Source : BBC NEWS

બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદિક, યોગ, લવ જેહાદ, વોટ જેહાદ, લૅન્ડ જેહાદ, શરબત જેહાદ, હિન્દુ, મુસલમાન, ઉનાળામાં શરબત, બીબીસી ગુજરાતી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

58 મિનિટ પહેલા

યોગગુરુ રામદેવનો એક વીડિયો છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એમ કહેતા જોવા મળે છે કે, ‘જેમ લવ જેહાદ અને વોટ જેહાદ ચાલી રહ્યું છે, તેવી જ રીતે શરબત જેહાદ પણ ચાલી રહ્યું છે.’

યોગગુરુ રામદેવે તેમની કંપની પતંજલિના ઉત્પાદનોનો પ્રચાર કરતી વખતે આ વાતો કહી હતી. પતંજલિએ આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ફેસબુક પર શૅર કર્યો હતો.

યોગગુરુ રામદેવના આ નિવેદન પર લોકો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ કૉમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોએ રામદેવના નિવેદનનું સમર્થન કર્યું છે, તો કેટલાક લોકોએ તેની ટીકા કરી છે.

યોગગુરુ રામદેવે શું કહ્યું હતું?

બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદિક, યોગ, લવ જેહાદ, વોટ જેહાદ, લૅન્ડ જેહાદ, શરબત જેહાદ, હિન્દુ, મુસલમાન, ઉનાળામાં શરબત, બીબીસી ગુજરાતી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Patanjali/FB

પતંજલિ કંપનીના શરબતનો પ્રચાર કરતી વખતે યોગગુરુ રામદેવે કહ્યું, “ઉનાળામાં તરસ છીપાવવા માટે, લોકો ઠંડક માટે સૉફ્ટડ્રિંક્સના નામે ટૉઇલેટ ક્લિનર જેવી વસ્તુઓ પીતા રહે છે.”

તેમણે ઉમેર્યું હતું, “બીજી બાજુ, શરબતના નામે એક કંપની છે જે શરબત વેચે છે, પરંતુ શરબતના વેચાણથી મળતા પૈસાથી તે મદરેસા અને મસ્જિદો બનાવે છે.”

રામદેવે કહ્યું હતું, “જો તમે તે શરબત પીશો, તો મસ્જિદો અને મદરેસા બનશે અને જો તમે પતંજલિ શરબત પીશો, તો ગુરુકુળ બનશે, આચાર્ય કુલમ્ બનશે. પતંજલિ યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ બોર્ડ આગળ વધશે.”

તેમણે કહ્યું હતું, “એટલા માટે જ હું કહું છું કે આ શરબત જેહાદ છે. જેમ લવ જેહાદ ચાલે છે, તેમ શરબત જેહાદ પણ ચાલી રહ્યું છે.”

વિવાદ પછી લોકો શું કહે છે?

બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદિક, યોગ, લવ જેહાદ, વોટ જેહાદ, લૅન્ડ જેહાદ, શરબત જેહાદ, હિન્દુ, મુસલમાન, ઉનાળામાં શરબત, બીબીસી ગુજરાતી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

યોગગુરુ રામદેવના શરબત જેહાદ પરના નિવેદન પછી સોશિયલ મીડિયા પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યૂઝર્સે આ નિવેદનનું સમર્થન કર્યું છે.

‘પન સ્ટાર’ નામના એક યૂઝરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું, “જો તમે શરબત પીશો તો મદરેસા બનશે અને જો તમે પતંજલિ ગુલાબ શરબત પીશો તો ગુરુકુળો બનશે. રામદેવ, ઇસ્લામોફોબિયાનો ઉપયોગ માર્કેટિંગ રણનીતિ તરીકે કરી રહ્યા છે.”

નીરજ અત્રી નામના યૂઝરે ઍક્સ પર લખ્યું, “આ સારું છે. રામદેવ એમને તેમની જ ભાષામાં જવાબ આપી રહ્યા છે. રામદેવ ઘણા સમયથી કેટલાક લોકોના દુષ્પ્રચારનો ભોગ બન્યા છે, તેમણે બધું સહન કર્યું છે.”

ભાવિકા કપૂરે ઍક્સ પર લખ્યું હતું કે, “કોઈને પણ પોતાની પ્રોડક્ટ વેચવા માટે ધર્મનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. આ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.”

હેપ્પી પાલ નામની વ્યક્તિએ પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું, “ધર્મના નામે ધંધો કરનારા કહેવાતા બાબા રામદેવ હવે પોતાનું શરબત વેચવા હિન્દુ-મુસ્લિમ કરી રહ્યા છે.”

મિસ્ટર સિન્હાએ ઍક્સ પર લખ્યું હતું,”હા બાબા રામદેવ વેપાર કરી રહ્યા છે. હા તેઓ પૈસા કમાઈ રહ્યા છે. તેઓ તેમની પ્રોડક્ટને વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો તેમાં શું ખોટું છે? જો આપણે ઉત્પાદનો માટે ચૂકવણી કરવાના છીએ, તો એવી કંપનીઓને પૈસા શા માટે ચૂકવીએ કે જે પૈસાનો ઉપયોગ આપણી સામે જ કરવાની હોય, તો શા માટે રામદેવ અથવા કોઈ પણ હિન્દુ વેપારીને ન ચૂકવીએ?”

રામદેવની કંપની પતંજલિ

બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદિક, યોગ, લવ જેહાદ, વોટ જેહાદ, લૅન્ડ જેહાદ, શરબત જેહાદ, હિન્દુ, મુસલમાન, ઉનાળામાં શરબત, બીબીસી ગુજરાતી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

પતંજલિ કંપનીની શરૂઆત 2006માં યોગગુરુ રામદેવ અને તેમના નજીકના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી.

પતંજલિ કંપની ટૂથપેસ્ટથી લઈને સ્કિનકેર સુધીની લગભગ તમામ પ્રોડક્ટ વેચે છે, પરંતુ આયુર્વેદિક દવાઓ પતંજલિના સૌથી વધુ વેચાતાં ઉત્પાદનોમાંની એક છે.

રામદેવની કંપની પતંજલિ તાવ, ટાઇફોઇડથી લઈને ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે દવાઓ વેચે છે.

રામદેવે વર્ષ 2019માં કહ્યું હતું કે તેઓ એક ફકીર છે અને દેશ માટે કામ કરે છે. તેમણે કહ્યું હતું કે તેઓ દેશને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પતંજલિના ફાયદા દેશ માટે છે.

તેમણે કહ્યું હતું કે આજે પતંજલિ 8,000 કરોડ રૂપિયાની કંપની બની ગઈ છે. વર્ષ 2022માં પતંજલિ 10,000 કરોડ રૂપિયાથી વધુની કંપની બની હતી.

બાબા રામદેવ અને તેમની સાથે સંકળાયેલા વિવાદ

બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદિક, યોગ, લવ જેહાદ, વોટ જેહાદ, લૅન્ડ જેહાદ, શરબત જેહાદ, હિન્દુ, મુસલમાન, ઉનાળામાં શરબત, બીબીસી ગુજરાતી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

યોગગુરુ રામદેવના નિવેદન પછી વિવાદ થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. મે 2021માં રામદેવે આધુનિક દવાઓ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

રામદેવે દાવો કર્યો હતો કે ઍલોપથી એક “બેવકૂફ વિજ્ઞાન” છે અને રેમડેસિવિર, ફેવિફ્લૂ જેવી દવાઓ તેમજ ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા મંજૂરી પામેલી અને અન્ય દવાઓ કોવિડ-19 દર્દીઓની સારવાર કરવામાં નિષ્ફળ ગઈ છે.

એક વીડિયોમાં રામદેવે એવો પણ દાવો કર્યો હતો કે લાખો દર્દીઓ ઑક્સિજનના અભાવે નહીં, પણ ઍલોપથી દવાઓના કારણે મૃત્યુ પામ્યા છે.

રામદેવના આ નિવેદન સામે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને સખત વાંધો ઉઠાવ્યો હતો. વિવાદ વધુ ઘેરો બન્યા પછી તત્કાલીન કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને રામદેવને પત્ર લખીને તેમનું નિવેદન પાછું ખેંચવા કહ્યું હતું.

2006 માં સીપીએમ (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા – માર્ક્સવાદી) નેતા વૃંદા કરાતે રામદેવ પર તેમની દવાઓમાં માનવ અને પ્રાણીઓનાં હાડકાં ભેળવવાનો આરોપ લગાવ્યો હતો. મીડિયામાં આ વિવાદ ચગ્યો હતો, પણ પતંજલિએ આરોપોને નકારી કાઢ્યા હતા.

આ વિવાદના લગભગ એક દાયકા પછી પશ્ચિમ બંગાળની એક પ્રયોગશાળામાં ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ ગયા બાદ સેનાએ તેમની કેન્ટીનમાંથી પતંજલિ આમળાનો રસ પાછો ખેંચી લીધો.

2012માં વિદેશોમાં જમા થયેલાં કાળાં નાણાં સામે ઝુંબેશ શરૂ કરતી વખતે રામદેવે ઉત્તરાખંડમાં સત્તામાં રહેલી કૉંગ્રેસની ટીકા કરી હતી. તેના થોડા સમય પછી રામદેવ સામે ભ્રષ્ટાચાર સહિતના અનેક કેસ નોંધાયા હતા. તેમના ઘણા કેન્દ્ર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

કર્મવીર નામના બાબા રામદેવના નજીકના સહયોગીએ 2018માં પતંજલિ ઘીની ગુણવત્તા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. એક ઑનલાઇન પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ દેશી ગાયમાંથી શુદ્ધ દેશી ઘી બનાવે, તો તેની કિંમત લગભગ 1,200 રૂપિયા હશે. જ્યારે પતંજલિ ઘી આજે લગભગ કિલોદીઠ 600 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

વર્ષ 2020માં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી હતી, ત્યારે પતંજલિ આયુર્વેદે તે વાઇરસની દવા કોરોનિલની શોધી કાઢવાનો દાવો કર્યો હતો. જોકે, આ અંગે વિવાદ પણ વધ્યો અને ભારત સરકારના આયુષ મંત્રાલયે આ બાબતની નોંધ લીધી અને આ દવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS