Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ એક કલાક પહેલા
વર્લ્ડ ઇનઇક્વાલિટીએ વર્ષ 2026 માટેનો રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં ધનિકો અને ગરીબો વચ્ચેની અસમાનતા ખૂબ જ વ્યાપક છે. ભારત વિશ્વના ટોચના દેશોમાં સામેલ છે, જ્યાં આ પ્રકારની અસમાનતા મોટાપાયે જોવા મળી રહી છે.
અર્થશાસ્ત્રી લુક્સ ચાંસેલ, રિકાર્ડો ગોમેઝ-કૈરેરા, રોવાઇડા મોશરિફ તથા થૉમસ પિકેટીએ આ અહેવાલ તૈયાર કર્યો છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભારતની કુલ આવકનો લગભગ 58 ટકા હિસ્સો દેશના 10 ટકા લોકો કમાઈ રહ્યા છે, જ્યારે તળિયાના 50 ટકા લોકોના ભાગે આવકનો માંડ 15 ટકા હિસ્સો આવે છે.
ભારતમાં આ અસમાનતા માત્ર આવકની જ નથી, પરંતુ સંપત્તિની પણ છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સંપત્તિના પરિમાણથી જોવામાં આવે તો આ તફાવત ખૂબ જ મોટો છે.
જે મુજબ દેશના ટોચના એક ટકા લોકો પાસે દેશની લગભગ 40 ટકા સંપત્તિ છે, જ્યારે દેશના ટોચના 10 ટકા અમીરો પાસે 65 ટકા સંપત્તિ છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પુરુષોથી વધુ કામ કરવા છતાં મહિલાઓને ઓછી રકમ મળે છે. લિંગઆધારિત આ અસામાનતા વિશ્વના તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે.
ભારત અંગે આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?

વર્લ્ડ ઇનઇક્વાલિટીએ આ પહેલાં વર્ષ 2018 તથા 2022માં અહેવાલ બહાર પાડ્યા છે. વિશ્વભરના 200થી વધુ તજજ્ઞોની મદદથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
વર્લ્ડ ઇનઇક્વાલિટી લૅબના કો-ડાયરેક્ટર થૉમસ પિકેટીના કહેવા પ્રમાણે, “રાજકીય રીતે પડકારજનક સમયે આ રિપોર્ટ આવ્યો છે, પરંતુ અગાઉ કરતાં હાલ તેની વધુ જરૂર છે. ઐતિહાસિક રીતે સમાનતા માટે જે આંદોલનો થયા છે, તેને ચાલુ રાખીને જ આપણે આગામી દાયકાઓના સામાજિક તથા જળવાયુ સંબંધિત પડકારોને પહોંચી શકીશું.”
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં આવકના પરિમાણથી જોવામાં આવે, તો વર્ષ 2014થી 2024 દરમિયાન ટોચના 10 ટકા તથા તળિયાના 50 ટકા લોકો વચ્ચેનો તફાવત સમાન રહેવા પામ્યો છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં વ્યક્તિદીઠ સરેરાશ આવક (પર્ચેઝિંગ પાવર પૅરિટી એટલે કે ખરીદક્ષમતાના આધારે) વાર્ષિક લગભગ સાડા છ લાખ રૂપિયા (62 હજાર ડૉલર) જેટલી થાય છે.
ઇનઇક્વાલિટી લૅબના રિપોર્ટ પ્રમાણે, ભારતની દરેક વ્યક્તિ સરેરાશ લગભગ 29 લાખ રૂપિયા (28 હજાર યુરો) કરતાં વધુ છે.
મહિલાઓ સાથે અસમાનતા
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વિશ્વભરમાં લિંગઆધારિત અસમાનતા પ્રવર્તમાન છે અને અસંગઠિત ક્ષેત્રમાં આ સમસ્યા વ્યાપકપણે જોવા મળે છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, મહિલાઓ જે ઘરકામ કરે છે, તેને પણ ધ્યાને લેવામાં આવે, તો દરેક મહિલા અઠવાડિયામાં સરેરાશ 53 કલાક કામ કરે છે, જ્યારે પુરુષો 43 કલાક કામ કરે છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, જો મહિલાઓના આ વેતનવગરનાં કામોને બાદ કરતાં માત્ર નક્કર કામ ઉપર નજર કરવામાં આવે, તો પુરુષોને કલાકદીઠ જેટલા રૂપિયા મળે છે, તેના 61 ટકા જેટલી રકમ મહિલાઓને મળે છે.
જો તેમાં વેતનવગરના શ્રમને પણ ધ્યાને લેવામાં આવે, તો આ આંકડો ઘટીને માત્ર 32 ટકા જેટલો રહી જાય છે.
ઇમેજ સ્રોત, Getty Images
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભારતમાં શ્રમક્ષેત્રે મહિલાઓની ભાગીદારી (15.7 ટકા) ખૂબ જ ઓછી છે તથા ગત એક દાયકામાં આ આંકડામાં કોઈ ખાસ સુધાર નથી થયો.
રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં મહિલાઓ અને પુરુષોની વચ્ચે જવાબદારીઓની અસમાન વહેંચણી થયેલી છે, જેના કારણે મહિલાઓ માટે કૅરિયરની તકો મર્યાદિત થઈ જતી હોય છે. જેના કારણે રાજકારણમાં તેમની હિસ્સેદારી ઘટી જાય છે અને તેઓ પુરુષોની સરખામણીએ ઓછી સંપત્તિ એકઠી કરી શકે છે.
ભારતમાં આવક, સંપત્તિ તથા લૈંગિક અસમાનતાના મૂળિયા ઊંડા છે. જે ભારતીય અર્થતંત્રમાં લાંબા સમયથી પ્રવર્તમાન ‘સ્ટ્રક્ચરલ ડિવાઇડ’ છતું કરે છે.
રિપોર્ટની મહત્ત્વપૂર્ણ વાતો

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અસમાનતા સહિત અનેક બાબતોમાં વિશ્વભરમાં એકસમાન પરિસ્થિતિ પ્રવર્તમાન છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વિશ્વના ટોચના 10 ટકા લોકો બાકીના 90 ટકા લોકોની કુલ કમાણી કરતાં વધુ આવક રળે છે. એટલે કે તેમની પાસે દુનિયાની કુલ આવકનો માત્ર 10 ટકા હિસ્સો વિશ્વના 90 ટકા લોકો પાસે છે.
સંપત્તિની બાબતે વ્યાપક અસમાનતા પ્રવર્તે છે, કારણ કે 10 ટકા ધનવાનો પાસે વિશ્વની લગભગ 75 ટક સંપત્તિ છે. જ્યારે ઓછી આવકવાળાઓના ભાગે માત્ર બે ટકા સંપત્તિ છે. આ અસમાનતા માત્ર બે ટકા છે.
રિપોર્ટ અનુસાર, આ અસમાનતા સતત વધી રહી છે. 90ના દાયકાથી વિશ્વભરમાં અબજપતિઓની સંપત્તિ વાર્ષિક આઠ ટકાના દરે વધી છે. જે વસતિના તળિયાના અડધાભાગના વૃદ્ધિદર કરતાં બમણો વધારો છે.

રિપોર્ટમાં અર્થશાસ્ત્રીઓ લખે છે કે આ ગાળા દરમિયાન ગરીબોએ પણ પ્રગતિ કરી છે, પરંતુ અબજપતિઓ જેટલા પ્રમાણમાં સંપત્તિ એકઠી કરે છે, તેની સરખામણીમાં આ નહીં જેવી છે.
સંપત્તિની સરેરાશ પર નજર કરવામાં આવે, તો આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. જેમ કે, તળિયાના 50 ટકા લોકો પાસે સરેરાશ રૂ. છ લાખ 91 હજાર 200ની (લગભગ 6,500 યુરો) સંપત્તિ છે.
જ્યારે ટોચના 10 ટકા લોકો પાસે સરેરાશ એક અબજ છ કરોડ રૂપિયાની (10 લાખ યુરો) સંપત્તિ હોય છે.
વિશ્વમાં લગભગ 56 હજાર કરોડ લોકો પાસે 106 અબજ રૂપિયાની (એક અબજ યુરો) સંપત્તિ છે, જ્યારે માત્ર 56 લોકોની સરેરાશ સંપત્તિ વ્યક્તિદીઠ પાંચ હજાર 636 અબજ રૂપિયા (53 અબજ યુરો) જેટલી છે.
રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે કેટલીક નીતિઓ અપનાવીને આ અસમાનતાને ઓછી કરી શકાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







