Source : BBC NEWS
ઉત્તર કોરિયાના સૈન્યમાં કામ કરતી વખતે થયેલા અનુભવમાંથી હેન્યુલને સતત થતી પીડા અને ભૂખ બરાબર યાદ છે. સૈન્યમાં જોડાયાના પ્રથમ જ મહિનામાં ક્રેક્ડ કોર્ન અને મોલ્ડી કેબેજના આહારને કારણે તેમનું વજન દસ કિલો ઘટી ગયું હતું.
તેમના જણાવ્યા મુજબ, તાલીમના ત્રણ મહિના દરમિયાન આખી બટાલિયન ગંભીર રીતે કુપોષિત હતી અને વજન વધારવા માટે તેમને રિકવરી સેન્ટરમાં મોકલવા જરૂરી હતા.
બાદમાં હેન્યુલને દક્ષિણ કોરિયા સાથેની સરહદ પર ફ્રન્ટલાઇન ગાર્ડ તરીકે તહેનાત કરવામાં આવ્યા ત્યારે કોર્ન એટલે કે મકાઈનું સ્થાન ચોખાએ લીધું હતું, પરંતુ એ ચોખા તેમની થાળી સુધી પહોંચે એ પહેલાં પાછળનાં એકમો ઘણો હિસ્સો ગુપચાવી ગયાં હતાં અને ચોખાના કાંકરાવાળા ટુકડા બચ્યા હતા.
હેન્યુલના કહેવા મુજબ, તેમના યુનિટને સૌથી સારો આહાર આપવામાં આવતો હતો, જે તેમને દક્ષિણ કોરિયા ભાગી જતા અટકાવવાની યુક્તિ હતી, પરંતુ એ યુક્તિ હેન્યુલને અટકાવી શકી ન હતી.
ઉત્તરને દક્ષિણથી વિભાજિત કરતા જમીનના પટ્ટાને, ડિમિલિટરાઇઝ્ડ ઝોન (જીએમઝેડ)ને 2012માં જીવના જોખમે તેમણે પાર કર્યો હતો.
હેન્યુલ અને ઉત્તર કોરિયાનું સૈન્ય છોડી ગયેલા અન્ય સૈનિકોનો અનુભવ યુક્રેન સામેના રશિયાના યુદ્ધમાં ફ્રન્ટલાઇન પર તહેનાત ઉત્તર કોરિયાના હજારો સૈનિકોની સ્થિતિનો ખ્યાલ આપે છે.
રશિયન દળો કુર્સ્ક પ્રદેશના એક ભાગ પર ફરી અંકુશ મેળવી શકે એટલા માટે પ્યોંગયાંગે કથિત રીતે આશરે 11,000 સૈનિકો મોકલ્યા છે. યુક્રેને ઉનાળામાં એક આશ્ચર્યજનક હુમલામાં કુર્સ્ક પ્રદેશ કબજે કર્યો હતો.
અમેરિકા અને યુક્રેને આ સપ્તાહની શરૂઆતમાં જણાવ્યું હતું કે સૈનિકો “નોંધપાત્ર પ્રમાણમાં” યુદ્ધમાં ઉતર્યા છે અને “અનેક ડઝન” પહેલેથી જ ઘાયલ છે અથવા માર્યા ગયા છે.
‘સૈનિકોને થોડો ભાત આપીને ટ્રેઇનિંગ માટે છોડી દેવામાં આવતા હતા’
જોકે, ઉત્તર કોરિયા છોડી ગયેલા (ડિફેક્ટર્સ) અને અન્ય લશ્કરી નિષ્ણાતોએ બીબીસીને જણાવ્યું છે કે આ સૈનિકોને ઓછા આંકવા જોઈએ નહીં.
દક્ષિણ કોરિયાની ગુપ્તચર માહિતી મુજબ, એ પૈકીના મોટાભાગના એલિટ સ્ટ્રોમ કોર્પ્સ યુનિટના છે અને મજબૂત મનોબળ ધરાવે છે, પરંતુ તેમનામાં “સમકાલીન યુદ્ધની સમજનો અભાવ” છે.
ડિફેક્ટર લી હ્યુન સેઉંગના કહેવા મુજબ, સ્ટ્રોમ કોર્પ્સ માટે ઊંચા, ખડતલ લોકોની જ પસંદગી કરવામાં આવે છે. લી હ્યુન સેઉંગે 2014માં ઉત્તર કોરિયામાંથી ભાગી જતા પહેલાં 2000ના દાયકાની શરૂઆતમાં ઉત્તર કોરિયાના સ્પેશિયલ ફોર્સિસને તાલીમ આપી હતી.
તેમણે તેમને માર્શલ આર્ટ શીખવ્યું હતું, છરીઓ કેવી રીતે ફેંકવી અને કટલરી તથા રસોડાનાં અન્ય વાસણોમાંથી હથિયારો કેવી રીતે બનાવવાં એ શીખવ્યું હતું.
સ્ટ્રોમ કોર્પ્સની તાલીમ ઉત્તર કોરિયાના રેગ્યુલર યુનિટ્સ કરતાં અદ્યતન હોવા છતાં તેના સૈનિકોને હજુ પણ ઓછો ખોરાક મળે છે અને કુપોષિત પણ છે.
હેન્યુલ કહે છે કે રશિયન સૈનિકોના કથિત ઑનલાઇન વીડિયોમાં નાના, નબળા સૈનિકો જોવા મળે છે. તે પ્યોંગયાંગના પ્રચાર વીડિયોથી તદ્દન વિપરીત છે. પ્યોંગયાંગના પ્રચાર વીડિયોમાં લોકો લોખંડની સાંકળો તોડતા અને ખુલ્લા હાથે બરફના ચોસલા તોડતા જોવા મળે છે.
હેન્યુલના જણાવ્યા અનુસાર, સૈન્યમાંના સમગ્ર કાર્યકાળ દરમિયાન તેમણે એક લાઇવ ફાયર ટ્રેનિંગ સત્રમાં માત્ર ત્રણ ગોળી ચલાવી હતી.
એક ભૂખ્યો ખેડૂત શાકભાજીની શોધમાં ડીએમઝેડની નજીક આવ્યો ત્યારે તેઓ લડાઈ જેવું કશુંક લડ્યા હતા. હેન્યુલ કહે છે, “કોઈ પણ ઘૂસણખોરને ગોળી મારવાના” આદેશનો તેમણે અનાદર કર્યો હતો અને એ ખેડૂતને ચેતવણી આપીને જવા દીધો હતો.
ઉત્તર કોરિયામાંથી બહુ ઓછી માહિતી મેળવી શકાતી હોવાથી હેન્યુલ એ દેશમાંથી ભાગ્યા પછીના દાયકામાં ત્યાં કેટલો બદલાવ આવ્યો છે એ જાણવું મુશ્કેલ છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને તેમનાં મર્યાદિત સંસાધનોનો ઉપયોગ સ્થાયી સૈન્યને બદલે મિસાઇલો અને પરમાણુ શસ્ત્રોનો જથ્થો ખડકવા માટે કર્યો હોય એવું લાગે છે.
2019માં ઉત્તર કોરિયામાંથી ભાગેલા એક અન્ય સૈનિક યુ સિઓંગહ્યુનના જણાવ્યા મુજબ, સૈન્યમાં પ્રથમ ત્રણ વર્ષ સ્પેશિયલ ફોર્સિસ માટે પણ અત્યંત અઘરાં છે. ઍરફોર્સમાં સાત વર્ષ સુધી નોકરી કરનાર 28 વર્ષીય યુવકના કહેવા મુજબ, સેવાકાળ દરમિયાન તેમની પરિસ્થિતિ બગડી હતી અને ભોજનમાંથી ચોખા ધીરે ધીરે ગાયબ થઈ ગયા હતા.
“સૈનિકોને ચોખાના બહુ ઓછા જથ્થા સાથે દિવસો સુધી પહાડોમાં મોકલવામાં આવતા હતા અને તેમને કહેવામાં આવતું હતું કે આ તેમની તાલીમનો એક હિસ્સો છે.”
એ સૈનિકોને પર્વતીય કોરિયન દ્વીપકલ્પમાં લડવા માટે તાલીમ આપવામાં આવી છે. તેને જોતાં ઉત્તર કોરિયાથી ભાગી ગયેલા ભૂતપૂર્વ સૈનિકો સવાલ કરે છે કે પર્વતીય પ્રદેશમાં લડવાની તાલીમ પામેલા સૈનિકો સપાટ ભૂમિ અને કુર્સ્કની ખાઈમાં કેવી રીતે લડી શકશે?
મહત્ત્વની વાત એ છે કે સ્ટ્રોમ કોર્પ્સ એ ફ્રન્ટલાઇન યુનિટ નથી. રયુ કહે છે, “તેમનું મિશન દુશ્મન સૈન્યમાં ઘૂસણખોરી કરવાનું અને દુશ્મન પ્રદેશમાં અંધાધૂંધી ફેલાવવાનું છે.”
‘સૈનિકોને માત્ર મરવા માટે જ મોકલ્યા હોય એવું અનુમાન કરી શકાય’
યુ ઉમેરે છે કે કિમ જોંગ ઉન પાસે સ્પેશિયલ ફોર્સિસને મોકલવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે રેગ્યુલર સૈનિકો તેમનો મોટાભાગનો સમય ખેતીમાં, બાંધકામમાં અથવા લાકડાં કાપવામાં વિતાવે છે.
“કિમ જોંગ ઉન ચોક્કસ સ્તરની લડાયક ક્ષમતા દર્શાવી શકે એવા માણસોને મોકલવાના હતા, જેથી રશિયામાં ઉત્તર કોરિયાની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય.”
ભાષાની સમસ્યાએ વધારાની અડચણ સર્જી હોય એવું લાગે છે. યુક્રેનના ડિફેન્સ ઇન્ટેલિજન્સ યુનિટે રવિવારે જણાવ્યું હતું કે સંદેશાવ્યવહારની સમસ્યાને કારણે ઉત્તર કોરિયાના સૈનિકોએ આકસ્મિક રીતે રશિયન ટુકડી પર ગોળીબાર કર્યો હતો, જેમાં આઠ જણ માર્યા ગયા હતા.
આ પરિસ્થિતિમાં સૈનિકોને માત્ર મરવા માટે જ મોકલ્યા હોય એવું અનુમાન કરી શકાય અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની નિરાશાનો સંકેત ગણી શકાય, પરંતુ ડીફેક્ટર્સ કહે છે કે એવું માનવું ભૂલભરેલું છે. શાસન પ્રત્યેની તેમની વફાદારી અને લડાઈના જુસ્સાને ધ્યાનમાં લેવો જ પડે.
હેન્યુલના પિતા અને પિતરાઈ ભાઈ સ્પેશિયલ ફોર્સમાં હતાં. હેન્યુલ કહે છે, “સ્ટ્રોમ કોર્પ્સના મોટાભાગના સૈનિકો મજૂર વર્ગ અથવા ખેડૂત પરિવારમાંથી આવે છે. તેઓ બહુ આજ્ઞાકારી હોય છે અને તમામ આદેશોનું નિઃશંકપણે પાલન કરે છે.”
લી ઉમેરે છે કે દરરોજ સવારે યોજાતી સઘન વૈચારિક બ્રેઇનવૉશિંગ સેશન્શ એ સુનિશ્ચિત કરે છે કે તેઓ માનસિક રીતે તૈયાર થઈ જાય. લી માને છે કે ઉત્તર કોરિયાના સૈનિકો “યુદ્ધના મેદાનમાં ટેવાઈ જશે, દુશ્મનો સામે કેવી રીતે લડવું તે શીખશે અને ટકી રહેવાના રસ્તાઓ શોધી કાઢશે.”
પોતે યુદ્ધમોરચે તહેનાત થવા ઇચ્છે છે કે કેમ, તે સૈનિકોને પૂછવામાં આવ્યું ન હતું. યુ માને છે કે ઘણા સૈનિકો યુદ્ધમોરચે જવા ઇચ્છતા હશે. મહત્ત્વાકાંક્ષી સૈનિકોએ તેને તેમની કારકિર્દી આગળ ધપાવવાની તક ગણી હોય તે શક્ય છે.
વળી ઉત્તર કોરિયામાં સેવા આપવી કેટલું અઘરું કામ છે તે જોતાં કેટલાક સૈનિકોએ વિદેશમાં જીવનનો અનુભવ કરવાની તકનો આનંદ પ્રથમ વખત જ માણ્યો હશે.
યુ કહે છે, “મને લાગે છે કે આવા સૈનિકો યુદ્ધ લડવા માટે રશિયન સૈનિકો કરતાં પણ ઉત્સુક હશે.” યુ સ્વીકારે છે કે એ પરિસ્થિતિમાં તેઓ પોતે પણ યુદ્ધમોરચે જવા રાજી થયા હોત.
ડિફેક્ટર્સના મૂલ્યાંકન સાથે દક્ષિણ કોરિયાના સ્પેશિયલ ફોર્સના ભૂતપૂર્વ કમાન્ડર ચુન ઇન-બમ સંમત છે. તેઓ કહે છે, “તેમને પૂરતો ખોરાક કે તાલીમ મળી નથી તેનો અર્થ એ નથી કે તેઓ અસમર્થ છે. તેઓ ઝડપથી અનુકૂલન સાધી લેશે. આપણે તેમને ઓછા આંકવા જોઈએ નહીં.”
માત્ર 11,000 સૈનિકો આ જીવલેણ યુદ્ધનું પાસું પલટી શકે તેમ નથી ત્યારે એવો અંદાજ છે કે રશિયા રોજ 1,000થી વધુ સૈનિકોની હતાહતનો સામનો કરી રહ્યું છે. નિષ્ણાતો અને અધિકારીઓ માને છે કે સૈનિકોનો આ પ્રથમ તબક્કો હોઈ શકે છે, કારણ કે પ્યોંગયાંગ 60,000 સૈનિકો મોકલવા સક્ષમ છે અને વારાફરતી એક લાખ સૈનિકો પણ મોકલી શકે છે.
ચુન માને છે કે ઉત્તર કોરિયાના સૈનિકો આટલી મોટી સંખ્યામાં હોય તો અસરકારક બની શકે છે.
એ ઉપરાંત ચુન એવું પણ માને છે કે કિમ જોંગ ઉન તેમના શાસનની સ્થિરતાને અસર કર્યા વિના મોટું નુકસાન ઉઠાવી શકે તેમ છે.
હેનુલ કહે છે, “જેમને મોકલવામાં આવ્યા છે તેઓ કોઈ પ્રભાવ કે કનેક્શન વિનાના લોકો હશે. સ્પષ્ટપણે કહીએ તો એવા લોકો હશે, જેમનું બલિદાન કોઈ સમસ્યા વિના આપી શકાય.”
પોતાના ફ્રન્ટલાઇન યુનિટમાં ઉચ્ચ વર્ગનાં માતા-પિતાનું એકેય સંતાન ન હતું એ જાણીને હેનુલને આઘાત લાગ્યો હતો. “મને ત્યારે સમજાયું હતું કે અમારા જીવનનું કોઈ મૂલ્ય નથી.”
મૃતકના પરિવારો કોઈ પ્રતિકાર કરે એવી હેનુલને અપેક્ષા નથી. એવા પરિવારનાં મૃત્યુ પામેલા પુત્રોને હીરો તરીકે સન્માનિત કરવામાં આવશે.
સૈન્યમાં ફરજ બજાવતી વખતે મૃત્યુ પામેલા પોતાના બીજા પિતરાઈ ભાઈને યાદ કરતાં હેનુલ કહે છે, “સૈન્યમાં મોકલ્યા પછી પોતાનું સંતાન ગુમાવ્યું હોય તેવાં અસંખ્ય માતાપિતા છે.” હેનુલનાં કાકીને તેમના પુત્રના પરાક્રમની પ્રશંસા કરતું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આવા સૈનિકો યુદ્ધમાં પ્રવેશશે ત્યારે ભાગી જશે, એવી યુક્રેન તથા દક્ષિણ કોરિયાની આશાને સૈનિકો અને તેમના પરિવારોની વફાદારી ધૂંધળી કરી શકે છે. યુક્રેન અને દક્ષિણ કોરિયાએ સૈનિકોને શરણાગતિ માટે પ્રોત્સાહિત કરવા માટે ફ્રન્ટલાઇનની સાથે સાથે મનોવૈજ્ઞાનિક ઑપરેશન્શ હાથ ધરવા અંગે ચર્ચા કરી છે.
‘સેવ ધ લાસ્ટ બુલેટ’
જોકે, તેમની પાસે મોબાઇલ ફોનની સુવિધા ન હોય એવું લાગે છે. યુક્રેનના ગુપ્તચર વિભાગની માહિતી અનુસાર, ઉત્તર કોરિયાના સૈનિકોને મળતા પહેલાં રશિયન સૈનિકોના ફોન પણ જપ્ત કરી લેવામાં આવે છે.
તેથી ઘૂસણખોરીની સંભવિત વ્યૂહરચનામાં લાઉડસ્પીકર દ્વારા સંદેશાઓના પ્રસારણ અથવા ડ્રૉન દ્વારા પત્રિકાઓ ફેંકવાનો સમાવેશ થાય છે.
હેન્યુલ અને યુ બંનેએ દક્ષિણ કોરિયાથી સરહદ પાર મોકલવામાં આવેલા શાસન વિરોધી પ્રચારથી પ્રભાવિત થઈને ઉત્તર કોરિયામાંથી ભાગવાનું નક્કી કર્યું હતું. જોકે, એ યુક્તિ ઉત્તર કોરિયાથી આટલે દૂર ઉપયોગી સાબિત થશે કે કેમ એ બાબતે તેમને શંકા છે.
તેઓ જણાવે છે કે ભાગી છૂટવાનો નિર્ધાર અને એ માટે હિંમત એકઠી કરવામાં ઘણો સમય લાગે છે.
એ ઉપરાંત ભાગી છૂટવાનો પ્રયાસ કરતા કોઈપણને ઠાર મારવાનો આદેશ અધિકારીઓને આપવામાં આવ્યો હોવાની હેનુલને શંકા છે. તેમને યાદ છે કે તેઓ ડીએમઝેડમાં હિંમતભેર દોડ્યા ત્યારે તેમના સાથીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો.
હેનુલ કહે છે, “બાર ગોળીઓ મારા માથાથી માત્ર એક મીટર દૂરના અંતરેથી નીકળી ગઈ.”
ઉત્તર કોરિયાના સૈનિકોને પકડવાનું પણ યુક્રેન માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.
ઉત્તર કોરિયામાં યુદ્ધ કેદી બનવું તે અત્યંત શરમજનક અને મોત કરતાં પણ વધારે ખરાબ માનવામાં આવે છે. યુદ્ધ કેદી થવાને બદલે જાતને ગોળી મારીને અથવા ગ્રૅનેડ વિસ્ફોટ કરીને પોતાનો જીવ લેવાનું સૈનિકોને શીખવવામાં આવે છે.
યુ ‘સેવ ધ લાસ્ટ બુલેટ’ નામના એક પ્રખ્યાત લશ્કરી ગીતને યાદ કરે છે અને કહે છે, “તમને બે ગોળી બચાવી રાખવાનું કહેવામાં આવે છે. એક દુશ્મનને મારવા માટે અને બીજી તમારી જાતને મારવા માટે.”
તેમ છતાં સ્પેશિયલ ફોર્સના ભૂતપૂર્વ ટ્રેનર લી મદદ કરવા પ્રતિબદ્ધ છે. તેમણે સૈનિકો સાથે સીધો સંવાદ કરવા યુદ્ધમોરચે જવાની ઑફર કરી છે.
તેઓ કહે છે, “સૈનિકો મોટી સંખ્યામાં પલાયન કરે એવી શક્યતા નથી, પરંતુ અમારે પ્રયાસ કરવા પડશે. મારા અને ઉત્તર કોરિયાના અન્ય પરિચિતોના અવાજો સાંભળવાથી તેમના પર માનસિક અસર થઈ શકે છે.”
હેનુલને એટલી જ આશા છે કે તેમને ઉત્તર કોરિયામાંનું તેમનું ઘર પાછું મળે. તેઓ જાણે છે કે રશિયાને મદદ કરવા માટે મોકલવામાં આવેલા સૈનિકોમાં તેમના કેટલાક સંબંધીઓનો પણ સમાવેશ થયો હશે.
હેનુલ કહે છે, “તેઓ હેમખેમ રહેશે અને સુરક્ષિત પાછા ફરશે, એવી મને આશા છે.”
ઍડિશનલ રિપોર્ટિંગઃ જેક ક્વૉન અને હોસુ લી
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS