Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ANI
52 મિનિટ પહેલા
ભારત સરકારના ગૃહમંત્રાલયના આદેશ પ્રમાણે 7 મેના રોજ દેશના તમામ 244 સિવિલ ડિફેન્સ જિલ્લામાં મૉક ડ્રિલ કરાઈ હતી.
આ દરમિયાન ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઘણાં ઠેકાણે હવાઈ હુમલા કર્યા હતા. આઠ મેની રાત્રે પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારો તરફ તોપમારો કરાયો ત્યારે પણ જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન તથા ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં બ્લૅક-આઉટ કરવામાં આવ્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવની સ્થિતિમાં સાત મેના દિવસે રાજ્યોના પોલીસ દળ, ફાયર સર્વિસિઝ, રાહત અને કટોકટી દળોએ આ મૉક ડ્રિલમાં ભાગ લીધો હતો. આના માટે મોટા પાયે તૈયારીઓ કરાઈ.
ભારત સરકારે એક વીડિયો જાહેર કરીને મૉક ડ્રિલ દરમિયાન શું કરવું જોઈએ અને કેવી રીતે સંયમ જાળવવો જોઈએ.
ભારત સરકારના ગૃહમંત્રાલયની અંતર્ગત આવતા ફાયર સર્વિસ, નાગરિક સુરક્ષા અને હોમ ગાર્ડ મહાનિદેશાલય પાસે દેશમાં સિવિલ ડિફેન્સની જવાબદારી હોય છે.
સિવિલ ડિફેન્સ એટલે કે નાગરિક સુરક્ષા એક એવી વ્યવસ્થા છે, જે યુદ્ધ પ્રાકૃતિક આપત્તિઓ કે અન્ય કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા, તેમનાં જીવન અને સંપત્તિની સુરક્ષા તથા સમાજમાં વ્યવસ્થા જાળવી રાખવા માટે કામ કરે છે.

ભારતમાં નાગરિક સુરક્ષાનો હેતુ જનતાને કટોકટીની સ્થિતિ માટે તેયાર કરવાનો, જનતાને તાલીમ આપવાનો અને કટોકટી પ્રબંધનમાં મદદ કરવાનો હોય છે.
સિવિલ ડિફેન્સની વ્યવસ્થા સરકાર, સ્વયંસેવકો અને સમુદાયના સામૂહિક પ્રયાસો પર આધારિત છે.
સિવિલ ડિફેન્સ મહાનિદેશાલય આના માટે સમયાંતરે દેશના અલગ-અલગ ભાગોમાં તાલીમનું આયોજન કરે છે અને સ્વયંસેવકોને તૈયાર કરે છે. ગૃહમંત્રાલયના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારો સિવિલ ડિફેન્સનું કામ જુએ છે.
નૅશનલ સિવિલ ડિફેન્સ કૉલેજ (એનસીડીસી) પ્રમાણે, વર્ષ 2017માં ભારતમાં લગભગ સાત લાખ સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર (સ્વયંસેવક) હતા. કેન્દ્ર સરકારે વર્ષ 2022 સુધી તેને વધારીને એક કરોડ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. જોકે, આ લક્ષ્ય હાંસલ કરી શકાયું કે નહીં, એ અંગે સ્પષ્ટ ડેટા નથી.


ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે નાગરિક સુરક્ષા અધિનિયમ, 1968 લાગુ કરાયો ત્યારે ભારતમાં ઔપચારિકપણે નાગરિક સુરક્ષાની શરૂઆત વર્ષ 1968માં થઈ.
આ અધિનિયમ યુદ્ધકાલીન અને શાંતિકાલીન આપાત સ્થિતિઓમાં નાગરિકોની સુરક્ષા માટે બનાવાયો હતો. તેનો હેતુ બાહ્ય હુમલા, જેમ કે હવાઈ હુમલા કે અન્ય સંકટોનો સામનો કરવા માટે તૈયાર રહેવાનો હતો.
સમયની સાથે, સિવિલ ડિફેન્સનો વ્યાપ વધ્યો અને હવે એ ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિઓ જેમ કે, દુર્ઘટના, રાસાયણિક લીક વગેરે સામેલ છે.
નાગરિક સુરક્ષાનો મુખ્ય હેતુ કટોકટીની સ્થિતિમાં નાગરિકોનાં જીવન અને સંપત્તિનું રક્ષણ કરવાનો છે.
હવે તેમાં આપત્તિ વ્યવસ્થાપન પણ સામેલ છે અને આપત્તિની સ્થિતિનો સામનો કરવા માટે વૉલન્ટિયરને તાલીમ અપાય છે. આ સિવાય આવી સ્થિતિનો સામનો કરવા માટે રાહત અને આપત્તિ બળ પણ છે.
સિવિલ ડિફેન્સ અંતર્ગત જાગૃતિ પર ભાર મુકાય છે અને આ હેતુ માટે જ મૉક ડ્રિલ કરાય છે.
સિવિલ ડિફેન્સ તાલીમ અંતર્ગત સામાન્ય લોકોને આગ, ભૂકંપ, હુમલા જેવી સ્થિતિથી બચવા અને પ્રાથમિક ઉપચારની તાલીમ અપાય છે.
સાથે જ રાજ્ય પોલીસ દળો, ફાયર સેવા અને ઇમર્જન્સી સેવાઓ સાથે સમન્વય સાધીને કામ કરવાની તાલીમ પણ અપાય છે.

મહારાષ્ટ્ર સિવિલ ડિફેન્સના નિદેશક પ્રભાતકુમાર પ્રમાણે, “સિવિલ ડિફેન્સ એક આખું સંગઠન છે. તેમાં વૉલન્ટિયર હંમેશાં ઉપલબ્ધ રહે છે. સિવિલ ડિફેન્સ નિદેશાલયની મુખ્ય જવાબદારી વૉલન્ટિયરને રિક્રૂટ કરવાની, તેમને તાલીમબદ્ધ કરવાની અને તેમને જરૂર પ્રમાણે ઉપલબ્ધ કરાવવાની હોય છે.”
“વર્ષ 2010 પહેલાં સિવિલ ડિફેન્સની જવાબદારી યુદ્ધની સ્થિતિમાં વૉલટિયર ઉપલબ્ધ કરાવવાની હતી.”
“2010 બાદ તેમાં આપત્તિ વ્યવસ્થાપનને પણ જોડી દેવાયું અને હવે સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલા સ્વયંસેવકો કટોકટી સમયે પણ રાહત અને બચાવકાર્ય કરે છે.”
પ્રભાતકુમાર કહે છે કે, “ભૂકંપ, પૂર કે મોટી ઘટનાઓ દરમિયાન સિવિલ ડિફેન્સ વૉલન્ટિયર મદદરૂપ થાય છે. તેઓ લોકોને રેસ્ક્યૂ કરવા, સુરક્ષિત બહાર કાઢવા, હૉસ્પિટલ લઈ જવા અને ફર્સ્ટ એડ આપવામાં તાલીમબદ્ધ હોય છે.”
મૉક ડ્રિલ અંતર્ગત આ જ તૈયારીઓની કસોટી થાય છે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ડીજીપી વિક્રમસિંહ કહે છે કે, “મૉક ડ્રિલ ખૂબ જરૂરી છે, તેનાથી તૈયારીઓની કસોટી થાય છે. મૉક ડ્રિલથી બચાવની રીતો ટેવમાં સામેલ થઈ જાય છે.”
“એ લોકોને જાગૃત અને સશક્ત કરવાનું એક માધ્યમ છે. જ્યારે સાયરન વાગે તો લોકો ગભરાઈ ન જાય બલકે એવું સમજે કે આ તેમની સુરક્ષા માટે છે.”
વિક્રમસિંહ કહે છે કે, “તેમાં એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ અને અર્ધસૈનિક બળ બધા સામેલ હોય છે. આ પ્રકારની રિહર્સલનો હેતુ એકમેક સાથે સમન્વય જાળવવાનો પણ હોય છે.”
“મૉક ડ્રિલ દરમિયાન કટોકટીની સ્થિતિમાં બચાવ કેવી રીતે કરવો, ઈજાગ્રસ્ત થવાની સ્થિતિમાં શું કરવું, લોકોની મદદ કેવી રીતે કરવી એ સમજાવાય છે.”
વિક્રમસિંહ પ્રમાણે સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલનો એક મહત્ત્વપૂર્ણ હેતુ એજન્સીઓ, સ્વયંસેવકો અને સામાન્ય લોકો વચ્ચે સમન્વય સ્થાપિત કરવાનો અને કટોકટીની સ્થિતિ માટે નક્કી કરાયેલ પ્રોટોકૉલની તપાસ કરવાનો પણ હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં સિવિલ ડિફેન્સનું વ્યવસ્થાપન ગૃહમંત્રાલય અંતર્ગત કરાય છે. ગૃહમંત્રાલય સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલી નીતિઓ બનાવે છે અને દિશાનિર્દેશ જાહેર કરે છે.
તેમજ, રાજ્યોમાં રાજ્ય નાગરિક સુરક્ષા નિદેશાલય સિવિલ ડિફેન્સની જવાબદારી સંભાળે છે. તેનો મુખ્ય હેતુ સ્વયંસેવકોને સામેલ કરવાનો અને તેમને તાલીમ આપવાનો હોય છે.
તેમજ જિલ્લા સ્તરે જિલ્લાધિકારી નાગરિક સુરક્ષાનાં કાર્યો પર દેખરેખ રાખે છે. નીચલા સ્તરે નગરપાલિકા, પંચાયતો સ્વયંસેવકો અને સ્થાનિક સમુદાય સાથે મળીને કામ કરે છે.
ગૃહમંત્રાલયના ફાયર સર્વિસ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ મહાનિદેશાલય પ્રમાણે સિવિલ ડિફેન્સમાં સૌથી મુખ્ય ભૂમિકા સ્વયંસેવકોની છે. ભારતનો કોઈ પણ નાગરિક જેની ઉંમર 18 વર્ષ કરતાં વધુ હોય, સિવિલ ડિફેન્સમાં સામેલ થઈ શકે છે.
બુધવાર સવારથી જ દેશના જુદા જુદા જિલ્લામાં મૉક ડ્રિલની શરૂઆત થઈ ગઈ હતી. એ અંતર્ગત બ્લૅકઆઉટ એટલે કે લાઇટો બંધ કરવાનો અને ઘોર અંધકારનો પણ અભ્યાસ કરાયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS