Source : BBC NEWS

મમતા બેનરજી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ મમતા બેનરજી સામે તૃણમૂલ કૉંગ્રેસ પક્ષને એક રાખવાનો પડકાર છે.

તાજેતરમાં પાર્ટીના રાજ્યસભા સાંસદ સુખેન્દુ રેએ રાજ્યસભા અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપી દીધું છે.

હવે પાર્ટીનાં લોકસભા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે દાવો કર્યો છે કે તેમની સાથે 20 સાંસદો છે અને તેમણે લોકસભા સ્પીકર સામે માગ મૂકી છે કે તેમને ગૃહમાં અલગ બેસાડવામાં આવે.

લોકસભામાં તૃણમૂલ કૉંગ્રેસના 28 સાંસદો છે. 20 સાંસદોના સમર્થનનો અર્થ એ છે કે કથિત રીતે અલગ થનારું જૂથ એ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહીથી બચી શકે છે.

એ પણ શક્ય છે કે અલગ થયેલા જૂથને મૂળ તૃણમૂલ કૉંગ્રેસ તરીકે ઓળખવામાં આવે. જોકે, બીબીસી 20 સાંસદોના પત્રની પુષ્ટિ કરતું નથી.

આ પહેલાં મહારાષ્ટ્રમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષે પણ આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે જેમાં અલગ થયેલા જૂથને મૂળ પક્ષ તરીકે માન્યતા મળી.

વિધાનસભામાં શું થયું છે?

કાકોલી ઘોષ દસ્તેદાર

ઇમેજ સ્રોત, ANI

બીજી તરફ વિધાનસભાની વાત કરીએ તો, તૃણમૂલ કૉંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા ઋતબ્રત બેનરજીને વિધાનસભા અધ્યક્ષે વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી દીધી છે.

તૃણમૂલ કૉંગ્રેસે વરિષ્ઠ નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ 80માંથી 58 ધારાસભ્યોએ તેમને નેતા તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

ઋતબ્રત બેનરજીનો દાવો છે કે પાર્ટીના મોટા ભાગના ધારાસભ્યો તેમની સાથે છે અને તેમનું જૂથ જ સાચી તૃણમૂલ કૉંગ્રેસ છે. આ જૂથ મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીના પાર્ટીમાં કથિત વર્ચસ્વનો વિરોધ કરી રહ્યું છે.

આ જૂથ અભિષેકનો વિરોધ કરી રહ્યું છે, પરંતુ ઇચ્છે છે કે મમતા બેનરજી પાર્ટીના મુખ્ય સલાહકાર તરીકે દિશાનિર્દેશો આપે.

કાકોલી ઘોષના નેતૃત્વમાં લોકસભા સાંસદોનો બળવો?

તૃણમૂલનાં જ સાંસદ મહુઆ મોઇત્રાએ યુસુફ પઠાણ પર સવાલો ઉઠાવ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

આ લોકોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને તેમના નિર્ણયની જાણ કરી છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, “કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં અલગ થયેલા જૂથે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારી પણ તેમને ત્યાં મળ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દસ્તીદારના નેતૃત્વમાં સાંસદોને અલગથી બેસાડવાની માગ કરવામાં આવે.”

સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, સુવેન્દુ અધિકારી તૃણમૂલનાં સાંસદ શતાબ્દી રૉયના દિલ્હી નિવાસસ્થાને પણ ગયા હતા. એવું મનાય છે કે તે સમયે ત્યાં કેટલાક તૃણમૂલ સાંસદો પણ હાજર હતા.

ઋતબ્રત બેનરજીએ સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું હતું કે, “મને ખબર પડી છે કે 20 સાંસદોએ સહી કરી છે, પરંતુ હકીકતમાં બે તૃતીયાંશથી વધુ સાંસદોએ સહી કરી છે. મને ખ્યાલ નથી કે તેમણે આવું કેમ કર્યું, પરંતુ સરમુખત્યારશાહી સામે અવાજ ઉઠાવાઈ રહ્યો છે અને આ લોકશાહી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.”

તેઓ કહે છે, “મેં તેમની સાથે વાત કરી નથી, કે મને ખબર નથી કે તેમની ભવિષ્યની યોજનાઓ શું છે. તેમનું વલણ અમારા કરતાં અલગ છે. હું કદાચ તેમની સાથે ઊભો ન રહી શકું, પરંતુ સરમુખત્યારશાહી સામે લોકશાહીનો અવાજ ઉઠાવવા બદલ હું તેમને ચોક્કસપણે અભિનંદન આપું છું.”

ભાજપના પ્રવક્તા સંવિત પાત્રાએ તેમની ટિપ્પણીમાં કહ્યું, “જ્યાં સુધી તૃણમૂલ કૉંગ્રેસમાં કથિત વિભાજનનો સવાલ છે. તો હું ભાજપનો સત્તાવાર પ્રવક્તા હોવાને કારણે, તેમના પક્ષમાં શું ચાલી રહ્યું છે તેના પર કોઈ ટિપ્પણી કરીશ નહીં.”

“પરંતુ જ્યારે મીડિયા આવી વાર્તાઓ પ્રકાશિત કરી રહ્યું છે, જ્યારે વર્તમાન નેતાઓનાં અધિકૃત નિવેદનો બહાર આવી રહ્યા છે, અને જ્યારે અમારી પાસે વર્તમાન ટીએમસી સાંસદોના રાજીનામાંના પત્રો છે. તો એ સ્પષ્ટ છે કે તૃણમૂલ કૉંગ્રેસમાં બધું બરાબર ચાલી રહ્યું નથી.”

યુસુફ પઠાણ પણ ‘ભાજપને ટેકો’ આપશે?

એવી અટકળો પણ ચાલી રહી છે કે યુસુફ પઠાણ પણ ભાજપને ટેકો આપી શકે છે. સોશિયલ મીડિયા પર આ વાતની ચર્ચા છે

ઇમેજ સ્રોત, ANI

બહેરામપુરથી તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ તરીકે ક્રિકેટર યુસુફ પઠાણ ચૂંટાયા હતા. તેમણે કૉંગ્રેસના અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા.

હવે એવી અટકળો પણ ચાલી રહી છે કે યુસુફ પઠાણ પણ ભાજપને ટેકો આપી શકે છે. સોશિયલ મીડિયા પર આ વાતની ચર્ચા છે.

તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ ઍક્સ પર યુસુફ પઠાણને સંબોધીને લખ્યું હતું કે, “યુસુફ પઠાણ, તમે દિલ્હી દોડીને જઈ રહ્યા છો, કારણ કે તમને અમિત શાહે ફોન કર્યો? થોડી તો બહાદુરી બતાવો. તમે ભારત માટે રમ્યા છો. એક જિલ્લાના લોકોએ તમારા માટે મતદાન કર્યું, તમે કેટલા મોટા માર્જિનથી જીત્યા છો. થોડી શરમ રાખો, કરોડરજ્જુ બતાવો.”

મહુઆ મોઇત્રાએ અન્ય સાંસદોને સંબોધીને પણ લખ્યું હતું કે, “આ સાંસદો તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પર જીત્યા પછી 2024માં સંસદમાં પહોંચ્યા હતા. જનતાએ તેમને એનડીએના નહીં, પરંતુ તૃણમૂલ કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા હતા.”

“જે પણ સ્વાર્થી અને તકવાદી લોકો તેમનાં અંગત હિતો માટે પક્ષ છોડવા માગે છે, એ ભાજપમાં સામેલ થઈ શકે છે, પરંતુ પહેલા તેમણે પોતાના સાંસદ પદ પરથી રાજીનામું આપવું જોઈએ અને પછી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવી જોઈએ. પછી ખબર પડશે કે તેઓ ખરેખર કેટલા મહાન નેતા છે અને જનતા તેમની સાથે છે કે નહીં.”

તૃણમૂલ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કૃણાલ ઘોષે કહ્યું, “જે લોકો સાંસદ કે ધારાસભ્ય બન્યા છે તેમણે તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને અને ‘દીદી’ના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. થોડા દિવસો પહેલાં તો તેઓ “દીદી, દીદી, દીદી”ના નારા લગાવતા હતા. હવે, અમે સાંભળીએ છીએ કે તેઓ એનડીએમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. આ કેવા પ્રકારનું રાજકારણ છે?”

“ગઈ કાલ સુધી, તેઓ સતત ‘દીદી, દીદી, દીદી’ કહેતા હતા અને મમતા બેનરજીના લાંબા સંઘર્ષ અને યોગદાનને સ્વીકારતા હતા. આવી સ્થિતિમાં, તેમની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે. જનતા પણ આ પ્રકારની રાજનીતિને સારી નજરે જોતી નથી.”

પશ્ચિમ બંગાળમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ આ અટકળોને નાટક ગણાવી અને કહ્યું, “જો આ લોકો સીધા એનડીએમાં જોડાઈ ગયા હોત તો સારું થાત, કારણ કે 4 મે સુધી તેઓ ભાજપ પક્ષ સામે લડી રહ્યા હતા. હવે જ્યારે તેઓ હારી ગયા છે, ત્યારે તેમને લાગી રહ્યું છે કે તેમણે ભાજપમાં ચાલ્યા જવું જોઈએ.”

“તેઓ પોતે જ કહી રહ્યા છે કે અમે દેશની પ્રગતિ માટે તેઓ ભાજપને મદદ કરવા ઇચ્છીએ છીએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS