Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ એક કલાક પહેલા
ભારતીય લેખિકા, વકીલ અને કાર્યકર્તા બાનુ મુશ્તાકે લઘુકથા સંકલન, ‘હાર્ટ લૅમ્પ’ માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતીને ઇતિહાસ રચ્યો છે.
કન્નડ ભાષામાં લખાયેલું આ પહેલું પુસ્તક છે કે જેને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
હાર્ટ લૅમ્પની કહાનીઓનો અંગ્રેજી અનુવાદ દીપા ભાસ્તીએ કર્યો છે.
1990થી 2023 વચ્ચે બાનુ મુશ્તાકે લખેલી 12 લઘુકથાનું પુસ્તક હાર્ટ લૅમ્પમાં દક્ષિણ ભારતની મુસ્લિમ મહિલાઓની મુશ્કેલીનું માર્મિક ચિત્રણ કરવામાં આવ્યું છે.
મુશ્તાકને મળેલો આ પુરસ્કાર મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ પુરસ્કાર માત્ર એમના કલમનો પરિચય નથી કરાવતો પણ ભારતના સમૃદ્ધ પ્રાંતીય સાહિત્યિક પરંપરાને પણ દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2022માં ગીતાજલિ શ્રીના પુસ્તક ‘ટૉમ્બ ઑફ સેન્ડ’ને પણ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુસ્તકનો હિંદીમાંથી અંગ્રેજી અનુવાદ ડેઝી રૉકવેલે કર્યો હતો.
મુશ્તાક કર્ણાટકના એક નાના કસબામાં મુસ્લિમ વિસ્તારમાં ઉછેર્યાં હતાં અને પોતાની આસપાસની મોટા ભાગની છોકરીઓની જેમ એમણે પણ સ્કૂલમાં ઉર્દૂ ભાષામાં કુરાનનો અભ્યાસ કર્યો હતો.
જ્યારે બાનુ મુશ્તાક આઠ વર્ષનાં હતાં ત્યારે એમના પિતાએ એમને એક કૉન્વેન્ટ સ્કૂલમાં દાખલ કર્યાં હતાં, જ્યાં કન્નડ ભાષા ભણાવાતી હતી.
બાનુ મુશ્તાકે કન્નડ ભાષામાં માહિર થવા માટે આકરી મહેનત કરી અને બાદમાં આ જ ભાષા એમની સાહિત્યિક અભિવ્યક્તિની ભાષા બની ગઈ.
અમેરિકાનું ‘ગોલ્ડન ડોમ’ જે બૅલેસ્ટિક મિસાઇલોના હુમલા રોકી શકશે, ટ્રમ્પે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાની ભવિષ્યની ‘ગોલ્ડન ડોમ’ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે એક ડિઝાઇન પસંદ કરવામાં આવી છે.
તેમણે એમ પણ કહ્યું કે આ સિસ્ટમ તેમના કાર્યકાળના અંત સુધીમાં ચાલુ થઈ જશે.
જાન્યુઆરીમાં વ્હાઇટ હાઉસમાં પરત આવ્યાના દિવસો પછી ટ્રમ્પે આ સિસ્ટમ અંગે પોતાની યોજના રજૂ કરી હતી.
ગોલ્ડન ડોમનો હેતુ અમેરિકા પર હવાઈ હુમલાનાં જોખમોને રોકવાનો છે. આ સુરક્ષા પ્રણાલી બૅલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો સામે પણ લડી શકશે.
આ સિસ્ટમ માટે 25 અબજ ડૉલરનું બજેટ રાખવામાં આવ્યું છે. પરંતુ સરકારનો અંદાજ છે કે આગામી દાયકામાં આ સિસ્ટમ પર આના કરતાં ઘણો વધુ ખર્ચ થઈ શકે છે.
અધિકારીઓએ ચેતવણી આપી છે કે હાલની ડિફેન્સ સિસ્ટમ સંભવિત દુશ્મનોનાં હથિયારો સામે લડવા સક્ષમ નથી.
ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ગાઝામાં કોઈને મદદ નથી મળીઃ યુએન

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે 11 અઠવાડિયાંની નાકાબંધી પછી રાહતસામગ્રીના ટ્રક ગાઝામાં પ્રવેશવા લાગ્યા છે, પરંતુ ત્યાના લોકો સુધી કોઈ મદદ નથી પહોંચી.
ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે 93 ટ્રક ગાઝામાં આવ્યા હતા જેમાં લોટ, બાળકોનું ભોજન અને દવાઓ સામેલ હતાં.
પરંતુ સંયુક્ત રાષ્ટ્રે કહ્યું કે કેરેમ શલોમ ક્રૉસિંગના પેલેસ્ટાઇનના વિસ્તારમાં ટ્રક પહોંચ્યા હોવા છતાં હજુ સુધી લોકોમાં કોઈ રાહતસામગ્રીનું વિતરણ નથી થયું.
સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે ટીમ કલાકો સુધી રાહ જોતી રહી, જેથી કરીને ઇઝરાયલ તેમને તે વિસ્તારમાં જવાની મંજૂરી આપે. પરંતુ કમનસીબે “તે રાહતસામગ્રી અમારા ગોદામ સુધી નથી પહોંચી.”
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો મુજબ ભૂખમરાનો ખતરો જાહેર થયા પછી ઇઝરાયલે રવિવારે ગાઝામાં “જરૂરિયાત પૂરતો ખોરાક” લઈ જવાની મંજૂરી આપી હતી. સાથેસાથે ગાઝામાં હુમલા રોકવા માટે ઇઝરાયલ પર બ્રિટન, ફ્રાન્સ અને કૅનેડા જેવા દેશોએ દબાણ કર્યું છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવીય બાબતોના વડા ટૉમ ફ્લેચરે મંગળવારે કહ્યું હતું કે “આગામી 48 કલાકમાં ગાઝામાં મદદ નહીં પહોંચે તો 14 હજાર બાળકોનાં મોત નીપજી શકે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS