Source : BBC NEWS

પાકિસ્તાન પર બોલતા વડા પ્રધાન મોદીએ POK વિશે શું કહ્યું

ઇમેજ સ્રોત, ANI

12 મે 2025, 21:20 IST

અપડેટેડ 11 મિનિટ પહેલા

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ અને ત્યાર બાદ 10 મેના રોજ થયેલા સંઘર્ષવિરામ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે પાકિસ્તાન પર ભારતે કરેલા ઑપરેશન સિંદૂર તથા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) વિશે વાત કરી હતી.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે 22 એપ્રિલના પહલગામ હુમલા પછી આખો દેશ, દરેક રાજનીતિક દળ, એક સ્વરમાં આતંકવાદ સામે ઊભો હતો.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદને પોષિત કરે છે. તેમણે કહ્યું કે, “પાકિસ્તાને જો બચવું હોય તો, તેણે પોતાના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે.”

તેમણે કહ્યું કે, “ભારતનો મત એકદમ સ્પષ્ટ છે, ટેરર અને ટૉક એકસાથે નહીં થઈ શકે. ટેરર અને ટ્રેડ એકસાથે નહીં થઈ શકે. પાણી અને લોહી એક સાથે નહીં વહી શકે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ‘ઑપરેશન સિંદૂર એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે અને ભારતની સેનાએ 6-7 તારીખની મધ્યરાત્રીએ પાકિસ્તાનના આતંકીઓના તાલીમકેન્દ્રો અને ઠેકાણાઓ પર સીધા પ્રહાર કર્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ બાદ પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રોન અને મિસાઇલ્સ દ્વારા ભારતે કરેલા ઑપરેશન પર વાત કરી હતી.

તેમણે કહ્યું, “ડ્રોન અને મિસાઇલ્સથી ભારતે હુમલા કર્યા ત્યારે બહાવલપુર અને મુરિદકે જેવાં આતંકવાદી ઠેકાણે માત્ર ઇમારતો જ નહીં, પરંતુ આતંકવાદીઓના જુસ્સા પણ ધ્વસ્ત થઈ ગયા. 9/11, લંડન ટ્યૂબ બૉમ્બિંગ તથા ભારતના અનેક આતંકવાદી હુમલાના તાર આ સ્થાનો સાથે જોડાયેલા હતા.”

તેમણે ઉમેર્યું, “ભારતના આ હુમલામાં 100થી વધુ આતંકવાદી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. અમુક રીઢા આતંકવાદીઓ પાકિસ્તાનમાં મુક્તપણે ફરતા હતા અને ભારત વિરુદ્ધ કાવતરાં ઘડતા હતા. તેમને ભારતે એક ઝાટકે ખતમ કરી દીધા.”

પાકિસ્તાન સાથે સંઘર્ષવિરામ કેવી રીતે થયો, મોદી શું બોલ્યા?

ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય સેના

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં પાકિસ્તાને ભારત પર કરેલા હુમલા વિશે પણ વાત કરતાં કહ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદ સામે સાથ આપવાને બદલે ભારત પર જ હુમલો કરી દીધો હતો.

તેમણે કહ્યું, “આતંકવાદ સામે ભારતની કાર્યવાહીમાં સાથ આપવાના બદલે પાકિસ્તાને ભારત ઉપર જ હુમલા કરવાનું શરૂ કરી દીધું, મંદિર,શાળા, ગુરુદ્વારા, સૈન્ય ઠેકાણાં તથા સામાન્ય લોકોનાં ઘરોને નિશાન બનાવ્યાં. આમ કરવાથી પાકિસ્તાન બેનકાબ થઈ ગયું.”

પીએમ મોદીએ કહ્યું, “પાકિસ્તાન સીમા ઉપર સંઘર્ષ કરવા માગતું હતું પરંતુ ભારતે પાકિસ્તાનના દિલ પર જ પ્રહાર કર્યો. ભારતે શરૂઆતના ત્રણ દિવસમાં જ પાકિસ્તાનને એટલું તારાજ કરી દીધું કે તેનો અંદાજ જ ન હતો. એટલે ભારતની આક્રમક કાર્યવાહી પછી પાકિસ્તાન બચવા માટે રસ્તા શોધવા માંડ્યા. વિશ્વભરમાં તેણે તણાવ બંધ કરવા વિનંતીઓ કરી.”

10મી મેના રોજ થયેલા સંઘર્ષવિરામની જાણ વિશ્વભરના લોકોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા ટ્વિટ બાદ થઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને અટાકાવવા અમેરિકાએ ભજવેલી ભૂમિકાની વાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘર્ષવિરામ વિશે વાત કરતાં કહ્યું, “10મી મેના બપોરે પાકિસ્તાનની સેનાએ ભારતના ડીજીએમઓનો સંપર્ક કર્યો. ત્યાંસુધીમાં આપણે આતંકવાદી માળખાને ધ્વસ્ત કરી ચૂક્યા હતા અને આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પાકિસ્તાનના દિલમાં રહેલા આતંકના અડ્ડાને ખંડેર બનાવી દીધા હતા. એટલે જ્યારે પાકિસ્તાને કહ્યું કે તે ભવિષ્યમાં કોઈ આતંકવાદી પ્રવૃત્તિ નહીં કરે કે સૈન્ય દુઃસાહસ નહીં કરે એ પછી ભારતે તેના પર વિચાર કર્યો.”

તેમણે કહ્યું, “અમે પાકિસ્તાનના આતંકવાદી અને સૈન્ય ઠેકાણાં પર જવાબી કાર્યવાહીને મોકૂફ કરી છે. આગામી દિવસોમાં અમે પાકિસ્તાનના દરેક પગલાંને ચકાસીશું. અમે જોઈશું તે શું વલણ અપનાવે છે.”

‘પાણી અને લોહી એકસાથે નહીં વહી શકે’

જમ્મુમાં થયેલા હવાઈ હુમલામાં 10 મે 2025ના દિવસે થયેલા નુકસાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન મોદીએ કહ્યું, “નિશ્ચિ રીતે આ આ યુગ યુદ્ધનો નથી પરંતુ આતંકવાદનો પણ નથી. પાકિસ્તાનની સેના, પાકિસ્તાનની સરકાર, જેવી રીતે આતંકવાદને ખેતરપાણી આપી રહ્યાં છે એ એક દિવસ પાકિસ્તાનને જ સમાપ્ત કરી દેશે. પાકિસ્તાને જો બચવું હોય તો તેણે ટેરર ઇન્ફ્રાસ્ટ્રકરનો સફાયો કરવો પડશે.”

તેમણે કહ્યું, “ટેરર અને ટૉક, એક સાથે નહીં થઈ શકે. ટેરર અને ટ્રેડ એકસાથે નહીં ચાલી શકે. પાણી અને લોહી એકસાથે નહીં વહી શકે. “

પીઓકે પર વડા પ્રધાન મોદી શું બોલ્યા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંબોધનમાં ભારતે કરેલા ઑપરેશન અને પાકિસ્તાને કરેલા હુમલાની સાથે પીઓકે (POK) પર પણ વાત કરી હતી.

તેમણે કહ્યું, “હું આજે વિશ્વ સમુદાયને પણ કહીશ કે અમારી ઘોષિત નીતિ રહી છે. જો પાકિસ્તાન સાથે વાત થશે તો આતંકવાદ પર જ થશે. જો પાકિસ્તાન સાથે વાત થશે તો પાક ઑક્યુપાઇડ કાશ્મીર પીઓકે પર થશે.”

આ ઉપરાંત તેમણે કહ્યું, “ઑપરેશન સિંદુર દરમિયાન દુનિયાએ પાકિસ્તાનનું ઘૃણાસ્પદ સત્ય ફરીથી જોયું. જ્યારે માર્યા ગયેલા આતંકવાદીઓને વિદાય આપવા પાકિસ્તાનની સેનાના મોટા મોટા અફસરો ઊમટી પડ્યા હતા. સ્ટેટ સ્પોન્સર ટેરેરિઝમનું આ એક ખૂબ મોટું ઉદાહરણ છે.”

તેમણે કહ્યું કે, “અમે ભારત અને તેમના નાગરિકોને કોઈ પણ ખતરાથી બચાવવા માટે સતત નિર્ણાયક પગલાં લેતા રહીશું.”

‘ભારત કોઈ ન્યુક્લિયર બ્લૅકમેઇલ સહન નહીં કરે’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારત, પાકિસ્તાન,

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાને દેશવાસીઓને સંબોધન કરતાં કહ્યું કે, “ભારતની ત્રણેય સેનાઓ, ઍરફોર્સ, આર્મી, નેવી, બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ, બીએસએફ અને ભારતનાં અર્ધસૈનિક દળો સતત ઍલર્ટ પર છે.”

તેમણે કહ્યું, “સર્જિકલ સ્ટ્રાઇક અને ઍર સ્ટ્રાઇક બાદ હવે ઑપરેશન સિંદૂર આતંક વિરુદ્ધ ભારતની નીતિ છે. ઑપરેશન સિંદૂરે આતંક સામેની લડાઈમાં એક નવી લકીર ખેંચી છે. એક નવો માપદંડ ન્યૂ નૉર્મલ કરી દીધો છે.”

તેમણે કહ્યું,”પહેલું ભારત પર આતંકી હુમલો થશે તો મૂંહતોડ જવાબ આપવામાં આવશે. અમે અમારી રીતથી અમારી શરતો પર જવાબ આપીને રહીશું. દરેક એવી જગ્યાએ જઈને કઠોર કાર્યવાહી કરીશું જ્યાંથી આતંકનાં મૂળ નીકળે છે.”

“બીજું ભારત કોઈ ન્યુક્લિયર બ્લૅકમેઇલ સહન નહીં કરે. ન્યુક્લિયર બ્લૅકમેઇલની આડમાં ફૂલીફાલી રહેલા આતંકી ઠેકાણાં પર ભારત સટિક અને નિર્ણાયક વાર કરશે.”

“ત્રીજું અમે આતંકની આશ્રયદાતા સરકાર અને આતંકના આકાઓને અલગ અલગ નહીં જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS