Source : BBC NEWS

કોહિનૂર હિરો નાદીરશાહ પાસે કેવી રીતે પહોંચ્યો, ઔરગંઝેબનો દીકરો મોહમ્દ શાહ રંગીલા જેના કાળમાં ખજાનો લૂંટાયો, મયુરાસન કેવું હતું, નાદીરશાહ ભારતમાંથી કેટલો ખજાનો લૂંટી ગયા, બીબીસી ગુજરાતી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, San Diego Museum of art

  • લેેખક, રેહાન ફઝલ
  • પદ, બીબીસી હિંદી
  • 3 મે 2025, 14:58 IST

    અપડેટેડ 49 મિનિટ પહેલા

જાન્યુઆરી 1738, મુઘલ સામ્રાજ્ય ત્યારે દુનિયા સૌથી અમીર સામ્રાજ્યોમાંનું એક હતું. લગભગ આખું ઉત્તર ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના મોટા ભાગ પર તખ્ત-એ-તાઉસ પર બેસનાર બાદશાહ હકૂમત કરતા હતા.

આ જ તખ્ત-એ-તાઉસ એટલે કે મયૂર સિંહાસન કે પીકૉક થ્રોનના ઉપરના ભાગમાં દુનિયાનો સૌથી મશહૂર હીરો કોહિનૂર ચમકતો હતો.

જોકે, ઔરંગઝેબના અવસાન પછી મુઘલ સામ્રાજ્યનો પ્રભાવ સતત ઘટતો જતો હતો, તેમ છતાં, કાબુલથી કર્ણાટક સુધીની ફળદ્રુપ જમીન ધરાવતા વિસ્તારો પર મુઘલોનું નિયંત્રણ હતું.

વિલિયમ ડૅલરિંપલ અને અનીતા આનંદ પોતાના પુસ્તક ‘કોહિનૂર ધ સ્ટોરી ઑફ ધ વર્લ્ડ્સ મોસ્ટ ઇનફેમસ ડાયમંડ’માં લખે છે, “એ જમાનામાં મુઘલોની રાજધાની દિલ્હીની વસ્તી અંદાજે 20 લાખ હતી, જે લંડન અને પૅરિસની કુલ વસ્તી કરતાં પણ વધારે હતી.”

દિલ્હીને ઇસ્તંબુલ અને ટોક્યો વચ્ચેનું સૌથી સમૃદ્ધ શહેર માનવામાં આવતું હતું.

આ સામ્રાજ્યના બાદશાહ હતા મોહમ્મદશાહ, જેમના નામની સાથે હંમેશાં ‘રંગીલા’ શબ્દ જોડવામાં આવતો હતો.

ઝહીરુદ્દીન મલિકે પોતાના પુસ્તક ‘ધ રેન ઑફ મોહમ્મદશાહ’માં લખ્યું છે, “વર્ષ 1719માં જ્યારે મોહમ્મદશાહ દિલ્હીની ગાદીએ બેઠા ત્યારે તેમની ઉંમર 18 વર્ષ હતી. તેમનું સાચું નામ હતું રોશન અખ્તર. તેઓ જહાનશાહના પુત્ર અને ઔરંગઝેબના પૌત્ર હતા. તેમની કદકાઠી મજબૂત હતી. ગાદીએ બેઠા પછી તેઓ તીરંદાજીનો અભ્યાસ કરતા હતા અને ઘણી વાર શિકાર કરવા જતા હતા.”

મલિકે લખ્યું છે કે, થોડાક સમય પછી અફીણની લતના કારણે તેમના પેટમાં તકલીફ શરૂ થઈ હતી અને તેમની તબિયત બગડવા લાગી હતી. તેઓ સામાન્ય ઘોડેસવારી કરવાને લાયક પણ નહોતા રહ્યા.

ઘોડાનું પલાણ બનાવનાર લખનૌના એક કારીગર અઝફરીએ તેઓ ઉપયોગ કરી શકે તેવું એક ખાસ પ્રકારનું પલાણ બનાવ્યું હતું. મોહમ્મદશાહ તેની મદદથી ક્યારેક ઘોડા પર બેસી શકતા હતા, નહીંતર, ફરવા માટે તેઓ પાલખી કે હાથી પર ‘તખ્ત-એ-રવાં’ [અંબાડી]નો ઉપયોગ કરતા હતા.

દરબારમાં સંગીત, પેઇન્ટિંગ અને સાહિત્યની બોલબાલા

કોહિનૂર હિરો નાદીરશાહ પાસે કેવી રીતે પહોંચ્યો, ઔરગંઝેબનો દીકરો મોહમ્દ શાહ રંગીલા જેના કાળમાં ખજાનો લૂંટાયો, મયુરાસન કેવું હતું, નાદીરશાહ ભારતમાંથી કેટલો ખજાનો લૂંટી ગયા, બીબીસી ગુજરાતી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

મોહમ્મદશાહ વિશે એવું કહેવાતું કે, તેઓ સૌંદર્યના પૂજારી હતા. તેમને મહિલાઓનાં બાહ્ય વસ્ત્ર ‘પેશવાઝ’ અને મોતી જડેલાં જૂતાં પહેરવાનો શોખ હતો.

તેમના દરબારમાં સંગીત અને પેઇન્ટિંગને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવતું હતું. સિતાર અને તબલાંના લોકસંગીતને પરંપરામાંથી બહાર કાઢીને દરબાર સુધી પહોંચડાવાનું શ્રેય મોહમ્મદશાહ ‘રંગીલા’ને જ અપાય છે.

તેમણે જ મુઘલ મિનિએચર પેઇન્ટિંગ કળાને પુનર્જીવિત કરી. તેમના દરબારમાં નિધામલ અને ચિતરમન જેવા ખ્યાતનામ કલાકાર બેસતા હતા, જેમની મુઘલ દરબારી જીવન અને હોળી રમવાનાં ચિત્રો દોરવામાં હથોટી હતી, જેમાં બાદશાહને યમુના નદીના કિનારે હોળી રમતા અને લાલ કિલ્લાની વાટિકાઓમાં પોતાના દરબારીઓ સાથે મંત્રણા કરતા બતાવાયા હતા.

ઔરંગઝેબના ‘કટ્ટર’ અને ‘નૈતિકતાવાદી’ શાસન પછી મોહમ્મદશાહના રાજમાં દિલ્હીમાં કળા, નૃત્ય, સંગીત અને સાહિત્યિક લેખનનું એવું વાતાવરણ ઊભું થયું, જે અગાઉ ક્યારેય જોવા નહોતું મળ્યું.

ક્ષેત્રીય ક્ષત્રપોના હાથમાં સત્તા

કોહિનૂર હિરો નાદીરશાહ પાસે કેવી રીતે પહોંચ્યો, ઔરગંઝેબનો દીકરો મોહમ્દ શાહ રંગીલા જેના કાળમાં ખજાનો લૂંટાયો, મયુરાસન કેવું હતું, નાદીરશાહ ભારતમાંથી કેટલો ખજાનો લૂંટી ગયા, બીબીસી ગુજરાતી, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Asia Publishing House

પરંતુ, મોહમ્મદશાહ ‘રંગીલા’ યુદ્ધમેદાનના યૌદ્ધા ક્યારેય નહોતા. તેઓ સત્તામાં માત્ર એટલા માટે ટકી શક્યા, કેમ કે, તેમણે વારંવાર એવો આભાસ કરાવ્યો કે તેમને રાજ કરવામાં બિલકુલ રસ નથી.

વિલિયમ ડૅલરિંપલ અને અનીતા આનંદ લખે છે, “તેમની સવાર તેતરો અને હાથીઓની લડાઈ જોવામાં પસાર થતી હતી. બપોર પછી જાદુગર અને લોકોની નકલ કરનારા લોકો તેમનું મનોરંજન કરતા હતા. શાસનની જવાબદારી તેમણે પોતાના સલાહકારોને સોંપી રાખી હતી.”

મોહમ્મદશાહ ‘રંગીલા’ના શાસનકાળમાં સત્તા દિલ્હીના હાથમાંથી સરકીને ક્ષત્રપોના હાથમાં જતી રહી અને તેમણે રાજકારણ, અર્થવ્યવસ્થા, આંતરિક સુરક્ષા જેવા મહત્ત્વના મુદ્દા પર જાતે નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું.

દિલ્હી પર નાદિરશાહનો હુમલો

રશિયા યુક્રેન યુદ્ધ, રશિયાની વસતિ વધારવા પ્રોત્સાહન માટે મદદ, ગર્ભવતી મહિલાઓ અને સ્કૂલની છોકરીઓને મદદ કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Juggernaut

બે ક્ષેત્રીય ક્ષત્રપ, ઉત્તરમાં અવધના નવાબ સઆદતખાં અને દક્ષિણના નિઝામ-ઉલ-મુલ્ક સ્વાયત્ત શાસક તરીકે પોતાનો પ્રભાવ જમાવવાની કોશિશ કરવા લાગ્યા હતા.

મોહમ્મદશાહ ‘રંગીલા’નું દુર્ભાગ્ય હતું કે પશ્ચિમમાં તેમના રાજ્યની સીમા ફારસી બોલનારા આક્રાંતા તુર્ક નાદિરશાહ સાથે જોડાતી હતી.

નાદિરશાહનું ચરિત્રચિત્રણ કરતાં ફ્રેન્ચ લેખક પેરે લુઈ બાઝાંએ આત્મકથામાં લખ્યું હતું, “નાદિરશાહે પોતાની દાઢી કાળા રંગથી રંગી હતી, જ્યારે તેમના માથાના વાળ સંપૂર્ણ સફેદ હતા. તેમનો અવાજ કર્કશ અને ભારે હતો, પરંતુ, જ્યારે તેમનો સ્વાર્થ હોય ત્યારે તેઓ મૃદુ કરી દેતા હતા. તેમનું કોઈ નિશ્ચિત ઠેકાણું નહોતું. તેમનો દરબાર સૈનિક છાવણીમાં ભરાતો હતો. તેમનો મહેલ તંબુઓમાં હતો.”

કંધહાર પર હુમલો કરતાં પહેલાં જ એવી અફવા ફેલાઈ ગઈ હતી કે, નાદિરશાહ ગુપ્ત રીતે મુઘલોનો ખજાનો લૂંટવા દિલ્હી પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યા છે. તે માટે તેમણે પહેલાંથી જ બે બહાનાં શોધી કાઢ્યાં હતાં.

વિલિયમ ડૅલરિંપલ અને અનીતા આનંદ લખે છે, ‌”મુઘલોએ નાદિરશાહની આપખુદીથી બચીને ભાગી ગયેલા કેટલાક ઈરાની વિદ્રોહીઓને આશરો આપ્યો હતો. તે ઉપરાંત, મુઘલોના સીમા કર અધિકારીઓએ ઈરાની રાજદૂતનો કેટલોક સામાન જપ્ત કરી લીધો હતો. “

“નાદિરશાહે પોતાના દૂત દિલ્હી મોકલીને ફરિયાદ કરી હતી કે, મુઘલ, મિત્ર જેવો વ્યવહાર નથી કરતા; પરંતુ, મોહમ્મદશાહ ‘રંગીલા’ પર તેની કશી અસર ન થઈ.”

ત્રણ મહિના પછી નાદિરશાહે દિલ્હીથી 100 માઈલ ઉત્તરમાં કરનાલમાં મુઘલોની ત્રણ સેનાને હરાવી. તેમાંની એક સેના દિલ્હીની હતી અને બીજી બે સેનાઓ અવધ અને દખ્ખણની હતી.

નાદિરશાહ અને મોહમ્મદશાહ ‘રંગીલા’ વચ્ચે સમજૂતી

રશિયા યુક્રેન યુદ્ધ, રશિયાની વસતિ વધારવા પ્રોત્સાહન માટે મદદ, ગર્ભવતી મહિલાઓ અને સ્કૂલની છોકરીઓને મદદ કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે મુઘલ સેના ઘેરાઈ ગઈ અને ખોરાક-પાણી ખતમ થવા લાગ્યાં ત્યારે નાદિરશાહે મોહમ્મદશાહ ‘રંગીલા’ને સમજૂતી કરવા બોલાવ્યા.

માઇકલ એક્સવર્દીએ પોતાના પુસ્તક ‘સ્વૉર્ડ ઑફ પર્શિયા’માં લખ્યું, “નાદિરશાહે રંગીલાની આગતાસ્વાગતા કરી, પરંતુ તેમને પાછા ન જવા દીધા. તેમના અંગરક્ષકોનાં હથિયાર લઈ લેવાયાં અને નાદિરશાહે તેમની ચારેબાજુ પોતાના સૈનિકો ગોઠવી દીધા.”

“બીજા દિવસે નાદિરશાહના સૈનિકો મુઘલ શિબિરમાં જઈને મોહમ્મદશાહ ‘રંગીલા’ના હરમ [સ્ત્રીવૃંદ] અને નોકરોને ઉઠાવી લાવ્યા. ત્યાર પછી તેમના દરબારીઓને તેમની પાસે લઈ જવાયા. બીજા દિવસે નેતૃત્વવિહીન અને ભૂખથી હેરાનપરેશાન મુઘલ સેનાને કહેવામાં આવ્યું કે તે પોતાના ઘરે જઈ શકે છે.”

આ રીતે મુઘલ સેનાનાં બધાં જ સંસાધનો નાદિરશાહના કબજામાં આવી ગયાં.

મહેદી અશરાબાદીએ પોતાના પુસ્તક ‘તારીખ-એ-જહાં કુશા-એ-નાદરી’માં લખ્યું છે, “એક અઠવાડિયા પછી જ્યારે મોહમ્મદશાહ ‘રંગીલા’ દિલ્હીમાં પ્રવેશ્યા ત્યારે આખા શહેરમાં સન્નાટો છવાઈ ગયો.”

“બીજા દિવસ 20 માર્ચે નાદિરશાહ 100 હાથીઓના જુલૂસ સાથે દિલ્હીમાં પ્રવેશ્યા. આવતાંની સાથે જ તેમણે લાલ કિલ્લામાં દીવાન-એ-ખાસ પાસે શાહજહાંના શયનકક્ષને પોતાનો મુકામ બનાવ્યો, જ્યારે મોહમ્મદશાહે અસદ બુર્જની નજીકની ઇમારતમાં રહેવાનું શરૂ કર્યું.”

મોહમ્મદશાહે આખો શાહી ખજાનો નાદિરશાહને સોંપી દીધો, જેને નાદિરશાહે હા-ના કરતાં, દેખાડાના સંકોચ સાથે સ્વીકારી લીધો. 21 માર્ચે બકરી ઈદના દિવસે દિલ્હીની બધી મસ્જિદોમાં નાદિરશાહના નામનો ખુતબા [કોઈ વસ્તુનો આરંભ કરતાં પહેલાં કરાતું ભાષણ] પઢવામાં આવ્યો.

નાદિરશાહે દિલ્હીમાં હત્લેઆમ કરાવ્યો

રશિયા યુક્રેન યુદ્ધ, રશિયાની વસતિ વધારવા પ્રોત્સાહન માટે મદદ, ગર્ભવતી મહિલાઓ અને સ્કૂલની છોકરીઓને મદદ કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Musee Guimet Paris

બીજો દિવસ મુઘલ રાજધાનીના ઇતિહાસનો સૌથી દુઃખદાયક દિવસ હતો. નાદિરશાહની સેના જેવી દિલ્હીમાં ઘૂસી, અનાજના ભાવ વધી ગયા. જ્યારે નાદિરશાહના સૈનિકોએ પહાડગંજ વિસ્તારમાં વેપારીઓ સાથે ભાવતાલ કરવાની કોશિશ કરી, ત્યારે તેમણે તેમની વાત ન માની અને બંને પક્ષ વચ્ચે અથડામણ થઈ ગઈ.

વિલિયમ ડૅલરિંપલ અને અનીતા આનંદ લખે છે, “એકાએક અફવા ફેલાઈ ગઈ કે કિલ્લાના એક રક્ષકે નાદિરશાહને મારી નાખ્યા. ભીડે અચાનક, જ્યાં પણ તક મળી ત્યાં, નાદિરશાહના સૈનિકો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. બપોર સુધીમાં નાદિરશાહની સેનાના 900 સૈનિકો માર્યા ગયા હતા. નાદિરશાહે આનો જવાબ કત્લ-એ-આમના આદેશથી આપ્યો.”

બીજા દિવસે સવારે તેઓ જાતે કત્લ-એ-આમ જોવા લાલ કિલ્લાની બહાર નીકળ્યા અને ચાંદની ચોકની પાસે કોતવાલી ચબૂતરા પર પોતાનો અડિંગો જમાવ્યો. કત્લ-એ-આમ બરાબર નવ વાગ્યે શરૂ થયો. સૌથી વધારે લોકો લાલ કિલ્લા પાસે ચાંદની ચોક, દરીબા અને જામા મસ્જિદની પાસે માર્યા ગયા.

ઘણાં ઘરોને આગ ચાંપી દેવામાં આવી. લોકોના મૃતદેહોમાંથી નીકળતી દુર્ગંધ આખા શહેરમાં ફેલાઈ ગઈ. તે દિવસે દિલ્હીમાં લગભગ 30 હજાર લોકોને કતલ કરવામાં આવ્યા.

દિલ્હીમાં લૂંટ

રશિયા યુક્રેન યુદ્ધ, રશિયાની વસતિ વધારવા પ્રોત્સાહન માટે મદદ, ગર્ભવતી મહિલાઓ અને સ્કૂલની છોકરીઓને મદદ કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, B Tauris

વિલેમ ફ્લોરે પોતાના લેખ ‘ન્યૂ ફૅક્ટ્સ ઑન નાદિરશાહઝ ઇન્ડિયા કૅમ્પેન’માં નજરે નિહાળનારા એક ડચ મૅથ્યૂઝ વૅન લેપસાઈનો ઉલ્લેખ કરીને લખ્યું, “સઆદતખાંએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી. નિઝામે માથા પર કશું પહેર્યા વગર, પોતાના હાથ પોતાના સાફાથી બાંધીને, ઘૂંટણિયે બેસીને નાદિરશાહને વિનંતી કરી કે, દિલ્હીના લોકો પર દયા કરો, બદલામાં તેમને પોતાને સજા કરવામાં આવે.”

“નાદિરશાહે પોતાના સૈનિકોને કત્લ-એ-આમ રોકવાનો આદેશ આપ્યો, પરંતુ એક શરત પણ રાખી કે દિલ્હી છોડતાં પહેલાં દંડરૂપે તેમને 100 કરોડ રૂપિયા આપવામાં આવે.”

દિલ્હીના લોકોને લૂંટવાનું અને તેમને યાતના આપવાનું ચાલુ રહ્યું, પરંતુ હત્યા રોકી દેવામાં આવી.

પછીના થોડા દિવસ સુધી મોહમ્મદશાહ ‘રંગીલા’ સામે એવી સ્થિતિ આવીને ઊભી રહી, જેમાં નાદિરશાહને મોટી રકમ ચૂકવવા પોતાની જ રાજધાનીના લોકોને ફરજ પાડવી પડી.

આનંદરામ મુખલિસે ‘તઝકિરા’માં લખ્યું, “આખા દિલ્હીને પાંચ ભાગમાં વહેંચી દેવાયું અને દરેક ભાગમાંથી એક મોટી રકમની માગણી કરવામાં આવી. ફક્ત જબરજસ્તીથી ધન પડાવી લેવાયું એટલું જ નહીં, આખા ને આખા પરિવાર બરબાદ થઈ ગયા.”

“ઘણા લોકોએ ઝેર ખાઈ લીધું અને કેટલાક લોકોએ ચાકુથી પોતાના જીવનનો અંત કરી દીધો. ટૂંકમાં, 348 વર્ષથી એકઠું કરેલું ધન એકઝાટકે કોઈ બીજાનું થઈ ગયું.”

મોહમ્મદશાહ ‘રંગીલા’ ફરી દિલ્હીના બાદશાહ બન્યા

રશિયા યુક્રેન યુદ્ધ, રશિયાની વસતિ વધારવા પ્રોત્સાહન માટે મદદ, ગર્ભવતી મહિલાઓ અને સ્કૂલની છોકરીઓને મદદ કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારથી આ બધું ચાલી રહ્યું હતું, મોહમ્મદશાહ ‘રંગીલા’ માટે નાદિરશાહ ઉપર ઉપરથી દયાળુ અને શિષ્ટાચારની પ્રતિમૂર્તિ બનેલા હતા. પરંતુ, હકીકતમાં મોહમ્મદશાહને નાદિરશાહની બાજુમાં એવી રીતે ઊભા રખાતા હતા જાણે તેઓ તેમના ઑર્ડરલી હોય.

એક મહિના પછી 12 મેએ નાદિરશાહે દરબાર ભર્યો અને મોહમ્મદશાહ ‘રંગીલા’ના માથા પર ફરી એક વાર હિન્દુસ્તાનનો તાજ મૂકી દીધો.

જાણીતા ઇતિહાસકાર આરવી સ્મિથે ‘ધ હિંદુ’માં છપાયેલા પોતાના લેખ ‘ઑફ નૂર ઍન્ડ કોહિનૂર’માં લખ્યું, “આ એ પ્રસંગ હતો જેમાં નાદિરશાહને નર્તકી નૂરબાઈ દ્વારા જાણવા મળ્યું કે મોહમ્મદશાહ ‘રંગીલા’એ કોહિનૂર હીરો પોતાની પાઘડીમાં સંતાડી રાખ્યો છે. નાદિરશાહે મોહમ્મદશાહને કહ્યું કે આપણે બંને ભાઈ જેવા છીએ, તેથી આપણે આપણી પાઘડીઓની અદલાબદલી કરી લેવી જોઈએ.”

ડૅલરિંપલ લખે છે, “આ કહાણી લોકોને ભલે રસપ્રદ લાગે, પરંતુ તે સમયના કોઈ પણ સ્રોતમાં તેનો ઉલ્લેખ નથી મળતો અને માત્ર 19મી સદી પછી ઇતિહાસનાં પુસ્તકોમાં તેનો ઉલ્લેખ થવા લાગ્યો. એક મુઘલ દરબારી જુગલકિશોરે એ વાતનો ઉલ્લેખ જરૂર કર્યો કે, નાદિરે મોહમ્મદશાહ ‘રંગીલા’ને પોતાની પાઘડી આપી હતી.”

દિલ્હીથી લૂંટેલાં તખ્ત-એ-તાઉસ અને કોહિનૂર ઈરાન પહોંચ્યાં

રશિયા યુક્રેન યુદ્ધ, રશિયાની વસતિ વધારવા પ્રોત્સાહન માટે મદદ, ગર્ભવતી મહિલાઓ અને સ્કૂલની છોકરીઓને મદદ કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Juggernaut

દિલ્હીમાં 57 દિવસ વિતાવ્યા પછી 14 મેએ નાદિરશાહ ઈરાન તરફ ગયા. તેઓ પોતાની સાથે મુઘલોની આઠ પેઢીઓએ જમા કરેલું બધું ધન ઈરાન લઈ ગયા.

ઈરાનના ઇતિહાસકાર મોહમ્મદ કાઝેમ મારવી પોતાના પુસ્તક ‘આલમઆરા-યે નાદેરી’માં લખ્યું છે, “નાદિરશાહે લૂંટેલા ધનમાં સૌથી મોટી વસ્તુ હતી તખ્ત-એ-તાઉસ. આખી લૂંટ—જેમાં અમૂલ્ય સોનું, ચાંદી અને કીમતી રત્નો હતાં—700 હાથી, 4 હજાર ઊંટ અને 12 હજાર ઘોડા પર લાદીને ઈરાન પહોંચાડવામાં આવી.”

જ્યારે નાદિરશાહના સૈનિકોએ ચિનાબ નદી પર બનેલો પુલ પસાર કર્યો, ત્યારે દરેક સૈનિકની જડતી લેવામાં આવી. જપ્ત થવાની બીકે ઘણા સૈનિકોએ લૂંટેલું સોનું અને કીમતી રત્ન નદીમાં ફેંકી દીધાં. તેમને આશા હતી કે એક દિવસ પાછા આવીને તેઓ નદીના તળમાંથી અત્યંત કિંમતી પથ્થર પાછા કાઢી લેશે.

31 વર્ષ રાજ કર્યા પછી મોહમ્મદશાહ ‘રંગીલા’નું મૃત્યુ થયું

રશિયા યુક્રેન યુદ્ધ, રશિયાની વસતિ વધારવા પ્રોત્સાહન માટે મદદ, ગર્ભવતી મહિલાઓ અને સ્કૂલની છોકરીઓને મદદ કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

નાદિરશાહે લૂંટ કર્યા પછીનાં નવ વર્ષ સુધી મોહમ્મદશાહ ‘રંગીલા’એ દિલ્હી પર રાજ કર્યું.

પોતાના છેલ્લા દિવસોમાં તેમને લકવા થયો. શેખ અહમદ હુસૈન મઝાકે પોતાના પુસ્તક ‘તારીખ-એ-અહમદી’માં લખ્યું, “પોતાના અંતિમ દિવસોમાં વારંવાર તાવ આવવાના કારણે મોહમ્મદશાહ ખૂબ કમજોર થઈ ગયા હતા. મૃત્યુના એક દિવસ પહેલાં મોહમ્મદશાહ‌’રંગીલા’ને કિલ્લાની અંદર બનેલી મસ્જિદમાં લઈ જવાયા. ત્યાં તેમના બધા દરબારી અને સહયોગી હાજર હતા. બોલતાં બોલતાં તેઓ અચાનક બેભાન થઈ ગયા અને પછી ક્યારેય ઊઠી ન શક્યા.”

રશિયા યુક્રેન યુદ્ધ, રશિયાની વસતિ વધારવા પ્રોત્સાહન માટે મદદ, ગર્ભવતી મહિલાઓ અને સ્કૂલની છોકરીઓને મદદ કરશે, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બીજા દિવસની સવાર, 17 એપ્રિલ 1748એ પોતાના શાસનકાળના 31મા વર્ષે તેમણે અંતિમ શ્વાસ લીધો. પછી તેમની ઇચ્છા અનુસાર, નિઝામુદ્દીન ઓલિયાના મકબરાની બાજુમાં તેમને દફનાવવામાં આવ્યા.

તેમના જીવનચરિત્રકાર ઝહીરુદ્દીન મલિકે લખ્યું, “તેમનામાં રહેલી તમામ ખામીઓ છતાં તેમના દરબારમાં તેમણે હંમેશાં શિષ્ટાચાર અને સભ્યતાનો ખ્યાલ રાખ્યો. તેમણે પોતાના દરબારને જહાંદારશાહની જેમ દારૂ અને વ્યભિચારનો અડ્ડો ન બનવા દીધો.”

“કઠિન પરિસ્થિતિઓમાં તેમનું દિલ્હીની ગાદી પર 30 વર્ષથી વધારે સમય રાજ કરવું એ સાબિત કરે છે કે તેમનામાં રાજકીય કુનેહ અને દક્ષતાની કમી નહોતી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS