Home તાજા સમાચાર gujrati મહાકુંભ: નાગા સાધુ બનવાની પ્રક્રિયા કેવી હોય છે, કોણ બની શકે અને...

મહાકુંભ: નાગા સાધુ બનવાની પ્રક્રિયા કેવી હોય છે, કોણ બની શકે અને કુંભ બાદ તેઓ ક્યાં જઈને રહે છે?

2
0

Source : BBC NEWS

મહાકુંભ, નાગા સાધુ, અખાડા, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, મહામંડલેશ્વર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

  • લેેખક, જયદીપ વસંત
  • પદ, બીબીસી ગુજરાતી
  • 15 જાન્યુઆરી 2025, 13:19 IST

    અપડેટેડ 34 મિનિટ પહેલા

ભવ્ય રથ, હાથી, ઊંટ, ઘોડા, એસયુવી ગાડીઓનો કાફલો, હાથમાં તલવારો, ત્રિશૂળ અને ક્યારેક બંદૂકોનું પ્રદર્શન અને અંગકસરતના દાવ. આ દૃશ્યો કુંભમેળા દરમિયાન અખાડાની રાવટીઓનાં છે.

સામાન્ય રીતે ‘અખાડા’ શબ્દ સાંભળતાની સાથે જ પહેલવાની કે કુસ્તીના મેદાન અને તેની તાલીમ યાદ આવે, પરંતુ કુંભમેળા દરમિયાન અખાડાનો મતલબ સાધુ-સંતોની પરંપરા સાથે છે.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી નદીના સંગમસ્થળે, ઉત્તરાખંડના હરિદ્વારમાં, મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી નદીના કિનારે અને મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે કુંભમેળાનું આયોજન થાય છે.

આ દરમિયાન જ નવા સાધુઓને અખાડામાં સામેલ કરવાની વિધિ પણ હાથ ધરવામાં આવે છે. જેઓ 15 જેટલા અલગ-અલગ અખાડામાંથી કોઈ સાથે જોડાઈને સંસારનો ત્યાગ કરે છે.

જોકે, આ પહેલાં તેમણે કપરી પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે અને કેટલીક મહત્ત્વપૂર્ણ ધાર્મિકવિધિઓ પણ કરવી પડે છે એ પછી જ તેમનો દુનિયાદારીથી અલગ જગતમાં સમાવેશ થઈ શકે છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર,

અખાડાઓ નાગા સાધુને કેવી રીતે દીક્ષા આપે?

નાગા સાધુ કેવી રીતે થવાય, નાગા સાધુ ક્યાં રહે, નાગા સાધુની પરંપરા, પ્રયાગરાજ મહાકુંભ, 12 વર્ષે કુંભ, ગંગા યમુના સરસ્વતી નદીના કિનારે કુંભ, બીબીસી ગુજરાતી, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

એક પ્રકારે અખાડા એ હિંદુ ધર્મના મઠ છે. માનવામાં આવે છે કે આદિ શંકરાચાર્યે બૌદ્ધ ધર્મનો પ્રસાર અટકાવવા માટે અખાડાઓની સ્થાપના કરી હતી.

મહાનિર્વાણી અખાડાના સચિવ મહંત રવીન્દ્રપુરીએ બીબીસીને જણાવ્યું હતું, “જેઓ શાસ્ત્રથી ન માન્યા, તેમને શસ્ત્રોથી મનાવવામાં આવ્યા અને અખાડાઓએ હિંદુધર્મનું પુનર્રોત્થાન કર્યું.”

અગાઉ માત્ર ચાર અખાડા હતા, પરંતુ વૈચારીક મતભેદ થતાં તેમાં વિભાજન થતું રહ્યું. હાલમાં લગભગ 15 જેટલા મુખ્ય અખાડા છે, જેમાં તાજેતરમાં ઉમેરાયેલા મહિલાઓના પરી અખાડા અને કિન્નર અખાડાનો પણ સમાવેશ થાય છે.

કુંભના કેન્દ્રમાં સાધુ-સંતો અને નાગા સંન્યાસીઓ હોય છે. આ ગાળા દરમિયાન પરસ્પર આધાત્યમિક અને ધાર્મિક વિચારોનું આદાનપ્રદાન અને શાસ્ત્રાર્થ થાય છે.

દરેક અખાડા પોત-પોતાની પરંપરા અનુસાર શિષ્યોને દીક્ષા આપે છે અને હાલના સાધુઓને ઉપાધિઓ આપે છે.

પ્રારંભિક અખાડા મુખ્યત્વે શૈવ(શિવમાં માનનારા) અને વૈષ્ણવ(વિષ્ણુમાં માનનારા વૈરાગી કે બૈરાગી) હતા. હવે તેમાં ઉદાસીન અને શીખ અખાડાનો પણ સમાવેશ થાય છે. તેમના સાધુઓની કુલ સંખ્યા પાંચેક લાખ આસપાસ હોવાનું અંદાજવામાં આવે છે.

જે પંથના સાધુ હોય છે એજ પંથનાં નામ અને અટક તેમની સાથે જોડાય છે. તેઓ સંન્યાસી બન્યા પછી પારિવારિક સંબંધો અને પૃષ્ઠભૂમિનો ત્યાગ કરે છે. તેમના નામની સાથે પિતાના નામની જેમ ગુરુનું નામ જોડાય છે.

નાગા સાધુ કેવી રીતે બને છે?

નાગા સાધુ કેવી રીતે થવાય, નાગા સાધુ ક્યાં રહે, નાગા સાધુની પરંપરા, પ્રયાગરાજ મહાકુંભ, 12 વર્ષે કુંભ, ગંગા યમુના સરસ્વતી નદીના કિનારે કુંભ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇતિહાસના પ્રાધ્યાપક ડૉ. અશોક ત્રિપાઠીએ પ્રયાગરાજને કેન્દ્રમાં રાખીને ‘નાગા સન્યાસીઓ કા ઇતિહાસ’ નામનું પુસ્તક લખ્યું છે. જેના ત્રીજા પ્રકરણમાં તેમણે અલગ-અલગ સંપ્રદાયની મોટાભાગના નિયમોને સંકલિત કર્યા છે. જે મુજબ :

  • અખાડામાં પ્રવેશ મેળવવા કે નાગા સાધુ બનવા માટે કોઈપણ વ્યક્તિએ નાગા સાધુનું શિષ્યત્વ ગ્રહણ કરવું પડે છે. તેનામાં કોઈ શારીરિક ખોડ ન હોવી જોઈએ. સામાન્યતઃ 16થી 20 વર્ષના તરૂણો અને યુવકો દીક્ષિત થાય છે.
  • દીક્ષાની શરૂઆતમાં તેમના વાળનું મુંડન કરવામાં આવે છે અને તેમને ‘મહાપુરુષ’ કે ‘વસ્ત્રધારી’ની ઉપાધિ આપવામાં આવે છે. વરિષ્ઠ નાગા સાધુની દેખરેખમાં તેમને તાલીમ આપવામાં આવે છે.
  • આ તબક્કે તેના કોઈ વ્યક્તિગત ગુરુ નથી હોતા, પરંતુ અખાડાના અધિષ્ઠા દેવતા જ તેના વાસ્તવિક ગુરૂ હોય છે.
  • સમય આવ્યે તે વરિષ્ઠ સંન્યાસી સાથે જોડાય છે, જે તેના સાધકગુરુ પણ બને છે. વસ્ત્રધારીને ભ્રમણકર્તા નાગા સાધુઓ સાથે પણ મોકલવામાં આવે છે.
  • નવદીક્ષિતે સફાઈ, ભોજન બનાવવું, નાગફણી વગાડવી, અસ્ત્રની તાલીમ મેળવવી, વગેરે જેવાં જે કોઈ કામ સોંપે તે તમામ કામ કરવાનાં રહે છે. આ પછી જો વરિષ્ઠ નાગા સાધુઓ વસ્ત્રધારીના પ્રદર્શનથી ખુશ થાય તો તેમને નાગા દિગમ્બર તરીકે દીક્ષિત કરવામાં આવે છે.
  • આ દરમિયાન તેના ‘ટંગતોડ સંસ્કાર’ થાય છે, એ પછી તે ઘરે પરત ફરી ન શકે. અખાડાના ‘મહંત’ કે ‘કારોબારી’ તેને શપથ લેવડાવે છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ ઉપરાંત નાગા સાધુ બનવા માટેના બીજા પણ નિયમો છે, જે દીક્ષા લેનારે પાળવાના રહે છે.

  • કુંભ દરમિયાન તે ત્રણેક દિવસના ઉપવાસ રાખે છે અને ‘પ્રેષ મંત્ર’નો જાપ કરે છે. પોતાના હાથે પોતાનું શ્રાદ્ધ તથા 21 પેઢીઓનું પિંડદાન કરે છે અને સાંસારિક સંબંધો કાપી નાખે છે.
  • સાંસારિક ઓળખ સમાન વાળ પણ ઉતરાવી નાખે છે. તે માત્ર લંગોટમાં જે નદીકિનારે કુંભ યોજાયો હોય તેમાં વહેલી સવારે ડૂબકી મારે છે અને આ સાથે તેનો સાધુ તરીકે ‘નવો જન્મ’ થાય છે. નાગા સાધુઓ શરીર ઉપર ભભૂત અને રાખ લગાડે છે.
  • તાલીમકાળ દરમિયાન નવી દીક્ષા લેનારને સંસારમાં પરત ફરવા માટે પૂરતી તક આપવામાં આવે છે. વસ્ત્રાધારીને નાગા સાધુ બનવામાં બે વર્ષથી લઈને 12 વર્ષ સુધીનો સમય લાગી શકે છે આ માટે કોઈ મર્યાદા નથી.
  • જોકે, નાગા મહિલા સાધુઓને સંપૂર્ણ નગ્ન રહેવાની છૂટ નથી અને તે ભગવાં વસ્ત્ર ધારણ કરે છે, જે હિંદુધર્મમાં ત્યાગનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પહેલાંના પ્રયાગરાજના કુંભ દરમિયાન મહિલા અખાડાને ઓળખ મળી. ‘માઈ અખાડા’નું નામ બદલીને ‘સંન્યાસિની અખાડા’ નામ આપવામાં આવ્યું અને મહિલાઓને પણ તેમની ધર્મધજા સ્થાપિત કરવાની છૂટ આપવામાં આવી.

નાગા સાધુ ક્યાં રહે છે ?

નાગા સાધુ કેવી રીતે થવાય, નાગા સાધુ ક્યાં રહે, નાગા સાધુની પરંપરા, પ્રયાગરાજ મહાકુંભ, 12 વર્ષે કુંભ, ગંગા યમુના સરસ્વતી નદીના કિનારે કુંભ,

ઇમેજ સ્રોત, Reuters

દરેક અખાડાનું સંચાલન મહામંડલેશ્વરના હસ્તક હોય છે, જેઓ અખાડાના સર્વોચ્ચ વડા હોય છે.

અગાઉ મહામંડલેશ્વરની ઉપાધિ ‘પરમહંસ‘ તરીકે ઓળખાતી હોવાનું જદુનાથ સરકાર દશનામીઓના ઇતિહાસ અંગેના પુસ્તકમાં (પેજનંબર 92) લખે છે.

એક અખાડામાં 8 ખંડ અને 52 મઠ હોય છે. તેમના હાથ નીચે મંડલેશ્વર હોય છે.

અખાડાના કદના આધારે સભ્યસંખ્યા વધુ ઓછી હોઈ શકે છે. મહંતના નેતૃત્વમાં દરેક કેન્દ્રમાં ધાર્મિકપ્રવૃત્તિઓ ચાલે છે.

પ્રારંભિક સદીઓ દરમિયાન આ મહંતોના વિસ્તાર હિંદુ રાજાઓને આધીન હતા અને કોઈપણ રાજા આ સંન્યાસીઓને સન્માન આપતા અને તેમની જરૂરિયાતો પૂરી કરતા. બદલામાં નાગા સાધુઓ સૈન્યસહાય પણ આપતા.

અલાહાબાદ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર હેરંબ ચતુર્વેદી કહે છે, “અખાડાની પરંપરાની શરૂઆત સિકંદરના આક્રમણના સમયથી થઈ હોવાનું માનવામાં આવે છે.”

“સર જદુનાથ સરકારે તેમના પુસ્તક ‘અ હિસ્ટ્રી ઑફ દશનામી નાગા સંન્યાસીઝ’માં આ સંબંધી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.”

અકબરના શાસનકાળ દરમિયાન હિંદુ સંન્યાસીઓને પણ હથિયાર આપવા અંગે નિર્ણય લેવાયો હતો. એ પછી ઔરંગઝેબના સમયમાં તેમની વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થયા હોવાના કિસ્સા નોંધાયેલા છે.

ભારતમાં અંગ્રેજ સરકાર સ્થાપિત થઈ એ પછી અસ્ત્ર-શસ્ત્ર અંગે નિષેધો લાદવામાં આવ્યા હતા.

આ સિવાય ભારતીય દંડ સંહિતા હેઠળ નિર્વસ્ત્ર વિચરણ ઉપર પણ પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા.

તાજેતરનાં વર્ષોમાં નાગા સાધુઓ કુંભ, મહાકુંભ કે શિવરાત્રિના મેળા જેવા ઉત્સવો દરમિયાન જ સામૂહિક રીતે જોવા મળે છે, એ સિવાય તેમની હરફર મહદંશે તેમના અખાડા અને આસપાસના વિસ્તારો પૂરતી મર્યાદિત હોય છે.

નાગા સાધુ કેવી રીતે થવાય, નાગા સાધુ ક્યાં રહે, નાગા સાધુની પરંપરા, પ્રયાગરાજ મહાકુંભ, 12 વર્ષે કુંભ, ગંગા યમુના સરસ્વતી નદીના કિનારે કુંભ

ઇમેજ સ્રોત, Getty Images

અખાડામાં સાધુઓ સહેલાઈથી પ્રવેશ મેળવી શકતા નથી. એ માટે તેમણે આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે.

એક વખત અખાડામાં પ્રવેશ્યા પછી તે જ્ઞાત-જાત, ઊંચ-નીચના ભેદભાવોથી પર થઈ જાય છે અને પોતાની વ્યક્તિગત સંપત્તિ તથા સાંસારિક ઇચ્છાઓનો ત્યાગ કરે છે.

સાધુઓને પ્રવેશ આપવા માટે અખાડામાં અલગ-અલગ વ્યવસ્થા છે.

દશનામીઓના ગોવર્ધનપીઠ, શારદા પીઠ, શ્રૃંગેરી મઠ અને જ્યોર્તિમઠ એમ મુખ્ય ચાર કેન્દ્ર છે. જે અનુક્રમે પુરી (પૂર્વમાં ઓડિશા), દ્વારકા (પશ્ચિમમાં ગુજરાત), શ્રૃંગેરી (દક્ષિણમાં કર્ણાટક) અને જોશીમઠ (ઉત્તરમાં ઉત્તરાખંડ) ખાતે આવેલી છે.

વન અને અરણ્ય (ગોવર્ધનપીઠ); તીર્થ અને આશ્રમ (શારદાપીઠ); પુરી, ભારતી અને સરસ્વતી (શ્રૃંગેરી); તથા ગિરિ, પર્વત અને સાર (જોશી મઠ) સાથે જોડાયેલી શાખાઓ છે.

ગોવર્ધનપીઠ, શારદા પીઠ, શ્રૃંગેરીમઠ અને જોશીમઠ તેમના નવદીક્ષિતોને અનુક્રમે પ્રકાશ, સ્વરૂપ, ચેતન અને આનંદ (કે નંદ) તરીકે ઓળખવામાં આવે છે. તેમના અધિષ્ઠા દેવતા અનુક્રમે જગન્નાથ, સિદ્ધેશ્વર, આદિ વરાહ અને નારાયણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS