Source : BBC NEWS
ભારતનું ઑપરેશન સિંદૂર : ચાર વીડિયોમાં જુઓ ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો એ દરમિયાન શું શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 5 કલાક પહેલા
ભારતીય સૈન્યે બુધવારે રાતના એક-દોઢ વાગ્યાના અરસામાં ‘ઑપરેશન સિંદૂર’ ચલાવીને પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નવ સ્થળોએ હુમલો કર્યો હતો.
ભારતીય અધિકારીઓએ આ મામલે કરેલી પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ભારતે સીમાપારથી થઈ રહેલા હુમલાનો જવાબ આપવા અને તેનો પ્રતિરોધ કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કરીને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર અને પાકિસ્તાનના ‘આતંકી માળખા’ પર હુમલો કર્યો હતો.
પ્રેસ બ્રીફિંગમાં ભારતની કાર્યવાહીને ‘કેન્દ્રિત અને સંતુલિત’ ગણાવી હતી.
પ્રેસ બ્રીફિંગમાં હાજર ભારતીય સૈન્યનાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે, “આ ઑપરેશન 22 એપ્રિલના રોજ પહલગામમાં તયેલ બીભત્સ આતંકવાદી હુમલાના શિકાર માસૂમ નાગરિકો અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે લૉન્ચ કરાયું હતું.”
પાકિસ્તાની સૈન્યે ભારતના હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયાં હોવાની વાતની પુષ્ટિ કરી હતી.
જ્યારે બીજી તરફ એક ટોચના ભારતીય સૈન્ય અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે સીમા પાર ગોળીબારમાં મરનારા સામાન્ય ભારતીય નાગરિકોની સંખ્યા વધીને દસ થઈ ચૂકી છે. તેમજ 32 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ મૃત્યુ ભારત અને પાકિસ્તાન વચ્ચે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખાની નજીક થયાં હતાં.
બુધવારે ચરમપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કહ્યું કે પાકિસ્તાન પર ભારતે કરેલા હુમલામાં સંગઠનના પ્રમુખ મસૂદ અઝહરના પરિવારના દસ સભ્યો અને ચાર નિકટના સહયોગી માર્યા ગયા છે.
જૈશ-એ-મોહમ્મદ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં મસૂદ અઝહરનાં મોટાં બહેન અને તેમના પતિ, તેના ભાણિયા અને તેની પત્ની, એક ભાણી અને તેના પરિવારનાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે.
જૈશ-એ-મોહમ્મદે ફેબ્રુઆરી 2019માં પુલવામામાં કરેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનોનાં મોત થયાં બાદ બંન્ને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું હતું.
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સમય પસાર થતાંની સાથે વધતો જઈ રહ્યો છે ત્યારે બીબીસી ગુજરાતીની ખાસ વીડિયો રજૂઆતમાં જુઓ, અત્યાર સુધી આ મામલામાં શું શું બન્યું?
ભારતના હુમલા બાદ પાકિસ્તાનથી અહેવાલ
બુધવારે રાત્રે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર ખાતે નવ સ્થળોએ હુમલો કરી ‘આતંકી ઠેકાણાં’ને નષ્ટ કરી દેવાયા બાદ બીબીસી ઉર્દૂના સંવાદદાતા ફરહત જાવેદે પાકિસ્તાનથી આ અંગે પાકિસ્તાનની પ્રતિક્રિયા મામલે ત્યાંથી અહેવાલ આપ્યો હતો.
તેમણે કહ્યું કે, “પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફે જણાવ્યું કે ભારતે પાકિસ્તાનનાં વિવિધ ઠેકાણાં પર વિવિધ પ્રકારનાં હથિયારોનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો.”
“પાકિસ્તાની સૈન્ય પાસેથી મળી રહેલી માહિતી અનુસાર ભારત તરફથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અહમદપુર શરકિયા, મુરિદકે, શિયાલકોટ અને શક્કરગઢના વિસ્તારોમાં ભિન્ન ભિન્ન સ્થળોએ આ હુમલા કરાયા છે. આ સાથે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના મુઝફ્ફરાબાદ અને કોટલીમાં પણ હુમલા કરાયા છે.”
ફરહત જાવેદે જણાવ્યું કે, “આ હુમલામાં એક સામાન્ય વાત એ છે કે તે પૈકી મોટા ભાગના હુમલામાં મસ્જિદોને નિશાન બનાવાઈ છે. આ દરમિયાન આ મસ્જિદોની આસપાસ રહેતી આબાદીને પણ નુકસાન પહોંચ્યું છે.”
‘મુઝફ્ફરાબાદની બિલાલ મસ્જિદ થઈ તબાહ’
ભારતીય હવાઈ હુમલામાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના મુઝફ્ફરાબાદના વિસ્તારોને નિશાન બનાવાયા બાદ બીબીસી ત્યાં પહોંચ્યું હતું.
બીબીસી ઉર્દૂનાં સંવાદદાતા ફરહત જાવેદે મુઝફ્ફરાબાદથી ત્યાંની સ્થિતિ અંગે વીડિયો અહેવાલમાં જણાવ્યું કે, “હું હાલ મુઝફ્ફરાબાદના શવાઈ વિસ્તારમાં છું. આ એ વિસ્તાર છે જ્યાં ભારતીય સૈન્યના હુમલામાં એક મસ્જિદને નિશાન બનાવાઈ હતી. ભારતીય સૈન્ય દ્વારા ટાર્ગેટ કરાયેલ આ મસ્જિદનું નામ બિલાલ મસ્જિદ છે. “
તેમણે વિસ્તારની હાલની સ્થિતિ જણાવતાં કહ્યું કે, “અહીં વિસ્તારની નાકાબંધી કરી દેવાઈ છે. અહીં સૈન્ય ઉપરાંત સુરક્ષાદળોના જવાનો હાજર છે.”
ફરહત જાવેદ સ્થિતિ અંગે વધુ વિગતવાર જણાવતાં કહે છે કે, “મેં આગળ જઈને મસ્જિદને જોઈ છે. તેને ઘણું નુકસાન પહોંચ્યું છે. મસ્જિદની સાથોસાથ તેની આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન થયું છે.”
તેઓ જણાવે છે કે, “અહીં હાલ વિસ્તાર ક્લીયર કરાઈ રહ્યો છે. અમે જ્યારે અહીં પહોંચ્યા ત્યારે અમને અહીં ધાતુનું સ્તર જોવા મળ્યું. જે સુરક્ષાકર્મીઓ પ્રમાણે અહીં ફાયર કરવામાં આવેલી મિસાઇલનો એક ભાગ હતો.”
પાકિસ્તાનના મુરિદકેમાં શું થયું હતું- બીબીસી સંવાદદાતાએ જણાવી પરિસ્થિતિ
ભારતીય સૈન્યે પાકિસ્તાનના પંજાબના મુરિદકે ખાતે પણ બુધવારે પોતાની કાર્યવાહીમાં હુમલો કર્યો હતો.
બીબીસી ઉર્દૂના સંવાદદાતા ઉમર દરાઝ નંગિયાનાએ મુરિદકે ખાતે પહોંચીને વીડિયો અહેવાલમાં ત્યાંની સ્થિતિ જણાવી હતી.
તેમણે કહ્યું હતું કે, “લાહોરથી 30-40 કિમીના અંતરે આવેલું આ સ્થળ ભારતના હુમલામાં નિશાન બન્યું હતું.”
તેમણે હુમલાનું સ્થળ બતાવી કહ્યું હતું કે, “આ ઍજ્યુકેશનલ અને હેલ્થ કૉમ્પ્લેક્સ છે, જે ચારેકોરથી કૉર્ડન કરાયેલું છે. અહીં બહુ મોટી મોટી બિલ્ડિંગો છે. જેમાંથી આ ઇમારત પર નિશાન સાધવામાં આવ્યું છે.”
“સ્થાનિકોનું કહેવું છે કે આ ઇમારતની પાછળ એક મસ્જિદ છે, જેના પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું.”
તેમણે ઘટનાક્રમને નજરે જોનારા કેટલાક લોકો સાથે પણ વાતચીત કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS