Source : BBC NEWS

બીબીસી ગુજરાતી વાવાઝોડું વરસાદ હવામાન હીટવેવ

ઇમેજ સ્રોત, Getty Images

36 મિનિટ પહેલા

ભારતીયો માટે હવામાનને લઈને એક ચિંતાજનક અહેવાલ આવ્યો છે.

2024નું વર્ષ ભારત માટે અત્યાર સુધીમાં સૌથી ગરમ વર્ષ હતું એટલું જ નહીં, હવામાનને લગતી આફતોના કારણે 2024માં દેશમાં 3200થી વધારે લોકોના મોત થયાં હતાં. તેમાં વીજળી પડવી, પૂર, હિમપાત, હીટવેવ અને ચક્રવાતી વાવાઝોડું વગેરે આફતો સામેલ છે.

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ 15 જાન્યુઆરીએ 2024ના હવામાનનો વાર્ષિક અહેવાલ આપ્યો છે જેમાં જણાવ્યું છે કે વીજળી પડવાથી અને ગાજવીજ સાથે વરસાદના કારણે વર્ષમાં 1374 લોકો મૃત્યુ પામ્યા હતા. પૂર અને અતિશય વરસાદથી 1287 લોકોના જીવ ગયા, જ્યારે હીટ વેવના કારણે આખા દેશમાં 459 લોકોના મોત થયા હતા.

આ રિપોર્ટમાં બિહાર, કેરળ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં થયેલી જાનહાનિની સાથે ગુજરાતનો પણ ઉલ્લેખ છે. એન્યુઅલ ક્લાઇમેટ સમરી 2024માં જણાવાયું છે કે 2024માં પોરબંદર અને દ્વારકામાં વિક્રમજનક વરસાદ પડ્યો હતો.

રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે બિહારમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદથી સૌથી વધુ લોકોના ભોગ લેવાયા હતા જ્યારે કેરળમાં સૌથી વધારે લોકો વરસાદ અને પૂરના કારણે માર્યા ગયા હતા. આ બે રાજ્યો ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ સૌથી વધારે જાનહાનિ થઈ હતી.

ભારતમાં 1901થી તાપમાનનો રેકર્ડ રાખવાનું શરૂ થયું ત્યાર પછી 2024માં સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું. કેટલાક વિસ્તારોમાં સરેરાશ તાપમાન લૉંગ ટર્મ ઍવરેજ કરતા 0.65 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું હતું.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ભારતમાં તીવ્ર હવામાને હજારોનો ભોગ લીધો

બીબીસી ગુજરાતી વાવાઝોડું વરસાદ હવામાન હીટવેવ

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગના વાર્ષિક અહેવાલ પ્રમાણે વીજળી અને ગાજવીજ સાથેના વરસાદે એક વર્ષમાં 1374 લોકોનો ભોગ લીધો હતો, જેમાં ગુજરાત, બિહાર, આંધ્ર પ્રદેશ, યુપી, એમપી સહિતનાં મોટાભાગનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ છે.

ત્યાર બાદ પૂર અને ભારે વરસાદથી દેશમાં 1287 લોકો માર્યા ગયા હતા જેમાં શિયાળો, પ્રિ-મૉન્સૂન, ચોમાસું અને ચોમાસા પછીનો સમયગાળો સામેલ છે.

અતિશય ગરમીના કારણે 2024માં દેશમાં 459 લોકોનાં મોત થયાં હતાં, જેમાં બિહાર, ઝારખંડ, કેરળ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સામેલ છે પરંતુ ગુજરાતનું નામ નથી.

હિમવર્ષાથી એક મોત થયું હતું જે જમ્મુ અને કાશ્મીરમાં નોંધાયું હતું. શક્તિશાળી પવનોથી સાત લોકોનાં મોત થયાં હતાં જે ઝારખંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તેલંગણામાં નોંધાયાં હતાં. શીત લહેરથી સાત લોકોનાં મોત થયાં હતાં અને આ મોત પંજાબ અને બિહારમાં નોંધાયાં હતાં.

કરાં સાથે વરસાદ પડવાથી મહારાષ્ટ્રમાં બે મોત થયાં હતાં અને ચક્રવાતી તોફાનના કારણે એક વર્ષમાં 51 લોકો મૃત્યુ પામ્યા હતા. આ તમામ મોત પશ્ચિમ બંગાળ, મિઝોરમ, આસામ, નાગાલૅન્ડ, મેઘાલય અને મણિપુરમાં નોંધાયાં હતાં. ગયા વર્ષે ચક્રવાતી વાવાઝોડું ડાના આવ્યું હતું જેમાં પ. બંગાળમાં ચાર લોકોનાં મોત થયાં હતાં જ્યારે ફેંગલ વાવાઝોડાએ તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં 15 લોકોના જીવ લીધા હતા.

ગુજરાતનાં શહેરો કેવાં ગરમ રહ્યાં, કેવો વરસાદ પડ્યો

બીબીસી ગુજરાતી વાવાઝોડું વરસાદ હવામાન હીટવેવ

ઇમેજ સ્રોત, Getty Images

રિપોર્ટમાં મુખ્ય શહેરોમાં તાપમાન અને 24 કલાકમાં પડેલા વરસાદની વિગત પણ સામેલ છે. તે મુજબ અમદાવાદમાં લઘુતમ તાપમાન 10.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું હતું. વડોદરામાં 10 ડિગ્રીથી લઈને 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.

ભૂજમાં 9.8 ડિગ્રીથી લઈને 44.3 ડિગ્રી સુધી તાપમાન ગયું હતું. ડીસામાં લઘુતમ તાપમાન 8.9 ડિગ્રી અને મહત્તમ 45.4 ડિગ્રી નોંધાયું હતું. પોરબંદરમાં 10.5 ડિગ્રી લઘુતમ અને 41.3 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું જ્યારે રાજકોટમાં 9 ડિગ્રી સૌથી નીચું તાપમાન હતું જ્યારે વધીને 44.5 ડિગ્રી સુધી પારો પહોંચી ગયો હતો. સુરતમાં આખા વર્ષમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ 42.1 ડિગ્રી રહ્યું હતું.

દરિયાકાંઠાના વેરાવળમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ 41.3 ડિગ્રી નોંધાયું હતું.

વરસાદનો ડેટા જોવામાં આવે તો અમદાવાદમાં 27 ઑગસ્ટે 24 કલાકમાં 138.1 મીમી વરસાદ પડ્યો હતો, 25 જુલાઈએ વડોદરા શહેરમાં 24 કલાકમાં 320 મીમી કરતા વધુ વરસાદ, 20 જુલાઈએ દ્વારકામાં એક સાથે 418.6 મીમી અને 19 જુલાઈએ પોરબંદરમાં એક દિવસમાં 485.8 મીમી વરસાદ પડ્યો હતો જે રેકૉર્ડ હતો. રાજકોટમાં પણ ઑગસ્ટ 2024ના અંતમાં 24 કલાકમાં 318 મીમી વરસાદ પડ્યો હતો. પરંતુ આખા દેશમાં ચેરાપુંજીમાં 24 કલાકમાં 634 મીમી વરસાદ પડ્યો હતો જે મહત્તમ હતો.

ગુજરાત પર હીટવેવનો હંમેશાં ખતરો

બીબીસી ગુજરાતી વાવાઝોડું વરસાદ હવામાન હીટવેવ

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન ખાતાની વેબસાઇટ પ્રમાણે ભારતમાં માર્ચથી જૂન મહિના વચ્ચે હીટવેવ જોવા મળે છે અને કેટલીક વખત જુલાઈમાં પણ હીટવેવ આવી શકે છે. પરંતુ સૌથી વધારે હીટવેવ મે મહિનામાં નોંધાય છે.

જે રાજ્યોમાં હીટવેવનું જોખમ રહે છે તેમાં ગુજરાત પણ સામેલ છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પ. બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુમાં હીટવેવનું જોખમ રહે છે.

હીટવેવ જાહેર કરવા માટેના પણ ખાસ ધોરણો છે. કોઈ મેદાની પ્રદેશમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્શિયસ અથવા વધુ થાય અથવા પહાડી પ્રદેશમાં તાપમાન 30 ડિગ્રી સેલ્શિયસને વટાવી જાય ત્યારે તેને હીટવેવ કહે છે. સામાન્ય કરતા તાપમાન 4.5 ડિગ્રીથી 6.4 ડિગ્રી સુધી વધી જાય ત્યારે હીટવેવ કહી શકાય અને જો આ વધારો 6.4 ડિગ્રી સેલ્શિયસ કરતા વધુ હોય તો તેને તીવ્ર હીટવેવ કહેવામાં આવે છે.

સરેરાશ તાપમાનમાં ચિંતાજનક વધારો

બીબીસી ગુજરાતી વાવાઝોડું વરસાદ હવામાન હીટવેવ

ઇમેજ સ્રોત, Getty Images

મહત્ત્વની વાત એ છે કે ભારતમાં હવે કેટલાંક શહેરોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય છે અથવા 50 ડિગ્રીની નજીક પહોંચી જાય છે.

ગયા વર્ષમાં રાજસ્થાનના ચુરુમાં મહત્તમ તાપમાન 50.5 ડિગ્રી, જેસલમેરમાં મહત્તમ તાપમાન 48.7 ડિગ્રી, બિકાનેરમાં 48.6 ડિગ્રી, ગંગાનગરમાં 49.4 ડિગ્રી, બાડમેરમાં 49.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોમાં વારાણસીનું મહત્તમ તાપમાન 47.8 ડિગ્રી, ગયામાં 47.4 ડિગ્રી, સુલતાનપુરમાં 47 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું.

1901થી 2024 સુધીના તાપમાનનો અભ્યાસ દર્શાવે છે કે દર 100 વર્ષે સરેરાશ તાપમાનમાં 0.68 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. આ ગાળામાં મહત્તમ તાપમાન 100 વર્ષે 0.89 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે જ્યારે લઘુતમ તાપમાનમાં 0.46 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે.

આ રિપોર્ટ દર્શાવે છે કે 1991થી 2020ના સમયગાળાના ઍવરેજ તાપમાન સાથે તુલના કરવામાં આવે તો 2024નું વર્ષ સામાન્ય કરતા 0.65 ડિગ્રી વધારે ગરમ હતું, તેનાથી અગાઉ 2016નું વર્ષ 0.54 ડિગ્રી, 2009નું વર્ષ 0.40 ડિગ્રી, 2010નું વર્ષ 0.39 ડિગ્રી અને 2017નું વર્ષ એવરેજ કરતા 0.38 ડિગ્રી સેલ્શિયસ વધુ ગરમ હતું.

ભારતમાં સૌથી ગરમ 15 વર્ષને ધ્યાનમાં લેવામાં આવે તો તેમાંથી 10 વર્ષ 2010થી 2024 વચ્ચે આવ્યા છે. એટલે કે છેલ્લાં 15 વર્ષમાં ગરમીમાં અસહ્ય વધારો થયો છે. 1901થી અત્યાર સુધીનો રેકર્ડ દર્શાવે છે કે 2024નો ઑક્ટોબર મહિનો સરેરાશ કરતા વધારે ગરમ હતો અને સામાન્ય કરતા 1.23 ડિગ્રી ઊંચું તાપમાન નોંધાયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS