Source : BBC NEWS

જ્યારે કેટ અને તેમના પતિ એક સાંજે વાત કરવાં બેઠાં, ત્યારે તેમના પતિએ જે કહ્યું તેની કેટને સેહજ પણ કલ્પના નહોતી.
“હું તારો બળાત્કાર કરી રહ્યો છું. હું વર્ષોથી તને ઘેનમાં રાખી તારા ફોટા પાડતો રહ્યો છું.”
કેટ (તેમનું સાચું નામ નથી) સાવ અવાચક હતાં. તેઓ ત્યાં સ્થિર બેઠાં રહ્યાં. તેઓ સમજી શકતાં નહોતાં કે તે શું કહી રહ્યો છે.
“તેણે મને એ રીતે આ વાત કહી જાણે તે તમે જાણો જ છો:
ચેતવણી : આ અહેવાલમાં જાતીય હિંસાનાં વર્ણનો સામેલ છે
વર્ષોથી બંધ દરવાજા પાછળ તેમનો પતિ તેમને નિયંત્રણમાં રાખતો હતો અને દુર્વ્યવહાર કરતો હતો. તે હિંસક હતો અને પ્રિસ્ક્રિપ્શનની ગોળીઓનો દુરુપયોગ કરતો હતો.
વર્ષોમાં એવા પ્રસંગો પણ બન્યા હતા જ્યારે કેટ જાગતાં અને જોતાં કે તેમનો પતિ તેમની સાથે સેક્સ કરી રહ્યો છે. તેઓ આની સંમતિ આપી શકતાં ન હતાં, કારણ કે તેઓ સૂઈ જ રહેતાં હતાં. આ બળાત્કાર હતો.
પછીથી તે પસ્તાવો કરતો, તેમને ખાતરી કરાવતો કે તે ઊંઘી ગયો હતો અને તેમને ખબર નહોતી કે તે શું કરી રહ્યો છે. તે બીમાર હતો અને તેની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે તેવું કેટને તેણે કહ્યું હતું.
કેટે તબીબી વ્યાવસાયિકોની મદદ લેવા માટે તેને ટેકો આપ્યો.
પરંતુ તે સમયે તેમને કોઈ ખ્યાલ નહોતો કે તે રાત્રે તેમની ચામાં ઊંઘની દવા ભેળવી રહ્યો હતો, તેથી તેઓ સૂતાં રહે અને તે તેમના પર બળાત્કાર કરી શકે છે.
તેની કબૂલાત પછી, તેણે કેટને કહ્યું કે જો તે પોલીસ પાસે જશે તો તેમના જીવનમાં કંઈ બાકી નહીં રહે. તેથી તેઓ પોલીસ પાસે ન ગયા.
એ તેમનાં બાળકોનો પિતા હતો. તેઓ એવું માનવા માગતાં ન હતાં કે જેની સાથે તેમણે પોતાનું જીવન વિતાવ્યું હતું તે તેંને આટલી ખરાબ રીતે નુકસાન પહોંચાડવા માંગતો હોઈ શકે છે.
જોકે, આગામી થોડા મહિનામાં તેણે જે કહ્યું હતું કે તે તેની સાથે કરી રહ્યો હતો તેની ભયાનક શારીરિક અસર દેખાવા માંડી.
કેટ કહે છે કે તેઓ ખૂબ જ બીમાર થઈ ગયાં, તેમનું વજન ઘટી ગયું, અને તેમને ગભરાટના હુમલા આવવા લાગ્યા.

ઇમેજ સ્રોત, BBC File on 4 Investigates
કબૂલાતના લગભગ એક વર્ષ પછી, ખાસ કરીને ખરાબ ગભરાટના હુમલા દરમિયાન, કેટે તેમનાં બહેનને બધું કહ્યું.
તેમનાં બહેને તેમનાં માતાને ફોન કર્યો – જેમણે પોલીસને ફોન કર્યો. કેટના પતિની ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ કરવામાં આવી.
જોકે, ચાર દિવસ પછી, કેટે ડેવોન અને કૉર્નવૉલ પોલીસનો સંપર્ક કરીને કહ્યું કે તેઓ આ કેસમાં આગળ વધવા માંગતાં નથી.
તેઓ કહે છે, “હું તૈયાર નહોતી. એક દુઃખ હતું. ફક્ત મારા માટે જ નહીં, પણ બાળકો માટે પણ. તેમના પિતા ક્યારેય પહેલાં જેવા નહીં રહે.”
તેમ છતાં, કેટ હવે તેમના પતિને ઘરમાં રાખવા માંગતાં ન હતાં, અને તે બહાર નીકળી ગયો.
આ પછી, કેટ શું બન્યું તે વિશે વધુ સ્પષ્ટ રીતે વિચારવા લાગ્યાં. છ મહિના પછી કેટ પોલીસ પાસે પાછાં ગયાં.
‘તેણે મને સમજાવ્યું કે એ બળાત્કાર હતો’

ઇમેજ સ્રોત, Getty Images
ડિટેક્ટિવ કોન માઇક સ્મિથના નેતૃત્વમાં તપાસ શરૂ થઈ.
કેટ કહે છે કે ડિટેક્ટિવએ તેમને સમજવામાં મદદ કરી કે તે એક ગંભીર ગુનામાંથી બચી ગયેલાં છે
કેટ કહે છે કે, “તેમણે મને શક્તિ આપી. મને સભાનપણે ખ્યાલ નહોતો કે મારી પાસેથી શું છીનવી લેવામાં આવ્યું છે. તેમણે સમજાવ્યું કે તે બળાત્કાર હતો.”
તેમના (હવે ભૂતપૂર્વ) પતિના તબીબી રેકૉર્ડ્સે મહત્ત્વપૂર્ણ પુરાવા પૂરા પાડ્યા. કેટ સમક્ષ કબૂલાત કર્યા પછી, તેણે મનોચિકિત્સકને મળવા માટે ખાનગી રીતે પૈસા ચૂકવ્યા હતા.
આ મુલાકાતો દરમિયાન તેણે “તેની પત્ની ઊંઘતી હતી ત્યારે તેની સાથે સેક્સ કરવા માટે ડ્રગ્સ પીવડાવતો હતો” તેનું વર્ણન કર્યું. મનોચિકિત્સકની નોંધમાં આ કબૂલાત નોંધાઈ હતી.
કેટ કહે છે કે તેના પતિએ નાર્કોટિક્સ એનોનિમસનાં કેટલાક લોકો તેમજ ચર્ચમાં મિત્રો સમક્ષ પણ કબૂલાત કરી હતી જ્યાં તેઓ બંને હાજર હતા.
આ કેસ અંગેની પોલીસ ફાઇલો આખરે ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) સમક્ષ રજૂ કરવામાં આવી હતી પરંતુ તેણે કોઈ આરોપો ન મૂક્યા.
કેટ સમજી શક્યાં નહીં કે શા માટે તેમના પતિ પર આરોપ ન મૂકવામાં આવ્યા.
તેઓ કહે છે, “મેં વિચાર્યું, જો તમને મારા કેસમાં ગુનેગાર પાસેથી કબૂલાત સાથે દોષિત ઠેરવવા માટે પૂરતા પુરાવા મળ્યા નથી, તો પછી બીજા કોઈને કેવી રીતે તક મળશે?”
નિરાશ થઈને, તેમણે CPSના નિર્ણયોની ઔપચારિક સમીક્ષા માટે અરજી કરી. છ મહિના પછી, CPSએ કહ્યું કે તેમના ભૂતપૂર્વ પતિ પર હવે આરોપ મૂકવામાં આવશે. તેણે એ પણ સ્વીકાર્યું કે “અમારા ચાર્જિંગ પ્રોસિક્યુટર દ્વારા લેવામાં આવેલ મૂળ નિર્ણય ખામીયુક્ત હતો”.
“અમે પીડિતાને તેના કારણે થયેલી તકલીફ માટે માફી માંગીએ છીએ,” CPS ના પ્રવક્તાએ ફાઇલ ઓન 4 ઇન્વેસ્ટિગેટ્સને જણાવ્યું.
કેટના ભૂતપૂર્વ પતિએ તેણી સમક્ષ કબૂલાત કર્યાના પાંચ વર્ષ પછી, 2022 માં આ કેસ કોર્ટમાં ચલાવવામાં આવ્યો.
ટ્રાયલ દરમિયાન, તેણે દાવો કર્યો હતો કે કેટને એવી ફૅન્ટસી હતી કે તેઓ ઊંઘતાં રહે અને જાગે ત્યારે સેક્સ કરતાં હોય. તેણે કેટને ડ્રગ્સ આપવાની કબૂલાત કરી, પરંતુ કહ્યું કે તે તેમને જગાડ્યાં વિના બાંધી શકે તે માટે હતું. તેણે ઇનકાર કર્યો કે તે આવું બળાત્કાર કરી શકે તે માટે કરતો હતો, પરંતુ જ્યુરીએ તેના પર વિશ્વાસ ન કર્યો.
ડિટેક્ટ કોન સ્મિથ કહે છે કે, “આ આખી બાબત મને સંપૂર્ણપણે વાહિયાત લાગી. આ તેના જીવનની સૌથી આઘાતજનક બાબત છે અને તે કેટને આ પ્રકારનાં જાતીય કૃત્યમાં ભાગીદાર હોય તેવું ચિત્ર ઊભું કરી રહ્યો હતો.”
એક અઠવાડિયા સુધી ચાલેલા ટ્રાયલ પછી, ભૂતપૂર્વ પતિને બળાત્કાર, જાતીય હુમલો અને ઇરાદાપૂર્વક ડ્રગ આપવાનો દોષી ઠેરવવામાં આવ્યો.
સજા સંભળાવતી વખતે, ન્યાયાધીશે તેને “એક સ્વાર્થી વ્યક્તિ, પોતાની કથિત જરૂરિયાતોને અવિરતપણે પ્રાથમિકતા આપતો”, જેમણે “કોઈ વાસ્તવિક વ્યક્તિગત પસ્તાવો” દર્શાવ્યો ન હતો” તરીકે વર્ણવ્યો હતો.
તેને 11 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને કેટની આસપાસ આજીવન પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
ત્રણ વર્ષ પછી કેટ તેમનાં બાળકો સાથે ફરીથી નવું જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારથી તેમને પોસ્ટ-ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર (PTSD) અને ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર હોવાનું નિદાન થયું છે, આ તેઓ જે આઘાતમાંથી પસાર થયાં હતાં તેના કારણે થાય છે.
કેટ તેમના કેસ અને ગિસેલ પેલિકોટ, ફ્રેન્ચ મહિલા, જેના ભૂતપૂર્વ પતિએ તેમને ડ્રગ્સ આપીને બળાત્કાર કર્યો હતો, અને તેમની સાથે દુર્વ્યવહાર કરવા માટે ડઝનેક પુરુષોની ભરતી કરતો હતો, વચ્ચે સમાનતા જુએ છે.
મને યાદ છે કે તે સમયે ફક્ત આશા અને પ્રાર્થના હતી કે તેને જરૂરી ટેકો મળે, કેટ કહે છે.
યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટોલના સેન્ટર ફૉર જેન્ડર ઍન્ડ વાયોલન્સ રિસર્ચનાં પ્રોફેસર મેરિયાન હેસ્ટર ચેતવણી આપે છે કે “રાસાયણિક નિયંત્રણ” શબ્દ હવે ઘરેલુ દુર્વ્યવહાર કરનારાઓ માટે ઉપયોગમાં લેવાય છે જેઓ દવાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. તેઓ કહે છે કે, “આ કદાચ ખૂબ વ્યાપક છે.”
તે કહે છે કે, “હું હંમેશાં દુર્વ્યવહાર કરનારની ટૂલકીટના સંદર્ભમાં તેનો વિચાર કરું છું.”
“જો ઘરમાં પ્રિસ્ક્રિપ્શન દવાઓ હોય, તો શું ગુનેગાર ખરેખર તેનો ઉપયોગ કોઈ રીતે દુરુપયોગના ભાગ રૂપે કરે છે?”
સમગ્ર યુકેમાં સ્પાઇકિંગ પહેલાંથી જ એક ગુનો છે

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડ અને વેલ્સના ઘરેલુ દુરુપયોગ કમિશનર ડેમ નિકોલ જેકબ્સ કહે છે કે “જો મંત્રીઓ ખાતરી કરવા માંગતા હોય કે આગામી દાયકામાં મહિલાઓ અને છોકરીઓ પર થતી હિંસાને ઘટાડવી હોય તો આપણે પોલીસને જાણ કરાયેલા તમામ ઘરેલુ દુરુપયોગ સંબંધિત ગુનાઓનું સચોટ રીતે તપાસ કરવી જોઈએ.”
“આ માત્ર ગુનેગારોને જવાબદાર ઠેરવવા માટે જ નહીં, પરંતુ પીડિતોને દુર્વ્યવહાર પછી પુનઃનિર્માણ માટે જરૂરી મદદ મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ મહત્ત્વપૂર્ણ છે.”
હોમ ઓફિસે અમને જણાવ્યું હતું કે એક પોલીસ સોફ્ટવેર વિકસાવી રહ્યું છે જે બીજા ગુનાના ભાગ રૂપે બનતી સ્પાઇકિંગ ઘટનાઓને ઓળખી શકશે.
હાલમાં સંસદમાં પસાર થઈ રહેલા ગુના અને પોલીસિંગ બિલ હેઠળ, સરકાર પીડિતોને પોલીસને આ પ્રકારનાં ગુના અંગે જાણ કરે તે માટે પ્રોત્સાહિત કરી રહી છે. જેમાં તેઓ “હાનિકારક પદાર્થ આપવા અને સ્પાઇકિંગને નવા “આધુનિક” ગુના તરીકે વર્ણવે છે.
સમગ્ર યુકેમાં સ્પાઇકિંગ પહેલાંથી જ એક ગુનો છે, જે 1861 ના કાયદા દ્વારા આવરી લેવામાં આવ્યો છે.
નવા કાયદા હેઠળ – જે ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં લાગુ થશે – ગુનેગારોને 10 વર્ષ સુધીની જેલની સજા થશે.
ન્યાય મંત્રાલય કહે છે કે ચોક્કસ પ્રકરાના ગુના કઈ રીતે થાય છે તે પોલીસને સ્પાઇકિંગ પર નજર રાખવામાં મદદ કરશે, “અને વધુ પીડિતોને… આગળ આવીને આ ગુનાઓની જાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે”.
મહિલાઓ અને છોકરીઓનાં સુરક્ષા મંત્રી જેસ ફિલિપ્સે ફાઇલ ઑન 4 ઇન્વેસ્ટિગેટ્સને આપેલા નિવેદનમાં સ્પાઇકિંગને “પીડિતોના આત્મવિશ્વાસ અને સલામતીની ભાવનાનું ઉલ્લંઘન કરતો ઘૃણાસ્પદ ગુનો” ગણાવ્યો.
કાયદાને ઉત્તરી આયર્લેન્ડ સુધી વિસ્તારવા માટે ચર્ચા ચાલી રહી છે.
સ્કૉટિશ સરકાર કહે છે કે આ પરિસ્થિતિની સમીક્ષા હેઠળ છે.
કેટને આખરે ન્યાય મળ્યો. પરંતુ જો તેમણે CPS ન લીધી હોત તો તેમનો પતિ જેલમાં ના હોત.
કેટ કહે છે, “હું ઇચ્છું છું કે અન્ય લોકો સમજે કે દુર્વ્યવહાર તમે વિચારો છો તેના કરતાં ઘણી શાંતિથી આચરવામાં આવે છે.”
“હું હજુ પણ એ જાણી રહી છું કે મારી સાથે શું થયું અને તેની મારા પર કેવી અસર પડી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS