Source : BBC NEWS

પટણા સરકારી હૉસ્પિટલની સ્થિતિ, ઉંદર ઊંદર પગનાં આંગળા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Shahnawaz

બિહારની રાજધાની પટનાની એક સરકારી નાલંદા મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં (એન.એમ.સી.એચ.) એક આઘાતજનક ઘટના બની છે, જેમાં ઉંદરો એક દર્દીના પગના આંગળા કોતરી ગયા.

55 વર્ષના અવધેશ પ્રસાદ નાલંદાના રહેવાસી છે અને તેઓ દિલ્હીમાં મજૂરી કરતા હતા. અવધેશને ડાયાબિટીસ છે અને પોતાના ભાંગેલા પગની સારવાર કરાવવા પટનાની નાલંદા મેડિકલ કૉલેજ હૉસ્પિટલે આવ્યા હતા.

આ ઘટના પછી તેમની કોતરાયેલી આંગળીઓનો પણ ઇલાજ ચાલે છે અને રોજ તેમનું ડ્રેસિંગ કરવામાં આવે છે.

અવધેશ પ્રસાદ હાડકાંના વૉર્ડમાં દાખલ છે અને લોકો ‘તેમના પગના આંગળા ઉંદરોએ કોતરી નાખ્યા છે’ તે રીતે તેમને ઓળખે છે.

આખો મામલો શું છે?

પટણા સરકારી હૉસ્પિટલની સ્થિતિ સારવાર, ડૉક્ટરોએ શું કહ્યું, ઉંદર ઊંદર પગનાં આંગળા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Shahnawaz

લગભગ ચાર વર્ષ અગાઉ અવધેશ પ્રસાદના ડાબા પગમાં ઘાવ પડ્યો હતો, જેના કારણે પગ કાપવો પડ્યો હતો.

અવધેશ પ્રસાદે બીબીસી હિંદીને જણાવ્યું, “17મેની રાતે મને તાવ આવ્યો અને પછી મને બાટલા ચઢાવાયા. બે વાગ્યા સુધીમાં તાવ ઊતરી જતા હું સૂઈ ગયો, પરંતુ અચાનક મને લાગ્યું કે મારી છાતી પર કંઈક ચઢ્યું છે. મેં જોયું તો ઉંદર હતો.”

“મારા પગ અને પથારી લોહીથી લથબથ હતાં. મેં મારી પત્નીને જગાડી તો તે રડવા લાગી. હું પણ રડવા લાગ્યો. પછી અમે ડૉક્ટરોને જણાવ્યું અને તેમણે દવા આપીને ડ્રેસિંગ કર્યું.”

અવધેશ પ્રસાદનાં પત્ની શીલાદેવી કહે છે, “અમે પગની સારવાર માટે આવ્યાં હતાં. ઑપરેશનને પંદર દિવસ થઈ ગયા છે. પગ કપાયા પછી તેઓ વિકલાંગ થઈ ગયા છે અને કોઈ કામ નથી કરી શકતા. સરકારે અમારી મદદ કરવી જોઈએ.”

હૉસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટનો જવાબ- ઉંદર તો બધે જ છે

પટણા સરકારી હૉસ્પિટલની સ્થિતિ સારવાર, ડૉક્ટરોએ શું કહ્યું, ઉંદર ઊંદર પગનાં આંગળા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Shahnawaz

બીબીસીએ આ મામલે હૉસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ રશ્મિ પ્રસાદ સાથે વાત કરી. તેમણે કહ્યું કે 19 મેની સવારે હાડકાં રોગ વિભાગના અધ્યક્ષને આ વિશે જાણકારી મળી હતી.

રશ્મિ પ્રસાદે જણાવ્યું, “અમે લોકોએ આ ઘટના પર તાત્કાલિક ઍક્શન લઈને તપાસ સમિતિ નિયુક્ત કરી હતી. જે પણ જાળી કે નાળાં ખુલ્લાં છે તેને રિપૅર કરવાનો આદેશ આપ્યો છે. પેસ્ટ કંટ્રોલ કરાવાયું છે. આ ઉપરાંત સાફસફાઈ કરતા કર્મચારીઓ પાસે જવાબ માગવામાં આવ્યો છે.”

“શું ઉંદરના કારણે આ ઘટના બની છે?” તે સવાલનો જવાબ રશ્મિ પ્રસાદ નથી આપતાં.

રશ્મિ પ્રસાદ કહે છે, “ઉંદર તો બધે જ છે. હૉસ્પિટલમાં દર્દી અને તેમના સ્વજનો ગમે ત્યાં ખાવાનું ઢોળે છે. તેનાં કારણે ઉંદર આવે છે. જોકે, આ ઘટના ઉંદરના કારણે થઈ છે કે નહીં તે 100 ટકા કન્ફર્મ કહી ન શકાય.”

પરંતુ હાડકાં વિભાગના એક સિનિયર ડૉક્ટરે બીબીસીને પુષ્ટિ કરી કે દર્દીના પગની આંગળીઓને ઉંદરોએ જ કોતરી છે.

તેઓ કહે છે, “દર્દીના પગમાં પાટો બાંધ્યો હતો. પાટો ખોલીને તેમની આંગળી કોણ કોતરી શકે? ઉંદરો બધે દોડતા હોય છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં ઉંદરો ન હોય. આવામાં દર્દીના દાવા પર શંકા કરવાનું કોઈ કારણ નથી.”

દર્દીને કેમ ખબર ન પડી?

પટણા સરકારી હૉસ્પિટલની સ્થિતિ સારવાર, ડૉક્ટરોએ શું કહ્યું, ઉંદર ઊંદર પગનાં આંગળા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Shahnawaz

ઉંદર કોતરી ગયા પછી દર્દીના પગની જે તસવીરો આવી તેમાં પગના અંગૂઠા સહિત તમામ આંગળીઓ અને એક તરફનો હિસ્સો લોહીલુહાણ જોવા મળે છે.

આવામાં સવાલ એ થાય કે ઉંદરે દર્દીના પગ કોતરવાનું શરૂ કર્યું ત્યારે તેમને ખબર કેમ ન પડી?

હકીકતમાં અવધેશ પ્રસાદ ડાયાબિટીક ન્યૂરૉપથીથી પીડાય છે, જેમાં પગને સૌથી વધુ અસર થાય છે.

પટનાસ્થિત હાડકાંની બીમારીઓના નિષ્ણાત ડૉક્ટર અંકિતકુમાર જણાવે છે “ડાયાબિટીક ન્યૂરૉપથીમાં અલગ-અલગ સ્ટેજ હોય છે. એક તબક્કો એવો આવે જ્યારે દર્દીના પગમાં સેન્સેશન સાવ ખતમ થઈ જાય છે, એટલે કે પગમાં તેમને કંઈ અનુભવાતું નથી.”

હૉસ્પિટલમાં દર્દીઓને મચ્છરદાની અપાઈ

પટણા સરકારી હૉસ્પિટલની સ્થિતિ સારવાર, ડૉક્ટરોએ શું કહ્યું, ઉંદર ઊંદર પગનાં આંગળા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Shahnawaz

ઉંદરો દ્વારા કોતરવાની આ ઘટના પછી હૉસ્પિટલના વહીવટીતંત્રે બિહાર મેડિકલ સર્વિસિસ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૉર્પોરેશન લિમિટેડને હૉસ્પિટલમાં પેસ્ટ કંટ્રોલ માટે પત્ર લખ્યો છે.

હૉસ્પિટલના દર્દીઓનું કહેવું છે કે આ ઘટના પછી દર્દીઓમાં મચ્છરદાની અપાઈ છે.

એન.એમ.સી.એચ.ના હાડકાં વિભાગમાં સારવાર લેતા દેવ નારાયણ પ્રસાદ કહે છે, “અહીંના ઉંદર બહુ ખતરનાક છે. ગમે ત્યારે પથારી પર ચઢી જાય છે. દર્દીને ઉંદર કાતરી ગયાની ઘટના પછી મચ્છરદાની આપવામાં આવી છે, પરંતુ મચ્છરદાનીને દીવાલ પર બાંધવાની કોઈ વ્યવસ્થા નથી.”

દેવ નારાયણ પ્રસાદની નજીક બેઠેલાં તેમનાં પત્ની એક સીલબંધ પૅકેટ ખોલીને મચ્છરદાની દેખાડે છે. તેઓ કહે છે, “અસલી સમસ્યા ઉંદરોની છે, શું ઉંદર મચ્છરદાનીને કોતરી નહીં નાખે?”

ઉંદરોનો એટલો ત્રાસ છે કે લોકો શિફ્ટમાં સૂવે છે. એક દર્દીના સ્વજને કહ્યું કે, “એટલા બધા ઉંદરો છે કે અમે ઊંઘીએ ત્યારે દર્દી જાગે છે અને દર્દી ઊંઘે ત્યારે અમે જાગીએ છીએ.”

અથમલગોલાથી સારવાર કરાવવા આવેલા નાગેન્દ્ર કહે છે, “ઉંદર દોડે ત્યારે ડર લાગે છે. અહીં કોઈ ચીજનો વાંધો નથી. ખાવાનું મળે છે. સાફસફાઈ કરવામાં આવે છે, પણ ઉંદરો બહુ પરેશાન કરે છે.”

આ ઘટના બાદ હૉસ્પિટલ અને રાજ્યની આરોગ્ય સુવિધાઓ અંગે પણ સવાલ પેદા થયા છે.

બિહારમાં આર.જે.ડી. (રાષ્ટ્રીય જનતા દળ) સહિત આખો વિપક્ષ આ ઘટનાની ટીકા કરે છે.

વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવે આરોગ્યમંત્રી મંગલ પાંડે પર આરોપ લગાવતા કહ્યું, “અમે અમારા 17 મહિનાના કાર્યકાળમાં રાત-દિવસ મહેનત કરીને આરોગ્ય સુવિધાઓ સુધારી હતી, તે ફરી કથળી ગઈ છે.”

આરોગ્યમંત્રી મંગળ પાંડેએ કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરાવે છે.

મૃતદેહને કોતરવાની ઘટના પણ બની હતી

પટણા સરકારી હૉસ્પિટલની સ્થિતિ સારવાર, ડૉક્ટરોએ શું કહ્યું, ઉંદર ઊંદર પગનાં આંગળા, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Shahnawaz

1970માં સ્થપાયેલી નાલંદા મેડિકલ કૉલેજ એ બિહારની સૌથી મોટી સરકારી હૉસ્પિટલો પૈકીની એક છે, તેનું પરિસર 80 એકરમાં ફેલાયેલું છે.

હૉસ્પિટલમાં 22 વિભાગ અને 970 બેડની ક્ષમતા છે. આખા બિહારમાંથી દરરોજ લગભગ 3500 દર્દીઓ અહીં સારવાર માટે ઓ.પી.ડી.માં (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ) આવે છે.

હૉસ્પિટલનું પરિસર ગંદું નથી દેખાતું. ઇમારત જૂની છે અને નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે. હૉસ્પિટલની નજીકથી સૈદપુર-પહાડી નામે એક નાળું વહે છે, જેમાં ઘણાં નાળાંનું પાણી આવે છે.

નાળાંથી નજીક હોવાના કારણે અને ઇમારત જૂની હોવાના કારણે ઉંદરો આસાનીથી હૉસ્પિટલમાં પહોંચી જાય છે.

આ વિસ્તાર પટના નગરનિગમના અઝીમાબાદ ડિવિઝનમાં આવે છે.

અઝીમાબાદ ડિવિઝનના કાર્યપાલક પદાધિકારી શ્રેયા કશ્યપે બીબીસીને જણાવ્યું, “નાળાંને તો હઠાવી નહીં શકાય. હૉસ્પિટલના તંત્રે જ યોગ્ય પગલાં લેવાં પડશે.”

આમ તો એન.એમ.સી.એચ.માં આ પ્રથમ મામલો નથી. અગાઉ નવેમ્બર 2024માં નાલંદાના જ રહેવાસી ફંટૂશ નામની વ્યક્તિના મૃતદેહની આંખો ગાયબ થઈ ગઈ હતી. તપાસમાં એવું બહાર આવ્યું કે ઉંદરોએ આંખો કોતરી ખાધી હતી.

આ અંગે એક તપાસ સમિતિ રચવામાં આવી હતી. હૉસ્પિટલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ સરોજકુમારે બીબીસીને જણાવ્યું, “આ મામલે રચાયેલી સમિતિ કોઈ સ્પષ્ટ કારણ આપી શકી ન હતી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS