Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Wendy Maeda/The Boston Globe via Getty Images
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને સંઘર્ષની અસર બંને દેશના નાગરિકો ઉપર જોવા મળી હતી, સોશિયલ મીડિયા ઉપર પણ આના વિશે જાત-જાતની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
આ સંઘર્ષને કારણે પાકિસ્તાનનો સાથ આપનારા તુર્કીનો પ્રવસનસ્થળ તરીકે બહિષ્કાર કરવાની તથા ત્યાં નિર્મિત સામાન નહીં ખરીદવા માટે સોશિયલ મીડિયા ઉપર હાંકલ થઈ.
આગળ જતાં આ વિરોધ ખાવા-પીવાની ચીજવસ્તુના નામ સુધી પહોંચી ગયો. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ, જયપુરની એક મીઠાઈની દુકાને દક્ષિણ ભારતની વિખ્યાત મિઠાઈ ‘મૈસૂર પાક’નું નામ બદલીને ‘મૈસૂર શ્રી’ કરી દીધું છે.
સોશિયલ મીડિયા ઉપર પણ આ સમાચાર વ્યાપક રીતે ચર્ચાયા, જેમાં લોકોએ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી. કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે ‘મૈસૂર પાક’નું નામ બદલીને ‘મૈસૂર ભારત’ કરી દેવું જોઈએ.
આ સિવાય અન્ય એક મીઠાઈ ‘મોતી પાક’ના નામ અંગે પણ ચર્ચા શરૂ થઈ. એવો પણ દાવો કરવામાં આવ્યો કે આ મીઠાઈનું નામ પણ બદલીને ‘મોતી શ્રી’ કરી દેવામાં આવ્યું છે.
વિરોધકરનારાઓ મીઠાઈના નામ સાથે ‘પાક’ શબ્દ સામે વિરોધ કરી રહ્યા છે, કારણ કે ઘણી વખત પાકિસ્તાનને સંક્ષિપ્તરૂપે ‘પાક’ તરીકે ઓળખવામાં આવે છે.
મૂળતઃ ભારતીય હોવા છતાં આ મીઠાઈનો વિરોધ થઈ રહ્યો છે. જોકે, કોઈ દેશ સાથે તણાવ વકર્યો હોય ત્યારે સામાનનો બહિષ્કાર કે વિરોધ કરવાનો આ પહેલો બનાવ નથી.
આ પહેલાં વર્ષ 2020માં ગલવાન ખાતે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે અથડામણ થઈ, એ પછી તણાવ ખૂબ જ વકરી ગયો હતો. તેના પરિણામે ચીની સામાનનો ભારે વિરોધ શરૂ થયો હતો અને તેના બહિષ્કાર માટે આહ્વાન આપવામાં આવ્યા હતા.
‘મૈસૂર પાક’નો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
મીઠાઈના નામ પરથી જ સ્પષ્ટ છે કે તેનો ઇતિહાસ કર્ણાટકના મૈસૂર સાથે જોડાયેલો છે.
વર્ષ 1902થી 1940 દરમિયાન મહારાજા નલવાડી કૃષ્ણરાજ વોડેયાર મૈસૂર ઉપર શાસન કરતા હતા. તેઓ ખાવાના શોખીન અને જાણકાર હતા.
મહારાજા ઘણી વખત તેમના રસોયાઓ જાત-જાતના વ્યંજન બનાવવા માટે તથા અલગ-અલગ ચીજો સાથે પ્રયોગ કરવા માટે પ્રેરિત કરતા.
એક બપોરે મહારાજાના રસોયા કાકાસૂર મદપ્પા મીઠાઈ બનાવતા ભૂલી ગયા. તેઓ તાત્કાલિક કશું બનાવવા માગતા હતા. એટલે તેમણે ઉતાવળે એક મીઠાઈ બનાવી, જેને ‘મૈસૂર પાક’ નામ મળ્યું.
બીબીસી હિંદીના સહયોગી પત્રકાર ઇમરાન કુરેશી સાથે વાત કરતી વેળાએ કાકાસૂર મદપ્પાના પરપૌત્ર એસ. નટરાજે પહેલી વખત ‘મૈસૂર પાક’ બનાવવા અંગેની કહાણી કહી.
તેઓ કહે છે, “મદપ્પાએ મીઠાઈ બનાવવા માટે બેસન તથા ઘીમાં ચાસણી ઉમેરી. જ્યારે મહારાજાએ તેમને મીઠાઈનું નામ પૂછ્યું, ત્યારે મદપ્પાએ કહ્યું કે તેનું નામ ‘પાકા’ છે. તેમણે મહારાજાને કહ્યું કે આપણે તેને ‘પાકા’ કહી શકીએ, પરંતુ તે મૈસૂરમાં બન્યો છે, એટલે તેમણે તરત જ મહારાજાને કહ્યું, આ ‘મૈસૂર પાક’ છે.”
એસ. નટરાજનું કહેવું છે, “કન્નડ ભાષામાં બેસનની સાથે ખાંડની ચાસણી ભેળવવાથી જે મિશ્રણ તૈયાર થાય, તેને ‘પાકા’ કહેવામાં આવે છે,પરંતુ જ્યારે તેને અંગ્રેજીમાં લખવા-બોલવામાં આવે છે, ત્યારે ‘આ’નો ઉચ્ચારણ નથી થતો, એટલે તે માત્ર ‘પાક’ તરીકે ઓળખયા છે.”
કર્ણાટકના રામનગરા જિલ્લાની સત્તાવાર વેબસાઇટ ઉપર પણ પહેલી વખત ‘મૈસૂર પાક’ મીઠાઈ બનવાની કહાણી નોંધાયેલી છે.
કાકાસૂર મદપ્પાના વંશજો હાલ પણ ‘મૈસૂર પાક’ બનાવવાના કામ સાથે જોડાયેલા છે.
એસ. નટરાજ કહે છે, “અમારી ચોથી પેઢી મૈસૂર પાક બનાવે છે, કારણ કે મહારાજાએ જ મારા પરદાદાને આ મીઠાઈ લોકો સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આમ મૈસૂરમાં અશોક રોડ ઉપર અમારી પહેલી દુકાન ખુલી.”
‘મૈસૂર પાક’ કેવી રીતે બને?

ઇમેજ સ્રોત, Getty Images
રામનગરા જિલ્લાની સત્તાવાર વેબસાઇટ ઉપર આપવામાં આવેલી રૅસિપી પ્રમાણે, પરંપરાગત રીતે દક્ષિણ ભારતમાં આ મીઠાઈને લગ્ન, ખોળાભરત તથા અન્ય પ્રસંગો દરમિયાન તથા તહેવારોમાં પીરસવામાં આવે છે.
જલેબી તથા બદામ પૂરી જેવી અન્ય ભારતીય મીઠાઈઓની જેમ ‘મૈસૂર પાક’માં પણ ચાસણી વપરાય છે. ‘મૈસૂર પાક’ બનાવવા માટે સૌ પહેલાં ચાસણીને ગરમ કરવામાં આવે છે.
‘મૈસૂર પાક’ માટેની ચાસણી બનાવવા માટે એલચી, ગુલાબ અને મધ વગેરે જેવી સામગ્રીઓ ભેળવવામાં આવે છે.
તેમાં સૌથી વિશેષ બાબત એ છે કે અમુક જ રસોયા ચાસણી બનાવવાની કળામાં નિપુણ હોય છે, તેમાંથી અમુક રસોયા ચાસણી બનાવવાની પોતાની રૅસિપી કોઈની સાથે શૅર નથી કરતા.
‘પાક’ શબ્દનો અર્થ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની સંસ્કૃત ભાષામાં ‘પાક’ શબ્દ જોવા મળે છે, જેનો અલગ-અલગ ભારતીય ભાષાઓમાં ઉપયોગ થાય છે. ફારસી ભાષામાં પણ ‘પાક’ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે.
અજીત વડનેરકર ભાષાવિશેષજ્ઞ છે અને તેમણે ‘શબ્દો કા સફર’ નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ ભારતમાં ‘પાક’ શબ્દની ઉત્પત્તિ વિશે જણાવે છે :
“ભારતમાં જ્યારે કોઈપણ ચીજ અગ્નિમાંથી પસાર થાય એટલે તેને પવિત્ર માનવામાં આવે છે. ધાતુઓને આગમાં નાખવામાં આવે, તો એમાંથી કોઈ નવી ચીજ બને છે. કોઈ ધાતુ જ્યારે આગમાં ઓગળે, ત્યારે તેને ‘પક’ એટલે કે પવિત્ર કહેવામાં આવે છે. આ ‘પક’ ઉપરથી જ ‘પાક’ શબ્દ બન્યો. પાકમાંથી ‘પાગ’ શબ્દ પણ બન્યો. જેમ કે, જલેબી ઉપર ચાસણી ચઢાવીએ તો તેને ‘પાગવું’ કહેવાય છે.”
અલગ-અલગ ભાષામાં પણ ‘પાક’ શબ્દ વપરાય છે, આ ભાષાઓમાં ‘પાક’ શબ્દ ક્યાંથી આવ્યો ?
આ સવાલના જવાબમાં અજીત વડનેરકર કહે છે, “ભારત અને ઈરાનમાં ‘પાક’ શબ્દ જોવા મળે છે, આને જ ભળતો એક શબ્દ જર્મન ભાષામાં પણ મળે છે. પરંતુ એનો અર્થ એ નથી કે ઈરાન અને ભારતમાં ‘પાક’ શબ્દ જર્મનીથી આવ્યો છે કે પછી જર્મનીમાં જે શબ્દ જોવા મળે છે તે ભારતથી ગયો છે.”
તેઓ કહે છે, “હિંદી અને ફારસી એમ બંને ભાષામાં વપરાતા ‘પાક’ શબ્દનો અર્થ મૂળતઃ ‘પવિત્ર’, ‘શુદ્ધ’ કે ‘નિર્મળ’ થાય છે. ફારસી ભાષામાં ‘પાક’ વિશ્લેષણ તરીકે ‘પવિત્ર’ના સંદર્ભમાં વપરાય છે. તોનો સંસ્કૃતમાં સમરુપ શબ્દ ‘પવિત્ર’ (શુદ્ધ), ‘પવમાન’ (શુદ્ધ કરનાર) તથા ‘પાવક’ (અગ્નિ) વગેરે છે.”
પાકિસ્તાનના સંદર્ભમાં ‘પાક’ શબ્દના ઉપયોગ અંગે અજીત વડનેરકર કહે છે, “આમ ‘પાક’ શબ્દની અંદર જ એક પ્રકારનો પ્રાપ્ત ભાવ છે. એવી પ્રાપ્તિ જેમાં તમે કોઈ પ્રકારનો દોષ કાઢી ન શકો. પાકિસ્તાન શબ્દ બનાવવાની પાછળ પણ આવી જ મૂળ ભાવના રહેલી કે એવો ભૂભાગ બનાવવામાં આવે જેને ‘પાક’ (શુદ્ધ કે પવિત્ર) કહી શકાય.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS