Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ખૂબ જ વકરી ગયો અને સૈન્યસંઘર્ષનું સ્વરૂપ ધારણ કરી લીધું.
તા. 10મી મેની સાંજે બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ એ પછી સૈન્યસંઘર્ષ અટક્યો. સહમતિ સધાયાં બાદ અનેક સવાલ ઊભા થયા અને તેના વિશે વ્યાપકપણે ચર્ચા થઈ.
જેમાં સૌથી વધુ ચર્ચા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે હતી, કારણ કે તેમણે સૌ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સહમતિ સધાઈ હોવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી.
બંને દેશ પરમાણુહથિયાર સંપન્ન છે એટલે આ મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
કેવી સ્થિતિ છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્ર સરકારનું કહેવું હતું કે “જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે.” પહલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારના આ દાવા વિશે સવાલ ઊભા થવા લાગ્યા છે.
લોકસભામાં વિપક્ષના નેતા અને સંસદસભ્ય રાહુલ ગાંધીએ પહલગામ હુમલા બાદ કહ્યું હતું, “સરકાર જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાના પોકળ દાવા કરવાને બદલે જવાબદારી સ્વીકારે અને નક્કર પગલાં લે.”
આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર તથા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉન્ફ્લિક્ટ મૅનેજમેન્ટના ડાયરેક્ટર અજય સાહની સુરક્ષા અંગે સવાલ ઉઠાવતા કહે છે, “કાશ્મીરની આંતરિક પરિસ્થિતિ અગાઉ કરતાં ઘણી સુધરી છે, આ એક ઘટનાથી તમે કાશ્મીરની આંતરિક સુરક્ષાનું આકલન ન કરી શકો. લોકો ભૂલી ગયા છે કે 16 વર્ષ સુધી કાશ્મીરમાં હાઈ ઇન્ટેન્સિટી કૉન્ફ્લિક્ટ રહ્યો છે.”
“વર્ષ 2001 દરમિયાન એક જ વર્ષમાં ચાર હજાર 11 લોકોના જીવ ગયા હતા. ગત વર્ષે 127 લોકોનાં મૃત્યુ થયાં. મે મહિનામાં 50 લોકોએ પ્રાણ ગુમાવ્યા. તેમાં આતંકવાદી, સુરક્ષાકર્મી તથા નાગરિક પણ સામેલ છે.”
“આમ કાશ્મીરમાં અગાઉ કરતાં હાલ સ્થિતિ સારી છે. સમીક્ષા કરતી વેળાએ જે ભૂલ થતી હોય છે. સરકાર કહે છે કે સામાન્ય પરિસ્થિતિ ઝીરો ટૅરરિઝમ છે. આ સિક્યૉરિટી ઍસેસમેન્ટ નથી. કાશ્મીર ઉપર આવું જોખમ આજે પણ તોળાઈ રહ્યું છે અને લાંબા સમય સુધી રહેશે. જ્યાર સુધી પાકિસ્તાન ન સ્વીકારે કે કાશ્મીર સાથે તેનો કોઈ સંબંધ નથી, ત્યારસુધી તે રહેશે.”
‘પાકિસ્તાન માટે લાંબાગાળાની વ્યૂહરચના હોવી જોઈએ’

અજય સાહનીનું કહેવું હતું, “શિમલા કરાર બાદ આપણે કહ્યું હતું કે જે કોઈ વિવાદ થશે, તે દ્વિપક્ષીય મંત્રણાથી ઉકેલાશે. ખરેખર તો વાત એ છે કે અમેરિકા આ ઝગડામાં વચ્ચે પડ્યું અને લાંબા સમયથી પડવાનો પ્રયાસ કરી રહ્યું છે, આ બધી વાતો કહેવાની ન હોય.”
“સાર્વજનિક રીતે પ્રતિક્રિયા (ઑવર્ટ રિસ્પૉન્સ) આપવાની જરૂર જ નથી, તેમને નુકસાન પહોંચાડવાના 100 રસ્તા છે. બીજી બાજુ, ખાનગીમાં પ્રતિક્રિયા (કૉવર્ટ) આપવાની થાય તો તેમાં ‘જેવા સાથે તેવા’ની વાત ન હોય. આ રીતે પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાના અનેક રસ્તા છે.”
“જેમ કે આર્થિક, સાયબર, ઇન્ફૉર્મેશન વૉર જેવી બાબતોનો સમાવેશ થાય છે. પાકિસ્તાન માટે લાંબાગાળાની વ્યૂહરચના ઘડવી જોઈએ.”
પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાં લીધાં હતાં, જેમાં સિંધુ જળ સંધિને મોકૂફ કરવી સૌથી મોટું પગલું હતું. તેના જવાબમાં પાકિસ્તાને શિમલા કરાર સહિત તમામ દ્વિપક્ષીય કરારોને મોકૂફ કરી દેવાની જાહેરાત કરી હતી.
વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું એ પછી બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. અગાઉ તે ઈસ્ટ પાકિસ્તાન હતું. એ પછી બંને દેશો વચ્ચે શિમલા કરાર થયા હતા, જે હેઠળ બંને દેશો વચ્ચેના તમામ મુદ્દાને દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા ઉકેલવા માટે સહમતિ સધાઈ હતી.
શું જિયોપૉલિટિક્સમાં કાશ્મીર મુદ્દે રાજકારણ વધશે?

ઇમેજ સ્રોત, Getty Images
અજય સાહનીએ બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, “લાંબા સમયથી કોઈએ આપણી મદદ નથી કરી, તો આપણે શા માટે બધાના દરવાજા ખખડાવીએ છીએ. બીજી બાજુ, અહીં આપણે માત્ર વિક્ટિમ નથી, વિજેતા પણ છીએ. આપણે આતંકવાદને સમાપ્ત કરી દીધો છે.”
“એક તબક્કે કાશ્મીરમાં એક વર્ષમાં ચાર હજાર લોકો માર્યા ગયા હતા અને હવે 127 લોકોનાં મૃત્યુ થયાં છે. આતંકવાદ ચાલુ છે, પરંતુ તેનો ખાત્મો થઈ રહ્યો છે. આપણી ક્ષમતાઓ અને આપણા કામને કારણે આ ખાત્મો થયો છે.”
પાકિસ્તાન સાથે સીઝફાયર બાદ સમગ્ર ઘટનાક્રમમાં ભારતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નથી લીધું. આ સવાલના જવાબમાં સાહની કહે છે, “ટ્રમ્પને ફરી ખોટા પાડવા જોઈએ. જ્યાર સુધી તમે ટ્રમ્પની સામે ઊભા નહીં થાવ, તો તે પોતાની જગ્યા ફેલાવશે અને જો તમે મોકળાશ આપશો તો ફેલાશે.”
ટ્રમ્પે શનિવારે સાંજે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ થયો હોવાની જાહેરાત કરી હતી તથા કહ્યું હતું કે આ વાટાઘાટો માટે અમેરિકાએ મધ્યસ્થી કરી હતી.
થોડા સમય પછી પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસહાક ડારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર ‘સંઘર્ષવિરામ’ની પુષ્ટિ કરી હતી.
એ પછી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ મીડિયા બ્રિફિંગ દ્વારા બંને દેશો વચ્ચેના સંઘર્ષવિરામની જાહેરાત કરી હતી. મિસરીએ કહ્યું હતું કે પાકિસ્તાનના ડીજીએમઓએ (ડાયરેક્ટર જનરલ મિલિટરી ઑપરેશન્સ) ભારતના ડીજીએમઓ સાથે હૉટલાઇન ઉપર વાત કરી હતી, એ પછી બંને દેશો વચ્ચે સહમતિ સધાઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું, ત્યારે પણ આ વાત જ કરી હતી. જોકે, સોમવાર સુધી ભારતે અમેરિકાનો ઉલ્લેખ નહોતો કર્યો.
તા. 11 મેના રોજ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ ઉપર પોસ્ટમાં લખ્યું, “હું આ બંને મહાન રાષ્ટ્રો સાથે મળીને એક હજાર વર્ષથી વિવાદમાં રહેલા કાશ્મીર મુદ્દે સમાધાન નીકળવાની આશા કરું છું, જેથી કરીને શાંતિ અને સમૃદ્ધિ સ્થપાય અને અમેરિકા તથા વિશ્વના અન્ય દેશો સાથે વેપાર વધારી શકે !”
ટ્રમ્પે તેમના નિવેદનમાં કાશ્મીરના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. જોકે કાશ્મીર મુદ્દે ભારતે ત્રીજા પક્ષકારની મધ્યસ્થીને હંમેશાં નકારી છે.
સમગ્ર ઘટનાક્રમ બાદ પરિસ્થિત પલટાશે?

શું તાજેતરના ઘટનાક્રમ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે કશું બદલાશે ? તેના જવાબમાં અજય સાહનીનું કહેવું છે, “મારા મતે કંઈ નહીં બદલાય. એક વાત સમજો કે ઇન્ફૉર્મેશન વૉરફેર પણ યુદ્ધકળાનો ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ છે, પરંતુ આ ઇન્ફૉર્મેશન વૉરફેર આપણે તેમની વિરુદ્ધ નહોતું હાથ ધર્યું, તેઓ આપણી સામે નહોતું કર્યું. બંનેનું ધ્યાન તેમના આંતરિક લોકો ઉપર હતું.”
ન્યૂક્લિયર વૉર સંબંધિત ચર્ચા વિશે અજય સાહની કહે છે, “પરમાણુયુદ્ધની શરૂઆત આવી રીતે ન થાય. જો પરમાણુ યુદ્ધની જરા પણ આશંકા હોત, તો દિલ્હીના દરેક રાજદૂતાલય ખાલી થઈ ગયા હોત. તમે ‘ઑપરેશન પરાક્રમ’નો સમય યાદ હશે, દરેક ઍમ્બેસી ખાલી થઈ ગઈ હતી.”
અજય સાહનીનું કહેવું છે, “પાકિસ્તાન દ્વારા ન્યુક્લિયર શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે અને ટ્રમ્પે પણ કર્યો છે. ન્યુક્લિયર ડિટરન્સનો મતલબ છે કે પરસ્પર નિશ્ચિત વિનાશનું સાધન છે, જેનો ઉપયોગ કરી ન શકાય. કારણ કે તેનાથી માત્ર આ દેશોમાં જ નહીં, આ દેશોની આસપાસ અને કદાચ દુનિયાની દરેક ચીજ ખતમ થઈ જશે.”
નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું, “ભારત કોઈપણ પ્રકારનું ન્યુક્લિયર બ્લૅકમેલ સહન નહીં કરે.”
અત્યારસુધીનો ઘટનાક્રમ

તા. 22 એપ્રિલ : ઉગ્રવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામ પાસે બૈસારનમાં પર્યટકો ઉપર હુમલો કર્યો, જેમાં 26 લોકોનાં મૃત્યુ થયાં
તા. 23 એપ્રિલ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીની બેઠક મળી. જેમાં સિંધુ જળ સંધિને મોકૂફ કરી દેવાઈ તથા અન્ય નિર્ણયો લેવાયા.
તા. 24 એપ્રિલ : પાકિસ્તાને ભારતની ઍરલાઇન્સ કંપનીઓ માટે પોતાની ઍરસ્પેસ બંધ કરી દીધી અને ભારતીય નાગરિકોને અપાતા ઉદાર વિઝા રદ કરી દીધા.
તા. 24 એપ્રિલ : બિહારના મધુબનીમાં જાહેરસભાને સંબોધતી વખતે મોદીએ કહ્યું, “ભારત દરેક આતંકવાદી તથા તેમના આકાને શોધીને તેમને સજા આપશે.”
તા. 29 એપ્રિલ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સીડીએસ તથા ત્રણેય સેનાઓના વડા સાથે બેઠ કરી હતી.
તા. 30 એપ્રિલ : ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈક્ષેત્ર બંધ કરી દીધું.
તા. 3 મે : ભારતે પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરવાની જાહેરાત કરી અને પાકિસ્તાની જહાજોના લાંગરવા ઉપર પણ બૅન મૂક્યો.
તા. 7 મે : ભારતે ‘ઑપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનના અનેક ઠેકાણે હુમલા કર્યા. ભારતનું કહેવું હતું કે તેણે સૈન્ય કે નાગરિક મથકને નહીં, માત્ર આતંકવાદી ઠેકાણાને નિશાને લીધાં છે.
તા. 8 મે : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જાહેરાત કરી કે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલ્સ દ્વારા ભારતનાં સૈન્ય ઠેકાણાંને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ, પાકિસ્તાને પણ આવી જ વાત કરી અને ભારતનાં 25 ડ્રોનને તોડી પાડવાની વાત કરી હતી. બીબીસી બંને દેશોમાંથી કોઈપણના દાવાની સ્વતંત્રપણે પુષ્ટિ નથી કરતું.
તા. 9 મે : ભારતના એડજીપીઆઈના કહેવા પ્રમાણે, તા. આઠ અને નવની રાત્રે પશ્ચિમી સરહદે ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્યા.
તા. 10 મે: સવારે ભારત સરકારની પ્રેસ બ્રિફિંગમાં ઉચ્ચ સૈન્ય અધિકારીઓ બેઠાં અને કહ્યું કે ભારતીય સૈન્યમથકોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરતા ભારતે આયોજનપૂર્વક વળતી કાર્યવાહી કરી.
તા. 10 મે: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ થયો હોવાની સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરી. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ટૂંકું નિવેદન આપી તેની પુષ્ટિ કરી. એ પહેલાં પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પણ સોશિયલ મીડિયા ઉપર સંઘર્ષવિરામની વાત કહી.
તા. 11 મે: ભારત અને પાકિસ્તાનના ઉચ્ચ સૈન્યઅધિકારીઓએ પત્રકારપરિષદ સંબોધીને એકબીજાના સૈન્યમથકોને ટાર્ગેટ બનાવ્યા હોવાનું જણાવ્યું, જેની બીબીસી સ્વતંત્રપણે પુષ્ટિ નથી કરતું.
તા. 12 મે: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરીને પાકિસ્તાનના ન્યુક્લિયર બ્લૅકમેલ સામે નહીં ઝૂકવાની તથા ‘ઑપરેશન સિંદૂર’ હવેથી ‘ન્યૂ નૉર્મલ’ હોવાની વાત કરી.
તા. 13 મે: પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાને કરેલા નિવેદનોને ‘ઉશ્કેરણીજનક’ ગણાવ્યાં હતાં તથા શાંતિના પ્રયાસોમાં મિત્રદેશોએ ભૂમિકા ભજવી હોવાની વાત કરી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS