‘પ્રૉપગૅન્ડા’ સામે એકજૂથ છે.

‘બાંગ્લાદેશમાં લઘુમતીઓના ઉત્પીડન’ વિશે લોકસભામાં વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા સામે પણ બાંગ્લાદેશે વાંધો ઉઠાવ્યો હતો.

બાંગ્લાદેશની વચ ગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસની પ્રેસ વિંગે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર કથિત અત્યાચાર અંગે ભારતીય મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોને અતિશયોક્તિપૂર્ણ અને ભ્રામક ગણાવ્યા હતા.

બાંગ્લાદેશ, ભારત, શેખ હસીના, નરેન્દ્ર મોદી, મોહમ્મદ યુનુસ, પ્રત્યાર્પણ સંધી

ઇમેજ સ્રોત, Getty Images

લોકસભામાં ભારતના વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું હતું કે આ વર્ષે 8 ડિસેમ્બર સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયો વિરુદ્ધ હિંસાની 2,200 ઘટનાઓ બની છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાર હજાર કિલોમીટર કરતાંય લાંબી સરહદ છે અને ગાઢ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો ધરાવે છે.

બાંગ્લાદેશની સરહદ ભારત અને મ્યાનમાર સાથે વહેંચાયેલી છે પરંતુ તેની 94 ટકા સરહદ ભારત સાથે છે. તેથી જ બાંગ્લાદેશને ‘ઇન્ડિયા લૉક્ડ’ દેશ કહેવામાં આવે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં બાંગ્લાદેશ ભારત માટે એક મોટા બજાર તરીકે ઊભરી આવ્યું છે. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારતનું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર છે અને ભારત એશિયામાં બાંગ્લાદેશનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS