Home તાજા સમાચાર gujrati બેટદ્વારકામાં વારંવાર ડિમોલિશન ડ્રાઇવ કેમ થાય છે? સરકારી જમીન પરનાં દબાણોને તંત્ર...

બેટદ્વારકામાં વારંવાર ડિમોલિશન ડ્રાઇવ કેમ થાય છે? સરકારી જમીન પરનાં દબાણોને તંત્ર કેમ અટકાવી નથી શકતું ?

2
0

Source : BBC NEWS

બેટદ્વારકામાં ફરી ડિમોલિશન ડ્રાઇવ, બાલાપર, દેવભૂમિ દ્વારકા ઓખા, કૃષ્ણ કૉરિડૉર, 2022માં ડિમોલિશન, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Om Thobhani

આમ તો બેટદ્વારકા ટાપુ દ્વારકાધીશ મુખ્ય મંદિરમાં ભગવાન કૃષ્ણ અને અન્ય દેવતાઓના દર્શન કરવા આવતા યાત્રાળુઓથી ધમધમતો રહતો.

છતાં સ્થાનિકોનું કહેવું છે કે આ ધસારો ગત વર્ષે ફેબ્રુઆરીમાં સુદર્શન સેતુ જાહેરજનતા માટે ખુલ્લો મુકાયો ત્યારથી કેટલાય ગણો વધી ગયો છે.

પરંતુ, સરકારે શનિવારે સવારે આ ટાપુ પરના બાલાપર વિસ્તારમાં અઢીસોથી પણ વધારે મકાનો તોડી પાડવા ડિમોલિશન ડ્રાઇવ ચાલુ કરી ત્યારથી અંદાજે દસ હજારની વસ્તી ધરાવતા બેટદ્વારકામાં અઘોષિત કર્ફ્યુ જેવું વાતાવરણ પ્રવર્તી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવે છે.

લગભગ બે વર્ષમાં આવું બીજી વાર બની રહ્યું છે અને સ્થાનિક અધિકારીઓ કહે છે કે આ ડિમોલિશન ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

એક સ્થાનિકે નામ જાહેર ન કરવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, “પોલીસે સુદર્શન સેતુ પુલ પર બૅરિકેડ્સ લગાવી દીધાં છે અને વાહનવ્યવહારને નિયંત્રિત કરી રહી છે.”

“કોઈ યાત્રિકોને બેટદ્વારકા નથી જવા દેવાય રહ્યા. તેવી જ રીતે ભાગ્યે જ કોઈ લોકોને બેટદ્વારકાથી બહાર આવવા દેવામાં આવી રહ્યા છે.”

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,

ટાપુ પર પહોંચવા એક જ રસ્તો

બેટદ્વારકામાં ફરી ડિમોલિશન ડ્રાઇવ, બાલાપર, દેવભૂમિ દ્વારકા ઓખા, કૃષ્ણ કૉરિડૉર, 2022માં ડિમોલિશન, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, @narendramodi

બેટદ્વારકા ઓખા શહેરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર દરિયામાં આવેલ એક ટાપુ છે. ઓખા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ભાગ છે અને બેટદ્વારકા ઓખા નગરપાલિકાનો એક ભાગ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી 2024 ના રોજ સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું તે પહેલાં ઓખાથી ચાલતી હોડીઓ (ફેરી બોટ્સ) જ બેટદ્વારકા સુધી પહોંચવાનું એક માત્ર માધ્યમ હતી.

સિગ્નેચર બ્રિજ કે સુદર્શન સેતુ ખુલ્લો મુકાતા બેટદ્વારકા અને ગુજરાતની મુખ્ય ભૂમિ વચ્ચે બારેય મહિના વાહનવ્યવહાર ઝડપી અને સુગમ બન્યો છે. તેનાથી ટાપુ પર લોકોની અવરજવર વધી છે ત્યારે કર્ફ્યુ જેવું વાતાવરણ વિરોધાભાસ સર્જે છે.

સ્થાનિક પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) અને મરીન કમાન્ડો સહિત અંદાજે 1000 પોલીસમૅનને શનિવારથી બેટદ્વારકામાં બંદોબસ્તમાં મુકાયા છે.

બેટદ્વારકામાં કેમ વારંવાર ડિમોલિશન ડ્રાઇવ થાય છે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બાલાપર વિસ્તાર બેટદ્વારકાના દ્વારકાધીશ મુખ્ય મંદિરથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે આવેલો છે. દેવભૂમિ દ્વારકાના ઇન-ચાર્જ કલેક્ટર એ. બી. પાંડોરે બીબીસીને જણાવ્યું કે જે મકાનોને તોડવામાં આવી રહ્યાં છે તે સરકારી જમીન પર મંજૂરી વગર ચણાયેલ હોવાથી “દબાણો” છે.

એ.બી. પાંડોરે કહ્યું, “અમુક જમીનો રૅકૉર્ડ પર ગૌચર સદરે બોલે છે, કારણ કે જે તે વખતે નગરપાલિકા ત્યાં અસ્તિત્વમાં ન હોય અને ત્યાં ગ્રામપંચાયત હશે.”

એ.બી. પાંડોરે જણાવ્યું, “જયારે નગરપાલિકા અસ્તિત્વમાં આવી, ત્યારે ગ્રામપંચાયતની જેટલી પણ મિલ્કતો હતી તે નગરપાલિકાને હસ્તાંતરિત થઈ. એટલે અત્યારે જેને ગૌચર જમીનો કહે છે તે બધી જમીનો નગરપાલિકાની માલિકીની ગણાય છે અને તેમાં મોટાભાગે દબાણો છે.”

દ્વારકાના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી અમોલ અવાતેએ જણાવ્યું કે બાલાપરનાં દબાણો ઘણાં જૂનાં હતાં. તેઓ જણાવે છે, “શરૂઆતમાં ત્યાં 40 લોકોને પ્લૉટની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ સમય જતાં ત્યાં આ દબાણો થયાં અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં ત્યાં સ્થિતિ કાબુ બહાર જતી રહી હતી.”

અમોલ અવાતે ઉમેરે છે, “તમને ખબર હશે કે દ્વારકા શહેરમાં પણ દબાણો બહુ ઝડપથી ખડકી દેવાય છે, કારણ કે આ વિકસી રહેલો વિસ્તાર છે અને જેમની પાસે રહેવા માટે મકાન નથી તેવા લોકો ધંધા-રોજગાર દેખાય તેવી જગ્યાએ સ્થાયી થઈ જાય છે.”

“આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તેથી, જયારે જયારે અમારી પાસે સંસાધનો ઉપલબ્ધ થાય ત્યારે ડેમોલિશનનું આયોજન કરી દબાણો દૂર કરાય છે. આવું વર્ષ દરમિયાન ચાલ્યા કરે છે.”

“માત્ર એવું નથી કે બેટદ્વારકામાં જ ડિમોલિશન હાથ ધરાય છે. ત્યાં દબાણો ખૂબ વધી ગયેલાં તેથી અમારે ત્યાં 2022 માં અને અત્યારે એમ બે વાર ડિમોલિશન ડ્રાઇવ કરવી પડી છે.”

અત્રે એ નોંધનીય છે કે 27 ડિસેમ્બર 2024 ના રોજ દ્વારકા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સરકારી દવાખાનાની નજીક આવેલ કાચાં-પાકાં મકાનો તોડી પડયાં હતાં.

અમોલ અવાતેએ કહ્યું કે બાલાપરમાં તોડી પડાયેલાં મકાનો કૉસ્ટલ રૅગ્યુલેશન ઝોન (સીઆરઝેડ)માં પણ આવતાં હતાં અને નિયમ પ્રમાણે સીઆરઝેડમાં ભરતી સમયના દરિયાના પાણીની રેખાથી જમીન તરફ 500 મીટરના વિસ્તારમાં બાંધકામની પરવાનગી નથી હોતી.

નાયબ કલેક્ટરે ઉમેર્યું કે બાલાપરમાં જે જમીનમાંથી દબાણો દૂર કરાયા છે તેમાંની કેટલીક જમીન ભગવાન કૃષ્ણના જીવનચરિત્ર આધારિત પ્રસ્તાવિત દેવભૂમિ દ્વારકા કૉરિડૉર વિકસાવવા માટે વપરાશમાં લેવાશે. આ કૉરિડૉર દ્વારકા અને બેટદ્વારકામાં આકાર લે તેવું રાજ્ય સરકારનું આયોજન છે.

અવાતે આ પરિયોજના વિશે જણાવ્યું, “એ કૉરિડૉર વિવિધ સૅક્ટર્સમાં બનશે અને તેનો કેટલોક ભાગ જે જગ્યાએ ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યાં પણ બનવાનો છે.”

2022નું પુનરાવર્તન?

બેટદ્વારકામાં ફરી ડિમોલિશન ડ્રાઇવ, બાલાપર, દેવભૂમિ દ્વારકા ઓખા, કૃષ્ણ કૉરિડૉર, 2022માં ડિમોલિશન, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Dinesh Vithlani

બાલાપરમાં મોટાભાગે માછીમારો અને ફેરી બોટ્સ ચલાવનાર લોકો રહે છે. સુદર્શન બ્રીજ બનવાથી તેમની રોજીરોટીને અસર પહોંચી છે.

બેટદ્વારકાના હાલના રહીશોમાં મોટાભાગે લઘુમતી સમાજના છે અને બાલાપરમાં પણ એવી જ સ્થિતિ છે.

હાલ ચાલી રહેલ દબાણ હટાવવાની કાગમરીની સૌથી વધારે અસર પણ આ સમાજના લોકોને જ થઈ છે.

એક સ્થાનિકે બીબીસીને ફોન પર જણાવ્યું, “2022 ની ડિમોલિશન ડ્રાઇવની જેમ આ વખતે પણ સમાજના આઠથી દસ સ્થાનિક આગેવાનોને પોલીસ લઈ ગઈ છે, તેથી કોઈ અવાજ ઉઠાવવાવાળું નથી.”

“આવી ઠંડીમાં આવું થાય તો લોકોને તકલીફ તો પડે જ ને. કેટલાક લોકો ત્યાં રણ (દરિયા કાંઠાનો રેતીવાળો તટ)માં જ પડ્યા છે.”

2022 માં દ્વારકામાં સુદર્શન સેતુના પૂર્વ છેડા નજીક બેટદ્વારકામાં કેટલાય દિવસો સુધી ડિમોલિશન ડ્રાઇવ ચાલી હતી. જેમાં સેંકડો મકાનોને સરકારી જમીન પર દબાણ જાહેર કરી તોડી પડાયા હતા. એ વિસ્તારમાં પણ લઘુમતી સમાજની બહુમતીવાળો હતો.

નગરપાલિકા પ્રમુખ શું કહે છે?

ડિસ્ક્રિપ્શન તસવીર પાંચ

ઇમેજ સ્રોત, Getty Images

ઓખા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ કોટકે ડિમોલિશન ડ્રાઇવ કોઈ એક સમાજના લોકોને લક્ષમાં રાખીને કરાય રહી હોવાની વાતને નકારી કાઢી હતી.

“ગૌચરની જમીન છે, સરકારી જમીનો છે અને તેમાં જે દબાણો થયાં છે તેને હઠાવવાનાં છે કારણ કે ટુરિઝમ (કૉર્પોરેશન ઑફ ગુજરાત)માંથી માંગણી કરી છે.”

રાજુભાઈ કોટકના કહેવા પ્રમાણે, જેવી રીતે સુદર્શન સેતુ બનવાથી બેટદ્વારકામાં અવરજવર વધી છે એવી જ રીતે કૉરિડૉર બનવાથી બેટદ્વારકાનો વિકાસ થશે. હાલ જે દબાણ હઠવવામાં આવી રહ્યાં છે, તે તાજેતરનાં વર્ષોનાં નથી.

“એટલે ઉપર કલેક્ટરમાંથી (કચેરી) અને પ્રાંતમાંથી (કચેરી) નગરપાલિકાને કહેવામાં આવ્યું કે આ રીતની નોટિસો બજાવો. એ લોકોએ જ સર્વે કરેલ છે. પણ કોઈ એક સમાજને જ ટાર્ગેટ કરીને કરવામાં આવ્યું તેવું નથી.”

“જયારે શરૂઆત થઈ, ત્યારે તેમાં સૌથી પહેલાં ગૌશાળાની દિવાલ આવતી હતી. પછી બીજાં એવાં એક-બે સ્થાન હતાં. એમાં હિંદુના મકાન પણ આવતા હતા. એવું નથી કે મોમેડિયનને ટાર્ગેટ કરીને આ બધું થઈ રહ્યું છે.”

પ્રમુખ રાજુભાઈ કોટકે વધારે જણાવ્યું કે ‘ગેરકાયેદેસર મકાનો બંધનારાઓને ચાર જાન્યુઆરી 2025 ના રોજ નોટિસ આપી દબાણો દૂર કરવાનું જણાવી દેવામાં આવ્યું હતું. ત્યાર પછી છ-સાત દિવસે બીજી નોટિસો આપવામાં આવી હતી.’

‘તેમ છતાં લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર ન કરતા સરકારે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.’

ઓખા નગરપાલિકાના મુખ્ય અધિકારી કિરણ શુક્લએ જણાવ્યું કે સોમવાર સાંજ સુધીમાં 233 મકાનો અને ચાર ધાર્મિક બાંધકામો તોડી પાડયાં હતાં.

નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ કોટકના કહેવા પ્રમાણે, “અમને કહેવામાં આવ્યું હતું કે ડિમોલિશન ડ્રાઇવ પાંચ-છ દિવસ ચાલશે અને પ્રાંત અધિકારી કહે છે કે જરૂર પડ્યે તેમાં વધારો થઈ શકે છે.”

તેમણે ઉમેર્યું “બહારગામથી યાત્રિકો દર્શન માટે આવતા હોય તેના માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે, કારણ કે ત્યાં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય અને ત્યાં જે કામ ચાલુ હોય તેમાં કોઈ ઇશ્યુ ઊભા થાય તો પ્રૉબ્લમ ન થાય.”

રાજુભાઈ કોટકના જણાવ્યાનુસાર બેટદ્વારકાના સ્થાનિકોની અવરજવર પૂર્વવત્ જ ચાલુ છે.

કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેવી?

બેટદ્વારકામાં ફરી ડિમોલિશન ડ્રાઇવ, બાલાપર, દેવભૂમિ દ્વારકા ઓખા, કૃષ્ણ કૉરિડૉર, 2022માં ડિમોલિશન, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Rupesh Sonawne

દેવભૂમિ દ્વારકાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસે (એસપી) નીતીશ પાંડેએ જણાવ્યું કે ભારે બંદોબસ્ત બેટદ્વારકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવ્યો છે.

“કાયદો અને વ્યવસ્થા જળવાય તે અમારી ફરજ છે અને તેથી સ્થાનિક પોલીસે, એસઆરપી (સ્ટેટ રિઝર્વ પોલીસ), મરીન કમાન્ડો સહિત લગભગ 1000 પોલીસમૅનનો બંદોબસ્ત ગોંઠવાયો છે.”

“આ કામગીરી દરમિયાન કોઈ મોટો અનિચ્છનીય બનાવ બન્યો નથી. આ સંદર્ભે અમે કોઈની ધરપકડ કરી નથી.”

અસરગ્રસ્તો માટે કૅમ્પ શરૂ કરાયો

બેટદ્વારકામાં ફરી ડિમોલિશન ડ્રાઇવ, બાલાપર, દેવભૂમિ દ્વારકા ઓખા, કૃષ્ણ કૉરિડૉર, 2022માં ડિમોલિશન, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Om Thobhani

જ્યારે બીબીસીએ પ્રાંત અધિકારી આવતેને પૂછ્યું કે ભારે ઠંડી પડી રહી છે તેવો સમય લોકોનાં ઘર તોડી પાડવાં માટે કેમ પસંદ કરાયો તો તેમણે કહ્યું કે ડિમોલિશન ડ્રાઇવથી બેઘર થયેલ લોકો માટે બાલાપર ખાતે જ સરકારે કૅમ્પ શરૂ કર્યો છે.

તેમણે જણાવ્યું, “અમે ત્યાં જ એક કામચલાઉ કૅમ્પ શરૂ કર્યો છે અને અમે લોકોને જણાવ્યું છે જે લોકો ત્યાં જશે તેમણે પાંચ દિવસ સુધી આશરો અને ખોરાક અમે પૂરા પાડીશું.

“એ ઉપરાંત જો લોકોને બેટદ્વારકામાંથી અન્ય કોઈ સ્થળે જવું હોય તો અમે તેમના માટે અને માલસામાનના વાહન માટે ટ્રૅક્ટર આપી રહ્યા છીએ અને આ ટ્રૅક્ટર તેમને 25 કિલોમીટર સુધીના અંતરે આવેલ કોઈ પણ સ્થળ સુધી તેમને ઉતારી આવશે.”

“તેથી જો લોકોને તેમના સંબંધીઓના ઘરે કે અન્ય કોઈ સ્થળે જવું હોય તો જઈ શકે છે. પરંતુ એવું નથી કે ડિમોલિશન માટે કોઈએ આ સમય પસંદ કર્યો છે કારણ કે દ્વારકામાં બે મહિના પછી ખૂબ ગરમી પડી રહી હશે.”

“સંજોગો એવા છે કે ડેમોલિશનનું કામ અત્યારે પ્રગતિમાં છે. અને આવું પણ નથી કે ડિમોલિશન માત્ર બેટદ્વારકામાં જ થઈ રહ્યું છે. દ્વારકા શહેરમાં પણ છેલ્લા 25 દિવસથી ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS