Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લાવરોવે ગયા અઠવાડિયે કહ્યું હતું કે પશ્ચિમી દેશો ભારત અને ચીનને એકબીજાની વિરુદ્ધ કરીને તણાવ વધારવાની કોશિશ કરી રહ્યા છે.
લાવરોવે કહ્યું કે, “પશ્ચિમી દેશોએ એશિયા-પેસિફિકને ઇન્ડો-પેસિફિક કહેવાનું શરૂ કર્યું છે. સ્પષ્ટ છે કે પશ્ચિમી દેશો ચીનવિરોધી નીતિને પોષી રહ્યા છે. તે અમારા પ્રિય મિત્ર ભારત અને પડોશી ચીન વચ્ચે તણાવ વધારવા માગે છે. પશ્ચિમી દેશો આ વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ જમાવવા માગે છે. પશ્ચિમની આ જ નીતિને રાષ્ટ્રપતિ પુતિને ‘ભાગલા પાડો અને રાજ કરો’ કહ્યું હતું.”
રશિયાના વિદેશમંત્રીએ ભારત અને ચીનના સંબંધોમાં પશ્ચિમની ભૂમિકાની ટીકા કરી હોય એવું આ પહેલી વખત નથી.
અગાઉ ડિસેમ્બર 2020માં લાવરોવે કહ્યું હતું કે “પશ્ચિમ એકધ્રુવીય વિશ્વ સ્થાપવા માગે છે. પરંતુ રશિયા અને ચીન તેને અધીન નહીં થાય. ભારત હજુ એશિયા-પેસિફિકમાં ક્વાડ જેવા પશ્ચિમી દેશોના સંગઠનના કારણે ચીનવિરોધી નીતિમાં મહોરું બની ગયું છે. પશ્ચિમી દેશો રશિયા અને ભારતના સંબંધોને પણ નબળા બનાવવા માગે છે.”
ક્વાડમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જાપાન અને ભારત સામેલ છે. રશિયા તેને ચીનવિરોધી જૂથ માને છે અને ચીન પણ તેને એવી જ રીતે જુએ છે.
આ મહિને ભારત અને પાકિસ્તાન એકબીજા પર હુમલા કરતા હતા ત્યારે એવી આશા હતી કે ક્વાડના સભ્ય દેશો ભારતને ટેકો આપશે, પરંતુ એવું થયું નહીં. તેના માટે એક તર્ક એવો આપવામાં આવે છે કે ક્વાડ એ કોઈ સુરક્ષા માટેનું ગઠબંધન નથી.
ભારતના ભૂતપૂર્વ ડિપ્લોમેટ રાજીવ ડોગરા કહે છે કે લાવરોવની ટિપ્પણીનો એવો અર્થ કાઢી શકાય કે તેઓ ભારતને ચેતવે છે. પરંતુ એશિયા પેસિફિકને ઇન્ડો પેસિફિક કહી દેવું એ મોટી વાત નથી.
રાજીવ ડોગરા કહે છે કે ચીન તો વારંવાર અરુણાચલ પ્રદેશના વિસ્તારોનાં નામ બદલતું રહે છે.
એશિયા પેસિફિક વિરુદ્ધ ઇન્ડો-પેસિફિક

ઇમેજ સ્રોત, Getty Images
રાજીવ ડોગરા કહે છે, “ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પશ્ચિમી દેશો અંગે રશિયા વધારે આક્રમક બન્યું છે. એવામાં રશિયા પશ્ચિમી દેશો સાથે બીજા દેશોના સંબંધોને પણ એવા જ દૃષ્ટિકોણથી જુએ છે.”
દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રશિયા અને મધ્ય એશિયા સ્ટડી સેન્ટરના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. રાજનકુમાર કહે છે કે, “લાવરોવ એક તરફ ભારતને ચેતવે છે તો બીજી તરફ રશિયાને પણ ડર છે કે ભારત તેના પર નિર્ભર રહેવાનું સાવ બંધ ન કરી દે. સૈન્ય સપ્લાયના મામલે રશિયા પર ભારતની નિર્ભરતામાં ઘટાડો થયો છે. મિલિટરી સપ્લાય માટે ભારત પશ્ચિમ તરફ શિફ્ટ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં આ ટ્રેન્ડ હજુ વધશે.”
2009થી 2013 વચ્ચે ભારત 76 ટકા હથિયારોની આયાત રશિયાથી કરતું હતું, પરંતુ 2019થી 2023 વચ્ચે તે ઘટીને 36 ટકા થયું છે.
યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયા સાથે ભારતનો વેપાર વધ્યો છે, પરંતુ આ વધારો ભારતની ઍનર્જી આયાતના કારણે છે. છેલ્લાં બે વર્ષમાં બંને દેશો વચ્ચે 66 અબજ ડૉલરનો વેપાર થયો છે. તેમાં 40 ટકા હિસ્સો રશિયન ઑઇલનો હતો અને 36 ટકા હિસ્સો હથિયારોનો હતો.
ડૉ. રાજનકુમાર કહે છે કે, “પશ્ચિમને લાગે છે કે ચીનને કાબૂમાં રાખવું હોય તો ભારત મહત્ત્વનો દેશ છે. બીજી તરફ ભારતને લાગે છે કે સરહદે ચીનની આક્રમકતાનો જવાબ આપવો હોય તો પશ્ચિમની મદદ કરવી જરૂરી છે. આવામાં રશિયાના વિદેશમંત્રી માને છે કે પશ્ચિમ ભારત અને ચીન વચ્ચે તણાવ પેદા કરવાની કોશિશ કરે છે.”
ડૉ. કુમાર કહે છે કે, “ભારત રશિયા પર આધારિત રહી ન શકે. ચીનનો સામનો કરવો હોય તો રશિયા તેમાં મદદગાર સાબિત નહીં થાય. 1962ના યુદ્ધમાં રશિયાએ ભારતને મદદ નહોતી કરી. હવે રશિયા પોતે ચીનનું જુનિયર પાર્ટનર બનીને રહી ગયું છે. રશિયા ચીન પર વધારે નિર્ભર છે. આવામાં ભારત રશિયાના કહેવાથી પશ્ચિમ સાથેના સંબંધો મર્યાદિત કરે તે શક્ય નથી.”
ડૉ. રાજનકુમાર જણાવે છે કે, “રશિયા જ્યારે સોવિયેત સંઘ હતું ત્યારે પણ ઇન્ડો પેસિફિકને એશિયા પેસિફિક જ કહેતું હતું. જ્યારે અમેરિકા તેને ઇન્ડો-પેસિફિક કહેતું આવ્યું છે.”
1962માં ચીને જ્યારે ભારત પર હુમલો કર્યો ત્યારે સોવિયેત સંઘ ભારતની બહુ નજીક હતું. તે વખતે ચીન અને સોવિયેત સંઘ વચ્ચે ત્રીજા વિશ્વને નિયંત્રિત કરવા માટે હોડ ચાલતી હતી.
ચીન વિરુદ્ધ રશિયા

ઇમેજ સ્રોત, Getty Images
સ્વીડિશ લેખક બર્ટિલ લિંટનર પોતાના પુસ્તક ‘ચાઇનાઝ ઇન્ડિયા વૉર’માં લખે છે, “સોવિયેત સંઘ અને ચીન વચ્ચે 1950ના દાયકાથી સ્પર્ધા શરૂ થઈ. 1960માં રોમાનિયાની કૉમ્યુનિસ્ટ પાર્ટીની કૉંગ્રેસ યોજાઈ ત્યારે તે સમયના સોવિયેત નેતા નિકિતા ખ્રુશ્ચેવ અને ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટીને પોલિટ બ્યૂરો મેમ્બર પેંચ ચેન વચ્ચે દલીલો થઈ હતી.”
“ખ્રુશ્ચેવે માઓને એક રાષ્ટ્રવાદી, સાહસિક અને સામ્યવાદના સિદ્ધાંતથી વિચલિત થનાર વ્યક્તિ ગણાવ્યા હતા. જ્યારે પેંગે ખ્રુશ્ચેવને પુરુષવાદી, સ્વેચ્છાચારી અને નિરંકુશ કહ્યા હતા. પેંગે ખ્રુશ્ચેવ પર માર્ક્સવાદ અને લેનિનવાદ સાથે દગો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેના જવાબમાં ખ્રુશ્ચેવે ચીનથી સોવિયેત સંઘના 1400 ઍક્સપર્ટ અને ટેકનિશિયનોને પાછા બોલાવી લીધા હતા. ખ્રુશ્ચેવે ચીનમાં સોવિયેત સંઘના 200થી વધારે પ્રોજેક્ટ રદ કર્યા હતા.”
બર્ટિલ લિંટનરે લખ્યું છે કે, “ચીન અને ભારતના યુદ્ધની શરૂઆતમાં સોવિયેત સંઘનું વલણ સતર્ક હતું. ખુશ્ચેવની સહાનુભૂતિ ભારતની સાથે હતી પણ સોવિયેત સંઘ ચીનની ખફગી વહોરવા માગતું ન હતું. બીજી તરફ ભારતના તત્કાલીન વી. કૃષ્ણમેનને સોવિયેત સંઘ તરફ ઝુકાવ ધરાવતી વ્યક્તિ ગણવામાં આવતા હતા, પરંતુ 1962ના યુદ્ધની તૈયારી ન કરવાના મામલે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.”
મેનને 1962ના ભારત-ચીન યુદ્ધ વખતે અધવચ્ચેથી રાજીનામું આપ્યું હતું. નહેરુએ કામચલાઉ ધોરણે સંરક્ષણ મંત્રાલય પોતાની પાસે રાખ્યું હતું. સોવિયેત સંઘ યુદ્ધ અગાઉ ભારતને હથિયારો આપતું હતું, પરંતુ યુદ્ધ વખતે તે અસમંજસમાં હતું.
ભારત-ચીન સંબંધોના નિષ્ણાત અને પત્રકાર મોહન રામે લખ્યું છે, “સોવિયેત સંઘે ચીનને સૈન્યકાર્યવાહી રોકવા વિનંતી કરી હતી અને મધ્યસ્થીની દરખાસ્ત કરી હતી. ભારત તેના માટે તૈયાર હતું. સોવિયેત સંઘની પૂરી કોશિશ હતી કે સંકટની ઘડીમાં ભારતને અમેરિકા કે બ્રિટનની નજીક જતા રોકવામાં આવે. ભારતની જૂથનિરપેક્ષની નીતિ નિષ્ફળ ગઈ અને ભારતે ચીનના હુમલા વખતે મૂડીવાદી દેશોની મદદ લેવી પડી.”

ઇમેજ સ્રોત, Getty Images
મોહન રામે પોતાના પુસ્તક ‘પૉલિટિક્સ ઑફ ચીન-ઇન્ડિયા કન્ફન્ટ્રેશન’માં લખ્યું છે કે ભારત સરકારમાંથી કૃષ્ણ મેનનના રાજીનામા અંગે રશિયા ચિંતિત હતું.
તેઓ લખે છે, “સોવિયેત સંઘને એ વાતનો અફસોસ હતો કે ચીનના હુમલાના કારણે ભારતીય નેતાઓમાં તેમણે એક ભરોસાપાત્ર મિત્ર મેનનને ગુમાવી દીધા.”
મોહન રામ લખે છે, “નિકિતા ખ્રુશ્ચેવ 1959માં ભારત-ચીન સરહદે સંઘર્ષ વખતે તટસ્થ હતા અને તેનાથી ચીન બહુ નારાજ હતું. 1962માં યુદ્ધ શરૂ થયું ત્યારે ચીને સોવિયેત સંઘના નેતાઓ સાથે વાત કરી. ચીને કહ્યું કે ભારત બુર્જુઆ સામ્રાજ્યવાદના અનુયાયી છે. તેથી સોવિયેત સંઘના નેતાઓએ તેમની ટીકા કરવી જોઈએ. સોવિયેતે આમ કરવાનો ઇનકાર કર્યો. 12 ડિસેમ્બરે જ્યારે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે ખ્રુશ્ચેવ ભારતના સમર્થનમાં આવ્યા અને કહ્યું કે, “ભારત ચીન સાથે યુદ્ધ ઇચ્છતું હતું તે વાતને અમે નકારીએ છીએ.”
બર્ટિલ લિંટનરે લખ્યું છે કે ચીને ભારતને અમેરિકાની મદદ લેવા માટે મજબૂર કર્યું અને બીજી તરફ સોવિયેત સંઘને પણ ચીનવિરોધી જૂથમાં લાવી દીધું. આ એવો માસ્ટર સ્ટ્રૉક હતો જેનાથી ચીન ત્રીજા વિશ્વમાં નેતા બની ગયું.
ડૉ. રાજનકુમાર કહે છે, “સોવિયેત સંઘ અને ચીન વચ્ચે હરીફાઈ હતી ત્યારે તેણે ભારતને મદદ ન કરી. હવે રશિયા ચીન પર નિર્ભર છે ત્યારે મદદની આશા રાખવી ખોટી છે. એવા ઘણા ક્લાસિફાઇડ ડૉક્યુમેન્ટ્સ છે, જેના પરથી ખબર પડે છે કે નહેરુએ (1962માં) સોવિયેત સંઘના નેતા નિકિતા ખ્રુશ્ચેવ પાસે મદદ માગી હતી, પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો.”

ઇમેજ સ્રોત, AFP
“એવામાં રશિયા ભારત પર પશ્ચિમની નજીક જવાનો આરોપ કેવી રીતે મૂકી શકે? સોવિયેત સંઘ અને ચીન વૈચારિક રીતે નજીક હતા અને નિકિતા ખ્રુશ્ચેવ માઓને નારાજ કરવા માગતા ન હતા. તે વખતે ઘણા લોકોએ વિદેશનીતિ પર સવાલ ઉઠાવ્યા કે જૂથ નિરપેક્ષ રહેવાનો શું ફાયદો થયો?”
બર્ટિલ લિંટનરે પોતાના પુસ્તકમાં રોડરિક મેકકાર્ફુહારના હવાલાથી લખ્યું છે, “નહેરુએ જરૂરિયાતના સમયે પશ્ચિમ પાસે મદદ માગી, પરંતુ તેમાં નિષ્ફળતા મળી. આવામાં ભારતની જૂથનિરપેક્ષની છબીને કૉમ્યુનિસ્ટ જૂથ તથા ત્રીજા વિશ્વ બંને જગ્યાએ અસર થઈ.”
યુક્રેનના મામલે રશિયા ઇચ્છતું હતું કે ભારત તેની પડખે રહે અને પશ્ચિમની ઇચ્છા હતી કે ભારત સંપૂર્ણપણે રશિયાની વિરુદ્ધ રહે, પરંતુ ભારતનો પ્રયાસ હતો કે તે સાર્વભૌમત્વની તરફેણમાં પણ દેખાય અને રશિયાની પડખે પણ હોય.
પાકિસ્તાનના મામલે રશિયાના હાલના વલણને આ રીતે જોવામાં આવે છે.
અમેરિકાની ફરિયાદ છે કે ભારત રશિયાના પડછાયામાંથી બહાર નીકળી નથી શકતું, જ્યારે રશિયાની ફરિયાદ છે કે ભારત પશ્ચિમી દેશો માટે ચીન વિરુદ્ધ મહોરું બનતું જાય છે.
તેને ભારતની વધતી પ્રાસંગિકતા તરીકે પણ જોવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં એક અવઢવ તરીકે પણ જોવાય છે.
એપ્રિલ 2022માં અમેરિકાના તત્કાલીન ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલિપસિંહ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું કે ચીન એલઓસી પાર કરશે તો રશિયા મદદ માટે નહીં આવે.
આ મહિને ભારતે પાકિસ્તાનમાં સૈન્યકાર્યવાહી કરી અને પાકિસ્તાને વળતો જવાબ આપ્યો ત્યારે પશ્ચિમના દેશો કે રશિયાએ ભારતને ખુલ્લો ટેકો ન આપ્યો. જ્યારે ચીન સંપૂર્ણપણે પાકિસ્તાનની પડખે રહ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS