Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Ali Khan Mahmudabad/FB
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
-
18 મે 2025, 21:29 IST
અપડેટેડ 37 મિનિટ પહેલા
ભારત-પાકિસ્તાન સંઘર્ષ સંદર્ભે ટિપ્પણી અને કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ પાસેથી પ્રેસ બ્રીફિંગ કરાવવા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદની ધરપકડ કરી લેવાઈ છે.
આ ધરપકડ હરિયાણાની સોનીપત પોલીસે સ્થાનિક રહેવાસી યોગની ફરિયાદના આધારે કરી છે. હરિયાણા પોલીસે પ્રોફેસર અલી ખાન વિરુદ્ધ બે સમુદાયો વચ્ચે નફરત ભડકાવવાની કલમ અંતર્ગત કેસ કર્યો છે.
પ્રોફેસર અલી ખાન હરિયાણાની અશોકા યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસર છે. તેમનાં પત્નીએ બીબીસીને જણાવ્યું કે રવિવારે સવારે લગભગ સાડા છ વાગ્યે પોલીસ તેમના ઘરે પહોંચી અને પ્રોફેસર અલી ખાનને પોતાની સાથે લઈ ગઈ.
આ પહેલાં આ મામલામાં હરિયાણા રાજ્ય મહિલા આયોગે પણ પ્રોફેસર અલી ખાનને સમન પાઠવીને જવાબ માગ્યો હતો.
પ્રોફેસર અલી ખાનની ધરપકડ અંગે ઘણા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે, કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે.
શું છે મામલો?

ઇમેજ સ્રોત, Vineet Kumar
આ મામલામાં બીબીસી સંવાદદાતા ચંદનકુમાર જજવાડેએ ફરિયાદી યોગેશ સાથે વાત કરી.
યોગેશે જણાવ્યું કે તેઓ જઠેડી ગામના સરપંચ પણ છે અને તેમણે આ મામલામાં એફઆઇઆર દાખલ કરાવી છે. યોગેશે કહ્યું કે તેઓ ભાજપના સભ્ય પણ છે. જોકે, તેમનું કહેવું છે કે આ મામલાનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.
છ અને સાત મેની રાત્રે પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સૈન્યની કાર્યવાહી બાદ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે પ્રેસ બ્રીફિંગમાં આ અંગે જાણકારી આપી હતી.
એ બાદ ગત 8 મેના રોજ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. એક પોસ્ટમાં તેમણે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહને પ્રેસ બ્રીફિંગમાં મોકલવા અંગે લખ્યું હતું.
આ સિવાય પ્રોફેસર અલી ખાને પોતાની પોસ્ટમાં ભારત-પાકિસ્તાન સંઘર્ષ અને ‘યુદ્ધની માગ’ કરનારી ભાવનાઓ અંગે પણ લખ્યું અને યુદ્ધનાં નુકસાન ગણાવ્યાં.
હરિયાણા રાજ્ય મહિલા આયોગે તેમની એક પોસ્ટ પર સ્વત: સંજ્ઞાન લઈને તેમને 12 મેના રોજ એક સમન મોકલાવ્યું. આ સમનમાં તેમના નિવેદનથી ‘સશસ્ત્ર બળોમાં મહિલાઓના કથિત અપમાન અને સાંપ્રદાયિક દ્વેષને પ્રોત્સાહન આપવાની’ વાત કહેવાઈ.
હરિયાણા મહિલા આયોગે પોતાની નોટિસમાં છ પૉઇન્ટનો ઉલ્લેખ કર્યો અને તેમાં ‘કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ સહિત યુનિફૉર્મધારી મહિલાઓનું અપમાન અને ભારતીય સશસ્ત્ર બળોમાં પ્રોફેશનલ અધિકારીઓ સ્વરૂપે તેમની ભૂમિકાને નાની કરીને મૂલવવા’ની પણ વાત કરી.
સાથે જ હરિયાણા મહિલા આયોગના પ્રોફેસર અલી ખાનને 48 કલાકનો સમય આપતાં આયોગ સામે રજૂ થવા જણાવ્યું અને તેમની પાસેથી લેખિતમાં જવાબ માગ્યો.
એ બાદ પ્રોફેસર અલી ખાન વતી તેમના વકીલોએ મહિલા આયોગને લેખિત જવાબ આપ્યો. આ જવાબમાં તેમણે બંધારણની કલમ 19(1) અંતર્ગત અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની વાત કરી.
પ્રોફેસર અલી ખાનના વકીલોએ કહ્યું કે તેઓ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના પ્રોફેસર છે. તેમણે પોતાની ‘શૈક્ષણિક અને પ્રોફેશનલ વિશેષજ્ઞતાઓનો ઉપયોગ’ કરીને આ નિવેદનો આપ્યાં છે અને તેમને ‘ખોટી રીતે લેવામાં’ આવ્યાં છે.
આ ફરિયાદના આધારે રવિવારના રોજ હરિયાણા પોલીસે તેમની ધરપકડ કરી છે.
હરિયાણા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1) બી, 197 (1) સી, 152 અને 299 અંતર્ગત પ્રોફેસર અલી ખાન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પ્રોફેસર અલી ખાને શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Ali Khan Mahmudabad/FB
8 મેના રોજ કરાયેલી પોસ્ટમાં પ્રોફેસર અલી ખાને લખ્યું હતું, “આટલા બધા દક્ષિણપંથી ટિપ્પણી કરનારા કર્નલ સોફિયા કુરેશીની પ્રશંસા કરી રહ્યા છે, એ જોઈને હું ખૂબ ખુશ છું. પરંતુ આ લોકો કદાચ આવી જ રીતે મૉબ લિંચિંગના પીડિતો, મનફાવે એમ બુલડોઝર ચલાવનારા અને ભાજપના નફરત ફેલાવતા લોકો અંગે પણ અવાજ ઉઠાવી શકે છે કે આ લોકોને પણ ભારતીય નાગરિક તરીકે સુરક્ષા પૂરી પાડવામાં આવે.”
પ્રોફેસર અલી ખાને કહ્યું, “બે મહિલા સૈનિકો દ્વારા જાણકારી આપવાનો દૃષ્ટિકોણ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આ દૃષ્ટિકોણને વાસ્તવિકતા બનવો જોઈએ. નહીં તો આ માત્ર પાખંડ છે.”
જોકે, પ્રોફેસર અલી ખાને પોતાની આ પોસ્ટમાં ભારતના વૈવિધ્યની પણ પ્રશંસા કરી.
તેમણે લખ્યું, “સરકારે જે દેખાડવાના પ્રયત્નો કરી રહી છે, તેની સરખામણીએ મુસ્લિમો સામે પાયાની હકીકત કંઈક જુદી છે. સાથે જ આ પ્રેસ કૉન્ફરન્સ (કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહની પ્રેસ બ્રીફિંગ)થી ખબર પડે છે કે ભારતની વિવિધતામાં એકતા છે અને એક વિચાર સ્વરૂપે એ સંપૂર્ણપણે મર્યો નથી.”
પ્રોફેસર અલી ખાને પોતાની પોસ્ટના અંતમાં તિરંગા સાથે ‘જય હિંદ’ લખેલું.
પ્રોફેસર અલી ખાનનાં પત્ની અને વકીલ શું બોલ્યાં?

ઇમેજ સ્રોત, Vineet Kumar
પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદની ધરપકડ અંગે જાણવા માટે બીબીસીએ તેમનાં પત્ની સાથે વાત કરી.
પ્રોફેસર અલી ખાનનાં પત્ની ઓનાઇઝાએ બીબીસીને જણાવ્યું કે, “સવારે લગભગ સાડા છ વાગ્યે પોલીસની ટીમ અચાનક જ અમારા ઘરે આવી પહોંચી અને કોઈ પણ માહિતી આપ્યા વગર પ્રોફેસર અલી ખાનને પોતાની સાથે લઈ ગઈ.”
ઓનાઇઝાએ કહ્યું, “મારા પેટમાં નવ મહિનાનો ગર્ભ છે. ટૂંક સમયમાં જ મારી ડિલિવરી થવાની છે. મારા પતિને કોઈ પણ નક્કર કારણ વગર બળજબરીપૂર્વક ઘરમાંથી ઉઠાવી લેવાયા છે.”
બીજી તરફ પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદના વકીલોની ટીમ સાથે જોડાયેલા એક વકીલે બીબીસીને જણાવ્યું, “અમે એવું માની રહ્યા છીએ કે તેમની ધરપકડ થઈ ચૂકી છે અને તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈને સોનીપત લાવવામાં આવી રહ્યા છે. તેમને ત્યાંની સ્થાનિક કોર્ટમાં રજૂ કરી શકાય છે. હાલ અમે પણ વધુ જાણકારી એકઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
હરિયાણા પોલીસે પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદની ધરપકડની પુષ્ટિ કરી દીધી છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર સૈન્યના ‘ઑપરેશન સિંદૂર’ અંગે ટિપ્પણી કરવા બદલ પોલીસે તેમની ધરપકડ કરી છે.
અલી ખાનની ધરપકડ અંગે કોણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ઘણા જાણીતા લોકોએ પ્રતિક્રિયા આપી છે.
સ્વરાજ અભિયાનના સહ-સંસ્થાપક યોગેન્દ્ર યાદવે કહ્યું કે અલી ખાનની ધરપકડ આશ્ચર્યજનક છે.
તેમણે અલી ખાન મહમૂદાબાદની પોસ્ટ શૅર કરીને ઍક્સ પર લખ્યું, “આ પોસ્ટ વાંચો અને પોતાની જાતને સવાલ કરો કે, આમાં મહિલાવિરોધી શું છે? આ પોસ્ટ ધાર્મિક દ્વેષ કેવી રીતે ફેલાવી રહી છે? અને આ ભારતનાં એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ પર કેવી રીતે ખતરો પેદા કરે છે? (એફઆઇઆરમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 152). પોલીસ આવી ફરિયાદોને આધારે કેવી રીતે કાર્યવાહી કરી શકે?”
યોગેન્દ્ર યાદવે એવું પણ લખ્યું કે, “એવું પણ પૂછો કે મધ્યપ્રદેશના એ મંત્રીનું શું થયું છે. જેણે ખરેખર કર્નલ સોફિયાનું અપમાન કર્યું હતું?”
ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પ્રોફેસર અલી ખાનની ધરપકડના સમાચાર પોસ્ટ કરીને લખ્યું, “લોકશાહીની જનની.”
લેખક અને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદે કહ્યું કે, “હરિયાણા પોલીસે ખોટી રીતે અલી ખાન મહમૂદાબાદની ધરપરડ કરી છે.”
પ્રોફેસર અપૂર્વાનંદે ઍક્સ પર લખ્યું કે, “હરિયાણા પોલીસે ડૉ. અલી ખાનની ખોટી રીતે ધરપકડ કરી છે. ટ્રાન્ઝિટ રિમાન્ડ વગર તેમને દિલ્હીથી હરિયાણા લઈ જવાયા. રાત્રે આઠ વાગ્યે એફઆઇઆર નોંધાઈ અને બીજા દિવસે સવારે સાત વાગ્યે પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ!”
તેમણે આ મામલામાં દિલ્હી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દખલની માગ કરી છે અને પ્રબીર પુરકાયસ્થ મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો છે.
બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સાંસદ મનોજકુમાર ઝાએ પણ અલી ખાન મહમૂદાબાદની ધરપકડ અંગે પોસ્ટ કરી.
તેમણે લખ્યું, “સાચી લોકશાહી એ છે કે જ્યાં તમે ખુલ્લા હોવા માટે ‘બંધ’નથી.”
બીજી તરફ ‘ધ હિંદુ’ અખબારનાં પત્રકાર સુહાસિની હૈદરે કહ્યું કે પ્રોફેસર અલી ખાનની પોસ્ટ ભેદભાવ અંગે હતી.
તેમણે કહ્યું, “તેમની ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે આ મુદ્દે એક મંત્રીએ સાંપ્રદાયિક ટિપ્પણી કરી અને તેઓ સરાજાહેર ફરી રહ્યા છે.”
આ પહેલાં હરિયાણા રાજ્ય મહિલા આયોગના સમન વિરુદ્ધ 1203 લોકોએ એક પત્ર જાહેર કરીને પ્રોફેસર અલી ખાનનું સમર્થન કર્યું હતું.
આ પત્ર મારફતે આ લોકોએ હરિયાણા રાજ્ય મહિલા આયોગ પાસેથી ‘સમન્સ પાછો ખેંચીને પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદની સાર્વજનિકપણે માફી માગવાની’ માગ કરી.
આ સાથે આ લોકોએ અશોકા યુનિવર્સિટીને પણ અપીલ કરી કે તે પોતાના પ્રોફેસર સાથે ઊભી રહે.
કોણ છે પ્રોફેસર અલી ખાન?
પ્રોફેસર અલી ખાન હરિયાણાની અશોકા યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસર છે. આ એક ખાનગી યુનિવર્સિટી છે.
અલી ખાન મહમૂદાબાદ રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસના પ્રોફેસર છે. તેઓ રાજ્યશાસ્ત્ર વિભાગના વિભાગાધ્યક્ષ પણ છે.
અલી ખાન મહમૂદાબાદની ફેસબુક પ્રોફાઇલ અનુસાર તેઓ ઉત્તરપ્રદેશના મહમૂદાબાદના રહેવાસી છે.
અશોકા યુનિવર્સિટીની આધિકારિક વેબસાઇટ પર અપાયેલી જાણકારી અનુસાર તેઓ અમેરિકાની એમહર્સ્ટ કૉલેજમાંથી ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષયમાં સ્નાતક થયા છે.
એ બાદ તેમણે સીરિયાની દમિશ્ક યુનિવર્સિટીથી એમફિલ કર્યું. તેમણે એ દરમિયાન ન માત્ર સીરિયા પરંતુ લેબનન, ઇજિપ્ત અને યમનનો પ્રવાસ ખેડ્યો. સાથે જ ઈરાન અને ઇરાકમાં પણ સમય પસાર કર્યો. તેમણે પોતાનું પીએચ.ડી. ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પૂરું કર્યું છે.
પોતાની ઇન્સ્ટાગ્રામ અને ઍક્સ પ્રોફાઇલમાં અલી ખાન મહમૂદાબાદે પોતાની જાતને સમાજવાદી પાર્ટીના નેતા ગણાવ્યા છે. તેમની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ટાઇમલાઇન પર પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ સાથે તેમની કેટલીક તસવીરો પણ છે.
જોકે, ના તો સમાજવાદી પાર્ટી કે ના અખિલેશ યાદવે આ મામલે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS