Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત બાંગ્લાદેશ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી કાપડ ટેક્સ્ટાઈલ્સ ઉત્પાદન આયાત નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, અજિત ગઢવી
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 25 મે 2025, 20:38 IST

    અપડેટેડ એક કલાક પહેલા

બાંગ્લાદેશમાં ગયા વર્ષે સત્તાપલટા પછી ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. આ તણાવની અસર હવે વ્યાપારી સંબંધો પર પણ પડી છે.

તાજેતરમાં ભારતે બાંગ્લાદેશને મળતી ટ્રાન્સશિપમેન્ટ સુવિધા રદ કરી હતી, જેના બાંગ્લાદેશમાં પ્રત્યાઘાત આવ્યા હતા. હવે બાંગ્લાદેશથી કેટલીક ચીજોની સસ્તી આયાત ઉપર પણ નિયંત્રણો આવી ગયાં છે.

ભારતે ગયા અઠવાડિયે એક મહત્ત્વનો નિર્ણય લઈને બાંગ્લાદેશથી જમીન માર્ગે આયાત થતી અમુક ચીજો પર નિયંત્રણ લાદ્યાં છે. તેમાં રેડીમેડ ગાર્મેન્ટ પર મૂકાયેલાં નિયંત્રણોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી બાંગ્લાદેશે રેડીમેડ ગાર્મેન્ટના ઉત્પાદનમાં કાઠું કાઢ્યું છે અને ભારતમાં સસ્તા બાંગ્લાદેશી માલનું ડમ્પિંગ કરવામાં આવે છે તેવી ફરિયાદ રહી છે.

બીબીસીએ ગાર્મેન્ટ અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગના લોકો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે ભારતે આવાં નિયંત્રણો કેમ લાદવાં પડ્યાં અને તેનાથી ભારતીય ઉત્પાદકોને કેટલો ફાયદો થશે.

ભારતે કઈ ચીજોની આયાત પર નિયંત્રણ મૂક્યાં?

બીબીસી ગુજરાતી ભારત બાંગ્લાદેશ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી કાપડ ટેક્સ્ટાઈલ્સ ઉત્પાદન આયાત નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

વાણિજ્ય મંત્રાલય હેઠળના ડાયરેક્ટર જનરલ ઑફ ફૉરેન ટ્રેડ (ડીજીએફટી)એ 17 મે, શનિવારે એક નોટિફિકેશન બહાર પાડીને લૅન્ડ રૂટથી બાંગ્લાદેશથી ગાર્મેન્ટ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, કોલકાતા પૉર્ટ અથવા મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરુ પૉર્ટ પરથી બાંગ્લાદેશી માલ લાવી શકાશે.

લૅન્ડ પૉર્ટ પરથી માલ નહીં આવી શકે એટલે કે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ અને ફુલબારી (પશ્ચિમ બંગાળ)થી બાંગ્લાદેશની માલની આયાત નહીં થઈ શકે.

જોકે, માછલી, એલપીજી, ખાદ્ય તેલ, અને ક્રશ્ડ સ્ટોનની આયાત પર પૉર્ટના કોઈ નિયંત્રણ નથી તેમ ડીજીએફટી જણાવે છે.

ભારતમાં ગાર્મેન્ટની જે કુલ આયાત થાય છે તેમાં એકલા બાંગ્લાદેશનો હિસ્સો 35 ટકા છે.

ભારતીય ટેક્સ્ટાઇલ ઉદ્યોગો માટે બાંગ્લાદેશનો માલ એક પડકારજનક હતો કારણ કે તેના પર શૂન્ય ઇમ્પોર્ટ ડ્યૂટી લાગતી હતી અને ભારતમાં બાંગ્લાદેશથી ટેક્સ્ટાઇલ્સની આયાતમાં બે આંકડામાં ગ્રોથ નોંધાયો હતો.

આ ઉપરાંત ચાઇનીઝ ફેબ્રિક પણ બાંગ્લાદેશના રૂટથી પાછલા બારણે પ્રવેશ કરે છે તેવી ફરિયાદ હતી. ચીનથી સીધી આયાત થાય તો તેના પર 20 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લાગે છે.

ભારતે જમીની માર્ગ (લૅન્ડ પૉર્ટ) મારફત બાંગ્લાદેશથી આયાત પર પ્રતિબંધ મૂકતા ભારતીય ટેક્સ્ટાઇલ્સ ઉદ્યોગ માટે 1000 કરોડ રૂપિયાથી વધારે ફાયદો થઈ શકે છે તેવું માનવામાં આવે છે.

જોકે, બાંગ્લાદેશ એ ભારતીય બ્રાન્ડેડ ગાર્મેન્ટ ઉત્પાદકોને માલ સપ્લાય પણ કરે છે અને ખાસ કરીને શિયાળુ સિઝનમાં સપ્લાયની સમસ્યા થઈ શકે છે. તેના કારણે ટી-શર્ટ અને ડેનિમનો ભાવ વધી શકે છે.

ભારતીય ઉદ્યોગ અને નિષ્ણાતો શું કહે છે?

બીબીસી ગુજરાતી ભારત બાંગ્લાદેશ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી કાપડ ટેક્સ્ટાઈલ્સ ઉત્પાદન આયાત નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

ક્લોધિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (સીએમએઆઈ)ના ચીફ મૅન્ટર રાહુલ મહેતા માને છે કે સરકારના આ નિર્ણયથી સ્થાનિક ઉદ્યોગોને ફાયદો થશે.

બીબીસી સાથે વાત કરતા રાહુલ મહેતાએ કહ્યું કે, “ભારતે બાંગ્લાદેશ સાથે FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) કર્યા તેના કારણે ઘણો સસ્તો માલ ભારતમાં આવી રહ્યો છે. તેમાં પરોક્ષ રીતે ચાઇનીઝ ફેબ્રિક પણ ભારતમાં આવી રહ્યું છે. આજે બાંગ્લાદેશથી એક જિન્સ કે શર્ટ પણ ભારતમાં લાવવામાં આવે તો ભારતમાં બે મીટર કાપડનું ઉત્પાદન ઘટે. અમે ઘણાં વર્ષોથી આ વિશે સરકારનું ધ્યાન દોરતા હતા.”

તેમનું કહેવું છે કે, “આપણે બાંગ્લાદેશમાં યાર્નની નિકાસ કરતા હતા તેના પર બાંગ્લાદેશે નિયંત્રણ લાદ્યા પછી આપણે કાઉન્ટર એક્શન લેવા પડ્યાં છે.”

ભારતમાં ગાર્મેન્ટ ઉત્પાદનમાં તામિલનાડુનું તિરુપુર એક હબ ગણાય છે. તિરુપુર સ્થિત સાઉથ ઇન્ડિયા હોઝિયરી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ એસ. બાલાચંદરે બીબીસીને કહ્યું કે, “સરકારે બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની આયાત સામે જે પગલાં લીધાં તેને અમે આવકારીએ છીએ.”

“કોવિડ પછી ભારતમાં બાંગ્લાદેશથી ગાર્મેન્ટની આયાતમાં ભારે વધારો થયો હતો જેના કારણે બિનતંદુરસ્ત સ્પર્ધા સર્જાઈ હતી. તેમાં ટકી રહેવું મુશ્કેલ હતું.”

તેમણે કહ્યું કે, “બાંગ્લાદેશમાં વેતનના દર ઘણા નીચા છે અને નિયમોનું પણ ચુસ્ત રીતે પાલન નથી થતું, તેથી તેઓ સ્પર્ધાત્મક ફાયદો ધરાવે છે. તેની તુલનામાં અમારે ત્યાં કામદારોના વેતન ઊંચા છે અને વેસ્ટેજના નિકાલ માટે આકરા નિયમો પાળવા પડે છે તેથી ખર્ચ વધી જાય છે.”

બીબીસી ગુજરાતી ભારત બાંગ્લાદેશ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી કાપડ ટેક્સ્ટાઈલ્સ ઉત્પાદન આયાત નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં પણ ગાર્મેન્ટ ઉત્પાદન થાય છે, પરંતુ રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગનો વિકાસ હજુ જોઈએ તેવો નથી થયો.

અમદાવાદસ્થિત શર્ટ ઉત્પાદક કંપની આયમા ક્રિયેશન્સના ડાયરેક્ટર મીના કાવિયાએ કહ્યું કે, “બાંગ્લાદેશથી ડ્યૂટી ફ્રી આયાત થતી હોવાના કારણે ઘણી ભારતીય કંપનીઓ પણ ત્યાંથી ઉત્પાદન કરાવતી હતી અને ભારતમાં માલ ઠાલવતી હતી. તેના કારણે સ્થાનિક યુનિટ્સને ફટકો પડતો હતો.”

બેંગલુરુ એ પુરુષોના કેઝ્યુઅલ વેરના ઉત્પાદનમાં અગ્રણી હબ ગણાય છે. બેંગલુરુસ્થિત સાઉથ ઇન્ડિયા ગાર્મેન્ટ મૅન્યુફેક્ચરિંગ ઍસોસિયેશનના પ્રેસિડન્ટ અનુરાગ સાંગલાએ કહ્યું કે, “અમારે ત્યાં ગાર્મેન્ટના ઉત્પાદન સાથે સંકળાયેલા લગભગ 3500 એકમો છે. છેલ્લાં બે વર્ષથી ગાર્મેન્ટ ઉત્પાદકો મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. ઑર્ડરનું પ્રમાણ ઘટી ગયું છે અને ફાઈનાન્સ મેળવવું મુશ્કેલ બનતું જાય છે. આવામાં બાંગ્લાદેશની ગાર્મેન્ટ આયાત પર નિયંત્રણોથી બેંગલુરુના ગાર્મેન્ટ ઉત્પાદકોને ફાયદો થશે.”

તેમણે કહ્યું કે “બેંગલુરુમાં ખાસ કરીને શર્ટ અને ટ્રાઉઝર્સનું ઉત્પાદન થાય છે. મોટી કૉર્પોરેટ કંપનીઓ બાંગ્લાદેશથી માલ ઇમ્પોર્ટ કરતી હોવાથી સ્થાનિક ઉદ્યોગ સંકટમાં હતો. હવે બાંગ્લાદેશી આયાત પર નિયંત્રણના કારણે અમે ઉત્પાદન વધારી શકીશું.”

ગાર્મેન્ટ ઉદ્યોગમાં બાંગ્લાદેશ કેમ આટલું સક્ષમ બન્યું?

બીબીસી ગુજરાતી ભારત બાંગ્લાદેશ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી કાપડ ટેક્સ્ટાઈલ્સ ઉત્પાદન આયાત નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગમાં ભારતને ટક્કર આપતા દેશોની વાત કરવામાં આવે તો તેમાં બાંગ્લાદેશ અને વિયેતનામ મોખરે છે.

આજે ભારતના મોટા ભાગના રિટેલ આઉટલેટ્સમાં બાંગ્લાદેશ અને વિયેતનામની બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ જોવા મળે છે.

પરંતુ બાંગ્લાદેશ ગાર્મેન્ટ ઉત્પાદનમાં આટલું સક્ષમ કઈ રીતે બન્યું?

ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સની ટેક્સ્ટાઇલ્સ કમિટીનાં ભૂતપૂર્વ ચૅરપર્સન મીના કાવિયાએ કહ્યું કે, “બાંગ્લાદેશમાં બહુ મોટા કદની ફૅકટરીઓ હોય છે, ત્યાં લેબરનો ખર્ચ ઓછો આવે છે અને તેમને ઘણા મોટા ઑર્ડર મળી રહ્યા છે.”

સીએમએઆઈના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને હાલમાં ચીફ મૅન્ટર રાહુલ મહેતા કહે છે કે, “બાંગ્લાદેશે એવાં ઘણાં પગલાં લીધાં છે જેથી તે ગાર્મેન્ટ ઉત્પાદનમાં આગળ નીકળી ગયું. બાંગ્લાદેશમાં બીજી કોઈ નિકાસલક્ષી ઇન્ડસ્ટ્રી ન હતી. પરંતુ હવે 85 ટકા નિકાસ ગાર્મેન્ટની છે અને તેને સરકારે ઘણો સપોર્ટ આપ્યો છે.”

તેઓ કહે છે, “બાંગ્લાદેશમાં લેબરના વેતનમાં વધારો થવા નથી દેવાયો, યુનિયન બનાવવા નથી દેવાયાં, ઓછા વ્યાજે બૅન્કિંગની સુવિધા છૂટથી અપાઈ છે, રૉ મટિરિયલ અને ફેબ્રિક્સની સસ્તા દરે આયાત કરવા દેવાય છે.”

“એક સમયે તો બાંગ્લાદેશ 100 ટકા રૉ મટિરિયલની આયાત કરતું હતું. આ ઉપરાંત ઓછા વિકસિત દેશ તરીકે પણ બાંગ્લાદેશને કેટલીક છૂટછાટનો લાભ મળ્યો છે. જેમ કે યુરોપમાં બાંગ્લાદેશી ઉત્પાદનને ડ્યૂટીમાં 10થી 12 ટકાની રાહત મળી છે.”

ફેડરેશન ઑફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ ઍસોસિયેશન (ફોસ્ટા)ના પ્રેસિડન્ટ કૈલાશ હકીમે ચીનની મુલાકાતો લીધી છે અને ત્યાંનાં ગાર્મેન્ટ યુનિટ્સ જોયાં છે.

તેઓ કહે છે કે, “સુરતમાં ગાર્મેન્ટ ઉત્પાદનમાં લગભગ અઢી લાખ મશીનો કામ કરતાં હશે, પરંતુ તે અલગ અલગ જગ્યાએ વિખેરાયેલાં છે તેથી લૉજિસ્ટિક્સનો ખર્ચ વધી જાય છે. ચીનમાં ક્લસ્ટર એપ્રોચ રાખવામાં આવે છે. એટલે કે જ્યાં ગાર્મેન્ટ બનતા હોય ત્યાં માત્ર તેનું જ ઉત્પાદન થશે. તેથી તેનો ખર્ચ નીચો આવે છે.”

બાંગ્લાદેશને કેવી આર્થિક અસર પડશે?

બીબીસી ગુજરાતી ભારત બાંગ્લાદેશ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી કાપડ ટેક્સ્ટાઈલ્સ ઉત્પાદન આયાત નિકાસ

ઇમેજ સ્રોત, Getty Images

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન પછી હાલમાં વચગાળાની સરકાર બની છે જેના મુખ્ય સલાહકાર તરીકે નોબેલ પ્રાઇઝ વિજેતા મોહમ્મદ યુનુસ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધોમાં હાલમાં તણાવ છે અને બાંગ્લાદેશ ચીનની નજીક જઈ રહ્યું હોય તેવા સંકેત મળ્યા છે.

તાજેતરમાં મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં ઇકોનૉમિક બેઝ સ્થાપવા માટે ચીનને આમંત્રણ આપ્યું હતું. તેમણે ઈશાન ભારતનાં રાજ્યોને જમીનથી ઘેરાયેલો પ્રદેશ ગણાવ્યો હતો.

સત્તાવાર આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2023-24માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ 14 અબજ ડૉલરનો વેપાર થયો હતો. આ દરમિયાન બાંગ્લાદેશે ભારતમાં 1.97 અબજ ડૉલરના માલની નિકાસ કરી હતી. ભારતની સૌથી મોટી નિકાસ રેડીમેડ ગાર્મેન્ટ છે.

દિલ્હી સ્થિત રિસર્ચ ગ્રૂપ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના અહેવાલ પ્રમાણે ભારતે બાંગ્લાદેશથી થતી 77 કરોડ ડૉલરની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. બંને દેશના કુલ દ્વિપક્ષીય આયાતનો આ લગભગ 42 ટકા થાય છે. બાંગ્લાદેશથી ભારતમાં આવતા રેડીમેડ ગાર્મેન્ટનું કુલ અંદાજિત મૂલ્ય 61.8 કરોડ ડૉલર છે.

ક્લોધિંગ મૅન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (સીએમએઆઈ)ના પ્રેસિડન્ટ રાહુલ મહેતા માને છે કે “લૅન્ડ પૉર્ટ પરથી ગાર્મેન્ટ અને બીજી ચીજોની આયાત પર નિયંત્રણના કારણે સમુદ્રી માર્ગ અથવા એર રૂટ અપનાવવો પડશે જેના કારણે તેમનો ખર્ચ વધી જશે. તેના કારણે ભારતીય ઉત્પાદકો એકથી બે હજાર કરોડ રૂપિયાનું વધારે વેચાણ કરી શકશે.”

બીબીસી બાંગ્લા સાથે વાત કરતા ઢાકા યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ બિઝનેસ ડિપાર્ટમેન્ટના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. મોહમ્મદ મોનિરુલે કહ્યું હતું કે, “ભારતમાં બાંગ્લાદેશની કુલ નિકાસ બહુ મોટી નથી. પરંતુ બાંગ્લાદેશની નિકાસની તુલનામાં આ નાનો હિસ્સો પણ નથી.”

તેમણે કહ્યું કે, “ભારતના આ પગલાંથી બાંગ્લાદેશના વેપાર પર ચોક્કસ અસર પડશે. આપણા બજાર મર્યાદિત છે અને ઉત્પાદનોની વિવિધતા ઓછી છે. ભારતમાં જે ઉત્પાદનોની નિકાસ કરીએ છીએ તેમાંથી મોટા ભાગનાને વિકસિત દેશોમાં મોકલી શકાય તેમ નથી. આ ઉપરાંત સમુદ્રી માર્ગે નિકાસ કરવાથી ખર્ચ પણ વધી જશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS