Source : BBC NEWS
અપડેટેડ 9 કલાક પહેલા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)ના ઉપ પ્રમુખ રાજીવ શુક્લએ એ ખબરનું ખંડન કર્યું જેમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન રોહિત શર્મા વચ્ચે મતભેદનો દાવો કરવામાં આવ્યો હતો.
રાજીવ શુક્લએ કહ્યું, “ગૌતમ ગંભીર અને કૅપ્ટન રોહિત શર્મા વચ્ચે કોઈ મતભેદ નથી.”
હકિકતમાં હાલમાં જ થયેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 3-1થી હરાવ્યું હતું, સિરીઝની અંતિમ મૅચમાં રોહિત શર્મા રમ્યા નહોતા.
ત્યાર પછી અટકળો હતી કે રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે ઠીક નથી ચાલી રહ્યું.
જોકે, રોહિત શર્માએ કહ્યું હતું કે ખુદ પોતે છેલ્લી ટેસ્ટમૅચમાંથી ખરાબ ફૉર્મને કારણે નહીં રમવાનો નિર્ણય લીધો હતો.
ગૌતમ ગંભીરે આ મામલે કોઈ વિવાદનો ઇન્કાર કર્યો હતો.
અરવિંદ કેજરીવાલે શા માટે કહ્યું- મેં રાહુલ ગાંધી ઉપર એક લાઇન બોલી અને જવાબ ભાજપ તરફથી આવ્યો
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક રેલીને સંબોધતા ભાજપ અને અરવિંદ કેજરીવાલને એક જ જેવા બતાવ્યા. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ રાજકારણ જોર પર છે.
આ મામલે બીજેપીએ પણ પ્રતિક્રિયા આપી છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે વર્ષોથી પડદા પાછળ જુગલબંધી ચાલે છે.
રાહુલ ગાંધીની ટિપ્પણી પહેલાં અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું, “રાહુલ ગાંધી દિલ્હી આવ્યા. તેમણે મને બહુ ગાળો આપી. પરંતુ હું તેમનાં નિવેદનો પર કોઈ ટિપ્પણી નહીં કરું. તેમની લડાઈ કૉંગ્રેસ બચાવવાની છે અને મારી લડાઈ દેશ બચાવવાની છે.”
હવે ભાજપ નેતા અમિત માલવિયએ કહ્યું, “દેશની ચિંતા પછી કરો, અત્યારે નવી દિલ્હીની બેઠક બચાઓ.”
અમિત માલવિયના આ નિવેદન પર કેજરીવાલે કહ્યું, “શું વાત છે? મેં રાહુલ ગાંધી પર એક લાઇન બોલી અને જવાબ ભાજપ તરફથી આવી રહ્યો છે. ભાજપને જુઓ, તેને કેટલી તકલીફ થઈ રહી છે.”
યુજીસી-નેટની 15 જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા સ્થગિત, આ છે કારણ
બુધવાર એટલે કે 15મી જાન્યુઆરીના રોજ થનારી યુજીસી-નેટ 2024 પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે.
નૅશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએએ આ મામલે જાણકારી આપતા એક નોટિસ જારી કરી છે. અલગ-અલગ વિષયોની પરીક્ષા ત્રણથી 16 જાન્યુઆરીના દિવસે થઈ રહી હતી.
એનટીએએ કહ્યું છે કે મકરસંક્રાંતિ, પોંગલ અને અન્ય તહેવારોને કારણે 15મી જાન્યુઆરીની પરીક્ષા ટાળવાની તેમને અરજી મળી હતી.
એનટીએ અનુસાર અભ્યર્થિઓનાં હિતોને ધ્યાનમાં રાખીને માત્ર 15મી જાન્યુઆરીના રોજ થનારી પરીક્ષાને ટાળવાનો નિર્ણય લેવાયો છે. 16મી જાન્યુઆરીની પરીક્ષામાં કોઈ બદલાવ નથી.
અરવિંદ કેજરીવાલની ફરિયાદ પર ભાજપ નેતા પ્રવેશ વર્મા સામે ચૂંટણી પંચની કાર્યવાહી
આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘન મામલે આમ આદમી પાર્ટી તથા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ફરિયાદ પર ભાજપ નેતા પ્રવેશ વર્મા સામે ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ નવી દિલ્હી જિલ્લા ચૂંટણી અધિકારીના હવાલે જણાવ્યું કે પ્રવેશ વર્મા પર લગાવવામાં આવેલા આદર્શ આચાર સંહિતા ઉલ્લંઘનના આરોપોની તપાસ પોલીસને સોંપી દેવાઈ છે.
આમ આદમી પાર્ટીના લીગલ સૅલ થતા કેજરીવાલની ફરિયાદમાં તમામ ઘરને નોકરી અભિયાન અંતર્ગત લોકોનું રજિસ્ટ્રેશન કરવા માટે રોજગાર શિબિર લગાવવા અને વર્મા પર 1100 રૂપિયા વહેંચવાનો આરોપ લગાવાયો હતો.
નવી દિલ્હી એ પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનું ચૂંટણી ક્ષેત્ર છે. આ વખતે ભાજપે તેમની સામે પ્રવેશ વર્માને ઉમેદવાર બનાવાયા છે. કૉંગ્રેસે અહીંથી સંદીપ દિક્ષીતને મેદાનમાં ઉતાર્યા છે.
પ્રયાગરાજમાં મહાકુંભનો બીજો દિવસ, જુઓ તસવીરો
અલાહાબાદ એટલે કે પ્રયાગરાજ ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ તરીકે પ્રસિદ્ધ છે. મહાકુંભમેળો એ ધાર્મિક-આધ્યાત્મિક અનુષ્ઠાનો માટેનું એક ભવ્ય આયોજન છે, જેમાં સંગમ સ્નાન તમામ અનુષ્ઠાનોમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોવાનું હિંદુઓ માને છે.
પ્રયાગરાજ ખાતે કુંભની શરૂઆત થઈ ગઈ છે. આજે મંગળવારે બીજો દિવસ છે અને સોમવારે પોષ પૂર્ણિમાના સ્નાન બાદ આજે મંગળવારે શાહી સ્નાન માટે પ્રશાસને વિવિધ 13 જેટલા અખાડાઓને સ્નાન માટેનો ક્રમ જારી કર્યો છે.
કુંભમેળાને સદીઓથી પૃથ્વી પરના સૌથી મોટા મેળા તરીકે ઓળખવામાં આવે છે. આ વિશાળ મેળાને જોવા માટે દુનિયાભરમાંથી લોકો પ્રયાગરાજ પહોંચે છે.
લૉસ એંજલસમાં ફેલાયેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો નથી
અમેરિકાના લૉસ એંજલસમાં લાગેલી આગ હજુ કાબૂમાં નથી આવી શકી. આગને કારણે અત્યાર લગી 24 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ ચૂકી છે.
જે વિસ્તારોમાં આગ હજુ ફેલાયેલી છે તેમાં પૅલિસૅડ્સ, ઇટન અને હર્સ્ટ સામેલ છે.
આ મામલે હજુ 23 લોકો લાપતા હોવાનું જાણવા મળે છે. આગથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર હોય તો તે પૅડિસૅડ્સ છે. જ્યાં પહેલાં 23 એકર જમીનમાં આગ લાગી અને માત્ર 14 ટકા વિસ્તાર પર જ આગ બુઝાવવામાં સફળતા મળી છે. આગ બુઝાવવા માટે પાંચ હજાર લોકો સામેલ થયા છે.
આગથી બીજો સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર ઇટન છે. જ્યાં 33 ટકા વિસ્તારમાં જ આગ પર કાબૂ થઈ શક્યો છે. હજુ 14 એકર વિસ્તારમાં આગ ફેલાયેલી છે.
100 ટકા આગ પર કાબૂનો અર્થ એ થાય છે કે આગને આગળ વધતી રોકી દેવામાં આવી છે અને તેનો અર્થ એ થતો નથી કે આગની જ્વાળાઓને શાંત કરી દેવામાં આવી છે.
નૅશનલ વેધર સર્વિસના હવામાન વૈજ્ઞાનિક રિચ થૉમ્સને કહ્યું છે કે જે હવાઓને કારણે લૉસ એંજલસમાં આગ લાગી છે તેનાથી હાલ રાહત મળે તેવી નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે, “અમારું દિલ એ 24 નિર્દોષ આત્માઓ માટે દુ:ખી છે જેમને આપણે ખોયા છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS