Source : BBC NEWS
અપડેટેડ 46 મિનિટ પહેલા
અમેરિકાના લૉસ એંજલસમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ઘણાં વિમાનો સતત ગુલાબી રંગનો એક પ્રવાહી પદાર્થ છાંટતાં દેખાઈ રહ્યાં છે.
લૉસ એંજલસમાં જંગલની આગ આગળ વધીને રહેણાક વિસ્તારોમાં પ્રસરી ચૂકી છે. આ આગમાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને 24 થઈ ગઈ છે.
આ આગના કારણે અત્યાર સુધી અબજો ડૉલરની સંપત્તિનું નુકસાન થઈ ચૂક્યું છે.
રવિવારના રોજ મોસમ પર નજર રાખતી એક ખાનગી કંપનીએ આગના કારણે લગભગ 250 અબજ અમેરિકન ડૉલરનું નુકસાન થયાનું અનુમાન કર્યું હતું.
આ આગ પર કાબૂ મેળવવા માટે ફાયરફાઇટર્સ સતત કોશિશ કરી રહ્યા છે અને હજુ પણ ઘણી જગ્યાઓએ તેમના પ્રયાસ ચાલુ છે.
શું છે આ પિંક લિક્વિડ?
લૉસ એંજલસમાં વિમાન વડે આગ પર ગુલાબી એટલે કે પિંક રંગનું લિક્વિડ છાંટવામાં આવી રહ્યું છે.
અસલિયતમાં તો આ એક ફાયર રિટાર્ડેંટ છે, એટલે કે એવો પદાર્થ જે આગ લાગવા કે બળવાની પ્રક્રિયાને ધીમી પાડી દે છે.
આ ગુલાબી પદાર્થ પાણી, સૉલ્ટ (કેમિકલ) અને રાસાયણિક ખાતરનું મિશ્રણ છે. તેમાં મૂળપણે તો એમોનિયમ ફૉસ્ફેટનું મિશ્રણ હોય છે.
આગ માટે ઑક્સિજન આવશ્યક છે અને આ રાસાયણિક મિશ્રણ આગને મળતા ઑક્સિજનને રોકી દે છે. જેથી તે ખૂબ ઝડપથી ન ફેલાઈ શકે.
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર પ્રમાણે આ એમોનિયમ પૉલિફૉસ્ફેટ જેવાં સૉલ્ટ્સ વડે બનેલું હોય છે, જેનું પાણીની માફક સરળતાથી બાષ્પીભવન નથી થઈ જતું, તે લાંબા સમય સુધી સપાટી પર જ રહી જાય છે.
આના કારણે જે સપાટી પર આગ ફેલાયેલી હોય તેને ઑક્સિજન નથી મળી શકતો અને આગની તીવ્રતા ઘટી જાય છે.
આમ, આ પ્રવાહી આગને ફેલાતી રોકવાનું કામ કરે છે.
આગ ઓલવવા માટેના આ કેમિકલને એટલા માટે ગુલાબી રંગ આપવામાં આવે છે, જેથી અગ્નિશામક દળના કર્મચારીઓને એ વાતની ખબર પડી શકે કે આ કેમિકલનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ ચૂક્યો છે.
આ સિવાય આ રંગ આગમાં સપડાઈ ચૂકેલા વિસ્તારને પણ અલગ તારવવાનું કામ કરે છે. આનાથી લોકોને એ વાતની ખબર પડી જાય છે કે કયા કયા વિસ્તારો આગથી પ્રભાવિત છે.
આગ પર કાબૂ મેળવવાની આ તકનીક વિવાદિત પણ રહી છે, કારણ કે આ કેમિકલની માણસો અને પર્યાવરણ પર થતી અસર અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે.
કેટલી ભયાનક છે આગ?
અંગ્રેજી અખબાર ન્યૂયૉર્ક ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ગુરુવારે અમેરિકન ફૉરેસ્ટ સર્વિસે જણાવ્યું કે નવ મોટાં વિમાન અને પાણી છાંટી શકે તેવાં 20 હેલિકૉપ્ટરોને આગ પર કાબૂ મેળવવાનાં અભિયાનમાં સામેલ કરાયાં છે.
અમેરિકાના લૉસ એન્જલસમાં અગ્નિશામકદળના કર્મચારીઓના હવાલાથી મળેલી આધિકારિક જાણકારી અનુસાર ત્રણેય સ્થળોએ હજુ પણ આગ ઓલવવાની કાર્યવાહી ચાલી રહી છે.
ઓછામાં ઓછી છ જગ્યાઓએ આગ લાગી હતી, જે પૈકી કેટલાંક સ્થળે લાગેલી આગ પર કાબૂ નથી મેળવી શકાયો.
તેમજ ઇટન અને હર્સ્ટમાં હજુ પણ મોટા વિસ્તારોમાં આગ લાગેલી છે. રવિવારે સાંજે ફાયરફાઇટર્સે જાણકારી આપી હતી કે કેનેથમાં લાગેલી આગ પર 100 ટકા કાબૂ મેળવી લેવાયો છે.
આગના કારણે લૉસ એંજલસમાં અત્યાર સુધી 24 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
હજારો એકરમાં પ્રસરેલી આ આગને કારણે લાખો લોકોએ સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે.
આ આગ અત્યાર સુધી લાખો ગાડીઓ અને હજારો ઘરોને બાળી ચૂકી છે. આ આગમાં સામાન્ય લોકોની સાથોસાથ કેટલીક હસ્તીઓનાં ઘર પણ બળીને ખાખ થઈ ચૂક્યાં છે.
નેટફ્લિક્સના શો ‘નોબડી વૉન્ટ્સ ધીસ’માં કામ કરી ચૂકેલા ઍક્ટર એડમ બ્રોડી અને તેમનાં પત્ની લિટન મીસ્ટર (જેઓ ‘ગૉસિપ ગર્લ’માં કામ કરી ચૂક્યાં છે)નું ઘર આગમાં તબાહ થઈ ચૂક્યાં છે.
લૉસ એંજલસમાં હોલીવૂડ હિલ્સ વિસ્તારમાં હજારો ઇમારતો નષ્ટ થઈ ચૂકી છે. તેમાં ઘર, સ્કૂલ અને પ્રતિષ્ઠિત સનસેટ બુલેવાલ્ડ પર સ્થિત વ્યવસાયિક ઇમારતો પણ સામેલ છે.
આગ ફેલાવાનું કારણ શું છે?
સ્થાનિક અધિકારીઓએ લૉસ એન્જલસમાં આગ લાગવા પાછળ ઝડપી પવન અને સૂકી મોસમ તરફ ઇશારો કર્યો છે. જેના કારણે વૃક્ષો અને છોડ સૂકાં થઈ ગયાં અને તેમાં આગ પ્રસરવાનું સરળ બની ગયું.
જોકે, તીવ્ર પવન અને વરસાદનો અભાવ એ હાલમાં લાગેલી આગનું કારણ બની રહ્યા છે.
આ આગ પ્રસરવાનું એક મોટું કારણ ‘સેંટા એના’ પવનો છે, જે જમીનથી સમુદ્ર તટની દિશામાં વહે છે. એવું મનાય છે કે લગભગ 100 કિલોમિટર પ્રતિ કલાક કરતાં વધુ ઝડપથી ફૂંકાતા આ પવનોને કારણે આગ વધુ ઉગ્ર બની.
સેંટા એના પવનો અમેરિકાની પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશા તરફ વહે છે, વર્ષમાં ઘણી વાર આ પવનો ફૂંકાતા હોય છે.
નિષ્ણાતો પ્રમાણઇે જળવાયુ પરિવર્તનને કારણે સ્થિતિ બદલાઈ રહી છે, તેના કારણે આગની સંભાવના સતત વધી રહી છે.
અમેરિકન સરકારના રિસર્ચમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે પશ્ચિમ અમેરિકામાં મોટા પાયે જંગલોમાં ભીષણ આગનો સંબંધ જળવાયુ પરિવર્તન સાથે છે.
અમેરિકામાં મહાસાગર અને વાયુમંડળ સાથે જોડાયેલા પ્રશાસનનું કહેવું છે કે, “વધતી જતી ગરમી, લાંબા સમય સુધી દુષ્કાળ અને તરસ્યા વાયુમંડળ સહિત જળવાયુ પરિવર્તન પશ્ચિમ અમેરિકાનાં જંગલોને આગના ખતરાનું અને તેના પ્રસરવા માટેનું પ્રમુખ કારણ રહ્યાં છે.”
પાછલા કેટલાક મહિનામાં ગરમીની મોસમ વધુ તીવ્ર બનવી અને વરસાદના અભાવના કારણે ખાસ કરીને કૅલિફોર્નિયા અસુરક્ષિત છે.
અમેરિકામાં દક્ષિણ કૅલિફોર્નિયામાં આગ લાગવાની મોસમ સામાન્યપણે મેથી ઑક્ટોબર મનાય છે, પરંતુ રાજ્યના ગવર્નર ગૅવિન ન્યૂસમે આને આખા વર્ષ દરમિયાનની એક શાશ્વત સમસ્યા ગણાવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS