Source : BBC NEWS

 મહાકુંભ, જવાહરવાલ નહેરુ, પંડિત મદનમોહન માલવિય, બીબીસી ગુજરાતી, ધાર્મિકતા, ગંગા નદી, ભારતની નદી, બ્રિટિશ શાસન

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1924. સ્થળ અલાહાબાદ એટલે કે આજનું પ્રયાગરાજ. તે વખતે હિંદુ પંચાગ પ્રમાણે અલાહાબાદમાં અર્ધકુંભ મેળો આયોજિત થવાનો હતો. પરંતુ અંગ્રેજોએ કુંભમેળામાં આવનારા યાત્રાળુઓને ગંગાસ્નાન પર પ્રતિબંધ લાદી દીધો હતો.

અલાહાબાદમાં કુભ દરમિયાન ગંગાસ્નાન પર અંગ્રેજ હકુમત દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધનો લોકોએ જોરદાર વિરોધ કર્યો. વિરોધ કરનારાઓમાં મુખ્ય હતા પંડિત મદનમોહન માલવીય અને તેમની સાથે હતા જવાહરલાલ નહેરુ.

તે વખતે નહેરુની રાજકીય પકડ ધીરે-ધીરે મજબૂત બની રહી હતી.

પંડિત મદનમોહન માલવિયે તે વખતે અંગ્રેજોના આ પ્રતિબંધનો વિરોધ કરવાની આગેવાની લીધી હતી. તેમના આદેશ પર સેંકડો શ્રદ્ધાળુઓએ અંગ્રેજો દ્વારા ઊભી કરવામાં આવેલી વાંસની વાડને ભેદીને ગંગામાં ડૂબકી લગાવી હતી.

પંડિત માલવિયે અંગ્રેજોના વિરોધમાં ગંગાકૂચનું એલાન કર્યું હતું. નિયત તારીખ સુધીમાં અંગ્રેજોએ આ પ્રતિબંધ ન હઠાવ્યો અને તેથી તેમણે ગંગાકિનારે સત્યાગ્રહ કર્યો હતો.

અંગ્રેજોએ તેમને રોકવા માટે વાંસની વાડ તો બનાવી જ હતી અને આ વાડની પાછળ સ્થાનિક પોલીસ ઉપરાત ઘોડેસવાર પોલીસ પણ તહેનાત કરી હતી.

અંગ્રેજોના વિરોધ અને બળપ્રયોગ છતાં પંડિત માલવિય અને નહેરુએ ગંગાસ્નાન કર્યું હતું.

આ ઘટનાનો ઉલ્લેખ સ્વયં જવાહરલાલ નહેરુએ તેમની આત્મકથામાં કર્યો છે.

પંડિત મદનમોહન માલવિયનું જીવનચરિત્ર લખનારા વારાણસીના વિદ્વાન લેખક સીતારામ ચતુર્વેદીએ પણ આ પ્રસંગનું વર્ણન કર્યું છે.

અંગ્રેજોએ ગંગામાં સ્નાન કરવા પર કેમ પ્રતિબંધ મૂક્યો હતો?

 મહાકુંભ, જવાહરવાલ નહેરુ, પંડિત મદનમોહન માલવિય, બીબીસી ગુજરાતી, ધાર્મિકતા, ગંગા નદી, ભારતની નદી, બ્રિટિશ શાસન

ઇમેજ સ્રોત, Oxford

જવાહરલાલ નહેરુ તેમની આત્મકથામાં લખે છે, “જાન્યુઆરી, 1924માં મને નવા જ પ્રકારનો અનુભવ થયો. તે કુંભ કે અર્ધકુંભનું વર્ષ હતું. લાખો યાત્રાળુ ત્રિવેણી કે સંગમસ્નાન માટે આવે છે. ગંગાનો પટ પહોળો છે. પરંતુ ઠંડીમાં તેની ધારા સંકોચાઈ જાય છે. તે બંને તરફ જગ્યા છોડી દે છે. તેથી આ પટ યાત્રીઓના રહેવા માટે યોગ્ય રહે છે.”

“આ પટ પર ગંગા પોતાનો પ્રવાહ બદલતી રહે છે. 1924માં ગંગાનો પ્રવાહ એવો થઈ ગયો હતો કે યાત્રાળુઓનું તેમાં નાહવું ખતરનાક હતું. કેટલીક પાબંધીઓ સાથે કે સ્નાન કરનારાઓની સંખ્યાને નિયંત્રિત કરીને આ જોખમ ઓછું થઈ શકતું હતું.”

જોકે, નહેરુ લખે છે કે તેમને આ બધામાં રસ નહોતો, કારણ કે તેમને આ પ્રકારના પર્વમાં ગંગામાં નાહીને પૂણ્ય કમાવવાની ચાહ નહોતી. છતાં તેમને એક બાબતમાં રસ હતો.

તેઓ લખે છે, “આ મામલે પંડિત મદનમોહન માલવીય અને અંગ્રેજ સરકાર વચ્ચે ચર્ચા છેડાઈ હતી. પ્રાંતીય સરકારે ફરમાન કાઢ્યું હતું કે સંગમ પર કોઈ સ્નાન ન કરી શકે. માલવીયજીએ તેનો વિરોધ કર્યો, કારણ કે ધાર્મિક દૃષ્ટિએ તો સંગમ પર સ્નાન કરવું જ મહત્ત્વનું હતું.”

વારાણસીસ્થિત સંસ્કૃત અને હિન્દી ભાષાના વિદ્વાન સીતારામ ચતુર્વેદીએ મદનમોહન માલવીયનું જીવનચરિત્ર લખ્યું છે. બાયૉગ્રાફી ઑફ પંડિત મદનમોહન માલવીય નામના પુસ્તકમાં સીતારામ ચતુર્વેદીએ પણ આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે.

સીતારામ ચતુર્વેદી લખે છે, “દેશભરમાંથી દૂર-દૂરથી લાખો યાત્રાળુઓ પ્રયાગ સંગમસ્થળે પહોંચ્યા હતા. તેઓ અંગ્રેજોના આ પ્રતિબંધથી હતપ્રભ થઈ ગયા. તેમનામાં ગુસ્સો વધતો જતો હતો. સત્તાધીશો અને યાત્રાળુઓ વચ્ચે સંઘર્ષનાં મંડાણ થઈ ચૂક્યાં હતાં.”

નહેરુ લખે છે, “બીજી તરફ સરકારે જે પગલાં લીધાં હતાં તે પણ ઠીક હતાં, જેથી કોઈનો જીવ ન જાય. પરંતુ હંમેશાંની માફક તેણે બેવકૂફીભરી અને લોકોને ઉશ્કેરે તેવી રીતે આ પ્રકારની કાર્યવાહી કરી.”

નહેરુને ધાર્મિક બાબતોમાં રસ નહોતો. તેમનો ગંગામાં નાહવાનો કોઈ ઇરાદો નહોતો. તેઓ આ વિશે વધુમાં લખે છે, “કુંભના બીજા દિવસે હું મેળો જોવા ગયો. ગંગાકિનારે મેં સાંભળ્યું કે માલવીયજીએ જિલ્લા મૅજિસ્ટ્રેટને ચેતવણી આપી હતી. તેમણે પહેલાં અનુમતિ માગી અને ચેતવણી આપતાં કહ્યું કે જો તેઓ તેમને ત્રિવેણી સંગમસ્થાન પર સ્નાન કરવાની પરવાનગી નહીં આપે તો તેઓ સત્યાગ્રહ કરશે.”

સીતારામ ચતુર્વેદી લખે છે, “જ્યારે માલવીયજીએ આ પ્રતિબંધ ઉઠાવી લેવા માટે સરકારી અધિકારીઓને ટેલિગ્રામ કર્યો. પરંતુ કોઈ નિષ્કર્ષ નહીં આવ્યો.”

અંગ્રેજોએ તેમને સ્નાન કરવાની પરવાનગી આપી નહીં, જેના કારણે માલવીય ગુસ્સે ભરાયા. તેમણે છેવટે સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું અને લગભગ 200 કાર્યકરોને લઈને સંગમ તરફ આગળ વધ્યા હતા.

નહેરુ અંગ્રેજો સામેના સત્યાગ્રહમાં કેમ સામેલ થયા?

 મહાકુંભ, જવાહરવાલ નહેરુ, પંડિત મદનમોહન માલવિય, બીબીસી ગુજરાતી, ધાર્મિકતા, ગંગા નદી, ભારતની નદી, બ્રિટિશ શાસન

ઇમેજ સ્રોત, Getty Images

નહેરુને ભલે કુંભમાં સ્નાન માટેની દિલચસ્પી નહોતી, પરંતુ તેમને અંગ્રેજોના ફરમાનનો વિરોધ કરવા માટે કરવામાં આવી રહેલા માલવીયના સત્યાગ્રહમાં જરૂર હતી.

સીતારામ ચતુર્વેદી લખે છે, “જવાહરલાલ નહેરુ પણ તેમની સાથે હતા.”

નહેરુ લખે છે, “હું જોશમાં આવીને સત્યાગ્રહમાં જોડાઈ ગયો. મેદાનની પેલે પાર લાકડાની વાડનો ઘેરો બનાવ્યો હતો જેથી લોકોને સંગમસ્થાને પહોંચતા રોકી શકાય.”

“જ્યારે અમે પહોંચ્યા ત્યારે પોલીસે અમને રોક્યા. વાડને ઓળંગીને જવા માટે જે સીડી લઈને અમે ગયા હતા તે છીનવી લીધી. અમે તો અહિંસાવાદી અને સત્યાગ્રહી હતા એટલે ત્યાં જ શાંતિથી બેસી ગયા.”

“સવારથી લઈને બપોર સુધી અમે ત્યાં જ બેસી રહ્યા. તડકો વધી રહ્યો હતો અને અમારી બંને તરફ પોલીસ ઊભી હતી સાથે ઘોડેસવાર પોલીસ પણ હતી. અમારી ધીરજ ખૂટી રહી હતી. અમે ચર્ચા કરી કે કશુંક કરવું જોઈએ.”

તે જ વખતે અંગ્રેજોની ધીરજ પણ ખૂટી રહી હતી તેથી તેમણે સત્યાગ્રહીઓને ખદેડવા માટે ઘોડેસવાર પોલીસને આગળ વધવાનો આદેશ આપ્યો.

તે વખતે નહેરુને લાગ્યું કે તેઓ તેમને કચડી નાખશે. તેમને લાગ્યું કે આ લોકોના હાથે માર ખાવો તેના કરતા કંઈક કરવું જોઈએ.

તેઓ આ વિશે લખે છે, “મેં મારી નજીકની વ્યક્તિને સમજાવ્યું કે કેમ આપણે વાંસની વાડને ઓળંગીને ન જઈ શકીએ. હું તેના ઉપર ચઢી ગયો. મારી દેખાદેખી વીસેક લોકો પણ ચઢી ગયા. વાંસની વાડમાંથી અમે રસ્તો બનાવ્યો.”

“મને કોઈકે રાષ્ટ્રીય ઝંડો આપ્યો. મેં તેને વાડના ઘેરા પર ખોસી દીધો. હું મારા રંગમાં મગન હતો. લોકોને આ પ્રકારે ઘૂસતા અને ઘોડેસવાર પોલીસ દ્વારા તેમને રોકવામાં આવતા હતા તે જોતો હતો. તેઓ દંડાથી લોકોને ધક્કો આપતા હતા. જોકે, એટલું કહેવું રહ્યું કે તેઓ કોઈને ઈજા ન પહોંચે તેનું ધ્યાન રાખતા હતા.”

“આખરે હું બીજી તરફ ઊતરી પડ્યો અને ગંગામાં ડૂબકી લગાવી દીધી.”

નહેરુએ ફરી માલવીય સાથે ગંગામાં ડૂબકી લગાવી

 મહાકુંભ, જવાહરવાલ નહેરુ, પંડિત મદનમોહન માલવિય, બીબીસી ગુજરાતી, ધાર્મિકતા, ગંગા નદી, ભારતની નદી, બ્રિટિશ શાસન

ઇમેજ સ્રોત, Getty Images

ભલે, નહેરુએ પોલીસનો ઘેરો તોડીને ગંગાસ્નાન કર્યું પરંતુ માલવીય સત્યાગ્રહ કરતા બેઠા હતા. નહેરુને અચરજ થયું કે માલવીયની સાથે કેટલાક લોકો હજુ બેઠા જ છે. તેમની સામે જ પોલીસ અને ઘોડેસવાર પોલીસ ઊભી છે.

નહેરુ આ વિશે લખે છે, “હું ગમેતેમ કરીને પાછો માલવીયજીની બાજુમાં જઈ બેઠો. અમે થોડી વાર બેઠા, પરંતુ માલવીયજી ગિન્નાયા હતા. એવું લાગતું હતું કે તેઓ તેમનો આવેશ જેમતેમ રોકી રહ્યા છે.”

“એકાએક તેઓ પણ આ ગમેતેમ કરીને આ ઘેરાબંધી તોડીને ઘૂસી ગયા અને તેમણે પણ ગંગામાં ડૂબકી લગાવી.”

સીતારામ ચતુર્વેદી લખે છે, “હજારો લોકોએ તેમનું અનુસરણ કર્યું. સત્યાગ્રહની છેવટે જીત થઈ. પોલીસ નિરાધાર બનીને જોતી રહી.”

નહેરુ લખે છે, “આમ તો ગંગામાં ડૂબકી લગાવવી એ કોઈ મોટું સાહસ નહોતું, પરંતુ માલવીયજી જેવા વૃદ્ધ અને દુર્બળ શરીર ધરાવતી વ્યક્તિ દ્વારા આવું કરવું મારા માટે ચકિત કરી દેનારું હતું. અમે પણ તેમનું અનુકરણ કર્યું અને અમે સૌ ગંગામાં પડ્યા.”

“પોલીસ અને ઘોડેસવાર પોલીસે અમને રોકવાની બહુ કોશિશ કરી. પરંતુ બાદમાં હઠી ગઈ.”

નહેરુ લખે છે કે અંગ્રેજ સરકાર તેમની સામે કાર્યવાહી કરશે પરંતુ તે માલવીય સામે કોઈ કાર્યવાહી કરવા નહોતી માગતી.

તેમના લખવા પ્રમાણે, “તેથી, મોટાની સાથે અમે નાના પણ બચી ગયા.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS