Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Ravi
એક કલાક પહેલા
નવરંગપુરા વિસ્તારમાં અજાણી વ્યક્તિની મળેલી લાશની ઘટનામાં હત્યાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક દૃષ્ટિએ અકસ્માતે મોત જણાતી આ ઘટના સીસીટીવીનાં રેકૉર્ડિંગ જોયા બાદ હત્યામાં બદલાઈ ગઈ હતી. હત્યાની તપાસમાં મળેલી માહિતી પ્રમાણે માત્ર ભાડાના 30 રૂપિયાની તકરારમાં રિક્ષાચાલકે પેસેન્જરને રિક્ષા નીચે કચડીને હત્યા કરી છે.
પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આ સમગ્ર મામલો હત્યાનો હોવાનું જણાયું હતું.
સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
જોકે મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે મૃતકના પરિવારની શોધખોળ અંગે તપાસ હાથધરી છે.
હત્યાની ઘટના રાતની હોવાથી પોલીસ પાસે તપાસ માટેની પ્રાથમિક કડી તરીકે માત્ર સીસીટીવી ફુટેજ જ હતા.
પોલીસને હત્યાભેદ કેવી રીતે ઉકેલ્યો?

ઇમેજ સ્રોત, RAVI
20 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ પોલીસને કંટ્રોલરૂમમાં કોલ મળ્યો હતો કે નવરંગપુરા જૈન દેરાસરની સામે કળશ ફ્લેટ પાસે રસ્તા પર એક બિનવારસી પુરુષની લાશ પડી છે.
માહિતી મળતા તરત જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં આશરે 45 થી 50 વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ જોવા મળ્યો. પરંતુ તેની ઓળખ પ્રસ્થાપિત થઈ નહોતી. મૃતદેહની આસપાસ મોબાઇલ ફોન કે અન્ય કોઈ પુરાવા મળ્યા નહોતા. અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માતે મોત થયું હોવાનું જણાતા પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ તપાસ્યાં હતાં.
અકસ્માતે મોતનો મામલા સમજીને તપાસ કરી રહેલી ટ્રાફિક પોલીસને સીસીટીવી ફુટેજમાં ઘટના શંકાસ્પદ લાગતા તેમણે નવરંગપુરા પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની તપાસ માટે નવરંગપુરા પોલીસ અને એલસીબીની ટીમે લગભગ 300 જેટલા સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા.
અમદાવાદ શહેરના ઝોન 1 ના ઇન્ચાર્જ ડીસીપી સફિન હસને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું,”નવરંગપુરા ચાર રસ્તા પાસે એક અજાણ્યા વ્યકિતની લાશ પડેલી છે. આ બાબતે પ્રાથમિક દૃષ્ટિએ અકસ્માત થયો હોવાનું જણાતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ ચેક કરતાં તેમને શંકાસ્પદ લાગતા તેમણે નવરંગપુરા પોલીસને જાણ કરી હતી.”
“નવરંગપુરા પોલીસે સીસીટીવી ચેક કરતાં ધ્યાનમાં આવ્યું કે એક અજાણી વ્યક્તિ રસ્તા પર ચાલીને જઈ રહી છે, ત્યારે એક રિક્ષા રોંગસાઇડથી આવીને તેમને જાણી જોઈને ટક્કર મારે છે. તેમજ ટક્કર માર્યા બાદ રિક્ષાચાલક આગળ જઈને યુ ટર્ન લઇને પાછો આવીને અકસ્માતને કારણે નીચે પડી ગયેલા વ્યક્તિ પર ફરીથી રિક્ષાનું પૈડુ ચડાવી દે છે. ત્યારબાદ તે રિક્ષા લઈને ફરાર થઈ જાય છે. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.”
આરોપી કોણ છે?

ઇમેજ સ્રોત, RAVI
પોલીસે આપેલી માહિતી અનુસાર રિક્ષા જેટલા એરીયામાં ફરી હતી અને ક્યાંથી આવેલી તે બાબતે તપાસ કરવા ફોરવર્ડ અને રીવર્સ પોઝીશનમાં સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા. તેના આધારે રિક્ષાનો નંબર મેળવીને પોલીસે રિક્ષાચાલકની અટકાયત કરી હતી. આ ઘટનાની તપાસમાં એલસીબી અને એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી.
પોલીસે મિડીયાને આપેલી માહિતી અનુસાર પોલીસને રિક્ષાના નંબરને આધારે માહિતી મળી હતી કે આરોપી રિક્ષાચાલક 22 વર્ષનો સમીર નટ છે. સમીરનાં ઘરનું સરનામુ જૂના વાડજ વિસ્તારનું હતુ. જોકે પોલીસે જૂના વાડજ વિસ્તારમાં આરોપીના એડ્રેસ તપાસ કરતાં જાણવા મળ્યું કે તે વિસ્તારમાં ઘર તૂટી ગયાં હોવાથી તે અન્ય વિસ્તારમાં રહેવા ગયો છે.
પોલીસે અન્ય રિક્ષાચાલકો અને જૂના વાડજમાં આસપાસ વિસ્તારમાં પૂછપરછ કરતાં માહિતી મળી હતી કે આરોપી સમીર નટ અત્યારે સિંધુભવન વિસ્તારમાં ઔડાએ બનાવેલા રૂદ્ર અપાર્ટમેન્ટમાં રહે છે.
આરોપીએ હત્યાનું શું કારણ આપ્યું?

ઇમેજ સ્રોત, RAVI
પોલીસે આરોપી સમીર નટની સિંધુભવન વિસ્તારમાં આવેલા તેના ઘરેથી ધરપકડ કરી છે. આરોપી મૂળ રાજસ્થાનના અજમેરનો વતની છે અને અમદાવાદમાં રહે છે. આરોપી ભાડેથી રિક્ષા ચલાવે છે.
પોલીસે મીડિયાને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે આરોપી સમીર નટે પોલીસ પૂછપરછમાં ઘટના અંગે જણાવ્યુ હતું કે 19 એપ્રિલના રોજ રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ તે જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે રિક્ષા લઇને નીકળી રહ્યો હતો. તેની રિક્ષામાં એક પેસેન્જર હતા જેમને લખુડી તળાવ ઊતરવાનું હતું.
જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે ઉભેલા એક પેસેન્જરે તેને કાલુપુર તરફ જવા માટે પૂછ્યું હતું. જોકે સમીરે પેસેન્જરને કહ્યુ કે તે નવરંગપુરા સુધી જ જશે. પેસેન્જર નવરંગરપુરા સુધી જવા માટે રિક્ષામાં બેસી ગયા હતા. રિક્ષાચાલકે એક પેસેન્જરને લખુડી તળાવ ઉતારી તે અન્ય પેસેન્જર સાથે નવરંગપુરા ચાર રસ્તા ગયા હતા.
આરોપીએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે તે રિક્ષા લઇને નવરંગપુરા ચાર રસ્તા પર પહોંચ્યો ત્યારે રિક્ષામાં બેઠેલા પેસેન્જરે (જેમની સમીરે હત્યા કરી હતી) પેશાબ કરવા જવાનું કહીને રિક્ષા ઊભી રખાવી હતી. ત્યારબાદ સમીર અને પેસેન્જર બન્ને રિક્ષામાંથી ઊતરીને પેશાબ કરવા માટે ગયા હતા. ત્યારબાદ પેસેન્જરે સમીરને કહ્યું કે તેની પાસે ભાડાના પૈસા નથી. આ કારણે થોડી તકરાર થઈ. ત્યારબાદ પેસેન્જર જૈન દેરાસર તરફ ચાલવા લાગ્યો હતો.
ડીસીપી સફિન હસને મીડીયા સાથે વાત કરતાં જણાવ્યું, “રિક્ષાચાલકે હત્યાની કબૂલાત કરતાં પોલીસને જણાવ્યું હતું કે પેસેન્જરે નક્કી કરેલ ભાડાના 30 રૂપિયા ન આપતા તેને ગુસ્સો આવ્યો હતો અને તેણે ગુસ્સામાં રિક્ષાની ટક્કર મારીને પેસેન્જરની હત્યા કરી હતી.”
મૃતકની ઓળખ અંગે પોલીસે શુ કહ્યુ?
મૃતક કોણ છે તે અંગે હજુ કોઈ માહિતી મળી નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
ડીસીપી સફિન હસનના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ થઈ શકી નથી. મૃતક પાસેથી કોઈ ઓળખનો પુરાવો કે મોબાઇલ કશું જ મળ્યું નથી. મૃતકની ઓળખ કરવા માટે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ગુમ થયેલા લોકોની ફરિયાદોની વિગતો પણ તપાસ કરી છે. આ ઉપરાંત પોલીસ સીસીટીવી ફુટેજ પણ તપાસી રહી છે.
આ ઘટનામાં આરોપીની ઓળખ થઈ ન હોવાથી પોલીસ ફરિયાદી બની છે.
પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 103 (1) હત્યા અને મોટર વ્હિકલ ઍક્ટની કલમ 177,184,134 (b) મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આવી નાની તકરારોમાં હત્યા થઈ જવા જેવી બાબત પાછળનાં મનોવૈજ્ઞાનિક કારણો જાણવા બીબીસી ગુજરાતીએ મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી સાથે વાત કરી.
તેમણે જણાવ્યું,”દિવસે દિવસે લોકોની ધીરજ ઘટતી જાય છે અને આક્રમકતા વધી રહી છે. એક કારણ એ પણ છે કે અત્યારે તાપમાન વધુ છે તેની અસર પણ લોકોના વર્તન પર જોવા મળે છે. આ સિવાય લોકો મોબાઇલમાં હિંસક વીડિયો ગેમ રમે છે. મોબાઇલમાં વીડિયો કે વેબસીરિઝમાં પણ હિંસક દૃશ્યો હોય છે. જેમાં ખાસ કરીને કિશોરો અને યુવાનોનાં મગજ પર આ વધારે અસર જોવા મળે છે. જેમાં તે ક્યારેક નાની નાની વાતમાં ઉશ્કેરાઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે અને ઉશ્કેરાટમાં આવીને તે આત્યંતિક પગલાં ભરતાં પણ વિચાર કરતાં નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS