Source : BBC NEWS

ઇમેજ સ્રોત, @BJP4India/X
અપડેટેડ 6 કલાક પહેલા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ રાજસ્થાનના બીકાનેર પહોંચ્યા. તેમણે આ દરમિયાન ઘણાં કાર્યોનો શિલાન્યાસ કર્યો.
વડા પ્રધાન મોદીએ એક જનસભાને સંબોધતાં કહ્યું કે, “22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ ધર્મ પૂછીને અમારી બહેનોને વિધવા બનાવી દીધી હતી. એ ગોળીઓ પહલગામમાં ચાલી હતી, પરંતુ આ ગોળીઓથી 140 કરોડ દેશવાસીઓ જખમી થયા હતા.”
વડા પ્રધાને કહ્યું, “અમારી સરકારે ત્રણેય સૈન્યોને ખુલ્લી છૂટ આપી દીધી હતી. અને ત્રણેય સૈન્યોએ એવી વ્યૂહરચના રચી કે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું.”
તેમણે કહ્યું, “22 તારીખના હુમલાના જવાબમાં અમે 22 મિનિટમાં આતંકવાદીઓનાં નવ ઠેકાણાં તબાહ કરી દીધાં. વિશ્વે અને દેશના દુશ્મનોએ પણ જોયું કે જ્યારે સિંદૂર દારૂગોળો બની જાય ત્યારે તેનું પરિણામ શું આવે છે.”
વડા પ્રધાને કહ્યું, “જે પોતાનાં હથિયારો પર ઘમંડ કરતા હતા, તેઓ આજે કાટમાળ વચ્ચે પડ્યા છે.”
22 એપ્રિલના રોજ પહલગામમાં મુસાફરો પર થયેલા હુમલા બાદ 6 મે અને સાત મેની રાત્રે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા હતા.
ભારતે આ કાર્યવાહીને ‘ઑપરેશન સિંદૂર’નું નામ આપ્યું હતું. જે બાદ પાકિસ્તાને પણ ભારતના ઘણા બૉર્ડર વિસ્તારોમાં ગોળીબાર શરૂ કરી દીધો હતો અને ડ્રૉન અને મિસાઇલ હુમલા કર્યા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષ બાદ શનિવાર એટલે કે 10 મેના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ સમાધાનની જાહેરાત કરી.
થોડી વાર બાદ પાકિસ્તાને પણ સીઝફાયરની વાત કરી અને એ માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો.
બીજી તરફ ભારતે પણ સૈન્યકાર્યવાહી રોકવાની વાત કરી હતી. જોકે, આ દરમિયાન ભારતે ક્યાંય અમેરિકાનો ઉલ્લેખ નહોતો કર્યો.
મોરબી : ટંકારા નજીક લાખો રૂપિયાની લૂંટ કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, RAJESH AMBALIYA
મોરબી ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ આંબલિયાએ જણાવ્યું છે કે રાજકોટના એક આંગડિયા પેઢીના માલિક નિલેશભાઈ ભાલોડીએ 90 લાખ રૂપિયાની લૂંટની પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
નિલેશભાઈએ પોલીસ ફરિયાદમાં નોઁધાવ્યું છે કે “તેઓ અને તેમના ડ્રાઇવર જ્યારે રાજકોટથી મોરબી એક જણને 90 લાખ રૂપિયા આપવા જતા હતા ત્યારે મીતાણા ગામ નજીક તેમની કારને આંતરીને બે કારમાં આવેલા પાંચથી સાત અજાણ્યા શખસોએ તેમની પાસેથી 90 લાખ લૂંટી લીધા હતા.”
ટંકારા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
મોરબીના ડિવાયએસપી એસ. એચ. શારડાએ બીબીસી ગુજરાતી સહયોગી રાજેશ આંબલિયાને જણાવ્યું હતું કે “તેમની ગાડી પર બે ગાડીમાં આવેલા અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા. ડ્રાઇવરે સાવચેતી આપીને ગાડી હંકારી મૂકી પરંતુ આ બંને ગાડીઓ તેમનો પીછો કરતી હતી. જ્યારે ફરિયાદીની કાર ટંકારા નજીકની ખજૂરા હોટલ પાસે આવી ત્યારે તે અથડાઈ. તેથી ફરિયાદી અને તેમના ડ્રાઇવર ભાગી છૂટ્યા. પછી તેમની ગાડીમાં રાખેલા રૂપિયા તેમનો પીછો કરતા લોકો પડાવીને જતા રહ્યા.”
એસ. એચ. શારડાએ વધુમાં જણાવ્યું કે અમે જિલ્લાની ચારે તરફ નાકાબંધી કરી છે અને આરોપીઓને પકડા માટે તમામ જગ્યાએ ઍલર્ટ જારી કર્યું છે.
ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂએ ગાઝામાં યુદ્ધ રોકવા માટે કઈ શરતો મૂકી?

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઇઝારયલની સુરક્ષા સુનિશ્ચિત કરનારી શરતો પર તેઓ યુદ્ધ ખતમ કરવા તૈયાર છે.
આ શરતોમાં તમામ ઇઝરાયલી બંધકોનો છૂટકારો અને હમાસનું આત્મસમર્પણનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત નેતન્યાહૂએ એક વધુ શરત મૂકી છે કે ગાઝાથી હમાસનું નેતૃત્વ સમાપ્ત થાય અને તમામ વિસ્તાર હથિયાર રહિત બને.
સાથે જ તેમણે કહ્યું, “જે લોકો ગાઝાથી જવા માગતા હોય તેઓ જઈ શકે છે.”
ઇઝરાયલી વડા પ્રધાને કહ્યું કે જે લોકો યુદ્ધ સમાપ્ત કરવાની માગ કરે છે, વાસ્તવમાં તેઓ ચાહે છે કે ગાઝા પર હમાસનું શાસન ચાલુ રહે.
હમાસ સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે જ્યારથી ગાઝામાં ઇઝરાયલે સંઘર્ષ શરૂ કર્યો છે ત્યારથી લઈને ગાઝામાં 53 હજાર કરતાં વધારે લોકો માર્યા ગયા છે.
આલોચના થઈ હોવા છતાં અમેરિકાએ સ્વીકાર્યું કતારનું વિમાન, ઍરફોર્સ વનમાં થશે સામેલ

ઇમેજ સ્રોત, Getty Images
કતારે અમેરિકાને ઍરફોર્સ વન કાફલા માટે એક વિમાન ભેટમાં આપ્યું હતું. તેને અમેરિકાએ સ્વીકાર કરી લીધું છે. જોકે, આ ભેટને લઈને તેની આલોચના થઈ રહી હતી.
આ આલોચકોમાં કેટલાક રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થકો પણ છે. પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા સીન પાર્નેલે બુધવારે જણાવ્યું, “સંરક્ષણ સચિવે તમામ ફેડરલ નિયમો અને વિનિયમો પ્રમાણે કતારથી બોઇંગ 747ને સ્વીકારી લીધું છે.”
વિમાનમાં કેટલાંક સંશોધનો કરવામાં આવશે. ત્યાર પછી તેને ઍરફોર્સ- વન- રાષ્ટ્રપતિના હવાઈ પરિવહન માટે અધિકારિકરૂપે સામેલ કરવામાં આવશે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું કે આ ભેટ કાયદેસરની છે. કતારના શાહી પરિવાર તરફથી આપવામાં આવેલા આ ઉપહારની કિંમત 400 મિલિયન ડૉલર છે.
વ્હાઇટ હાઉસનું કહેવું છે કે આ નવા વિમાનને ટ્રમ્પના કાર્યકાળ બાદ રાષ્ટ્રપતિ લાઇબ્રેરીમાં મોકલી આપવામાં આવશે.
કતારના આ વિમાનને રાષ્ટ્રપતિના ઉપયોગ પહેલા વધારે સુરક્ષા પ્રણાલીઓ સાથે તેને અપગ્રેડ કરવામાં વર્ષ ઉપરાંતનો સમય થઈ શકે છે. તેમાં પરમાણુ વિસ્ફોટને વહન કરવાની ક્ષમતા અને ઉડાન વચ્ચે ઈંધણ ભરવાની ક્ષમતા પણ સામેલ છે. આ અપગ્રેડેશન માટે લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.
અમેરિકાના સંવિધાનમાં એક જોગવાઈ છે. જે અંતર્ગત પારિશ્રમિક ખંડ તરીકે જાણીતી છે. આ કૉંગ્રેસ(સંસદ)ની અનુમતિ વગર વિદેશી સરકારો દ્વારા અમેરિકાના સાર્વજનિક અધિકારીઓને ભેટ આપવા પર રોક લગાવે છે.
આ વિમાનના હસ્તાંતરણને કૉંગ્રેસની મંજૂરી નથી મળી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પનું માનવું છે કે આ ભેટ કોઈ વ્યક્તિગત નથી પરંતુ તે અમેરિકાના સંરક્ષણ વિભાગને આપવામાં આવી છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે તેઓ પદ છોડ્યા બાદ તેનો ઉપયોગ નહીં કરે.
ઇઝરાયલી હુમલાઓ વચ્ચે દક્ષિણ ગાઝામાં હમાસ સામે વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, EPA
ગાઝામાં એક તરફ જ્યાં ઇઝરાયલી હુમલાઓ યથાવત્ છે ત્યાં કટેલાક લોકો હમાસથી નારાજ પણ છે.
દક્ષિણ ગાઝામાં ત્રીજા દિવસે પણ પેલેસ્ટેનિયન લોકોએ હમાસ સામે રસ્તા પર વિરોધપ્રદર્શન કર્યું.
સોશિયલ મીડિયા પર ઉપસ્થીત એક વીડિયોમાં સેંકડો પ્રદર્શનકારીઓ યુદ્ધને સમાપ્ત કરવા અને ગાઝામાંથી આ સૈન્ય સમૂહને હઠાવવાની માગ સાથે જોવા મળ્યા.
વીડિયોમાં લોકો નારા લગાવતા હતા કે “બહાર, બહાર, બહાર, તમામ હમાસ બહાર.”
ગાઝામાં હમાસ સામે બોલવાનું ખતરનાક હોઈ શકે છે.
મંગળવારે પત્રકારોના વૉટ્સઍપ ગ્રૂપો પર ધમકીઓ આવી, જેમાં તેમને “કોઈ પણ નકારાત્મક સમાચારને પ્રકાશિત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.”
હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ઇઝરાયલ અને ગાઝામાં સંઘર્ષ શરૂ થયા બાદ ગાઝામાં 53 હજાર લોકો માર્યા ગયા છે.
MI vs DC: પ્લેઑફમાં પહોંચનારી ચોથી ટીમ બની મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હીની આશા પર પાણી

ઇમેજ સ્રોત, ANI
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-2025)ની 63મી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કૅપિટલ્સને હાર આપી છે. આ જીત સાથે આઈપીએલ-2025ના પ્લેઑફમાં પહોંચનારી મુંબઈ ચોથી ટીમ બની ગઈ છે. દિલ્હીની સફર અહીં સમાપ્ત થઈ ગઈ છે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં અક્ષર પટેલ નહોતા રમી રહ્યા તેમની જગ્યાએ ફાફ ડુ પ્લેસિસ દિલ્હના કૅપ્ટન હતા. આ મૅચમાં ટૉસ જીતીને દિલ્હીએ પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
મુંબઈએ પહેલા બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવની 73 રનોની શાનદાર પારીની મદદથી દિલ્હીને 181 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જવાબમાં દિલ્હી માત્ર 121 રન જ બનાવી શકી.
બુમરાહ અને સૅંટનરની કમાલની બૉલિંગને કારણે મુંબઈએ આ મૅચ 59 રનથી જીતી લીધી.
પ્લેઑફમાં હવે ચાર ટીમ નક્કી
પ્લેઑફમાં હવે ચાર ટીમોનું સ્થાન નક્કી થઈ ગયું છે. ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અને આરસીબી પહેલાં જ પ્લેઑફમાં પહોંચી ગયાં હતાં.
ચોથા નંબરની લડાઈ મુંબઈ અને દિલ્હી વચ્ચે હતી. મુંબઈના આ મૅચ પહેલાં 14 અંક હતા જ્યારે કે દિલ્હીના 13 અંક. બંને ટીમની બે-બે મૅચ બાકી હતી. પરંતુ મુંબઈની જીત બાદ હવે તેના 16 અંક થઈ ગયા છે તેથી દિલ્હી તેની હવે પછીની મૅચ જીતે તે પણ તેના માત્ર 15 જ અંક થશે. એટલે કે મુંબઈ દિલ્હીથી આગળ છે. આમ, હવે મુંબઈનું નામ પ્લેઑફ માટે ચોથી ટીમ તરીકે ફાઇનલ થઈ ગયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS