Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
એક કલાક પહેલા
દિલ્હીમાં મળેલી કૅબિનેટ કમિટીની બેઠક પછી આજે કેન્દ્ર સરકારે મોટું એલાન કર્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે કે હવે પછી થનારી વસ્તીગણતરીમાં જાતિગત ગણતરીનો પણ સમાવેશ થશે.
પ્રેસ કૉન્ફરન્સમાં અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, “કૉંગ્રેસ સરકારે માત્ર જાતિઓનો સર્વે જ કર્યો છે ગણતરી કરી નથી. કૉંગ્રેસ અને તેના ઇન્ડિયા ગઠબંધનનાં દળોએ જાતિગત વસતીગણતરીનો માત્ર રાજકીય હથિયાર તરીકે જ ઉપયોગ કર્યો છે.”
તેમણે કહ્યું હતું કે, “ભારતના બંધારણ પ્રમાણે વસતીગણતરી એ કેન્દ્રનો વિષય છે પરંતુ અમુક રાજ્યોએ માત્ર તેનો સર્વે કર્યો છે. ઘણાં રાજ્યોએ અપારદર્શી રીતે આવા સર્વે કર્યા છે જેના કારણે સમાજમાં વિવિધ શંકાઓ વધી રહી છે. આથી, પારદર્શી જાતિગત વસ્તીગણતરીનો મુખ્ય વસતીગણતરીમાં સમાવેશ કરવામાં આવશે. આથી આગામી વસતીગણતરીમાં તેનો સમાવેશ કરવામાં આવશે.”
અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, “આ પહેલાં પણ આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે સરકારે 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી.”
અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, “કૉંગ્રેસે હંમેશાં જ જાતિગત જનગણનાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે વર્ષ 2010માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે જાતિગત જનગણનાનો ભરોસો અપાવ્યો હતો પરંતુ કંઈ થયું નહીં.”
અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી જાતિગત વસતીગણતરીનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. તેમણે વારંવાર અનેક સભાઓમાં કહ્યું હતું કે કૉંગ્રેસની સરકાર આવશે તો જાતિગત વ સ્તીગણતરી કરવામાં આવશે.
કૉંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ નેતા જયરામ રમેશે મોદી સરકારના આ નિર્ણય અંગે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, “દેર આયે, દુરુસ્ત આયે.”
તેમણે તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા કૉંગ્રેસ અધિવેશન વખતે પસાર થયેલા પ્રસ્તાવને ટાંકીને લખ્યું હતું કે, “જાતિગત જનગણના કરવા વિશેનો પ્રસ્તાવ અમે 9 ઍપ્રિલના રોજ પસાર કર્યો હતો.”
કૉંગ્રેસ પક્ષના અધિકૃત ઍક્સ અકાઉન્ટ પર પાર્ટીનું નિવેદન મૂકવામાં આવ્યું છે.
તેમાં લખવામાં આવ્યું છે કે, “સામાજિક ન્યાયની લડાઈમાં જાતિગત વસ્તીગણતરી એક મહત્ત્વનો ભાગ છે. કૉંગ્રેસ પાર્ટી, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામાજિક ન્યાય માટે સંઘર્ષરત છે.”
“અમે હંમેશાં કહ્યું છે કે મોદી સરકારે જાતિગત વસ્તીગણતરી કરાવવી પડશે. આ લોકોના અધિકારોને સુનિશ્ચિત કરશે. કૉંગ્રેસના સતત દબાણ પછી જ આજે સરકારે જાતિગત વસ્તીગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. જોકે, આમાં ઘણું મોડું થયું છે.”
કૉંગ્રેસે કહ્યું હતું કે, “સરકાર જલ્દીથી જાતિગત વસ્તીગણતરી કરાવે, જેના આધારે ગાંધીજીના વિચારો અનુસાર સમાજની અંતિમ હરોળમાં રહેલા લોકો સુધી પણ લાભા પહોંચાડી શકાય.”
ભાજપના સાથીપક્ષોએ વખાણ્યો નિર્ણય

ઇમેજ સ્રોત, Amit Shah/X
કેન્દ્રીય મંત્રી અમિત શાહે આ નિર્ણયને મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો છે.
તેમણે કહ્યું હતું કે, “આ નિર્ણય થકી સામાજિક સમાનતા અને દરેક વર્ગના અધિકારો પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો છે.”
અમિત શાહે કૉંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, “કૉંગ્રેસ અને તેમનાં સહયોગી દળોએ દાયકાઓ સુધી આ વસતીગણતરીનો વિરોધ કર્યો અને વિપક્ષમાં આવ્યા ત્યારે તેના પર રાજકારણ કર્યું.”
આ સિવાય બિહારના મુખ્ય મંત્રી અને એનડીએના સાથી પક્ષ જેડી(યુ)ના નેતા નીતિશ કુમારે પણ આ નિર્ણયને આવકાર્યો છે.
તેમણે કહ્યું હતું કે, “આ અમારી જૂની માગ છે. તેનાથી વિવિધ વર્ગોની સંખ્યાનો ખ્યાલ આવશે જેનાથી તેમના વિકાસ અને ઉત્થાન માટે યોજનાઓ બનાવવામાં મદદ મળશે.”
લાલુ પ્રસાદ યાદવે કહ્યું, “અમને જાતિવાદી કહેનારા લોકોને આ મોટો જવાબ”

ઇમેજ સ્રોત, Getty Images
જાતિગત વસતીગણતરી મુદ્દે બિહારના પૂર્વ મુખ્ય મંત્રી અને આરજેડીના નેતા લાલુપ્રસાદ યાદવે પણ નિવેદન આપ્યું છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમણે લખ્યું હતું કે, “હું જનતા દળનો અધ્યક્ષ હતો ત્યારે દિલ્હીમાં અમારી સંયુક્ત મોરચાની સરકારે 1996-97માં જ કૅબિનેટ પાસે 2001ની વસતીગણતરીમાં જાતિગત વસ્તીગણતરી કરાવવાનો નિર્ણય કર્યો હતો. પણ એનડીએની વાજપેયી સરકારે તેનો અમલ ન કર્યો.”
“2011માં અમે સંસદમાં ફરીથી જોરદાર માંગ કરી, મુલાયમસિંહ અને શરદ યાદવ સાથે મેં અનેક દિવસો સુધી સંસદ ઠપ્પ કરી અને પછી વડા પ્રધાન મનમોહનસિંહે સામાજિક આર્થિક સર્વેક્ષણ કરાવવાનું આશ્વાસન આપ્યું પછી જ અમે સંસદ ચાલવા દીધી. દેશમાં સૌપ્રથમ જાતિગત સર્વે પણ અમારી 17 મહિનાની મહાગઠબંધન સરકારમાં બિહારમાં જ થયો.”
લાલુ પ્રસાદ યાદવે કહ્યું, “જેને અમે સમાજવાદી લોકો અનામત, જાતિગણના, સમાનતા, બંધુત્ત્વ, ધર્મનિરપેક્ષતા વગેરે વિશે 30 વર્ષ પહેલાં વિચારીએ છીએ, એ જ બાબતો બીજા લોકો દાયકાઓ પછી અનુસરે છે. અમે જ્યારે આ માંગ કરી ત્યારે અમને જાતિવાદી કહેનારા લોકોને આ મોટો જવાબ છે. હજુ ઘણું બધું બાકી છે. અમે સંઘીઓને અમારા ઍજન્ડા પર નચાવીશું.”
તેજસ્વી યાદવે કહ્યું, “ભાજપને અમારા ઍજન્ડા પર ચાલવું પડી રહ્યું છે”

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને બિહારના ભૂતપૂર્વ ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે, “મોદી સરકાર પહેલાં જાતિગત વસ્તીગણતરીનો વિરોધ કરી રહી હતી, પરંતુ હવે તેમને ‘અમારા જ એજન્ડા’ પર ચાલવું પડી રહ્યું છે.
જાતિગત વસ્તીગણતરી અંગે મોદી કૅબિનેટના નિર્ણય પર તેજસ્વીએ કહ્યું, “સરકારે વિપક્ષની માંગનો વિરોધ કર્યો હતો. ત્યારે વડા પ્રધાન મોદીએ પણ ઇનકાર કરી દીધો હતો, સંસદમાં તેમના મંત્રીઓ પણ ના પાડી રહ્યા હતા. પણ સરકારને હવે અમારી વાત માનવી પડી છે. આ અમારી માંગ હતી, અને અમારી જીત થઈ છે.”
તેજસ્વીએ કહ્યું, “જ્યારે આ વસતીગણતરીનાં પરિણામો આવશે, ત્યારે અમારી માંગણી એ રહેશે કે સમગ્ર દેશની વિધાનસભા ચૂંટણીમાં પછાત અને અત્યંત પછાત વર્ગો માટે બેઠકો અનામત રાખવી જોઈએ. વસ્તી પ્રમાણે ભાગીદારી હોવી જોઈએ. હવે આ અમારી આગામી લડાઈ હશે.”
તેમણે કહ્યું કે નવા સીમાંકન પછી લોકસભા અને વિધાનસભાઓમાં બેઠકો જાતિ વસ્તીગણતરીનાં પરિણામોના આધારે અનામત રાખવી પડશે.
જાતિગત વસતીગણતરીનો શું લાભ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
જાતિગત વસ્તીગણતરીની તરફેણમાં અને વિરુદ્ધમાં ઘણી દલીલો આપવામાં આવી છે.
તેના પક્ષમાં સૌથી મોટી દલીલ એ છે કે આવી વસ્તીગણતરીમાંથી મેળવેલા ડેટાનો આધાર તરીકે ઉપયોગ કરીને, સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભો સમાજના તે વર્ગો સુધી પહોંચાડી શકાય છે જેમને તેમની સૌથી વધુ જરૂર છે.
દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર સતીષ દેશપાંડે કહે છે, “એક દલીલ એ છે કે જાતિગત વસ્તીગણતરીનો ફાયદો એ થશે કે જો કલ્યાણકારી યોજનાઓ માટે ડેટા ઉપલબ્ધ હશે, તો આ યોજનાઓ માટે વધુ સારી તૈયારીઓ કરી શકાશે.”
પ્રોફેસર દેશપાંડેના મતે, જાતિ વસ્તીગણતરીમાંથી બહાર આવનારો ડેટા “સમાજનાં સંસાધનોમાં કોણ કેટલી સંખ્યામાં છે અને કોનો કેટલો હિસ્સો છે તે અંગેના તથ્યો જાહેર કરશે.”
તેઓ કહે છે, “તો જો આ સર્વેમાં અસમાનતા સામે આવે છે, તો તે આપણા સમાજ માટે સારું છે. ભલે ટૂંકાગાળામાં આપણી સમસ્યાઓ વધી શકે અને રાજકીય અસંતોષ ફેલાઈ શકે છે, પરંતુ લાંબાગાળે તે સમાજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આપણે જેટલી વહેલી તકે તેનો સામનો કરીશું, તેટલું આપણા સમાજ માટે સારું રહેશે.”
પ્રોફેસર દેશપાંડે એમ પણ કહે છે કે આજે જાતિ સંબંધિત બે મોટી સમસ્યાઓ છે જે એકબીજા સાથે જોડાયેલી છે.
તેઓ કહે છે, “સૌપ્રથમ, જે જાતિઓને જાતિ વ્યવસ્થાથી સૌથી વધુ ફાયદો થયો છે, એટલે કે કહેવાતી ઉચ્ચ જાતિઓની ગણતરી કરવામાં આવી નથી. તેમને આંકડાકીય દૃષ્ટિએ ગુમનામ રહેવાનું વરદાન મળ્યું છે. બીજી સમસ્યા એ છે કે આ વર્ગના સૌથી સમૃદ્ધ અને શક્તિશાળી લોકો એવી ગેરસમજમાં છે કે તેમની કોઈ જાતિ નથી, અને તેઓ હવે જાતિથી ઉપર ઊઠી ગયા છે.”
તેઓ કહે છે કે, “જ્યારે વસ્તીગણતરી જેવા ઔપચારિક અને રાજકીય સર્વેક્ષણમાં દરેકને તેમની જાતિ વિશે પૂછવામાં આવશે, ત્યારે લોકોને એવી છાપ પડશે કે સમાજની નજરમાં દરેકની જાતિ છે”.
તેમના મતે, “આ એક મોટો ફાયદો થશે, પછી ભલે તે માનસિક હોય કે સાંસ્કૃતિક. આ ગણતરીથી એ પણ સ્પષ્ટ થશે કે ઉચ્ચ જાતિનો વર્ગ એ ખરેખર લઘુમતી વર્ગ છે.”
જાતિગત વસ્તીગણતરી અંગે ડર શું છે?

ઇમેજ સ્રોત, ANI
ઑગસ્ટ 2018માં કેન્દ્ર સરકારે, 2021 માં યોજાનારી વસ્તીગણતરી માટેની તૈયારીઓની વિગતો આપતાં, કહ્યું હતું કે આ વસ્તીગણતરી “પ્રથમ વખત OBC પર ડેટા એકત્રિત કરવાની પરિકલ્પના પણ છે. “
પરંતુ પાછળથી કેન્દ્ર સરકારે આ મુદ્દાથી પીછેહઠ કરી હતી.
પ્રોફેસર દેશપાંડે કહે છે, “જ્યારે પણ કેન્દ્રમાં કોઈ સરકાર સત્તામાં આવે છે, ત્યારે તે પોતાનો હાથ પાછો ખેંચી લે છે. જ્યારે તે વિરોધપક્ષમાં હોય છે, ત્યારે તે જાતિગત વસ્તી ગણતરીના પક્ષમાં બોલે છે. ભાજપ અને કૉંગ્રેસ બંને આવું કરી રહ્યા છે.”
જ્યારે જાતિગત વસ્તીગણતરીની વાત આવે છે, ત્યારે ઘણી ચિંતાઓ અને પ્રશ્નો વારંવાર ઊભા થાય છે. સૌથી મોટી ચિંતા એ છે કે જાતિગત વસ્તીગણતરીમાંથી મેળવેલા ડેટાના આધારે, દેશભરમાં અનામત માટેની નવી માંગણીઓ વધવા લાગશે.
જોકે, વિશ્લેષકો એમ પણ કહે છે કે સુપ્રીમ કોર્ટે EWS અનામત અંગેના નિર્ણયમાં 50 ટકાની અનામત મર્યાદાને બાજુ પર રાખી છે.
પ્રોફેસર બદ્રી નારાયણ કહે છે, “જો જાતિગત વસ્તીગણતરી કરાવવાની તરફેણમાં દલીલ એ છે કે તેનાથી સામાજિક લોકશાહી મજબૂત થશે, તો પછી એ પ્રશ્ન પણ ઊભો થાય છે કે આવી વસ્તીગણતરી કરવાથી જે સામાજિક વિભાજન સર્જાશે તેનો સામનો કેવી રીતે કરવામાં આવશે?”
વિપક્ષનો દલીલ એ છે કે જાતિગત વસ્તી ગણતરી એકતાને મજબૂત બનાવશે અને લોકોને લોકશાહીમાં હિસ્સો મળશે. પરંતુ દરેકને ડર છે કે આનાથી સમાજમાં જાતિગત ધ્રુવીકરણ વધી શકે છે. તેનાથી સમાજમાં લોકો વચ્ચેના સંબંધોને અસર કરી શકે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS