Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Gujarat Police
અપડેટેડ 19 મિનિટ પહેલા
એક મોટું ફાર્મહાઉસ, કેટલીય ગાડીઓ, ‘ચાર’ પત્નીઓ, છ છોકરાઓ, અને પોતાને માટે ‘જીવ પણ આપી શકે તેવા લોકો’ની એક આખી ફોજ – કંઈક આવું સામ્રાજ્ય હતું મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીનું, જેના ફાર્મહાઉસને હાલમાં જ ધ્વસ્ત કરીને પોલીસે તેના દીકરાની ધરપકડ કરી છે.
ચંડોળા તળાવ પર થયેલા ‘દબાણ’ને દૂર કરતી વખતે પોલીસે તેની ‘ગેરકાયદેસર’ મિલકતને તોડી પાડી હતી.
અહીંના લોકો સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરી તો જાણવા મળ્યું હતું કે, “નાના ચંડોળા તળાવ વિસ્તારમાં એક સમયે સામાન્ય મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવનારો આ લલ્લા બિહારી એક આખા સામ્રાજ્યનો કર્તાહર્તા બની ગયો હતો. પણ તેના આ સામ્રાજ્ય પાછળ ચંડોળા તળાવની જમીન, ત્યાં રહેતા ગરીબ લોકો તેમજ ગરીબ મહિલાઓની મજબૂરી પણ સામેલ હતી.”
ભૂતકાળમાં ખોટા દસ્તાવેજો બનાવવાના એક ગુનામાં તેની અને તેના દીકરાની ધરપકડ થઈ હતી, જે કેસમાં તે પોતે પૅરોલ જમ્પ કરીને ભાગી છૂટ્યો હતો અને ત્યારથી તે ભાગેડુ છે.
જોકે, આ વિસ્તારના લોકો સાથે વાત કરતા બીબીસીને જાણવા મળ્યું હતું કે, “તે પોતાના ઘરેથી પોતાનો કન્સ્ટ્રક્શનનો વેપાર તેમજ ઉંચા વ્યાજે પૈસા આપવાનો વેપાર કરતો હતો.”
‘ગેરકાયદેસર બાંધકામો કરીને તેને ભાડે આપી દીધાં’

ઇમેજ સ્રોત, Gujarat Police
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ તેના આ સામ્રાજ્યની પુષ્ટિ કરે છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, “તેની ચાર પત્નીઓ અને છ દીકરાઓ છે. એ તમામ લોકો તેના ફાર્મહાઉસમાં રહેતાં હતાં. તેના દીકરાઓ તેના અલગ-અલગ ધંધાને સંભાળતા હતા.”
આ અધિકારી વધુમાં જણાવે છે કે, “અમુક વર્ષો પહેલાં તે બિહારથી અહીં આવ્યો હતો. નાની-મોટી મજૂરીઓ કરતો હતો અને ત્યારબાદ ધીમે ધીમે સરકારી મિલકતો પર કન્સ્ટ્રક્શનનું કામ કરીને તેણે પોતાનું આખું સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું.”
તેના પરિવાર વિશે વાત કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે “તેની ચાર પત્નીઓ તેની સાથે તેના ઘરમાં જ રહેતી હતી, તેના દીકરાઓ પણ તેની જેમ અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે નાના-મોટા પોલીસ કેસમાં અંદર-બહાર થતા રહેતા હતા.”
હાલમાં પોલીસે તેના દિકરા ફતેહ પઠાણની ધરપકડ કરીને તેને પોલીસ રિમાન્ડ પર લીધો છે. આ લખાય છે ત્યાં સુધી હજુ લલ્લા બિહારી પકડાયો નથી.
જોકે, ચંડોળા તળાવ પરનાં ગેરકાયદેસર દબાણો દૂર કરતી વખતે પોલીસે તેનું ફાર્મહાઉસ અને સરકારી જમીન પર ભાડે આપવા માટે બનાવેલાં મકાનો તોડી પાડ્યાં હતાં.
પત્રકારો સાથે વાત કરતાં, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ શરદ સિંઘલે જણાવ્યું હતું કે “તે ગેરકાયદેસર બાંધકામ કરીને આવાં મકાનો લોકોને ઊંચા ભાડે આપી દેતો હતો, વીજળીનું કનેકશન લઇને વીજળી પણ ભાડેથી આપતો હતો, જેના માટે ટૉરેન્ટ પાવરે પણ અમને ફરિયાદ આપી છે, અને તે સંદર્ભમાં અમે તપાસ કરી રહ્યા છીએ.”
તેમણે એ પણ જણાવ્યું હતું, “પોલીસને માહિતી મળી છે કે, લલ્લા બિહારી મહિલાઓના દેહવેપારમાં પણ સંકળાયેલો હતો. આ તમામ મુદ્દે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.”
કેવી રીતે જમાવ્યું પોતાનું વર્ચસ્વ?

ઇમેજ સ્રોત, Gujarat Police
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક ઉચ્ચ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે નામ ન આપવાની શરતે વાત કરતાં જણાવ્યું હતું કે “આજથી લગભગ 13-14 વર્ષ પહેલાં તે બિહારથી અહીં આવ્યો હતો. પહેલાં તે માત્ર મજૂરીકામ કરતો હતો, અને ધીમેધીમે મકાન લે-વેચના કામમાં લાગી ગયો હતો.”
પોલીસને જાણવા મળ્યું છે કે, તે બિહારથી થોડા સમય માટે ઉત્તર પ્રદેશ રહેવા ગયો હતો, અને ત્યારબાદ તે અમદાવાદ આવી ગયો હતો.
બિહારી પર આરોપ છે કે તે ચંડોળા તળાવ વિસ્તારમાં પુરાણ કરીને, તેના પર બાંધકામ કરીને, સરકારી મિલકતને પોતાની કહીને તેના પર નાનાં ઘર બનાવીને તે ઘર ભાડે આપતો હતો અને પોતાનું વર્ચસ્વ ઊભું કર્યું હતું.
ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા એક આગેવાને પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “તેણે તળાવની ઘણી જગ્યાઓ પર પુરાણ કરીને, એક પછી એક અનેક મકાનો બનાવી દીધાં હતાં. આ મકાનોની તે હજારથી પાંચ હજાર સુધીની ડિપોઝીટ લઇને તેને ત્રણથી પાંચ હજારની કિંમતમાં ભાડે આપતો હતો, અને આવા તો તેની પાસે અનેક મકાનો હતાં.”
“આ સાથે જ લલ્લા બિહારી ઊંચા વ્યાજ દરે મજૂરી કરતાં સામાન્ય લોકોને પૈસા આપતો હતો. આથી, આ વિસ્તારમાં તેનું વર્ચસ્વ વધતું ગયું હતું.”
આ અધિકારી વધુમાં જણાવે છે કે, “આવા લોકો સાથે તે ભાડા કરાર પણ કરતો હતો, અને તે ભાડા કરારને આધારે લોકો અમદાવાદના પુરાવાઓ બનાવીને, અહીંના રહેવાસી છે તેવું પુરવાર કરી દેતા હતા.”
સામાન્ય રીતે ભાડા કરાર માટે પણ ભારતના રહેવાસી હોય તેવા પુરાવાની જરૂર હોય છે. પોલીસને જાણવા મળ્યું છે કે બિહારી કોઇ ચૂંટાયેલા નેતાના સંપર્કમાં હતો જેના લેટર-પેડને આધારે તે નવા પુરાવાઓ બનાવી દેતો હતો.
અધિકારી જણાવે છે, “એક વખત ભાડાકરાર હોય તો બીજા તમામ દસ્તાવેજો ઊભા કરી શકાય છે. માટે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી અહીં આવીને વસવાટ કરતા લોકોને તે સીધી રીતે અહીંના દસ્તાવેજો બનાવવા માટે મદદ કરતો હતો.”
પોલીસને મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશ અને બંગાળમાં તેના એજન્ટ કામ કરતા હતા.
અધિકારીએ કહ્યું હતું કે, “અમે તે દિશામાં પણ તપાસ કરી રહ્યાં છીએ. આ એજન્ટ બાંગ્લાદેશીઓને બૉર્ડરથી અમદાવાદ સુધી લાવવાનું કામ કરતા હતા. તેઓ તેમને તમામ મદદ પૂરી પાડતા હતા. પછી આ લોકો જ્યારે અમદાવાદમાં આવે ત્યારે તેમને લલ્લા બિહારી આશરો આપીને તમામ મદદ કરતો હતો.”
આ સાથે સાથે તેણે આ વિસ્તારમાં લગ્ન માટે મૅરેજ હૉલ પણ બનાવ્યા હતા. આસપાસના લોકો સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરી તો જાણવા મળ્યું હતું કે, “આ હૉલ દ્વારા તે દેહવેપારનો ધંધો પણ કરતો હતો, જેમાં બાંગ્લાદેશથી આવેલી છોકરીઓ ભોગ બનતી હતી.”
જોકે, બીબીસી આ દાવાની સ્વતંત્રપણે પુષ્ટિ કરી શક્યું નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS