Source : BBC NEWS

મુંબઈ જૈન મંદિર, મુંબઈ દેરાસર, વિલે પાર્લે, લઘુમતીઓ, બુલડૉઝર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

“દેરાસર તૂટી ગયું છે, કોઈ આશા નથી.”

“દેરાસર માત્ર એક પથ્થર નથી, આ અમારી ઓળખ અને સંસ્કૃતિ છે.”

“અમે શાંત છીએ, નબળા નથી.”

“ડરીને નહીં, એકસાથે ઊભો છે આખો સમાજ.”

આ પ્રકારનાં અલગ-અલગ નારા અને પોસ્ટર લઈને જૈન સમાજ અને હિન્દુ સમાજના લોકો સાથે અલગ-અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા અનેક લોકોએ મુંબઈમાં શનિવારે રેલી કાઢી હતી.

આ રેલી મુંબઈના વિલે પાર્લેમાં પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર પરિસરમાં મહાનગરપાલિકાએ કરેલી કાર્યવાહીના વિરોધમાં કાઢવામાં આવી હતી.

વિરોધપ્રદર્શનમાં સામેલ કેટલાક લોકોની આંખમાં આંસુ હતાં. તેઓ એ વાતથી દુ:ખી હતા કે ત્રણ દાયકા જૂના દેરાસરને તોડી પાડવામાં આવ્યું છે.

આ ‘શાંતિપૂર્ણ’ રેલી દેરાસર સામે થયેલી કાર્યવાહી માટે મહાનગરપાલિકાને જવાબદાર ઠેરવવાની માગને લઈને આયોજિત કરવામાં આવી હતી.

મુંબઈ ઇસ્ટ વૉર્ડના વૉર્ડ અધિકારી નવનાથ ઘાડગેને આ કાર્યવાહીના સિલસિલામાં બરતરફ કરી દેવાયા છે. દસ દિવસ પહેલાં જ તેમને આ વૉર્ડમાં મૂકવામાં આવ્યા હતા.

બૃહદમુંબઈ મ્યુનિસિપિલ કૉર્પોરેશનના કમિશનર ભૂષણ ગગરાણીએ બીબીસી સાથે વાત કરતા આ માહિતી આપી છે.

મુંબઈ ઉત્તર-મધ્ય બેઠકનાં સાંસદ વર્ષા ગાયકવાડે કહ્યું છે કે તેમણે ભૂષણ ગગરાણી સાથે વાત કરી છે અને તેમને ખાતરી આપવામાં આવી છે કે વિલે-પાર્લેમાં ફરીથી આ દેરાસર બનાવવામાં આવશે.

જૈન દેરાસરને શા માટે તોડવામાં આવ્યું?

મુંબઈ જૈન મંદિર, મુંબઈ દેરાસર, વિલે પાર્લે, લઘુમતીઓ, બુલડૉઝર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alpesh Karkare

વિલે પાર્લે ઇસ્ટ વિસ્તારમાં નેમિનાથ સહકારી ગૃહ નિર્માણ મકાનની બાજુમાં, કાંબલીવાડી વિસ્તારમાં 32 વર્ષ જૂનું જૈન દેરાસર હતું.

16 એપ્રિલના રોજ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની બાંધકામ વિભાગની ટીમે આ દેરાસર સામે કાર્યવાહી કરી અને તેને બુલડૉઝરથી તોડી પાડ્યું.

દેરાસરનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો, એ દરમિયાન જ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને પોલીસ સુરક્ષા હેઠળ આખું દેરાસર તોડી પાડ્યું હતું.

આ પછી, જૈન સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં, જૈન અને હિન્દુ સમુદાયના લોકો તથા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને કાર્યકરોએ સાથે મળીને, આ કાર્યવાહીનો વિરોધ કરવા માટે મુંબઈના વિલે પાર્લે ઇસ્ટમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન વૉર્ડ ઑફિસ સુધી ‘શાંતિપૂર્ણ’ રેલી કાઢી હતી.

શનિવારે કરવામાં આવેલા આ વિરોધપ્રદર્શન બાદ દેશભરમાં આ જૈન દેરાસર તોડી પાડવાના મુદ્દાની ચર્ચા થઈ રહી છે.

‘દેરાસરમાં પગરખાં પહેરીને કાર્યવાહી કરી તે દુ:ખદ’

મુંબઈ જૈન મંદિર, મુંબઈ દેરાસર, વિલે પાર્લે, લઘુમતીઓ, બુલડૉઝર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alpesh Karkare

વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા મનીષ જૈને કહ્યું, “જો આ દેશમાં મંદિરો સુરક્ષિત નથી, તો આપણે કેવી રીતે સુરક્ષિત રહીશું?”

તેમણે કહ્યું, “અમે ખૂબ જ દુઃખી છીએ. જ્યારે મંદિર તોડી પાડવામાં આવી રહ્યું હતું અને દેવતાઓ અને ધર્મગ્રંથોનું અપમાન કરવામાં આવી રહ્યું હતું ત્યારે પણ અમે અને મહિલાઓએ વિરોધ કર્યો હતો. પરંતુ અમારી વાત પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. મંદિર સામે પગરખાં પહેરીને કાર્યવાહી કરવામાં આવી તે ખૂબ જ દુઃખદ છે.”

સ્થાનિક રહેવાસી સુનિતા જૈન પણ આ વિરોધપ્રદર્શનમાં સામેલ હતાં. તેઓ કહે છે કે જે દિવસે મંદિર તોડી પાડવામાં આવ્યું તે દિવસે તેઓ ત્યાં હાજર હતાં.

તેઓ કહે છે, “અમે પૂજા કરી રહ્યાં હતાં ત્યારે અચાનક પોલીસ આવી અને તોડફોડ શરૂ કરી દીધી. અમને કોઈ પણ સામગ્રી લઈ જવા દેવામાં આવી ન હતી. અમને ખેંચીને બહાર કાઢવામાં આવ્યાં.”

દેરાસરને લઈને વિવાદ કેમ છે?

મુંબઈ જૈન મંદિર, મુંબઈ દેરાસર, વિલે પાર્લે, લઘુમતીઓ, બુલડૉઝર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

વિલે પાર્લે ઇસ્ટના કાંબલીવાડી વિસ્તારમાં નેમિનાથ સહકારી ગૃહ નિર્માણ ભવન પાસે 32 વર્ષ જૂનું દિગંબર જૈન મંદિર હતું.

આ મંદિર એક ઇમારતના પાર્કિંગ સ્થળ પર બનાવવામાં આવ્યું હતું અને આ સ્થાન અંગે વિવાદ થયો હતો.

આ કેસમાં, જમીનના દાવેદારો અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે કોર્ટમાં કાનૂની લડાઈ પણ ચાલી રહી છે.

આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં ચાલી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં મંદિર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.

આ પછી મામલો બૉમ્બે હાઇકોર્ટમાં પહોંચ્યો. હાઇકોર્ટે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનને ચાર વખત મંદિર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે જો પાંચમી વખત કોર્ટના આદેશનું પાલન નહીં થાય તો મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ઑલ ઇન્ડિયા જૈન માઇનોરિટી ફેડરેશનના પ્રમુખ અને જૈન મંદિર મોરચાના સંયોજક લલિત ગાંધીએ બીબીસી સાથે વાત કરતા આ મુદ્દા પર પોતાની નારાજગી વ્યક્ત કરી.

તેમણે કહ્યું, “બૉમ્બે હાઇકોર્ટે કેસની સુનાવણી 15 એપ્રિલ સુધી મુલતવી રાખી હતી. સુનાવણી 16મી તારીખે સવારે 11 વાગ્યે થવાની હતી, પરંતુ મહાનગરપાલિકાએ 16મી તારીખે સવારે આઠ વાગ્યે જ કાર્યવાહી કરી.”

“જ્યારે 16મી તારીખે કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ, ત્યારે નગરપાલિકાએ કોર્ટને કહ્યું કે કાર્યવાહી ચાલુ છે.”

લલિત ગાંધીએ એમ પણ કહ્યું કે કોર્ટે નગરપાલિકાને ઠપકો આપ્યો હતો અને કાર્યવાહી રોકવા કહ્યું હતું.

આ કેસમાં આગામી સુનાવણી હવે 30 એપ્રિલે યોજાશે.

લલિત ગાંધી કહે છે, “આ કાર્યવાહી પછી અમારા દેવતા બહાર છે. તેથી, ત્યાં કાટમાળ લઈ જવા અને દેવતાને અસ્થાયી રૂપે રાખવા માટે શેડ બનાવવા અંગે ચર્ચા થઈ છે.”

મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું શું કહેવું છે?

મુંબઈ મહાનગરપાલિકાએ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

જોકે, સેશન્સ કોર્ટમાં સુનાવણી બાદ કોર્ટે નગરપાલિકાને મંદિર તોડી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.

નામ ન આપવાની શરતે કેટલાક મ્યુનિસિપલ અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે આ કાર્યવાહી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઇસ્ટ વૉર્ડ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું કે નગરપાલિકાના ઇસ્ટ વૉર્ડ વિભાગે મંદિરને નોટિસ ફટકારી હતી. જોકે, નોટિસ આપવા છતાં, મંદિરના વહીવટીતંત્રે તેમની વાત સાંભળી નહીં, જેના પછી આ કાર્યવાહી કરવામાં આવી.

જૈન સમુદાયની માંગ શું છે?

મુંબઈ જૈન મંદિર, મુંબઈ દેરાસર, વિલે પાર્લે, લઘુમતીઓ, બુલડૉઝર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

મંદિર સામેની આ કાર્યવાહી બાદ, જૈન સમુદાયના હજારો લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે મુંબઈના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

જૈન સમાજે આ માટે જવાબદાર મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

એવી પણ માંગ કરવામાં આવી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક પોતાના ખર્ચે નવું મંદિર બનાવે.

આ ઘટના માટે મહાનગરપાલિકા જાહેરમાં માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી છે.

આ મામલે દક્ષિણ ભારત જૈન સભાએ રાજ્યના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને જૈન મંદિરના પુનર્નિર્માણની માંગ કરી છે.

આ મુદ્દે દક્ષિણ ભારત જૈન સભાની એક બેઠક યોજાઈ હતી, જેમાં મંદિર સામે કરવામાં આવેલી કાર્યવાહીની નિંદા કરવામાં આવી હતી.

ઉપરાંત, મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના નામે એક પત્ર લખીને તેમને સોંપવામાં આવ્યો છે.

જૈન સભા કહે છે કે, “બૉમ્બે હાઇકોર્ટે કેસ પર સ્ટે મૂક્યો હોવા છતાં, મંદિરને ઉતાવળમાં તોડી પાડવામાં આવ્યું. આનાથી અમારા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે.”

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “તે જ જગ્યાએ એક નવું મંદિર બનાવવું જોઈએ અને મંદિર તોડી પાડવામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.”

“શું લઘુમતી હોવું એ અભિશાપ છે?”

મુંબઈ જૈન મંદિર, મુંબઈ દેરાસર, વિલે પાર્લે, લઘુમતીઓ, બુલડૉઝર, જૈનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Alpesh Karkare

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને સાંસદ અખિલેશ યાદવે આ કાર્યવાહી અંગે ભાજપ પર નિશાન સાધ્યું છે અને જૈન સમુદાયને સંબોધિત કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર લખી છે.

તેમણે લખ્યું, “વર્તમાન સમયમાં, દેશમાં લઘુમતી હોવું એક અભિશાપ બની રહ્યું છે. આજે લઘુમતી જૈન સમુદાયમાં પ્રવર્તતી ભય, અસુરક્ષા અને અનિશ્ચિતતાની લાગણી ખૂબ જ ચિંતાનો વિષય છે. જેની ચર્ચા, નિંદા અને ગુસ્સા સાથે સમગ્ર વિશ્વમાં પ્રતિક્રિયાઓ આવી રહી છે.”

અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં મધ્ય પ્રદેશના સિંગોલીમાં જૈન સાધુઓ પર થયેલા હિંસક હુમલા અને જબલપુરથી લીક થયેલી ઑડિયો ક્લિપનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં ભાજપના સભ્યોએ કથિત રીતે જૈન સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમણે આ ઘટનાઓને જૈન સમુદાયના ઉત્પીડનના કિસ્સાઓ ગણાવ્યા છે.

તેમણે લખ્યું, “ભાજપ દ્વારા સમર્થિત એક વિશાળ જૂથ છે, જે જૈનોની ધાર્મિક, જાહેર, વ્યવસાયિક-વાણિજ્યિક જ નહીં પરંતુ વ્યક્તિગત મિલકતો પર પણ નજર રાખી રહ્યું છે અને જૈનોને લઘુમતી માનીને તેમની પાસેથી બધું જ છીનવી લેવા માંગે છે.”

કૉંગ્રેસે કર્યો ભારે વિરોધ

મુંબઈ જૈન મંદિર, મુંબઈ દેરાસર, વિલે પાર્લે, લઘુમતીઓ, બુલડૉઝર, જૈનો, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, INC/X

કૉંગ્રેસે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને વિરોધ કર્યો છે.

કૉંગ્રેસે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હૅન્ડલ પર 46 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે, “ભાજપે મુંબઈમાં મંદિર પર બુલડૉઝર ચલાવ્યું, જૈન સમુદાયની સાથે સમગ્ર દેશની લાગણીઓને ઠેસ પહોંચી છે. આ પાપ માટે દેશ તેમને ક્યારેય માફ કરશે નહીં.”

બીજી એક પોસ્ટમાં કૉંગ્રેસે લખ્યું છે કે, “ભાજપનો મંદિરો પ્રત્યેનો દ્વેષ સમયાંતરે સામે આવતો રહે છે. અગાઉ, સ્માર્ટ સિટીના નામે વારાણસીમાં સેંકડો મંદિરો તોડી પાડવામાં આવ્યાં હતાં. દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી.”

“ભાજપ અને તેના નેતાઓ સત્તાના ઘમંડના નશામાં એટલા ચૂર છે કે તેમને લોકોની આસ્થાની બિલકુલ પરવા નથી. તેમને ફક્ત પોતાના અને પોતાના મિત્રોના ફાયદાની જ ચિંતા છે.”

વર્ષા એકનાથ ગાયકવાડ મુંબઈ ઉત્તર-મધ્ય બેઠકના સાંસદ અને મુંબઈ કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ છે.

તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે તેમણે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન કમિશનર ભૂષણ ગગરાણી સાથે વાત કરી છે. તેમને ખાતરી આપવામાં આવી છે કે વિલે પાર્લેમાં ફરીથી એ જ મંદિર બનાવવામાં આવશે.

તેમણે લખ્યું, “મેં બીએમસી કમિશનર ભૂષણ ગગરાણી સાથે વાત કરી, જેમણે હવે ખાતરી આપી છે કે દેરાસર વિલે પાર્લેમાં જ તે જ જગ્યાએ ફરીથી બનાવવામાં આવશે.”

તેમણે સોશિયલ મીડિયા પર વાતચીતનો એક વીડિયો પણ શૅર કર્યો અને લખ્યું, “આ કાર્યવાહી લઘુમતીઓના અધિકારો પર સીધો હુમલો છે અને દેશની ધર્મનિરપેક્ષતા પર હુમલો છે.”

‘એકબીજાનો સાથ આપો, વિભાજન ન થવા દો’

શિવસેના યુબીટીના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ પણ આ મુદ્દે સરકારની ટીકા કરી છે.

આદિત્ય ઠાકરેએ કહ્યું, “મુંબઈ મહાનગરપાલિકાનો વહીવટ ભાજપ દ્વારા મુખ્ય મંત્રી કાર્યાલય થકી ચલાવવામાં આવે છે. હવે અહેસાસ થઈ ગયો હશે કે ભાજપ સરકાર કોઈની નથી.”

ઉદ્ધવ ઠાકરે જૂથનાં નેતા અને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર વિરોધપ્રદર્શનનો વીડિયો શૅર કર્યો.

તેમણે એમ પણ લખ્યું, “પ્રિય લઘુમતી સમુદાયો, તેમની નજર તમારા બધા પર છે. તેમની નજર ફક્ત મુસ્લિમો પર જ નહીં પરંતુ જૈન, પારસી, શીખ અને ખ્રિસ્તીઓ પર પણ છે. આથી, એકબીજા માટે ઊભા રહો, સાથ આપો અને વિભાજીત ન થાઓ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS