Source : BBC NEWS

સોશિયલ મીડિયા, મૅક્સિકો, વેલેરિયા માર્કેઝ, ટિકટૉક, લાઇવ સ્ટ્રીમિંગ, લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન હત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Valeria Marquez/Instagram

  • લેેખક, ડેનિયલ પાર્ડો
  • પદ, બીબીસી ન્યૂઝ મુંડો, મૅક્સિકો
  • 18 મે 2025, 11:14 IST

    અપડેટેડ 33 મિનિટ પહેલા

23 વર્ષનાં મેક્સિકન ઇન્ફ્લુઍન્સર વેલેરિયા માર્કેઝની ટિક-ટૉક પર લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવાઈ. આ હત્યા બાદ એવી ચર્ચા શરૂ થઈ કે આ કાર્ટેલનો હુમલો હતો કે મહિલાઓ વિરુદ્ધ હિંસાનો વધુ એક દુ:ખદ મામલો?

મંગળવારે વેલેરિયા માર્કેઝની મૅક્સિકોના મધ્ય-પૂર્વ રાજ્ય લિસ્કોના એક કસબાના બ્યૂટી સલૂનમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

રાજ્ય પ્રૉસિક્યૂટરના કાર્યાલયે કહ્યું કે તેમણે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

મૅક્સિકોનાં રાષ્ટ્રપતિ ક્લૉડિયા શીનબૉમે કહ્યું છે કે “આ મામલાની તપાસ ચાલી રહી છે. અમે જવાબદારોને પકડવા અને એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ હત્યા કેમ થઈ?”

એક ઇમર્જિંગ સ્ટાર

સોશિયલ મીડિયા, મૅક્સિકો, વેલેરિયા માર્કેઝ, ટિકટૉક, લાઇવ સ્ટ્રીમિંગ, લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન હત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

પરંતુ હકીકત એ છે કે આ ગુનો હલિસ્કોમાં થયો છે, જે ખતરનાક કાર્ટેલ હલિસ્કો નુએવા જેનરેશનનો ગઢ છે. આ કારણે કેટલાક લોકોએ એવું અનુમાન કર્યું કે તેમાં કોઈને કોઈ પ્રકારના કાર્ટેલ સામેલ હોઈ શકે છે.

મૅક્સિકોના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે માર્કેઝ એક મૅક્સિકન મૉડલ હતાં, જેઓ મિસ રોસ્ટ્રો (મિસ ફેસ) સૌંદર્ય સ્પર્ધા જીત્યાં બાદ વર્ષ 2021થી પ્રખ્યાત થવા લાગ્યાં હતાં.

આ સ્પર્ધામાં જીત મળ્યાના તરત બાદ તેમણે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ બનાવવાની શરૂઆત કરી દીધી. તેઓ મેકઅપ ટિપ્સ અને પર્સનલ કૅર વિશે માહિતી શૅર કરતાં, ફૅશન વિશે વાત કરતાં અને પોતાની મુસાફરી અંગે જણાવતાં.

ખાનગી જેટ અને હોડીઓ પર તેમની તસવીરો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઈ શકાય છે. તેમના લગભગ સવા બે લાખ કરતાં વધુ ફોલોઅર્સ હતા. માર્કેઝના ટિક-ટૉક પર પણ એક લાખ ફોલોઅર્સ હતા.

જોકે, એ સ્પષ્ટ નથી કે તેમના અંતિમ લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન ખરેખર શું થયું હતું, માર્કેઝ એ સમયે એક કોરિયરની રાહ જોઈ રહ્યાં હતાં, જે વિશે તેઓ જાણતાં હતાં કે એ ગિફ્ટ ડિલિવર કરે છે.

સોશિયલ મીડિયા, મૅક્સિકો, વેલેરિયા માર્કેઝ, ટિકટૉક, લાઇવ સ્ટ્રીમિંગ, લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન હત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ લાઇવ દરમિયાન ગુલાબી રંગનું રમકડું હાથમાં પકડીને ઊભેલાં માર્કેઝે કૅમેરાથી નજર હઠાવી અને તરત જ છાતી અને પેટ પકડી લીધાં, પછી ખુરશી પર પડી ગયાં.

એ બાદ અન્ય એક મહિલાએ તેમનો ફોન લીધો અને લાઇવ સ્ટ્રીમ બંધ કરી દીધું.

રાજ્ય પ્રૉસિક્યૂટર અનુસાર પોલીસ સ્થાનિક સમયાનુસાર લગભગ સાડા છ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી અને માર્કેઝનાં મૃત્યુની પુષ્ટિ કરી.

અધિકારીઓનું કહેવું છે કે મોટરસાઇકલ પર સવાર ઓછામાં ઓછા બે લોકો સલૂનમાં આવ્યા અને એ પૈકી એકે તેમને પૂછ્યું કે શું તેઓ વેલેરિયા છે. જ્યારે વેલેરિયાએ ‘હા’ પાડી તો ઓછામાં ઓછી બે ગોળી ધરબીને હુમલાખોરો ફરાર થઈ ગયા.

તપાસકર્તાઓનું કહેવું છે કે તેઓ સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છે અને હુમલા ખોરો વિશે પુરાવા એકઠા કરવા માટે માર્કેઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખી રહ્યા છે.

કારણ હજુ અકબંધ

સોશિયલ મીડિયા, મૅક્સિકો, વેલેરિયા માર્કેઝ, ટિકટૉક, લાઇવ સ્ટ્રીમિંગ, લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન હત્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ સલૂન એવા વિસ્તારમાં હતું, જ્યાં ઘણા ધનિક લોકો રહે છે. અહીં ખાનગી સુરક્ષાની હાજરી અને રસ્તાની સાફસફાઈ જણાવે છે કે આ એક સુરક્ષિત વિસ્તાર છે.

પરંતુ અસલિયતમાં આ હલિસ્કેના સૌથી હિંસક વિસ્તારો પૈકી એક છે. ખરેખર આ વિસ્તારમાં આલેશાન શૉપિંગ સેન્ટરોમાં અવારનવાર ગોળીબારની ઘટના થતી રહે છે.

અમેરિકન ન્યાય વિભાગ પ્રમાણે આ વિસ્તારમાં અડધા કરતાં વધુ રિયલ એસ્ટેટ અને વ્યવસાયિક વિકાસ પાછળનું કારણ માદક પદાર્થોની તસ્કરી સાથે સંબંધિત મની લૉન્ડ્રિંગ છે.

ડેટા કન્સલ્ટિંગ ફર્મ ટી-રિસર્ચ અનુસાર, ઑક્ટોબર 2024માં રાષ્ટ્રપતિ ક્લોડિયા શીનબૉમના કાર્યકાળની શરૂઆત બાદથી હલિસ્કોમાં 906 હત્યા થઈ છે. હત્યાના મામલામાં પાટનગર મૅક્સિકો સિટી સહિત મૅક્સિકોનાં 32 રાજ્યોમાં આ છઠ્ઠા સ્થાને છે.

આ મૅક્સિકોનાં એ રાજ્યો પૈકી એક છે જે કાર્ટેલથી સૌથી વધુ પ્રભાવિત છે. વર્ષ 2018થી અત્યાર સુધી અહીંથી 15 હજાર લોકો ગાયબ થઈ ચૂક્યા છે.

રિફૉર્મો અખબાર અનુસાર જે દિવસે માર્કેઝની હત્યા થઈ, એ દિવસે ત્યાંથી બે કિમી દૂર લૂઇસ આર્મડો કોર્ડોબા ડિઆઝ નામક એક ભૂતપૂર્વ કૉગ્રેસી (સાંસદ)ની હત્યા કરી દેવાઈ હતી.

મોટા ભાગના ગુનાની તપાસ નથી થતી

હલિસ્કો રાજ્યના અધિકારીઓ અનુસાર અહીં 90 ટકા ગુના ક્યારેય રિપોર્ટ નથી થતા કે તેમની તપાસ નથી થતી. રાજ્યના ઍટર્ની કાર્યાલય પર પણ લાંબા સમયથી કાર્ટેલ સાથે સંબંધ હોવાના આરોપ લાગતા રહ્યા છે, જેને એ નકારે છે.

પ્રૉસિક્યૂટર કાર્યાલયે કહ્યું કે અત્યાર સુધી તેમની પાસે એવી શંકા કરવાનું કોઈ કારણ નથી કે માર્કેઝની હત્યાનો આદેશ આ વિસ્તારમાં સક્રિય કોઈ સંગઠિત અપરાધિક સમૂહે આપ્યો હતો.

પ્રૉસિક્યૂટર કાર્યાલયનું માનવું છે કે હત્યારાએ મહિલા હોવાના કારણે માર્કેઝની હત્યા કરી હશે.

મૅક્સિકોનાં મીડિયાએ અગાઉ પણ આવા સંદેશા પ્રકાશિત કર્યા હતા, જેમાં માર્કેઝે કહ્યું હતું કે જો તેમને કંઈ પણ થયું તો તેના માટે તેઓ પોતાના પૂર્વ સાથીદારને જવાબદાર ઠેરવશે.

સમાચાર એજન્સી એએફપી અનુસાર શહેરના મેયર જુઆન જોસ ફ્રેન્જીએ કહ્યું કે તેમની ઑફિસમાં માર્કેઝ દ્વારા તેમને મળી રહેલા ધમકીઓને કારણે અધિકારીઓની મદદ મગાઈ હોવાનો કોઈ રેકૉર્ડ નથી.

તેમણે કહ્યું કે “મહિલાની હત્યા સૌથી ખરાબ વાત છે.”

હલિસ્કો પ્રૉસિક્યૂટર કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું, “વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ સહિત તમામ નિવેદનો અને પુરાવાનું વિશ્લેષણ કરાઈ રહ્યું છે.”

લિંગ આધારિત હિંસા મૅક્સિકોમાં એક ગંભીર સમસ્યા છે. આ દેશ લૅટિન અમેરિકા અને કેરિબિયન દેશોમાં મહિલા હત્યાનો દરના મામલામાં પેરાગ્વે, ઉરુગ્વે અને બોલીવિયા બાદ ચોથા સ્થાને છે.

માર્કેઝની હત્યાથી લગભગ 48 કલાક પહેલાં વેરાક્રૂઝના ટેક્સિસ્ટેપેક શહેરમાં મોરેના (સતાધારી પક્ષ)ના મેયરપદનાં ઉમેદવાર યેસેનિયા લારા ગુટિયરેઝની હત્યા કરી દેવાઈ હતી. તેઓ એ સમયે એક રાજકીય કાફલાનો ભાગ હતાં.

માર્કેઝના મામલાની માફક, ગુટિયરેઝની હત્યા કૅમેરામાં રેકૉર્ડ થઈ ગઈ હતી, કારણ કે તેમના રાજકીય કાફલાનું ફેસબુક પર લાઇવ સ્ટ્રીમિંગ ચાલી રહ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS