Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Rakibul Islam
- લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
- પદ, બીબીસી બાંગ્લા, કોલકાતા
-
12 એપ્રિલ 2025, 06:57 IST
અપડેટેડ 46 મિનિટ પહેલા
સોશિયલ મીડિયામાં હાલમાં પશ્ચિમ બંગાળનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, તેમાં એક શખ્સ ગાદલું પાથરેલા એક પલંગમાં જોવા મળે છે. સૌથી મજાની વાત એ છે કે આ પલંગ કોઈ ગાડીની જેમ રસ્તા પર દોડી રહ્યો છે.
હકીકતમાં આ એક ‘મોબાઇલ પલંગ કાર’ હતી. તેના પર ગાદલું, તકિયાં, ચાદર એવી રીતે હતાં કે કોઈ સામાન્ય ઘરના પલંગમાં હોય.
પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ જિલ્લાના રહેવાસી નવાબ શેખે અંદાજે દોઢ વર્ષની મહેનતથી આ મોબાઇલ પલંગ તૈયાર કર્યો હતો.
તેઓ ઈદના દિવસે પોતાની અનોખી કારનું પરીક્ષણ કરવા તેના પર સવાર થઈને રસ્તા પર નીકળ્યા હતા. પલંગ-કાર પર તેમની સવારીનો કોઈએ વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો.
જોકે, હવે નવાબ બહુ દુ:ખી છે. કારણ એ કે તેમનાં સપનાંની કાર મુર્શિદાબાદ જિલ્લાની પોલીસે જપ્ત કરી લીધી છે.
મોટર વ્હિકલ અધિનિયમ હેઠળ, શેખ પાસે કોઈનું સ્વરૂપ બદલીને તેને રસ્તા પર ચલાવવા માટે મંજૂરી નહોતી.
‘સપનાં સાકાર કરવાં બનાવી પલંગ-કાર’

ઇમેજ સ્રોત, Rakibul Islam
નવાબ શેખની પલંગ-કાર એ વાતની સાબિતી છે કે લોકો સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા કેવી કેવી રીતો અપનાવે છે.
શેખના મનમાં વાઇરલ થવાની ઇચ્છા તો હતી જ, એટલું જ નહીં પણ પલંગમાં બેઠા બેઠા ચા પીવા માટે કીટલી પર જવાનું સપનું પણ હતું.
નવાબ કહે છે, “મેં એક દિવસ સપનું જોયું કે આ પલંગ પર બેસીને ચા પીવા જઈએ તો કેવી મજા પડે. એ સપનાને સાકાર કરવા મેં પલંગને કારમાં બદલી નાખવાનું કામ શરૂ કર્યું.”
“શરૂઆતમાં પલંગની નીચે ચાર પૈડાં ગોઠવ્યાં. ધક્કો મારતા આગળ તો વધાતું હતું, પણ તે આપોઆપ હાલકડોલક થતો નહોતો. આથી મેં બાદમાં તેમાં એક એન્જિન લગાવીને મોબાઇલ પલંગ તૈયાર કર્યો.”
તેઓ કહે છે, “ઈદના દિવસે પરીક્ષણ માટે હું એના પર ઘરમાંથી રસ્તા પર નીકળ્યો હતો. મારા કેટલાક મિત્રોએ વીડિયો પણ બનાવ્યા હતા. મેં એ વીડિયો મારા ફેસબુક પેજ પર નાખ્યા હતા.”
મોબાઇલ પલંગ કેવી રીતે તૈયાર કરાયો?

ઇમેજ સ્રોત, Rakibul Islam
પલંગ-કાર બનાવામાં નવાબ શેખના એક ભાઈ આલમગીરી શેખે પણ મદદ કરી હતી.
તેને બનાવવા આલમગીરે અંદાજે દોઢ વર્ષમાં ધીમે ધીમે કારનું એન્જિન, સ્ટીયરિંગ, ઑઇલની ટાંકી અને કાર રિપૅરિંગની એક દુકાનમાંથી કારનું ચેસિસ (વાહનની એ ફ્રેમ જેના પર આખું માળખું બને છે) ખરીદ્યું હતું. આ માટે તેમણે રૂપિયા 2.15 લાખ ખર્ચ્યા હતા.
આલમગીરે બીબીસીને જણાવ્યું, “નવાબ પહેલેથી જ વીડિયો કૉન્ટેન્ટ બનાવતા હતા. મોબાઇલ પલંગ બનાવવાનો વિચાર તેમના મગજની ઊપજ હતો. તેમણે આ વિશે અમને પણ જણાવ્યું. પલંગ પહેલાંથી જ લાકડાનો બનેલો હતો. અમે તેમાં 800 સીસી એન્જિન ફિટ કર્યું. તેને બનાવવા મારુતિ ઓમના ચેસિસનો ઉપયોગ કરાયો છે.”
શેખે પોતાના ઘરની પાસે રહેતા મિસ્ત્રી અને કાર મૅકેનિકની મદદથી તેને તૈયાર કર્યો હતો.
રોજી-રોટી માટે ડ્રાઇવિંગ કરતા નવાબ મહિનામાં સરેરાશ નવ હજાર રૂપિયા કમાય છે.
તેમણે સ્થાનિક પત્રકારોને જણાવ્યું કે આ કાર બનાવવા, પૈસા ભેગા કરવા તેમણે પોતાની પત્નીનાં કેટલાંક ઘરેણાં પણ વેચ્યાં હતાં.
નવાબ શેખનું ફેસબુક પેજ કેમ બંધ છે?

ઇમેજ સ્રોત, Rakibul Islam
નવાબ શેખ કહે છે, “ઈદના દિવસે કાર પરીક્ષણ માટે ઘરમાંથી નીકળ્યો હતો. એ સમયે મારા મિત્રોએ વીડિયા બનાવ્યા હતા. મેં તેને મારા ફેસબુક પેજ પર મૂક્યા હતા.”
આ વીડિયો અપલોડ થતા જ વાઇરલ થવા લાગ્યા અને કેટલાક કલાકોમાં તેના પર અંદાજે અઢી કરોડ વ્યૂઝ આવી ગયા.
નવાબ શેખ અને આલમગીર શેખ આરોપ મૂકે છે, “થોડી વાર પછી બાંગ્લાદેશની આરટીવી નામની ચૅનલે તેને ડાઉનલોડ કરી લીધો અને તેનો પોતાનો ગણીને ચલાવવા લાગી. એ ચૅનલો દાવો કર્યો છે કે આ કાર બાંગ્લાદેશની કોઈ વ્યક્તિએ બનાવી છે.”
ત્યાર બાદ બાંગ્લાદેશની એ ચૅનલે ફેસબુક પ્રબંધનને કૉપીરાઇટના ઉલ્લંઘનની ફરિયાદ કરી.
શેખ કહે છે, “આ ફરિયાદ બાદ ફેસબુકે મારું પેજ બંધ કરી નાખ્યું છે. હું તેની ફરિયાદ માટે સ્થાનિક પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મારી પલંગવાળી કાર ગેરકાયદે છે.”
મોબાઇલ પલંગને જોવા માટે ઊમટેલી ભીડને જોતા પોલીસે શેખને રસ્તા પર તેને નહીં ચલાવવા કહ્યું હતું. ત્યારથી એ કાર શેખના ગોડાઉનમાં રાખેલી હતી.
પણ મોટર વ્હીકલ અધિનિયમમાં આવી કારને રસ્તા પર ચલાવવાની મંજૂરી ન હોવાથી પોલીસે કેટલાક દિવસો બાદ એ પલંગ-કારને જપ્ત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.
સ્થાનિક પત્રકારો દ્વારા બનાવાયેલો વીડિયોમાં જોઈ શકાય છે કે નવાબ શેખ એ કારના સ્ટીયરિંગને પકડીને બેઠા છે અને ચાલતી કાર પર એક સિવિક પોલીસ વૉલન્ટીયર કૂદીને ચડી જાય છે.
કારની મુસાફરી દરમિયાન વૉલન્ટીયર પણ આરામથી પલંગ પર બેઠો હતો અને લોકો નવાઈથી એ અનોખી કારને રસ્તા પર દોડતી જોઈ રહ્યા હતા.
જોકે, નવાબ હાલમાં દુ:ખી છે. પહેલાં મુશ્કેલી એ હતી કે તેમનું ફેસબુક આઈડી બંધ થઈ ગયું હતું. તેનાથી તેમને આ વાઇરલ વીડિયોથી કોઈ પૈસા નથી મળી રહ્યા.
બીજી સમસ્યા એ છે કે પત્નીના દાગીના વેચીને તેમણે જે સપનાનો પલંગ બનાવ્યો હતો એ હાલમાં પોલીસ સ્ટેશનમાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS