Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર પહલગામ સિયાલકોટ મુઝફ્ફરાબાદ પંજાબ મુરીદકે હવાઈ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

એક કલાક પહેલા

ભારતીય સેનાએ મંગળવાર અને બુધવારની રાત્રે “ઑપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં “આતંકવાદી ઠેકાણાં” પર હુમલા કર્યા છે.

ભારતીય સેનાએ કહ્યું છે કે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નવ ઠેકાણાં પર હુમલા કર્યા છે અને સમગ્ર કાર્યવાહી 25 મિનિટમાં પૂરી કરી દેવાઈ. જ્યારે પાકિસ્તાની અધિકારીઓના કહેવા મુજબ છ જગ્યા પર હુમલા થયા છે.

પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી થયેલા આ હુમલાઓમાં બાળકો અને મહિલાઓ સહિત 26 લોકો માર્યા ગયા છે અને 46 ઘાયલ થયા છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર ભારતે છ સ્થળોએ વિવિધ હથિયારોનો ઉપયોગ કરીને કુલ 24 હુમલા કર્યા છે.

મંગળવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં પાકિસ્તાની સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અહમદપુર શાર્કિયા, મુરીદકે, સિયાલકોટ અને શકરગઢ અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કોટલી અને મુઝફ્ફરાબાદને નિશાન બનાવ્યા હતા.

ચાલો જાણીએ કે ભારતે જે શહેરો અને ટાઉનને નિશાન બનાવ્યાં છે તે ક્યાં આવેલાં છે અને ત્યાં કેટલું નુકસાન થયું છે.

બીબીસી ઉર્દૂએ સ્થળો અને ત્યાં થયેલા નુકસાન અંગે માહિતી આપી છે.

ભારતે કયાં કયાં સ્થળે હુમલા કર્યા?

કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું કે “પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ દાયકાથી ટેરર ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં ભરતી, ટ્રેનિંગ અને લૉન્ચ પૅડ પણ સામેલ છે. જે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાં ફેલાયેલાં છે.”

આ પત્રકારપરિષદમાં એવી જગ્યાઓ વિશે માહિતી અપાઈ, જ્યાં ‘આતંકી કૅમ્પ હતાં.’

અહમદપુર શર્કિયા (બહાવલપુર)

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર પહલગામ સિયાલકોટ મુઝફ્ફરાબાદ પંજાબ મુરીદકે હવાઈ હુમલો

અહમદપુર શર્કિયા એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુર જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક શહેર છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં આવેલી સુભાન મસ્જિદને ચાર હુમલામાં નિશાન બનાવાઈ છે. જેમાં “મસ્જિદ નષ્ટ થઈ ગઈ અને આસપાસની વસ્તીને પણ નુકસાન થયું હતું.”

તેમનું કહેવું છે કે આ હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા, જેમાં ત્રણ વર્ષની એક છોકરી, બે મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ હુમલાઓમાં 31 લોકો ઘાયલ પણ થયા છે.

એ નોંધવું જોઈએ કે પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક પણ બહાવલપુરમાં આવેલું છે અને મદરેસા અલ-સબીર અને જામિયા મસ્જિદ સુભાન આનો ભાગ છે.

મુરીદકે

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર પહલગામ સિયાલકોટ મુઝફ્ફરાબાદ પંજાબ મુરીદકે હવાઈ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

મુરીદકે એ લાહોરથી લગભગ 40 કિલોમીટર ઉત્તરમાં શેખપુરામાં આવેલું શહેર છે.

એ નોંધવું જોઈએ કે લાહોરની બહાર આવેલું આ શહેર ભૂતકાળમાં જમાત-ઉદ-દાવાના કેન્દ્ર ‘દાવત ઉલ-ઇરશાદ’ના કારણે પણ સમાચારમાં રહ્યું છે.

સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુરીદકેમાં ઉમ્મ ઉમ્મુલ-કુરા મસ્જિદ અને તેની આસપાસના વિસ્તારોને ચાર ભારતીય હુમલાઓએ નિશાન બનાવી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક ઘાયલ થઈ, જ્યારે બે લોકો ગુમ છે.

બીબીસી સંવાદદાતા ઉમર દરાજ નાંગિયાના બુધવારે સવારે મુરીદકેમાં ભારતીય હુમલાના સ્થળે મોડી રાત્રે પહોંચ્યા. તેમના મતે મુરીદકેમાં જે ઇમારતને નિશાન બનાવાઈ તે જાહેર આરોગ્ય અને શિક્ષણ સંકુલ છે, જે મુરીદકે શહેરથી થોડે દૂર, જીટી રોડથી દૂર પણ વસ્તીની અંદર આવેલું છે. તે મોટું છે અને ચારે બાજુ વાડ છે.

તેમણે કહ્યું કે સંકુલની અંદર એક હૉસ્પિટલ અને શાળા છે અને બાજુમાં આવેલી ઇમારતને નિશાન બનાવાઈ હતી, જેમાં એક મોટી મસ્જિદ પણ હતી. હુમલાના પરિણામે ઇમારત નાશ પામી હતી અને તેનો કાટમાળ દૂર દૂર સુધી વિખરાયેલો દેખાતો હતો. આ હુમલામાં મસ્જિદના એક ભાગને પણ નુકસાન થયું હતું, જ્યારે સંકુલને પણ ભારે નુકસાન થયું હતું.

રિપોર્ટરના જણાવ્યા મુજબ શાળા અને હૉસ્પિટલની ઇમારતો સાથે કેટલીક અન્ય ઇમારતો પણ હતી જે રહેણાક સંકુલના ભાગ જેવી દેખાતી હતી, જ્યારે એક તરફ કેટલાક ક્વાર્ટર્સ હતા, જેમાં સ્થાનિક રહેવાસીઓના મતે કર્મચારીઓ રહેતા હતા.

બીબીસી સંવાદદાતાના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં આ સ્થળ જમાત-ઉદ-દાવા અને તેના સહયોગીઓની કલ્યાણકારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, જેના માટે શિક્ષણ સંકુલ અને આરોગ્યકેન્દ્રો બનાવાયાં હતા. જોકે, સંગઠન પર પ્રતિબંધ મુકાયા પછી પાકિસ્તાની સરકારે આ કેન્દ્રનું સંચાલન પોતાના હાથમાં લીધું અને જનતાને સુવિધાઓ પૂરી પાડવા માટે તેનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

જમ્મુની સામે પાસે પણ હુમલા

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર પહલગામ સિયાલકોટ મુઝફ્ફરાબાદ પંજાબ મુરીદકે હવાઈ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

મુઝફ્ફરાબાદ

આ શહેર પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરનું પાટનગર છે, જ્યાં ઘણી મહત્ત્વની કચેરી અને સરકારી ઇમારતો આવેલી છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શવાઈ નાલામાં આવેલા મસ્જિદ-એ-બિલાલને નિશાન બનાવાઈ છે.

બીબીસી ઉર્દૂનાં સંવાદદાતા તબિન્દા કોકાબના જણાવ્યા અનુસાર, શુવાઈ નાલા મુઝફ્ફરાબાદના મુખ્ય રસ્તા પર આવેલી છે, જે એક ટેકરી તરફ જાય છે અને આ ટેકરીની ટોચને શહીદ ગલી કહેવામાં આવે છે.

તેઓ કહે છે કે શુવાઈ અને બાજુના સમાં બાંદીના હુમલાગ્રસ્ત વિસ્તારોના કેટલાક લોકો શહેરના અન્ય વિસ્તારોમાં જઈ રહ્યા છે. ત્યાં વાહનોની લાઇનો લાગી છે, કેટલાક લોકો તેમના પ્રિયજનોની ખબર કાઢવા અને તેમને લઈ જવા પહોંચ્યા છે, જ્યારે સુરક્ષાદળો વિસ્તારમાં પહોંચી ગયા છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બિલાલ મસ્જિદ પર સાત હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં એક છોકરી ઘાયલ થઈ.

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર પહલગામ સિયાલકોટ મુઝફ્ફરાબાદ પંજાબ મુરીદકે હવાઈ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

કોટલી

કોટલી પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઇસ્લામાબાદથી લગભગ 120 કિલોમીટર દૂર નિયંત્રણરેખા નજીક આવેલું છે.

સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોટલીમાં એક મસ્જિદને પણ નિશાન બનાવાઈ છે અને આ હુમલામાં 16 વર્ષની છોકરી અને 18 વર્ષનો યુવક માર્યાં ગયાં અને બે મહિલા ઘાયલ થઈ હતી.

સિયાલકોટ

સિયાલકોટ પંજાબ પ્રાંતનું એક મહત્ત્વનું શહેર છે, જે ચિનાબ નદીના કિનારે આવેલું છે. અહીંથી, જમ્મુ પ્રદેશ ઉત્તરમાં માત્ર 48 કિલોમીટર દૂર આવેલો છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સિયાલકોટની ઉત્તરે આવેલા કોટલી લોહારાં ગામ પર બે ગોળા છોડવામાં આવ્યા હતા, જેમાંથી એકમાં વિસ્ફોટ ન થયો. તેમનું કહેવું છે કે હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.

શકરગઢ

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન કાશ્મીર પહલગામ સિયાલકોટ મુઝફ્ફરાબાદ પંજાબ મુરીદકે હવાઈ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

શકરગઢ પંજાબના નારોવાલ જિલ્લાનો એક તાલુકો છે. આ શહેર પૂર્વમાં ભારતીય જિલ્લા ગુરદાસપુર અને ઉત્તરમાં જમ્મુ પ્રદેશથી ઘેરાયેલું છે, જેનો અર્થ એ થાય કે તે આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન અને ભારત વચ્ચેની કાર્યકારી સરહદ બંનેને અડીને આવેલું છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શકરગઢ પર પણ બે ગોળા છોડવામાં આવ્યા હતા, જેના કારણે એક દવાખાનાને થોડું નુકસાન થયું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS