Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વડોદરા, હત્યા કેસ, મિત્રે જ મિત્રની હત્યા કરી, પોલીસ, ક્રાઇમ, ગુનો

ઇમેજ સ્રોત, Bhargav Parikh

  • લેેખક, ભાર્ગવ પરીખ
  • પદ, બીબીસી ગુજરાતી માટે
  • 15 મે 2025, 19:01 IST

    અપડેટેડ 45 મિનિટ પહેલા

“મારી ઉંમર થઈ ગઈ છે , મારો એકનો એક દીકરો ગુમ થયો, એટલે અડોશપાડોશના લોકો અમને મદદ કરતા હતા એમાં દીપેનનો દોસ્ત પણ મદદ કરવાના બહાને પોલીસ સ્ટેશન આવતો. પોલીસની તપાસ કેટલે પહોંચી એની વિગતો મેળવીને પુરાવાના નાશ કરતો હતો. જો એ અમારી સાથે ના હોત તો મારા દીકરાની કહોવાયેલી લાશ મળી એના બદલે હું એના અંતિમ સંસ્કાર વખતે એનો ચહેરો જોઈ શક્યો હોત…”

આ શબ્દો છે પોતાના એકના એક દીકરાને ગુમાવનાર કિડનીના દર્દી મુકેશ પટેલના.

વડોદરાના આરટીઓ પાસે આવેલા દરજીપુરા ગામના મહાદેવવાળા ફળિયામાં રહેતા 62 વર્ષીય મુકેશ પટેલ કિડનીની બીમારીથી પીડાય છે.

તેઓ વડોદરાની એક સિગરેટ બનાવતી કંપનીમાં વર્ષો સુધી કામ કરી ચાર વર્ષ પહેલાં નિવૃત્ત થયા છે. જોકે, હવે દીકરાના મૃત્યુ બાદ ફરીથી એમના ખભા પર આખાય કુટુંબની જવાબદારી આવી પડી છે.

વડોદરાના રહેવાસી દીપેન પટેલ વાહનોની નંબર પ્લેટ બનાવવાનું કામ કરતા હતા .

આ દરમિયાન તેમનો પરિચય આરટીઓ એજન્ટ હાર્દિક પ્રજાપતિ સાથે થયો હતો.

થોડા સમયમાં બંને સારા દોસ્ત બની ગયા હતા. પરંતુ કોઈને એ વાતનું અનુમાન પણ નહીં હોય કે એક દિવસ આ બંને દોસ્તો પૈકીની હત્યાનો આરોપ બીજાના પર લાગશે.

દીપેનના પિતા મુકેશભાઈએ કરેલી પોલીસ ફરિયાદ મુજબ થોડા સમય પહેલાં દીપેન અને હાર્દિકનો કોઈ બાબતે ઝઘડો થયો હતો, ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થયું હતું. જોકે, ગત 7 મેના રોજ દીપેન એમના સાસરે જઈ રહ્યા હતા ત્યારે હાર્દિકે તેમને રસ્તામાં બોલાવી, તેમની હત્યા કરી અને લાશ કાલોલ નર્મદામાં નાખી દીધી છે.

હવે આ સમગ્ર મામલામાં હાર્દિક પ્રજાપતિની ટેકનિકલ સર્વેલન્સના આધારે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આખરે ગુમ થયેલ મિત્રને શોધવાના બહાને પોલીસ તપાસની વિગતો મેળવવાના અને હત્યાના આ આરોપી સુધી પોલીસ આખરે કેવી રીતે પહોંચી શકી એ અંગે વિગતવાર જાણવા બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

રોજ પોલીસ સ્ટેશન આવતા હાર્દિકને પકડવા પોલીસને પુરાવા કેવી રીતે મળ્યા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વડોદરા, હત્યા કેસ, મિત્રે જ મિત્રની હત્યા કરી, પોલીસ, ક્રાઇમ, ગુનો

ઇમેજ સ્રોત, Bhargav Parikh

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી હરપાલસિંહ રાઠોડે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “પોલીસે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ તપાસતા ખબર પડી કે દીપેનની કાર રાત્રે નવ વાગ્યાને 27 મિનિટે હાલોલ-વડોદરા હાઇવે પર ગોલ્ડન ચોકડીથી પસાર થતી દેખાઈ હતી. કાર હાલોલ તરફ જઈ રહી હતી. દીપેનના પિતાના નિવેદનમાં તેમણે હાર્દિક સાથે ઝઘડાનો પણ ઉલ્લેખ કર્યો હતો.”

રાઠોડ આગળ કહે છે કે, “એ દરમ્યાન અમે હાર્દિકની પૂછપરછ કરી ત્યારે એ પોતાની વાત વારંવાર બદલતો જતો અને દીપેનને શોધવામાં પોતે જોડાયેલો હોવાનું કહેતો હતો, એટલે મારી શંકા દૃઢ બની કે હાર્દિકનો આ ઘટનામાં હાથ છે.”

“અમે એના અને દીપેનના મોબાઇલનું લોકેશન જોયું તો હાલોલ વડોદરા આરટીઓથી હાલોલ હાઈવે સુધી બંનેનાં લોકેશન સમાન જ હતાં.”

રાઠોડે સત્ય આખરે કઈ રીતે સામે આવ્યું એ અંગે વાત કરતાં કહ્યું કે, “હાર્દિકને એક ગર્લફ્રેન્ડ છે, તેણે તેનો પરિચય દીપેન સાથે કરાવ્યો હતો. મહિલા અને દીપેન એક જ જ્ઞાતિનાં હતાં. તેથી થોડા સમયમાં મહિલા પોતાની ઘણી વાતો દીપેન સાથે શૅર કરવા લાગી હતી. દરમિયાન દીપેન હાર્દિકને પોતાની જ્ઞાતિની મહિલા સાથે સંબંધ ન રાખવાનું કહેતો. તેથી હાર્દિકને લાગ્યું કે દીપેન તેમના પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બની રહ્યો છે. આ બાબતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો.”

રાઠોડ કહે છે કે , “આ મામલે બંને વચ્ચે મનદુઃખ થયા પછી હાર્દિકે દીપેનની હત્યાનો પ્લાન એક મહિના સુધી બનાવ્યો હતો. એણે 15 દિવસ પહેલાં હત્યા માટે એક કટર ખરીદ્યું હતું. દરજીપુરામાંથી એણે મરચું પણ ખરીદ્યું હતું. 7 તારીખે તેણે દીપેન ઘરેથી નીકળ્યો ત્યારે એની પાસેથી લિફ્ટ માંગી હતી, કાર એક જગ્યાએ ઊભી રખાવી દીપેનની આંખમાં મરચાની ભૂકી નાખી કટરથી એનું ગળું કાપી લાશ લઈને એ હાલોલ તરફ ગામડાંમાં થઈને ગયો હતો, જેથી સીસીટીવીમાં કાર કેદ ના થાય.”

“ત્યાં એને દિપેનની લાશ નર્મદા કૅનાલમાં નાખી દીધી હતી, અમે એ જગ્યા પર ગયા. ત્યાં કૅનાલની પાળી પર લોહીના ડાઘ મળ્યા છે. હાર્દિકે જ્યાં લોહીવાળાં કપડાં નાખ્યાં હતાં, એ કૂવામાંથી લોહીવાળાં કપડાં મળ્યાં છે.”

એસીપી હરપાલસિંહ રાઠોડ કહે છે કે હાર્દિકનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ એણે જે રીતે હત્યા કરી અને પુરાવાનો નાશ કર્યો છે એ ભલભલા ચાલાક ખૂનીઓને ટક્કર મારે એમ છે.

તેમણે હત્યા કર્યા બાદ હાર્દિકે અમલમાં મૂકેલી વ્યૂહરચના અંગે માહિતી આપતાં કહ્યું કે, “એણે દીપેનની સ્વિફ્ટ કારની નંબરપ્લેટ કાઢી અને તેની દીકરી વિહાનાનું નામ કાર પરથી ભૂંસી પોતાના મિત્રને ત્યાં વાસણા ગામમાં બે દિવસ કાર મૂકી રાખી.”

“ત્યાર બાદ એ દીપેનને શોધવા માટે એના પરિવાર સાથે ફરતો અને પોલીસ સ્ટેશન આવતો હતો, જેથી પોલીસ તપાસ ક્યાં પહોંચી એની માહિતી મળી શકે. આ દરમિયાન દીપેનની લાશ મળી એટલે હાર્દિકે જ્યાંથી લાશ મળી હતી એની વિરુદ્ધ દિશામાં મહી નદીમાં કારના એક્સિલરેટર પર પથ્થર મૂકી કાર નદીમાં નાખી દીધી હતી. જેથી પોલીસ તપાસ ઊંધી દિશામાં જાય.”

“પણ અમને એ વારંવાર પોતે નિર્દોષ હોવાની વાત કરતો હતો તેથી વધુ શંકા ગઈ એટલે અમે એની વધુ તપાસ કરી તો અમને તમામ પુરાવા મળી ગયા.”

શું કહે છે દીપેનનો પરિવાર ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વડોદરા, હત્યા કેસ, મિત્રે જ મિત્રની હત્યા કરી, પોલીસ, ક્રાઇમ, ગુનો

ઇમેજ સ્રોત, Bhargav Parikh

મૃતક દીપેનના પિતા મુકેશ પટેલ કહે છે કે હાર્દિક તેમની સાથે દીપેનને શોધવા ફરતા હતા, એટલે તેમને તેમના પર શંકા નહોતી ગઈ.

“પણ અમને ખબર નહોતી કે આ સ્થિતિ થશે. દીપેન સારું કમાતો હતો એટલે એણે લોન પર કાર લીધી હતી, મને હતું કે હું નિવૃત્તિ પછી રાહતનો શ્વાસ લઈ શકીશ, પણ મારા દીકરાની હત્યા કરી નાખી, કોહવાયેલી લાશ અમને મળી. હવે ઘરડે ઘડપણે મારે નવેસરથી મારી ચાર વર્ષની પૌત્રી અને દીપેનના આવનાર બાળકની જવાબદારી ઉઠાવવી પડશે.”

દીપેનનાં સગર્ભા પત્ની સોનલ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “જે દિવસે દીપેનની હત્યા થઈ એ દિવસે હું મારા પિયરમાં હતી , હાર્દિકે 7 તારીખે મને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે દીપેનનો ફોન લાગતો નથી એ ક્યાં છે? એટલે મેં ફોન કર્યા પણ ભાળ ના મળી એટલે મેં મારા સસરાને ફોન કરીને કહ્યું કે દીપેન મારા પિયરે આવવાનો હતો, પણ ફોન નથી લાગતો. એ પછી તપાસ શરૂ કરી.”

“7 તારીખથી મારી ચાર વર્ષની દીકરી એના પિતા વગર સૂતી નથી, મારા પતિની હત્યા થઈ એના ત્રણ દિવસ પહેલાં એણે મારી દીકરી વિહાનાના નામનું ટૅટૂ કરાવ્યું હતું. અમે અમારા આવનારા બીજા બાળકના ભવિષ્યનાં સપનાં જોતાં હતાં, ત્યાં મારું બાળક ધરતી પર આવે એ પહેલાં જ બાપ વગરનું થઈ ગયું.”

દરજીપુરામાં રહેતા અશોક પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે હાર્દિકનાં ભાઈભાભી અહીં મકાનને તાળું મારીને જતાં રહ્યાં છે.

તેઓ કહે છે કે, “ભાવનગરથી વડોદરા આવેલો હાર્દિક પ્રજાપતિ કુંવારો છે. હાર્દિકનો ભાઈ હિતેશ પ્રજાપતિ વડોદરામાં રિક્ષા ચલાવે છે. હાર્દિક એનાં ભાઈભાભી સાથે રહેતો હતો. મંજલપુરમાં ભાડા વધુ હોવાથી અઢી વર્ષ પહેલાં દીપેનની મદદથી દરજીપુરામાં મહિને 2,500 રૂપિયાના ભાડે મકાન લીધું હતું. હાલ ક્યાં છે એની ખબર નથી .”

વડોદરા રિક્ષાચાલક સંઘના હોદ્દેદાર કે. પી. વ્યાસની મદદથી હાર્દિકના ભાઈ હિતેશ સાથે બીબીસીએ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હિતેશે પોતે આ અંગે કઈ જાણતા નથી એમ કહીને કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS