Source : BBC NEWS

તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

25 મે 2025, 10:12 IST

અપડેટેડ 6 કલાક પહેલા

રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે નેતા તેજ પ્રતાપ યાદવને પાર્ટી અને પરિવારથી બહાર કરવાનો નિર્ણય કર્યો છે.

તેમના આ નિર્ણય પર બિહાર વિધાનસભાના નેતા વિપક્ષના નેતા અને તેજ પ્રતાપ યાદવના નાના ભાઈ તેજસ્વી યાદવે પ્રતિક્રિયા આપી છે.

સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે પાર્ટી અને પરિવારમાં તેજ પ્રતાપની કોઈ પણ ભૂમિકા નહીં રહે.

પોતાના મોટા ભાઈ તેજ પ્રતાપને પાર્ટીમાંથી બહાર કરવાના નિર્ણય પર પત્રકારો સાથે વાત કરતા તેજસ્વી યાદવે કહ્યું કે, “અમને આ બધી વાતો ગમતી નથી, અમે આ સહન નથી કરતા.”

તેમણે કહ્યું કે, “અમે અમારું કામ કરી રહ્યા છીએ, બિહાર પ્રત્યે અમે સમર્પિત છીએ. અમે જનતાના દુ:ખ-સુખમાં ભાગ લઈ રહ્યા છીએ અને જનતાના મુદ્દા ઉઠાવી રહ્યા છીએ.”

બિહાર વિધાનસભાના વિપક્ષના નેતાએ કહ્યું કે, “જ્યાર સુધી મારા મોટા ભાઈની વાત છે, રાજનીતિક જીવન અને ખાનગી જીવન અલગ હોય છે. કારણ કે તેઓ મોટા છે, અંગત જીવનના નિર્ણય લેવાનો તેમને અધિકાર છે. શું યોગ્ય હશે અને શું નુકસાન થશે એ નિર્ણય તેઓ જાતે જ લે.”

લાલુ પ્રસાદ યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

તેજસ્વી યાદવે કહ્યું કે, “રાષ્ટ્રીય અધ્યક્ષે (લાલુ પ્રસાદ યાદવ) ટ્વિટરના માધ્યમથી પોતાની ભાવનાઓ સ્પષ્ટ કરી છે. અમે એવી વાતોને પસંદ નથી કરતા અને ન સહી કરી શકીએ.”

આની પહેલાં આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવના ફેસબુક ઍકાઉન્ટથી એક પોસ્ટ કરી હતી જેને લઈને વિપક્ષે આરજેડી પર નિશાન તાક્યું હતું.

ત્યાર બાદ તેજ પ્રતાપ યાદવે ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે તેમનું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ હૅક કરી લેવામાં આવ્યું છે અને તેમની તસવીર ખોટી રીતે એડિટ કરવામાં આવી છે.

ભારતના દુનિયાના ચોથા સૌથી મોટા અર્થતંત્ર બનવા પર કૉંગ્રેસ નેતા પવન ખેડાએ શું કહ્યું?

કૉંગ્રેસ નેતા પવન ખેડા

ઇમેજ સ્રોત, ANI

કૉંગ્રેસ નેતા પવન ખેડાએ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) બીવીઆર સુબ્રહ્મણ્યમના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે.

બીવીઆઈ સુબ્રહ્મણ્યમે કહ્યું હતું કે ભારત હવે દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમણે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના આંકડા ટાંકતા તેમણે આ વાત કહી હતી.

કૉંગ્રેસ નેતા પવન ખેડાએ આ રિપોર્ટ પર નિશાન તાકતા સમાચાર સંસ્થા એએનઆઈને કહ્યું કે, “પ્રતિ વ્યક્તિ આય પર વાત કરીએ, અમીર અને ગરીબ વચ્ચે વધતી ખીણ વિશે વાત કરીએ.”

કૉંગ્રેસ નેતાએ મધ્યમ વર્ગને ટાંકતા કહ્યું કે, “જે ઈએમઆઈ ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તેના વિશે વાત કરીએ, એમએસએમઈ સેક્ટરની વાત કરીએ.”

તેમણે કહ્યું કે, “45 વર્ષનો જે બેરોજગારીનો રેકૉર્ટ તૂટ્યો છે તેના વિશે વાત કરીએ, તો આપણને સમજાશે કે તમારા ચમક-દમકવાળા આંકડાનો પ્રભાવ સામાન્ય માણસ પર પણ પડે છે.”

પવન ખેડાએ કહ્યું કે, “એ કહેવું તો યોગ્ય છે કે અમે આ દેશથી અથવા અન્ય દેશથી આગળ વધી ગયા છીએ, પરંતુ દેશવાસીઓને તો પૂછો કે તેઓ કેટલાક આગળ છે અને કેટલા પાછળ છે.”

અહીં નીતિ આયોગના સીઈઓના એ દાવા પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પત્રકારોને કહ્યું કે, “જે દૂરદર્શિતા સાથે ભારત છેલ્લાં 11 વર્ષથી એક વિકાસ યાત્રા પર નીકળા છે, આ એનું જ પરિણામ છે.”

નીતિ આયોગના સીઈઓએ કહ્યું, ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું

બી.વી.આર. સુબ્રમણ્યમ , આઈએમએફ, ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, ANI

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ)નું કહેવું છે કે ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. આ માટે તેમણે આઈએમએફના (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડ) આંકડા ટાંક્યા હતા.

નીતિ આયોગની 10મી બેઠક દરમિયાન પત્રકારપરિષદને સંબોધતી વેળાએ સુબ્રમણ્યમે કહ્યું હતું કે ભારતનું અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડૉલરના આંકડાને પાર કરી ગયું છે.

બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું, “હું જ્યારે આ વાત કરી રહ્યો છું ત્યારે આપણે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. હું જ્યારે કહી રહ્યો છું ત્યારે ભારત ચાર ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બની ગયું છે. આ મારો ડેટા નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના (આઈએમએફ) આંકડા છે.”

સુબ્રમણ્યમે કહ્યું, “આજે ભારતનું અર્થતંત્ર જાપાન કરતાં મોટું થઈ ગયું છે. માત્ર અમેરિકા, ચીન અને જર્મની જ તેના કરતાં મોટાં છે. અને જો યોજનાપૂર્વક આગળ વધતાં રહીએ તો આગામી અઢી ત્રણ વર્ષમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જઈશું.”

સુબ્રમણ્યમે કહ્યું, “આઈએમએફના અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2026માં ભારતનો જીડીપી લગભગ 4187.017 બિલિયન અમેરિકન ડૉલર પર પહોંચે તેવી શક્યતા છે. જે જાપાનના સંભવિત કુલ ઘરેલું ઉત્પાદન કરતાં થોડુંક વધારે છે. તેનું અનુમાન 4,186.431 બિલિયન ડૉલર રહેવાની શક્યતા છે.”

તેમણે કહ્યું, “હાલમાં ભારત એવા તબક્કામાં છે કે જ્યાંથી તે ખૂબ જ ઝડપભેર વિકાસ કરી શકે છે. અગાઉ અનેક દેશોએ આવો વિકાસ કર્યો છે.”

ગુજરાત : વીસાવદર અને કડી બેઠકની પેટાચૂંટણી જાહેર – ન્યૂઝ અપડેટ

ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે.

ચૂંટણીપંચની પ્રેસ રિલીઝ પ્રમાણે, ગુજરાતની કડી અને વીસાવદર ઉપરાંત કેરળ (નીલંબુર), પંજાબ (લુધિયાણા-પશ્ચિમ) તથા પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા માટે પેટાચૂંટણી યોજાશે.

19મી જૂનના રોજ મતદાન થશે તથા 23મી જૂનના રોજ મતગણતરી યોજાશે.

ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે, સોમવારે આને માટે અધિસૂચના બહાર પાડવામાં આવશે, આ સાથે જ ચૂંટણીપ્રક્રિયા શરૂ થઈ જશે. બીજી જૂન સુધી ઉમેદવારી કરી શકાશે.

એ પછી ત્રીજી જૂને ઉમેદવારીપત્રક ચકાસવામાં આવશે. પાંચમી જૂન સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.

ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણી અગાઉ વીસાવદર બેઠક માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરેલા છે.

સર્વદળીય પ્રતિનિધિમંડળ સાથે ન્યૂ યૉર્ક પહોંચેલા શશિ થરૂરે પાકિસ્તાન વિશે શું કહ્યું?

પહલગામહુમલો, ઑપરેશન સિંદૂર, ભારતના સર્વદળીય પ્રતિનિધિ મંડળષ શશિ થરૂર

ઇમેજ સ્રોત, Getty Images

પહલગામ હુમલો તથા એ પછી ભારતે કરેલી કાર્યવાહી અંગે માહિતી આપવા માટે કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં સાંસદોનું એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચ્યું છે.

ન્યૂયૉર્કસ્થિત 9/11 સ્મૃતિ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ શશિ થરૂરે કહ્યું, “આ અમારા માટે ખૂબ જ માર્મિક ક્ષણ છે, પરંતુ તેનો હેતુ દૃઢ સંદેશ આપવાનો પણ છે.”

તેમણે કહ્યું, “આ એક એવું શહેર છે કે જેના પર આતંકવાદીઓના ક્રૂર હુમલાનાં નિશાન જોવાં મળે છે. અમે પણ અમારા દેશમાં તાજેતરમાં એક આતંકવાદી હુમલો વેઠ્યો છે.”

થરૂરે કહ્યું, “અમે એ યાદ અપાવવા માટે આવ્યા છીએ કે આ બધાની અને વૈશ્વિક સમસ્યા છે. આપણે તેની સામે એકસંપ થઈને લડવું પડશે. અમે પીડિતોની સાથે છીએ અને તેમાં ભારતીયો પણ સામેલ છે.”

પહલગામ હુમલા અંગે શશિ થરૂરે કહ્યું, “આ હુમલાના એક કલાકની અંદર જ ટી.આર.એફ.એ (ધ રેઝિસટન્સ ફ્રન્ટ) આ હુમલાની જવાબદારી લીધી હતી. જે આતંકવાદી સમૂહ તરીકે વિખ્યાત છે.”

વાણિજ્ય દૂતાવાસમાં વાતચીત દરમિયાન કૉંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું, “તમે બધા જાણો છો કે હું સરકાર નહીં, વિપક્ષ માટે કામ કરું છું, છતાં મેં એક લેખ લખ્યો હતો કે હવે સમજણપૂર્વક આકરા પ્રહાર કરવાનો સમય આવી ગયો છે.”

તેમણે ઉમેર્યું, “હવે અમે કૃતનિશ્ચયી છીએ કે આ મામલે નવો રસ્તો શોધવો જોઈએ. અમે ડૉઝિયર, ફરિયાદ અને બધું અજમાવી લીધું. પાકિસ્તાને સતત ઇનકાર જ કર્યો છે.”

થરૂરે ઉમેર્યું, “પાકિસ્તાને ન તો કોઈને દોષિત ઠેરવ્યા કે ન તો કોઈ ઉપર ગંભીર ફોજદારી કેસ ચલાવ્યા. તેણે આતંકવાદી માળખાને ખતમ કરવા માટે કોઈ પ્રયાસ ન કર્યા તથા ત્યાં સુરક્ષિત આશરો આપ્યો.”

થરૂરે કહ્યું, “જો પાકિસ્તાન આવું કરશે તો અમે ફરી આ પ્રકારના ચોક્કસાઈપૂર્વકનાં ઑપરેશન કરી શકીએ છીએ. આતંકવાદીઓને સજા મળવી જોઈ અને અમે તેમની શોધખોળ ચાલુ રાખીશું, પરંતુ આપણે એ વિચારવું રહ્યું કે આ લોકો ક્યાં રહે છે અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવા માટે તેમને તાલીમ, હથિયાર અને નાણાં ક્યાંથી મળે છે.”

મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે યુવકનું મૃત્યુ, ગુજરાતમાં કેવી સ્થિતિ છે?

કોરોનાની ગુજરાતમાં સ્થિતિ, કોરોનાને કારણે મૃત્યુ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રના ઠાણે શહેરમાં કોવિડ-19ને કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે. ઠાણે મહાનગર પાલિકાએ તેની પુષ્ટિ કરી છે.

બીબીસી મરાઠીના જણાવ્યા પ્રમાણે, ઠાણેમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારા યુવકની ઉંમર 21 વર્ષ હતી. ડાયાબિટીસને કારણે તેમને 22મી મેના રોજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, હાલ દેશમાં કોરોનાના 257 ઍક્ટિવ કેસ છે. જેમાં કેરળમાં સૌથી વધુ 95, તામિલનાડુમાં 66 અને મહારાષ્ટ્રમાં 56 કેસ છે.

ગુજરાતમાં સાત ઍક્ટિવ કેસ છે. 12મી મેના રોજ આ સંખ્યા એકની હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ, કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય શ્રીવાસ્તવે શનિવારે કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગના લોકોને સામાન્ય લક્ષણ જોવાં મળ્યાં છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી તથા ઘરોમાં જ તેમની સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ભારત સહિત એશિયાઈ દેશોમાં કોરોનાના નવા કેસ નોંધાઈ રહ્યા છે, જેના માટે JN.1 વૅરિયન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS