Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
34 મિનિટ પહેલા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘રાષ્ટ્રપતિય સંદર્ભ’ મોકલીને સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગ્યો છે કે, શું સુપ્રીમ કોર્ટ રાજ્યપાલો અને રાષ્ટ્રપતિની સંમતિ માટે મોકલવામાં આવેલાં રાજ્ય બિલો પર નિર્ણય લેવા અંગે સમયમર્યાદા લાદવા પોતાની સત્તાનો ઉપયોગ કરી શકે છે કે કેમ?
ભારતના બંધારણની કલમ 143 હેઠળ સુપ્રીમ કોર્ટને સુપરત કરાયેલ આ યાચીકામાં, રાષ્ટ્રપતિએ 14 પ્રશ્નો પૂછ્યા છે, જેમાં “શું રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલાં વિધેયકો રાજ્યપાલની સંમતિ વિના લાગુ કરી શકાય છે?” જેવા સવાલો સામેલ છે.
એવા કિસ્સામાં જ્યાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે, શું રાષ્ટ્રપતિનો અભિપ્રાય માંગતી નોંધ મોકલવાથી તે ચુકાદાને અસર થશે? આ પગલાં પર તામિલનાડુ સરકારનું વલણ શું છે?
રાષ્ટ્રપતિ તરફથી કરવામાં આવેલી ‘નોંધ’ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને બિલોને પોતાની સંમતિ આપી અને કહ્યું કે રાજ્યપાલ દ્વારા તામિલનાડુ સરકાર દ્વારા યુનિવર્સિટીઓ સંબંધિત 12 બિલોને પોતાની સંમતિ આપવામાં દાખવેલી નિષ્ફળતા ‘ગેરકાયદેસર’ હતી.
આ ઉપરાંત તેણે રાજ્યપાલ માટે બિલોને સંમતિ આપવા માટે સમય મર્યાદા પણ નક્કી કરી. આ ચુકાદા સાથે, બિલો પર કાર્યવાહી માટે નિર્ધારિત સમય મર્યાદા આપમેળે રાષ્ટ્રપતિને પણ લાગુ પડે છે.
આ સંદર્ભમાં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટને એક નોંધ મોકલી છે, જેમાં પૂછવામાં આવ્યું છે કે શું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે રાજ્ય વિધાનસભામાં પસાર થયેલાં બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવી શક્ય છે?
રાષ્ટ્રપતિની નોંધ બંધારણની કલમ 143 હેઠળ મોકલવામાં આવે છે.
આ કલમ હેઠળ, “જો કોઈપણ સમયે કોઈ કાયદાના સંબંધમાં કોઈ પ્રશ્ન ઊભો થયો હોય અથવા ઉદ્ભવવાની શક્યતા હોય, અને રાષ્ટ્રપતિને એવું લાગે કે તે એટલું મહત્ત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય મેળવવો યોગ્ય રહેશે, તો તે પ્રશ્નને કોર્ટને તેની વિચારણા માટે મોકલી શકે છે.”
“અને યોગ્ય તપાસ પછી, સુપ્રીમ કોર્ટ તેના પર રાષ્ટ્રપતિને પોતાનો અભિપ્રાય આપી શકે છે.”
રાષ્ટ્રપતિ દ્વારા ઉઠાવવામાં આવેલા 14 પ્રશ્નો

ઇમેજ સ્રોત, Getty Images
1. જ્યારે કલમ 200 હેઠળ રાજ્યપાલ સમક્ષ બિલ સંમતિ માટે રજૂ કરવામાં આવે છે, ત્યારે તેમની સમક્ષ કયા બંધારણીય વિકલ્પો હોય છે?
2. જ્યારે રાજ્યપાલ સમક્ષ બિલ રજૂ કરવામાં આવે છે, ત્યારે શું રાજ્યપાલ મંત્રી પરિષદ દ્વારા આપવામાં આવતી સહાય અને સલાહથી બંધાયેલા છે?
3. શું ભારતના બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલના બંધારણીય વિવેકનો ઉપયોગ કરવો વાજબી છે?
4. શું કલમ 361 અને કલમ 200 હેઠળ રાજ્યપાલની કાર્યવાહીની ન્યાયિક સમીક્ષા પર સંપૂર્ણ પ્રતિબંધ છે?
5. શું અદાલતો રાજ્યપાલને કલમ 200 હેઠળ તમામ સત્તાઓનો ઉપયોગ કરવા માટે સમય મર્યાદા લાદી શકે છે અને નિર્ધારિત કરી શકે છે, ભલે કોઈ બંધારણીય સમય મર્યાદા ન હોય?
6. શું ભારતના બંધારણની કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય વિવેકનો ઉપયોગ સમીક્ષાને પાત્ર છે?
7. શું કલમ 201 હેઠળ રાષ્ટ્રપતિના વિવેકાધિકારનો ઉપયોગ કરવા માટે કોર્ટના આદેશો દ્વારા સમય મર્યાદા લાદી શકાય છે?

ઇમેજ સ્રોત, rajbhavan_tn
8. જ્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિની સંમતિ માટે અથવા તો અન્યથા બિલને રદ કરે ત્યારે શું રાષ્ટ્રપતિ કલમ 143 હેઠળ સુપ્રીમ કોર્ટની સલાહ અને અભિપ્રાય મેળવવા માટે બંધાયેલા છે?
9. શું કલમ 200 અને 201 હેઠળ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના નિર્ણયો પ્રશ્નમાં રહેલા બિલને કાયદો બને તે પહેલાં વાજબી છે? શું અદાલતોને બિલ કાયદો બને તે પહેલાં કોઈપણ રીતે તેની સામગ્રી પર નિર્ણય લેવાની મંજૂરી છે?
10. શું કલમ 142નો ઉપયોગ કરીને ન્યાયિક આદેશ દ્વારા રાષ્ટ્રપતિ/રાજ્યપાલોની બંધારણીય સત્તાઓમાં ફેરફાર કરી શકાય છે?
11. શું રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલ બિલને રાજ્યપાલની સંમતિ વિના કાયદા તરીકે લાગુ કરી શકાય છે?
12. ભારતના બંધારણની કલમ 145(3) ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને, શું સુપ્રીમ કોર્ટની કોઈપણ ખડંપીઠ માટે એ ફરજિયાત નથી કે તે પહેલા નક્કી કરે કે તેની સામેની કાર્યવાહીમાં બંધારણના અર્થઘટનને લગતા કાયદાના પ્રશ્નોનો સમાવેશ છે કે નહીં અને તેને ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખડંપીઠને મોકલે?
13. શું કલમ 142 હેઠળ રાષ્ટ્રપતિ/રાજ્યપાલની બંધારણીય સત્તાઓ અને આદેશો કોઈપણ રીતે બદલી શકાય છે? શું કલમ 142 વિરોધાભાસી આદેશો/જોગવાઈઓ જારી કરવા સુધી વિસ્તરે છે?
14. શું બંધારણ કલમ 131 હેઠળના મુકદ્દમા સિવાય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચેના વિવાદોનો નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટના અન્ય કોઈપણ અધિકારક્ષેત્રને પ્રતિબંધિત કરે છે?
તામિલનાડુ સરકાર શું કહી રહી છે?

ઇમેજ સ્રોત, MKStalin/X
આ અંગે ટિપ્પણી કરતા તામિલનાડુના મુખ્ય મંત્રી સ્ટાલિને કહ્યું, “હું કેન્દ્ર સરકારની ‘રાષ્ટ્રપતિ નોંધ’ની સખત નિંદા કરું છું જે તામિલનાડુના રાજ્યપાલના કેસ અને અન્ય કેસોમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલાથી જ નક્કી કરાયેલ બંધારણીય સ્થિતિને નબળી પાડવાનો પ્રયાસ કરે છે.”
તેમણે ઍક્સ પર કરેલી પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે “આ પ્રયાસ સ્પષ્ટપણે દર્શાવે છે કે તામિલનાડુના રાજ્યપાલે જનાદેશને નબળો પાડવા માટે ભાજપના ઇશારે કામ કર્યું હતું.”
આ લોકશાહી રીતે ચૂંટાયેલી રાજ્ય સરકારોને કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ કરતા રાજ્યપાલોના નિયંત્રણ હેઠળ લાવીને નબળા પાડવાનો ગંભીર પ્રયાસ છે. આ નિવેદન કાયદાની સર્વોચ્ચતા અને બંધારણના અંતિમ અર્થઘટનકર્તા સુપ્રીમ કોર્ટની સત્તાને સીધી રીતે પડકારે છે.”
મુખ્ય મંત્રી સ્ટાલિને તેમની પોસ્ટમાં 3 પ્રશ્નો ઉઠાવ્યા:
- રાજ્યપાલોને કાર્યવાહી કરવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં કોઈ વાંધો કેમ હોવો જોઈએ?
- શું ભાજપ બિલ મંજૂરીમાં અનિશ્ચિત વિલંબને મંજૂરી આપીને તેના રાજ્યપાલોની ‘નાકાબંધી’ને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરી રહી છે?
- શું કેન્દ્ર સરકાર બિન-ભાજપી રાજ્ય વિધાનસભાઓને બંધ કરવા માંગે છે?
રાષ્ટ્રપતિની નોંધ અને તેમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો રાજ્યની સ્વાયત્તતા માટે સ્પષ્ટ ખતરો હોવાનું જણાવતા, સ્ટાલિને કહ્યું, “આ ગંભીર પરિસ્થિતિમાં હું તમામ બિન-ભાજપ શાસિત રાજ્યો અને પક્ષના નેતાઓને બંધારણના રક્ષણ માટે આ કાનૂની સંઘર્ષમાંં જોડાવા અપીલ કરું છું. અમે આ લડાઈ અમારી બધી શક્તિથી લડીશું. તામિલનાડુ લડશે, તામિલનાડુ જીતશે.”
તે સુપ્રીમ કોર્ટના ચુકાદાને અસર કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
બંધારણીય નિષ્ણાત અને વરિષ્ઠ વકીલ વિજયન કહે છે,”રાષ્ટ્રપતિનો સંદર્ભ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને કોઈપણ રીતે અસર કરતો નથી.”
બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, “સુપ્રીમ કોર્ટે કલમ 136 અને 142 હેઠળ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા અંગે રાષ્ટ્રપતિ દ્વારા સંદર્ભ મોકલવાને અપીલ અથવા તે ચુકાદાની સમીક્ષા માટે વિનંતી તરીકે ગણી શકાય નહીં.”
તેઓ કહે છે, “રાષ્ટ્રપતિએ ફક્ત અભિપ્રાય માંગ્યો છે. તે મુજબ, જો સુપ્રીમ કોર્ટ આ બાબતે અભિપ્રાય વ્યક્ત કરે તો પણ તે ફક્ત એક અભિપ્રાય રહેશે અને બંધનકર્તા પૂર્વવર્તી અથવા અન્ય ચુકાદો રહેશે નહીં. તેથી, તે પહેલાથી આપવામાં આવેલા ચુકાદાને કોઈપણ રીતે અસર કરશે નહીં.”
વરિષ્ઠ વકીલ વિજયન કહે છે કે રાષ્ટ્રપતિ દ્વારા કેસના ચુકાદા પર પોતાનો અભિપ્રાય માંગતી નોંધ મોકલવી ખૂબ જ દુર્લભ છે.
તેઓ કહે છે, “સુપ્રીમ કોર્ટ બદલામાં જે અભિપ્રાય વ્યક્ત કરશે તે પહેલાથી જ આપવામાં આવેલા ચુકાદાની વિરુદ્ધ નહીં હોય.”
તેઓ વધુમાં પ્રશ્ન ઉઠાવે છે, “જો રાષ્ટ્રપતિનાં હુકમનામા બદલી શકાય છે, તો સુપ્રીમ કોર્ટના કેટલા નિર્ણયો ના બદલાયા હોત?”
શું ડીએમકેને ઝટકો લાગશે?
વરિષ્ઠ પત્રકાર સિકામણી કહે છે, “અલબત્ત, આ પગલું ડીએમકે માટે આંચકારૂપ નહીં હોય, આને ભાજપ શાસનમાં ન હોય તેવી રાજ્ય સરકારોને નબળી પાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવશે.”
તેમણે આગળ કહ્યું, “ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજ્ય બિલ સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં રાષ્ટ્રપતિની નોંધ બહાર પાડવામાં આવી છે.”
સિકામણીએ કહ્યું, “ડીએમકેનો આરોપ હતો કે રાજ્યપાલે તેમની ફરજ બજાવી ન હતી અને તેમાં વિલંબ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ તેના ચુકાદામાં આનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તે બંધારણની કલમ 200 ની વિરુદ્ધ છે.”
તેમના કહેવા પ્રમાણે, “રાષ્ટ્રપતિ દ્વારા આવા ચુકાદા સામે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને કેન્દ્ર સરકાર તરફથી પ્રશ્નો ગણવામાં આવશે. તેથી, આ ડીએમકે માટે એક સકારાત્મક પગલું છે, જે રાજ્યના અધિકારોને પ્રાથમિકતા આપીને રાજકારણ કરે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS