Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
અપડેટેડ 30 મિનિટ પહેલા
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે.
ભારતે બંને દેશો વચ્ચે સિંધુ જળસંધિને રોકવાનો નિર્ણય કર્યો છે, બૉર્ડર ક્રોસિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા છે.
જ્યારે તેના જવાબમાં પાકિસ્તાને શિમલા કરારમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે જો ભારત નદીનું પાણી રોકશે તો તેને ‘યુદ્ધની કાર્યવાહી’ તરીકે ગણવામાં આવશે અને તેનો સંપૂર્ણ તાકાત સાથે જવાબ આપવામાં આવશે.
બંને દેશોના રાજકીય નેતૃત્વ તરફથી એકબીજાને કડક ચેતવણી અને જવાબ આપવાની કાર્યવાહીની ધમકી આપતા નિવેદનો પણ કરવામાં આવી રહ્યા છે.
પહલગામ હુમલા પછી પહેલી વાર જાહેરમાં બોલતા ભારતના વડા પ્રધાને ગત ગુરુવારે એક રેલીમાં કહ્યું હતું કે, ‘આ હુમલો કરનારા આતંકવાદીઓને કલ્પના કરતાં પણ ખરાબ સજા મળશે.’
તેમણે કહ્યું, “હું આખી દુનિયાને આ સંદેશ આપું છું કે ભારત દરેક આતંકવાદીને અને તેમને ટેકો આપનારાઓને પણ શોધશે અને સજા કરશે… હવે આતંકવાદીઓની જે થોડીઘણી જમીન બચી છે તેને નષ્ટ કરવાનો સમય આવી ગયો છે.”
ભારતના જળ સંસાધન મંત્રી સીઆર પાટીલે કહ્યું હતું કે, “પાકિસ્તાનને પાણીનું એક ટીપું પણ ન મળે તે માટે રણનીતિ બનાવવામાં આવી રહી છે.”
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કોઈપણ ઘૃણાનો કડક જવાબ આપવાની વાત કરી હતી, ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પણ બીબીસી સાથેની મુલાકાતમાં ફરીથી એ ચેતવણી આપી હતી કે ‘સિંધુ જળ સંધિ સંબંધિત કોઈપણ કાર્યવાહીને યુદ્ધની ઘોષણા માનવામાં આવશે.’
નિવૃત્ત જનરલે શું ચેતવણી આપી?

દક્ષિણ એશિયાઈ રાજકારણ પર નજર રાખનારા નિષ્ણાતો ભારત દ્વારા મર્યાદિત લશ્કરી કાર્યવાહીની શક્યતાને નકારી રહ્યા નથી. જેમાં એક વ્યાપક યુદ્ધ થવાનો ખતરો પણ રહેલો છે.
જોકે, લૅફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) એસ.એચ. પનાગે લશ્કરી કાર્યવાહી અંગે ઉતાવળિયા નિર્ણયો લેવા સામે ચેતવણી આપી છે.
ધ પ્રિન્ટમાં લખાયેલા એક લેખમાં તેમણે લખ્યું છે કે પાકિસ્તાન એક પરમાણુ શસ્ત્રોથી સમૃદ્ધ દેશ છે અને તેની પાસે ભારતીય સેના દ્વારા મર્યાદિત લશ્કરી કાર્યવાહીનો જવાબ આપવા માટે પૂરતી શક્તિ છે.
તેમણે લખ્યું છે કે, “ભારત પાસે કોઈ પણ ક્ષેત્રમાં એટલી વધુ ટેકનૉલૉજીકલ સરસાઈ નથી. પછી ભલે તે મિસાઇલ હોય, ડ્રોન હોય કે પછી વાયુસેનાની શક્તિ હોય. પાકિસ્તાન પાસે જવાબ આપવાની ક્ષમતા છે અને આપણે તેના માટે તૈયાર રહેવું જોઈએ.”
બીજી તરફ, બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તેમની સેનાની તૈયારી વિશે કહ્યું હતું કે, “અમારે તૈયારી કરવાની જરૂર નથી. અમે પહેલેથી જ તૈયારી કરી લીધી છે. અમે કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ.”
શનિવારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ કહ્યું હતું કે, “જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો 2019 ની જેમ જ જવાબ આપવામાં આવશે.”
તેઓ પુલવામા ચરમપંથી હુમલા પછી બાલાકોટમાં ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યારે બંને દેશોની વાયુસેના વચ્ચે મર્યાદિત અથડામણ થઈ હતી.
ભારતીય સેનાની તાકાત

વર્ષ 2025માં વૈશ્વિક લશ્કરી શક્તિની દૃષ્ટિએ, ભારત 145 દેશોમાં ચોથા ક્રમે છે જ્યારે પાકિસ્તાન 12મા ક્રમે છે.
ભારતીય સેના પાસે લગભગ 22 લાખ સૈન્ય જવાનો, 4201 ટૅન્ક, લગભગ 1.5 લાખ સશસ્ત્ર વાહનો, 100 ઑટોમેટેડ તોપખાનાં અને 3975 અન્ય તોપખાનાં છે. આ ઉપરાંત, મલ્ટી બેરલ રૉકેટ આર્ટિલરીની સંખ્યા 264 છે.
ભારતીય વાયુસેના પાસે 3 લાખ 10 હજાર વાયુસૈનિકો છે અને કુલ 2229 વિમાનો છે જેમાં 513 ફાઇટર વિમાન અને 270 ટ્રાન્સપોર્ટ વિમાનનો સમાવેશ થાય છે. કુલ વિમાનોમાં 130 ઍટેકર વિમાનો, 351 ટ્રૅનર અને છ ટૅન્કર ફ્લીટ ઍરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
ભારતીય સેનાની ત્રણેય પાંખો પાસે કુલ 899 હૅલિકોપ્ટર છે, જેમાંથી 80 ઍટેકર હૅલિકૉપ્ટર છે.
ભારતીય નૌકાદળમાં 1.42 લાખ નૌસૈનિકો અને કુલ 293 જહાજો છે જેમાં બે વિમાનવાહક જહાજો, 13 વિનાશક જહાજો, 14 ફ્રિગેટ્સ, 18 સબમરીન અને 18 કૉર્વેટનો સમાવેશ થાય છે.
લૉજિસ્ટિક્સની દૃષ્ટિએ, ભારતીય સેના પાસે 311 ઍરપૉર્ટ, 56 બંદરો અને 63 લાખ કિલોમીટર રોડ અને 65 હજાર કિલોમીટરનું રેલ્વે કવરેજ છે.
પાકિસ્તાનની સેનાની ક્ષમતા

ગ્લોબલ ફાયર પાવર અનુસાર, પાકિસ્તાની સેનામાં લગભગ 13.11 લાખ સૈન્ય જવાનો, 1.24 લાખ નૌકાદળના જવાનો અને 78 હજાર વાયુસેનાના જવાનો છે.
પાકિસ્તાન પાસે કુલ 1399 વિમાન છે જેમાં 328 ફાઇટર જેટ, 90 ઍટેકર પ્રકારના, 64 ટ્રાન્સપૉર્ટ ઍરક્રાફ્ટ, 565 ટ્રૅનર, 4 ટૅન્કર ફ્લીટ અને 373 હૅલિકૉપ્ટર છે, જેમાં 57 ઍટેક હૅલિકૉપ્ટરનો સમાવેશ થાય છે.
તેની પાસે 2627 ટૅન્ક, 17.5 વાહનો, 662 ઑટોમેટેડ તોપખાનાં, 2629 અન્ય તોપખાનાં અને 600 મલ્ટીબૅરલ રૉકેટ તોપખાનાં છે.
પાકિસ્તાની નૌકાદળ પાસે કુલ 121 યુદ્ધજહાજો છે, જેમાં 9 ફ્રિગેટ્સ, 9 કૉર્વેટ, આઠ સબમરીન અને 69 પૅટ્રોલિંગ જહાજોનો સમાવેશ થાય છે.
લૉજિસ્ટિક્સની દૃષ્ટિએ, તેની પાસે ફક્ત ત્રણ બંદરો, 116 ઍરપૉર્ટ અને 60 મર્ચન્ટ મરીન કાફલા છે. આ ઉપરાંત 2.64 કિમી રોડ અને 11.9 કિમી રેલ્વે કવરેજ છે.
કોની પાસે કેટલાં પરમાણુ હથિયારો છે?
સ્વીડિશ થિંક ટૅન્ક સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI), 2024ના અહેવાલ મુજબ, ભારત પાસે 172 પરમાણુ હથિયારો છે જ્યારે પાકિસ્તાન પાસે 170 પરમાણુ હથિયારો છે.
જોકે, બંને દેશો પાસે કેટલાં પરમાણુ હથિયારો તહેનાત છે તે સ્પષ્ટ નથી.
આ સંગઠનનું કહેવું છે કે પાકિસ્તાન ભારત સાથે સ્પર્ધા કરવા માટે પરમાણુશસ્ત્રો તૈયાર કરી રહ્યું છે જ્યારે ભારતનું ધ્યાન લાંબા અંતરનાં શસ્ત્રો તહેનાત કરવા પર છે. એટલે કે એવા શસ્ત્રો જે ચીનને પણ નિશાન બનાવી શકે છે.
ભારત અને પાકિસ્તાનના પાડોશી તથા વિશ્વની ત્રીજી સૌથી મોટી પરમાણુ શક્તિ ધરાવતા ચીનમાં પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં 22 ટકાનો વધારો થયો છે, જે 410થી વધીને 500 થઈ ગયો છે.
ડ્રૉન્સની સંખ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ગત વર્ષે નવેમ્બરમાં પ્રકાશિત બીબીસી ઉર્દૂ સંવાદદાતા શકીલ અખ્તરના એક અહેવાલ અનુસાર, ભારત અને પાકિસ્તાન તેમના ડ્રૉનની સંખ્યામાં ઝડપથી વધારો કરી રહ્યા છે.
સંરક્ષણ વિશ્લેષક રાહુલ બેદીના મતે, આગામી બેથી ચાર વર્ષમાં ભારત પાસે લગભગ પાંચ હજાર ડ્રૉન હશે.
તેમના મતે, પાકિસ્તાન પાસે ‘ભારત કરતાં ઓછા ડ્રૉન’ હોવા છતાં, તેની પાસે જે ડ્રૉન છે તેમાં અલગ અલગ ક્ષમતાઓ છે અને તે 10 થી 11 અલગ અલગ બ્રાન્ડના છે.
ગયા વર્ષે ઑક્ટોબરમાં, ભારતે અમેરિકા સાથે 3.5 અબજ ડૉલરના 31 પ્રિડેટર ડ્રૉન ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
પ્રિડેટર ડ્રૉનને વિશ્વના સૌથી સફળ અને ખતરનાક ડ્રૉન માનવામાં આવે છે.
તેમની સાથે, 500 મિલિયન ડૉલરના બૉમ્બ અને લેસર ગાઇડેડ મિસાઇલો પણ ખરીદવામાં આવશે, જેનો ઉપયોગ તે ડ્રૉન દ્વારા લક્ષ્યોને નષ્ટ કરવા માટે કરવામાં આવશે.
રાહુલ બેદીના મતે, પાકિસ્તાન તુર્કી અને ચીનથી ડ્રૉન આયાત કરે છે. જોકે, તેણે જર્મની અને ઇટાલી પાસેથી પણ ડ્રૉન ખરીદ્યાં છે.
પાકિસ્તાને બરાક અને શાહપર જેવા ડ્રૉન પણ બનાવ્યાં છે.
પાકિસ્તાન પાસે તુર્કીનાં આધુનિક ‘બૅરેક્ટર’ ડ્રૉન ટીબી2 અને Akenji છે જ્યારે તેણે ચીન પાસેથી ‘વાંગ લૉંગ ટુ’ અને ‘સીએચ4’ જેવાં ડ્રૉન પણ મેળવ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS