Source : BBC NEWS

ભારતે સરોગસીને કાયદેસર બનાવવા માટે ચોક્કસ કાયદા ઘડ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, કોટેરુ સરવાની
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 13 જાન્યુઆરી 2025

    અપડેટેડ 8 કલાક પહેલા

યુપીના વારાણસીમાં એક 15 વર્ષની છોકરીએ પોતાનાં ઈંડાં (એગ્ઝ)નું દાન કર્યું હતું. તેણે માત્ર 15000 રૂપિયામાં માટે આ કામ કર્યું હતું. આમ કરવા પાછળનો તેનો હેતુ આ પૈસાથી સ્માર્ટફોન ખરીદવાનો હતો. આવું કરનાર તેઓ એકમાત્ર વ્યક્તિ નથી.

તાજેતરમાં બ્લૂમબર્ગમાં પ્રકાશિત થયેલા એક લેખ “ધ એગ-અ સ્ટોરી ઑફ એક્સટ્રેક્શન, ઍક્સપ્લૉઇટેશન, ઑપર્ચ્યુનિટી” મુજબ ભારતમાં દર વર્ષે છોકરીઓ અને મહિલાઓના શરીરમાંથી અજાણતા જ હજારો એગ્ઝ કાઢવામાં આવે છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર દુનિયામાં દર 15 સેકન્ડે મહિલાઓના શરીરમાંથી ઈંડાં કાઢવામાં આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગની મહિલીઓ આઈવીએફ (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) સારવારમાં પોતાનાં ઈંડાંનો જ ઉપયોગ કરે છે. પરંતુ છ ટકા કેસમાં દાનમાં અપાયેલાં ઈંડાંનો ઉપયોગ કરવામાં આવે છે.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે 2019માં ઈંડાંના દાનથી જગતમાં 1,20,000થી વધુ ભ્રૂણનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 2011 કરતા આ સંખ્યા બમણી છે.

જો કે એક અંદાજ એવો છે કે આ આંકડો આનાથી પણ વધારે મોટો હોઇ શકે છે.

મોટાભાગના દેશોમાં આ પ્રક્રિયા પર વ્યાપકપણે દેખરેખ રાખવામાં આવતી નથી અને આ આંકડાઓમાં ભારતના ડેટાનો સમાવેશ નથી.

ભારત સીરમ્સ ઍન્ડ વેક્સિન્સ લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલા સંશોધન ડેટા અનુસાર ભારતમાં વર્ષ 2023માં ઈંડાં દાન દ્વારા અંદાજિત 95,000 આઈવીએફ પ્રોસીજર કરવામાં આવી હતી.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર મોટી ઉંમરની મહિલાઓની સરખામણીમાં નાની છોકરીઓનાં એગ્ઝની માંગ વધારે છે.

આ એગ્ઝનો મર્યાદિત નિયમન સાથે ખુલ્લા બજારમાં અને કાળાબજારમાં પણ વેપાર થઈ રહ્યો છે.

જો કે ભારતે સરોગસીને કાયદેસર બનાવવા માટે ચોક્કસ કાયદા ઘડ્યા છે. સરોગસી અને દત્તક લેવાની પ્રક્રિયા આ કાયદાઓ અનુસાર જ કરવામાં આવે છે.

ઈંડાંનું દાન કોણ કરી શકે ? ભારતમાં શું નિયમો છે ? જાણો આ અહેવાલમાં.

અંડદાન માટે કાયદેસરની વયમર્યાદા કેટલી છે, કેવી આડઅસરો થાય?

બીબીસી ગુજરાતી મહિલા અંડાશય અંડદાન આઈવીએફ

ઇમેજ સ્રોત, Getty Images

આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજી (ART) ઍક્ટ 2021 ભારતમાં અમલી છે. આ કાયદો સહાયક પ્રજનન તકનીક અને અંડકોશનું દાન કરવા માટે બૅન્કોની દેખરેખ માટે નિયમો અને માર્ગદર્શિકા આપે છે.

આ કાયદો સલામત પ્રથાઓ સુનિશ્ચિત કરવા અને આવી બધી પ્રક્રિયાઓમાં ભૂલ ના થાય તેની તકેદારી રાખે છે.

આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજી શબ્દને ઘણી રીતે સમજાવી શકાય છે. વ્યક્તિના શરીરમાંથી શુક્રાણુ અથવા એગ્ઝ લેવામાં આવે છે અને સ્ત્રીની પ્રજનન પ્રણાલીમાં ગેમેટ અથવા ગર્ભ વિકસાવવામાં આવે છે તે તમામ પ્રક્રિયાઓને સહાયક પ્રજનન તકનીક ગણવામાં આવે છે.

શુક્રાણુ અને ઈંડાં દાન માટે કાયદેસરની ઉંમર શું છે? કયાં સ્વાસ્થ્ય સુરક્ષા પગલાં જરૂરી હોવાં જોઈએ? તેની આડઅસરો શું છે? ક્લિનિક્સે કયા નિયમોનું પાલન કરવું જોઈએ?

ભારતમાં કોણ ઈંડાં દાન કરી શકે છે?

બીબીસી ગુજરાતી મહિલા અંડાશય અંડદાન આઈવીએફ

ઇમેજ સ્રોત, Dr Srilatha Gorthi

આ કાયદા અનુસાર માત્ર 23 થી 35 વર્ષની વયની મહિલાઓ જ અંડાશયનું દાન કરી શકે છે.

ઉપરાંત આ અંડકોષ એક કરતાં વધુ યુગલને આપી શકાય નહીં. આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજી બૅન્ક તરીકે નોંધાયેલ સંસ્થાઓને જ ઈંડા દાનમાં આપી શકાય છે.

સ્ત્રી તેના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર દાન કરી શકે છે અને એક સમયે સાતથી વધુ અંડકોષ દાન કરી શકાતાં નથી.

રિવાઇવ ક્લિનિક્સ અને ફર્ટિલિટી સેન્ટર ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ અને કન્સલ્ટ ગાયનેકોલૉજિસ્ટ ડૉ. શ્રીલથા ગોર્થી કહે છે કે, ઈંડાંનું દાન કરતી મહિલાઓ સ્વસ્થ અને લૈંગિક રીતે સક્રિય હોવી જોઈએ. તેમના મતે માત્ર પરિણીત મહિલાઓ જ ઈંડાં દાન કરવા માટેનું યોગ્ય પાત્ર છે.

આધાર કાર્ડ ફરજિયાત

બીબીસી ગુજરાતી મહિલા અંડાશય અંડદાન આઈવીએફ

ઇમેજ સ્રોત, Getty Images

ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉ શ્રીલથા ગોર્થીએ કહ્યું કે ડૉકટરો માટે ઈંડાં દાતાઓ પાસેથી આધાર કાર્ડ મેળવવું ફરજિયાત છે.

જોકે, તેમણે કહ્યું કે ખોટા દસ્તાવેજો બનાવનારાઓને શોધવા મુશ્કેલ છે. તેમણે કહ્યું કે માત્ર પરિણીત મહિલાઓ જ ઈંડાંનું દાન કરી શકે છે કારણ કે તે સર્જરી દ્વારા કરવામાં આવે છે.

કમિશનિંગ દંપતી એટલે કે જે દંપતીને ઈંડાં આપવામાં આવ્યાં છે તેમણે કાયદા દ્વારા નિર્ધારિત વીમા લાભો પણ લેવા પડે છે.

જોકે ડૉ. શ્રીલતાએ કહ્યું કે ART ઍક્ટમાં છટકબારીઓ છે અને કેટલીક બાબતો અસ્પષ્ટ પણ છે.

ART ઍક્ટની કલમ 21 વર્ગ (બી) મુજબ, દાતાઓએ નીચે દર્શાવેલ તમામ પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે.

  • હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (એચઆઈવી)
  • હેપેટાઇટિસ બી વાયરસ (એચબીવી)
  • હેપેટાઇટિસ સી વાયરસ (એચસીવી)
  • ક્લેમીડિયા

જો કે મહિલાઓ પાસેથી લીધેલા અંડકોષનો ઉપયોગ વેચાણ અથવા વેપાર માટે કરી શકાતો નથી. તેમની નિકાસ પણ કરી શકાતી નથી. જો તેનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવે તો કાયદા હેઠળ જેલ અને દંડ સહિતની જોગવાઈ છે.

ક્લિનિક્સ અને બૅન્કોએ સારવાર લઈ રહેલા દંપતીના દાતા અને સારવારની માહિતી ગુપ્ત રાખવી ફરજિયાત છે. આ માહિતી નેશનલ રજિસ્ટ્રી સિવાય અન્ય કોઈની સાથે આપી શકાતી નથી.

ડૉ. શ્રીલતાએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા સ્ક્રીનિંગ પૂર્ણ કર્યા પછી અને કાયદાકીય પેપરવર્ક પૂર્ણ કર્યા પછી જ કરવાની રહે છે.

ઈંડાં દાન પછી સમસ્યાઓ હોઈ શકે છે?

બીબીસી ગુજરાતી મહિલા અંડાશય અંડદાન આઈવીએફ

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. શ્રીલથા ગોર્થીએ જણાવ્યું હતું કે એગ્ઝ દાનના દસ દિવસમાં રસીકરણ કરાવવાનું હોય છે.

તેમણે કહ્યું કે આ દવાઓ ઈંડાંના ઉત્પાદનમાં મદદ કરે છે. ત્યારબાદ ઍનેસ્થેસિયા આપી ઈંડાંને લેવામાં આવે છે. તેનાથી ક્યારેક સામાન્ય દુખાવો થઈ શકે છે જેને પેઈનકિલરથી ઘટાડી શકાય છે.

ડૉ. શ્રીલથા ગોર્થીના અનુસાર આની આડઅસર ઓછી છે અને પ્રક્રિયા ખૂબ જ સલામત છે. તેમના મતે ઈંડાંને ફ્રીઝ કરતી વખતે પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવે છે.

તેમણે કહ્યું કે બહુ ઓછા કિસ્સાઓમાં કોઈ સમસ્યા થાય છે. જે ઘણા કિસ્સાઓમાં એક સાથે ઘણા ઈંડાં બહાર આવવાને કારણે થતી હોય છે.

ડૉ. શ્રીલતાએ કહ્યું કે આ માટે ભારતમાં જરૂરી નિયમો છે, જેનું કડકાઈથી પાલન કરવું જોઈએ.

મોટી વયે બાળજન્મ

ડૉ. શ્રીલથા કહે છે, “મહિલા 28 વર્ષની આસપાસ હોય ત્યાં સુધીમાં તેના અંડાશયમાં 50 ટકાનો ઘટાડો થાય છે. આ સાથે જીવનશૈલીમાં ફેરફાર, ધૂમ્રપાન અને દારૂનું સેવન પણ ઈંડાંની સંખ્યા ઘટાડે છે.”

તેઓ કહે છે, “હાલમાં યુવા પેઢી પોતાની કારકિર્દીને વધુ મહત્ત્વ આપે છે. તેઓ થોડા સમય બાદ બાળકો પેદા કરવા બાબતે વિચારે છે. તેવામાં સારાં ઈંડાંની શક્યતા પહેલેથી જ ઘટી રહી હોય છે તેથી ગર્ભાવસ્થાની શક્યતાઓ પણ ઓછી થઈ છે. આમ ગર્ભધારણ ન થઈ રહ્યું હોવાથી આઈવીએફની પ્રક્રિયાનો આશરો લેવામાં આવે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS