Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ડ્રોન હુમલા, ભારત-પાકિસ્તાન તણાવ, ભારત, પાકિસ્તાન, ઑપરેશન સિંદૂર,

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને પાકિસ્તાન છેલ્લા કેટલાક દિવસોથી સંઘર્ષ ચાલતો હતો. જોકે શનિવારે બંને દેશો સંઘર્ષવિરામ પર રાજી થઈ ગયા છે.

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શનિવારે એક સંક્ષિપ્ત નિવેદન દ્વારા બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ વિશે માહિતી આપી હતી.

વિક્રમ મિસરીએ કહ્યું, “પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સે (ડીજીએમઓ) ભારતીય સમય પ્રમાણે બપોરે ત્રણ વાગ્યા 35 મિનિટે ભારતના ડીજીએમઓને કોલ કર્યો હતો.”

“ભારતીય સમય મુજબ, સાંજે પાંચ વાગ્યાથી બંને દેશ જમીન, હવા તથા દરિયાઈ સૈન્યકાર્યવાહી અને ફાયરિંગ તથા મિલિટરી કાર્યવાહી બંધ કરી દેશે.”

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન બંને તરફથી એકબીજા વિરુદ્ધ હુમલા માટે ડ્રૉનનો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન ભારત અને પાકિસ્તાન ડ્રૉન અંગે પણ ખાસ્સી ચર્ચા થઈ રહી છે. દક્ષિણ એશિયાના આ બંને દેશ પરમાણુ હથિયાર સંપન્ન છે.

ભારતીય સૈન્યે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને 8-9 મેની રાત્રે ભારતમાં ઘણાં સ્થળોએ ડ્રૉન વડે હુમલા કર્યા હતા.

ભારતીય સૈન્યનાં પ્રવક્તા કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું, “પાકિસ્તાને લગભગ 300-400 ડ્રોન ફાયર કર્યા હતા.”

આવું જ પાકિસ્તાને પણ કહ્યું હતું. પાકિસ્તાને કહ્યું હતું કે તેણે ભારતનાં 25 ડ્રૉન તોડી પાડ્યાં છે. જે અંગે ભારત તરફથી કોઈ આધિકારિક પ્રતિક્રિયા નથી અપાઈ.

આ તણાવમાં ડ્રૉનના ઉપયોગ અંગે સંરક્ષણ વિશેષજ્ઞ શાર્દેન્દુ કહે છે કે, “આ નવી વિદ્યા અને ટેકનિકથી સજ્જ છે, જે માનવરહિત છે. આવું કરવાથી તમારાં ફાઇટર પ્લેનોનો ઉપયોગ નથી થતો. હુમલો કરનારની જાનહાનિ નથી થતી, કારણ કે આ માનવરહિત હોય છે.”

ડ્રૉનની ભૂમિકા મહત્ત્વપૂર્ણ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ડ્રોન હુમલા, ભારત-પાકિસ્તાન તણાવ, ભારત, પાકિસ્તાન, ઑપરેશન સિંદૂર,

ઇમેજ સ્રોત, Getty Images

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ 22 એપ્રિલના રોજ પહલગામમાં પર્યટકો પર થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચરમસીમાએ હતો.

આ હુમલામાં પર્યટકો સહિત કુલ 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ભારતે આ હુમલાના જવાબમાં 6-7 મેની રાત્રે પાકિસ્તાનમાં નવ સ્થળોએ હુમલા કર્યા.

આ તણાવમાં ડ્રૉનની ઍન્ટ્રી થઈ ગઈ હતી. ડ્રૉન ઔપચારિક રીતે માનવરહિત હવાઈ વાહન (અનમૅન્ડ ઍરિયલ વિહિકલ) તરીકે ઓળખાય છે.

ડ્રૉન એક પ્રકારનો ઊડતો રોબૉટ છે, જેને સૉફ્ટવૅર સિસ્ટમથી નિયંત્રિત કરી શકાય છે. ડ્રૉનના સૉફ્ટવૅરમાં ઉડાણ યોજના, ઉડાણના રસ્તા વગેરેને પહેલાંથી પ્રોગ્રામ કરીને દૂરથી જ નિયંત્રિત કરી શકાય છે.

એ સ્વાયત્તપણે ઉડાણ ભરી શકે છે. ડ્રૉન ઑનબોર્ડ સેન્સર અને ગ્લોબલ પૉઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) સાથે મળીને કામ કરે છે.

ઇમ્પિરિયલ વૉર મ્યુઝિયમની વેબસાઇટ પ્રમાણ, પહેલાં એ રિમોટલી પાઇલટેડ વિહિકલ (આરપીવી) કહેવાતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા અને ઇંગ્લૅન્ડે બનાવ્યું હતું. જેનું 1917-1918માં પરીક્ષણ કરાયું હતું. પહેલાં રેડિયોથી તેને કંટ્રોલ કરાતું.

સંરક્ષણ વિશેષજ્ઞ બ્રિગેડિયર શાર્દેન્દુ કહે છે કે, “આજકાલ બનતાં ડ્રૉન ખૂબ ઍડ્વાન્સ્ડ છે. દૂરથી જ ટાર્ગેટ શોધી શકે છે અને નિશાન પણ તાકી શકે છે. જો એ પડી જાય તો ફાઇટર પ્લેનની સરખામણીએ તેમાં આર્થિક નુકસાન ઓછું છે.”

જોકે, અમેરિકાએ 9/11ના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં તેનો મોટા પાયે ઉપયોગ કર્યો છે. હાલમાં રશિયા-યુક્રેનની લડાઈમાં તેનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

રૉયટર્સ અનુસાર 9 મે 2025ના રિપોર્ટ અનુસાર, જેરાન-2, કામિકેઝ એટલે કે આત્મઘાતી ડ્રૉન છે. તેનો ઉપયોગ રશિયાએ યુક્રનના ઊર્જા સંબંધિત માળખાને નષ્ટ કરવા માટે કર્યો છે.

રૉઇટર્સ પ્રમાણે રશિયાએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અન બે ડઝન વિદેશી નેતાઓ સામે રશિયા નિર્મિત ડ્રૉનનું મૉસ્કોના રેડ સ્ક્વેર પર પ્રદર્શન કર્યું છે.

ગુરુવારે પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહમદ શરીફ ચૌધરીએ કહ્યું હતું કે તેમનો દેશ “ડ્રૉન હુમલાનો સામનો કરી રહ્યો હતો, કરાચી-લાહોર જેવાં મોટી આબાદીવાળાં શહેરોને ડ્રૉન મારફતે નિશાન બનાવાઈ રહ્યાં છે.”

જોકે, ભારતે પ્રથમ દિવસે કહ્યું હતું કે તેના હુમલામાં કોઈ સૈન્ય સ્થળને નિશાન નથી બનાવાયું. પરંતુ બદલાતી પરિસ્થિતિ વચ્ચે ગુરુવારે ભારતીય સેનાનાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, “ભારતે લાહોરમાં ઍર ડિફેન્સ સિસ્ટમને સફળતાપૂર્વક તબાહ કરી દીધી હતી.”

કુરેશીએ એ વાત સ્પષ્ટ નહોતી કરી કે આ હુમલામાં ડ્રૉનનો ઉપયોગ કરાયો હતો કે તેમાં મિસાઇલનો ઉપયોગ થયો હતો.

ભારત પાસે રહેલાં ડ્રોન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ડ્રોન હુમલા, ભારત-પાકિસ્તાન તણાવ, ભારત, પાકિસ્તાન, ઑપરેશન સિંદૂર,

ઇમેજ સ્રોત, Getty Images

ભારત પાસે ઘણાં પ્રકારનાં ડ્રૉન છે. બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક બાદ ઇઝરાયલ સાથે ડ્રૉનના ઘણા સોદા થયા છે.

જોકે, સંરક્ષણ વિશેષજ્ઞ બ્રિગેડિયર શાર્દેન્દુનું કહેવું છે કે, “પાકિસ્તાનના કરતાં ભારત પાસે રહેલાં ડ્રૉનની સંખ્યા ત્રણ ગણી છે. આમ, ભારતની ફાયર પાવર વધુ છે. આ પ્રકારની લડાઈમાં ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ ક્ષમતા છે. તેમાં હેરોપ, હિરોન માર્ક-2 અને સ્કાઈ-સ્ટ્રાઇકર જેવાં ડ્રૉન સામેલ છે.”

ભારત પાસે સ્કાઇ-સ્ટ્રાઇકર ડ્રૉન છે. એ ભારત અને ઇઝરાયલના ભાગીદારીવાળા ઉપક્રમ અંતર્ગત બૅંગલુરુમાં બન્યાં છે.

નવી દિલ્હીસ્થિત સેન્ટર ફૉર ઍર પાવર સ્ટડીઝના સિનિયર ફેલો, નિવૃત્ત ગ્રૂપ કપ્તાન ડૉક્ટર દિનેશકુમાર પાંડેયનું કહેવું છે કે, “ભારત પાસે ઘણાં પ્રકારનાં ડ્રૉન છે. પરંતુ આર્મી પરિસ્થિતિને પારખીને કયું ડ્રૉન ઉપયોગમાં લેવા માગે છે, એ તેના ઉપર જ નિર્ભર છે.”

તેમનું કહેવું છે કે, “હાલ ભારત ઘણા દેશોને ડ્રૉનની નિકાસ કરી રહ્યું છે. અમેરિકા, ઇઝરાયલ સહિત અન્ય ઘણા દેશો ભારત પાસેથી ડ્રૉન લઈ રહ્યા છે.”

ભારતે લગભગ 100 સ્કાઇ-સ્ટ્રાઇકર ડ્રૉન 2021માં લીધાં હતાં, જેની રેન્જ લગભગ 100 કિમીની છે. આ ડ્રૉન 10 કિલો સુધીના વૉરહેડ લઈ જઈ શકે છે.

તેમાં અવાજ ખૂબ ઓછો આવે છે. તેથી એ ઓછી ઊંચાઈએ પણ કારગત મનાય છે.

આ ડ્રૉન બનાવતી કંપનીનો દાવો છે કે, “આ શાંત, ન દેખાતા અને અચાનક હુમલો કરનારાં છે.”

તેમજ હેરોપ ડ્રોનની રેન્જ ખૂબ વધુ હોય છે. ઇઝરાયલ નિર્મિત આ ડ્રૉનની ખાસિયત એ છે કે એ 1000 કિમીનું અંતર કાપી શકે છે અને હવામાં લગભગ નવ કલાક સુધી રહી શકે છે.

પાકિસ્તાને કહ્યું હતું કે ભારતે તેમના વિરુદ્ધ હેરોપ ડ્રૉનનો ઉપયોગ કર્યો છે.

આધિકારિક જાણકારી અનુસાર હેરોપ ઍન્ટિ-રડાર ટેકનૉલૉજી છે. તેના કૅમેરા મોટી સૈનિક મશીનરીને ઓળખી કાઢે છે. તેની ક્ષમતા ચોક્કસ જગ્યાએ સર્જિકલ સ્ટ્રાઇક કરવાની છે.

એ 23 કિલો સુધી વૉરહેડ કે બૉમ્બ લઈ જઈ શકે છે. તેનો ઉપયોગ સમુદ્રથી વૉરશિપ મારફતે પણ કરી શકાય છે.

જોકે, આ સિવાય ભારત પાસે 3000 કિમી સુધીની રેન્જના હેરોન માર્ક-2 પણ છે. એ 2023માં ખરીદાયાં હતાં, જે 24 કલાક સુધી હવામાં રહેવાની ક્ષમતા ધરાવે છે.

તેમાં રડરા આઇઆર કૅમેરા ફિટ છે. આ ડ્રોન લેઝર માર્કિંગ દ્વારા નિશાનનું ચોક્કસ સરનામું પણ આપે છે. એ જમીનથી ડેટાલિંક મારફતે કંટ્રોલ કરી શકાય છે.

નિવૃત્ત ગ્રૂપ કૅપ્ટન દિનેશકુમાર પાંડેય કહે છે કે, “કયું ડ્રૉન કેટલું પે-લોડ લઈ જઈ શકે છે, આ એની એન્જિનની ક્ષમતા પર આધાર રાખે છે. ડ્રૉન પર પે-લોડ જેટલું વધુ વધારાય, તેની વધુ દૂર જવાની ક્ષમતા એટલી જ ઘટે છે.”

પાકિસ્તાન પાસે પણ છે ડ્રૉન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ડ્રોન હુમલા, ભારત-પાકિસ્તાન તણાવ, ભારત, પાકિસ્તાન, ઑપરેશન સિંદૂર,

ઇમેજ સ્રોત, Getty Images

ભારતની તરફથી શુક્રવારે સૈન્યે કહ્યું હતું કે જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરનાં સૈન્યઠેકાણાં પર પાકિસ્તાને ગુરુવારે રાત્રે હુમલો કર્યો છે, જેને નિષ્ક્રિય બનાવી દેવાયા. બીજી તરફ પાકિસ્તાનના સંરક્ષણમંત્રીએ હુમલાની વાતથી ઇનકાર કર્યો છે.

ભારતે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાને તુર્કી નિર્મિત ડ્રૉનનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાન પાસે સ્વાર્મ ડ્રૉન છે.

સ્વાર્મ ડ્રૉન વિશે નિવૃત્ત ગ્રૂપ કૅપ્ટન દિનેશકુમાર પાંડેય કહે છે કે, “એ ગ્રૂપમાં ઉડાણ ભરે છે, તેમને તોડી પાડવાનું સહેલું નથી, તેમાંથી ઘણાં બચી પણ જાય છે.”

તેમણે જણાવ્યું, “તેમને નાની નાની બેચમાં છોડવામાં આવે છે, પરંતુ હવામાં આવ્યા બાદ એક સાથે આવી જાય છે. એ કોઈ ટાર્ગેટને નિશાન પણ બનાવી છે અને બચાવ પણ કરી શકે છે.”

જોકે, પાકિસ્તાન પાસે શાહપાર-2 ડ્રૉન પણ છે, જેની ક્ષમતા 23 હજાર ફૂટ સુધી ઉડાણ ભરવાની છે.

બીજી તરફ આરબ ન્યૂઝ પ્રમાણે નવેમ્બર 2023માં પાકિસ્તાને શાહપાર-3નું પરીક્ષણ પણ કર્યું હતું. આ ડ્રૉન લગભગ 35 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે.

પાકિસ્તાનમાં કહેવાઈ રહ્યું છે કે આ લગભગ 500 કિલો પે લોડ લઈ જઈ શકે છે. નિવૃત્ત ગ્રૂપ કૅપ્ટન દિનેશકુમાર પાંડેય જણાવે છે કે, “પાકિસ્તાન પાસે પોતાનું માત્ર બુર્રાખ ડ્રૉન છે, અન્ય બહારથી લાવવામાં આવ્યાં છે.”

આ સિવાય પાકિસ્તાન પાસે તુર્કીનું અકિન્સી ડ્રૉન પણ છે. આ હવાથી હવા અને હવાથી જમીન પર વાર કરી શકે છે. એ આધુનિક ટેકનિક અને રડારથી સજ્જ છે.

જ્યાં સુધી અકિન્સીનો સવાલ છે તો તેના વિશે રિટાયર્ડ ગ્રૂપ કૅપ્ટન દિનેશકુમાર પાંડેય કહે છે કે, “આ ખૂબ જ ઍડ્વાન્સ પ્રકારનાં ડ્રૉન છે, પરંતુ તેની સંખ્યા કેટલી છે એ વિશે ખબર નથી. કારણ કે હાલ વધુ બન્યાં નથી, તેથી તેની સંખ્યા અંગે ચોક્કસ કહેવું મુશ્કેલ છે.”

જોકે, ભારત વિરુદ્ધ પાકિસ્તાન કયા ડ્રૉનનો ઉપયોગ કરી રહ્યું છે, તેની પુષ્ટિ નથી થઈ શકી.

બંને દેશોનાં ડ્રૉનની તાકત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ડ્રોન હુમલા, ભારત-પાકિસ્તાન તણાવ, ભારત, પાકિસ્તાન, ઑપરેશન સિંદૂર,

ઇમેજ સ્રોત, DRDO_India

ટેકી. કૉમ અનુસાર ભારત પાસે 200 મધ્યમ ઊંચાઈના (એમએએલઈ) અને 980 મિની યુએવી છે. પાકિસ્તાન પાસે 60 એમએએલઈ, 60 નેવી, 70 ઍરફોર્સ અને 100 આર્મીનાં યુએવી છે. જોકે, આધિકારિક પણે આની કોઈ પુષ્ટિ નથી.

ભારત પાસે હાર્પી, હેરોપ, એમક્યૂ 9 રીપર અને રુસ્તમ-2 છે.

હાર્પી ઇઝરાયલનિર્મિત ડ્રૉન છે. એ નવ કલાક સુધી ઉડાણ ભરી શકે છે. તેની રેન્જ 500 કિલોમિટર સુધીની છે. હાર્પી 32 કિલો સુધીનું પેલોડ લઈ જઈ શકે છે. તેની કિંમત લગભગ 40 લાખ ડૉલર છે.

હેરોપ પણ ઇઝરાયલનિર્મિત છે. એ પણ નવ કલાક સુધી ઊડી શકે છે, પરંતુ તેની રેન્જ લગભગ એક હજાર કિમી છે. એ લગભગ 23 કિલો સુધીનું પેલોડ લઈ જઈ શકે છે.

બીજી તરફ એમક્યૂ રીપર યુએસનિર્મિત છે, અને 1700 કિલો સુધીનું પેલોડ લઈ જઈ શકે છે. આનો ઉપયોગ અમેરિકાએ ઇરાક, સીરિયા અને અફઘાનિસ્તાનમાં કર્યો છે.

એ હવામાં 27 કલાક સુધી રહી શકે છે. તેની રેન્જ 1850 કિમી સુધીની છે. તેની કિંમત ત્રણ કરોડ 20 લાખ ડૉલર પ્રતિ યુનિટ છે.

રુસ્તમ-2 એ ભારતના ડીઆરડીઓ દ્વારા નિર્મિત છે. તેની રેન્જ 200 કિમી સુધીની છે. આ 350 કિલોનું પેલોડ લઈ જઈ શકે છે. તેની કિંમત 50થી 60 લાખ ડૉલર પ્રતિ યુનિટ છે. જોકે, હાલ એ ટેસ્ટિંગ ફેઝમાં છે.

ટેકી ડૉટ કૉમ પ્રમાણે પાકિસ્તાન પાસે બેરાકતાર અકિન્સી છે, જે તુર્કીમાં બનેલું છે. તેની લંબાઈ 12.2 મીટર છે. એ 1500 કિલો સુધીનું પેલોડ લઈ જઈ શકે છે અને 40 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે.

બેરાકતાર ટીબી-2, એ પણ તુર્કી દ્વારા નિર્મિત છે. એ 18 હજાર ફૂટ પર 27 કલાક સુધી રહી શકે છે. તેમજ 150 કિલો સુધીનું પેલોડ લઈ જઈ શકે છે.

આ સિવાય ચીન નિર્મિત સીએચ-4 છે. એ 3000-5000 કિમી સુધી જઈ શકે છે. એ 345 કિલો સુધીનું પેલોડ લઈ જઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS