Source : BBC NEWS

વડોદરા, મગર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, લક્ષ્મી પટેલ
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 21 જાન્યુઆરી 2025, 13:03 IST

    અપડેટેડ એક કલાક પહેલા

‘મગરોની નદી’ તરીકે ઓળખાતી વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલાં વિવિધ ખોદકામોને કારણે નદીમાં વસતા મગરોને કામચલાઉ અન્યત્રે ખસેડવામાં આવશે.

વિશ્વામિત્રી નદીમાં વર્ષ 2024માં ચોમાસામાં ભયંકર પૂર આવ્યું હતું. જેને કારણે નદીની આસપાસની સોસાયટીમાં પાણી ભરાઇ ગયાં હતાં અને હજારો લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવ્યા હતા. અગાઉ પણ વિશ્વામિત્રી નદીમાં આવેલાં પૂરને કારણે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ હતી.

આ પૂરના નિયંત્રણ માટે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પૂર નિયંત્રણ કમિટી બનાવી હતી. આ કમિટીએ પૂર નિંયત્રણ માટે કેટલાંક સૂચનો આપ્યાં છે.

જાણકારો કહે છે કે વિશ્વામિત્રી નદીમાં માત્ર મગરો જ નહી પરંતુ અન્ય વન્યજીવો પણ રહે છે. તેમને પણ નુકશાન ન થાય તે અંગે ધ્યાન રખાવું જોઈએ.

વર્ષ 2020ની મગરની વસ્તી ગણતરી મુજબ વડોદરા વિશ્વામિત્રીમાં 250 મગરો છે.

પૂરની સ્થિતિમાં આ પૈકી કેટલાક મગરો શહેરના રસ્તા પર આવી જતા હોય છે.

હવે જ્યારે વિશ્વામિત્રી નદીમાં ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે આ મગરો શહેરમાં ઘૂસી ન જાય અને તેમને ખોદકામ દરમિયાન કોઈ નુકસાન ન થાય તે માટે અન્યત્ર ખસેડવાનો નિર્ણય લીધો છે. પરંતુ, આ મગરોને કેટલા દિવસ માટે ખસેડાશે અને ક્યાં ખસેડવામાં આવશે તે વિશેની જાણકારી મેળવવા અમે વડોદરા મહાનગરપાલિકા અને અન્ય નિષ્ણાતો સાથે વાત કરી.

મગરોને હટાવવાનું કારણ શું?

વડોદરામાં પૂરના સમયમાં રહેણાંક વિસ્તારમાં આવી ગયેલા મગરને રૅસ્ક્યૂ કરવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનનું કહેવું છે કે વિશ્વામિત્રી નદીમાં કાંપ કાઢવાની પ્રક્રિયા ચાલી રહી છે તેને કારણે આ મગરોને ખસેડવામાં આવનાર છે.

વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના એન્જીનીયર લક્ષ્યાંક નેધરીયાએ આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે “વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં અવાર-નવાર આવતાં પૂરનાં નિયંત્રણ માટે કમિટીએ આપેલી ભલામણને આધારે નદીના 24 કિલોમીટરના પટ્ટામાંથી કાંપ બહાર કાઢીને નદીને ઊંડી કરાશે.”

“આ કામગીરી અંદાજે 100 દિવસ ચાલશે. કાંપ હઠાવવા માટે કરવામાં આવતાં ખોદકામ દરમિયાન મગરોને કામચલાઉ ખસેડવામાં આવશે જેથી તેમને કોઈ નુકસાન ન પહોંચે. મગરોને ખસેડવાની પરવાનગી મળ્યા બાદ જ કામગીરી શરૂ કરાશે.”

કેટલાક કર્મશીલો વડોદરા મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ સામે સવાલો પણ કરી રહ્યા છે.

કર્મશીલ રોહિત પ્રજાપતીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે “નદીમાં અતિક્રમણ થયું છે. જેને કારણે પૂર આવે છે. પૂરને રોકવા માટે નદીમાં પડેલા કાટમાળની સફાઈ જરૂરી છે. કાંપ અને કાટમાળ તથા કચરાને કારણે નદી સાંકડી થઈ ગઈ છે.”

“નદીને પહોંળી કરવામાં આવશે તો મગરોને પણ તેમની જગ્યા પરત મળશે. આ કામગીરી કરતાં સમયે જૈવવૈવિધ્યનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.”

કેટલાક નિષ્ણાતો સવાલો કરે છે કે નદીમાં કચરો શા માટે ભેગો થયો?

એમ. એસ. યુનિવર્સિટીમાં ઝૂઑલૉજી વિભાગના પ્રોફેસર રણજીત દેવકર જણાવે છે કે “દુનિયામાં કોઇ પણ નદીમાં કાટમાળ અને સોલિડ વેસ્ટ નાખવામાં આવતો નથી. આપણાં ત્યાં જ એવું છે કે નદીમાં કાટમાળ નાખવામાં આવે ત્યારે કોઇ પગલાં લેવાતાં નથી. જીવ સૃષ્ટીના સંદર્ભમાં હું એવું માનું છું કે નદીમાંથી કાટમાળ કાઢવો હોય તો તે માટે મશીનોને બદલે માણસોથી કઢાવવો જોઈએ. જેને કારણે જીવ સૃષ્ટીને ઓછું નુકશાન પહોંચે.”

મગર સિવાયનાં પ્રાણીનું શું?

 પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોફેસર રણજીતસિંહ દેવકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે “વિશ્વામિત્રી નદીમાં નજરે જોઇ શકાય તેવા મગર ઉપરાંત 15 કરતાં વધારે પ્રજાતિનાં પ્રાણીઓ જોવાં મળે છે. જેમાં શિડ્યુલ-1 કૅટેગરીમાં સામેલ હોય તેવાં કાચબા, અજગર અને ચંદન ઘો જોવાં મળે છે.”

“શિડ્યુલ-2 કૅટેગરીમાં આવતાં પ્રાણીઓમાં કોબ્રા, રસલ વાઇપર, શાહૂડી, બામ્બુપીર વાઇપર વગેરે જોવાં મળે છે. આ સિવાય 60 કરતાં વધારે જાતિનાં પક્ષીઓ જોવાં મળે છે. આ બધાં પ્રાણીઓ અને પક્ષીઓનાં સંરક્ષણ માટે ઍક્સપર્ટની હાજરી ખુબ જ જરૂરી છે.”

વડોદરા ડીસીએફ અગ્નિશ્વર વ્યાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે “વિશ્વામિત્રી નદીએ વાઇલ્ફ લાઇફ પ્રોટેક્ટેડ ઍરીયા નથી. જેથી ત્યાં કામ કરતાં લોકોને રોકી શકાય નહી. પરંતુ જીવ સૃષ્ટીને નુકશાન ન થાય તે અંગે પગલાં ચોક્કસ લેવામાં આવશે. વિશ્વામિત્રી નદીમાં મગર સિવાય કાચબા, સાપ જેવા નાનાં નાનાં વન્ય જીવો છે. તેમને રૅસ્ક્યૂ કરીને ખસેડવા થોડાક સરળ છે. આ વન્યજીવોને પણ પ્રોટોકૉલ મુજબ જ રાખવામાં આવશે.”

“મગરએ મોટું પ્રાણી છે અને જોખમી હોવાથી નુકશાન પહોચાડી શકે છે. જેના સીધા સંપર્કમાં આવનારને તેમજ પોતાની જાતને પણ નુકશાન પહોંચાડી શકે છે.”

કેવી રીતે ખસેડાશે મગર?

વર્ષ 2020ની મગરની વસ્તી ગણતરી મુજબ વડોદરા વિશ્વામિત્રીમાં 250 મગરો છે.

ઇમેજ સ્રોત, ANIRUDH VASAVA

લક્ષ્યાંક જણાવે છે કે “મગરોને ખસેડવા અંગે અમે વન વિભાગની પરવાનગી મેળવવા માટે તેમને અરજી મોકલી છે. વન વિભાગની પરવાનગી મળ્યા બાદ જ કામગીરી શરૂ કરવામાં આવશે. કામગીરી દરમિયાન વન અધિકારીઓને સાથે જ રાખવામાં આવશે.”

વડોદરા ડીસીએફ અગ્નિશ્વર વ્યાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે “મગરોને કામચલાઉ ખસેડવા અંગે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા અમને અરજી મોકલી છે. આ અરજી અમે પીસીસીએફ વાઇલ્ડ લાઇફ બોર્ડને મોકલી આપી છે. બોર્ડની મંજૂરી બાદ બોર્ડે આપેલી ભલામણો પ્રમાણે અમે કામ કરીશું.”

પીસીસીએફ વાઇલ્ડ લાઇફના મુખ્ય વન્યસંરક્ષક ડૉ. એ. પી. સિંહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે “વિશ્વામિત્રી નદીમાંથી મગર કામચલાઉ ખસેડવા અંગની અરજી અંગે કામ ચાલી રહ્યું છે. આ અંગે બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ આ અરજીને ભારત સરકારમાં વાઇલ્ડ લાઇફ વિભાગમાં મોકલવામાં આવશે. ત્યાંથી મંજુરી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઇ શકશે. ભારત સરકારમાંથી જે પણ ભલામણ આવશે તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.”

મગરોને ખસેડવામાં કેવી કાળજી રખાશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

લક્ષ્યાંક જણાવે છે કે “નદીમાંથી કાંપ કાઢવાની કામગીરી સમયાંતરે કરવામાં આવશે. જેથી જે ભાગમાં કામગીરી કરવામાં આવશે અને ત્યાં જરૂર જણાશે તો મગરોને ખસેડવામાં આવશે અને કામગીરી પૂર્ણ થાય ત્યારે મગરોને ફરી તે ભાગમાં છોડી દેવામાં આવશે.”

“અમે કરેલી અરજીમાં મગરોને કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં તેમજ આજવા સફારીમાં આવેલાં તળાવોમાં રાખવા અંગે જણાવ્યું છે. પરંતુ મગરોને રાખવા અંગે વન વિભાગ દ્વારા જે પણ અભિપ્રાય આપવામાં આવશે તે અનુસાર અમે વ્યવસ્થા કરીશું.”

અગ્નીશ્વર વ્યાસ જણાવે છે કે ” મગરોને કમાટીબાદ પ્રાણીસંગ્રહાલયમાં તેમજ વડોદરામાં આવેલા તેમનાં રૅસ્ક્યૂ સેન્ટરમાં કે પછી અન્ય જગ્યા પર તેમના માટે સુવિધા વિકસાવીને ત્યાં પણ ખસેડી શકાય છે. આ બધી જ શક્યતાઓ છે. અંતે તો પીસીસીએફ વાઇલ્ડ લાઇફ બોર્ડ દ્વારા જે ભલામણ કરવામાં આવશે તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે.”

પ્રોફેસર રણજીત દેવકર જણાવે છે કે “મગરને ખસેડ્યા બાદ તેમને સેન્ટ્રલ ઝૂ ઑથૉરિટીના નિયમ મુજબ ધ્યાન રાખવાનું હોય છે. જેમાં મગરને શું ખાવાનું આપવાનું, ક્યારે આપવાનું તેમજ તેમને કયાં વાતાવરણમાં રાખવા અને કેટલો સમય આરામ આપવો તે દરેક બાબત માટેના નિયમો છે. જેનું ચુસ્ત પાલન થવું જોઈએ.”

પ્રોફેસર દેવકર વધુમાં જણાવે છે કે “મગરોને જે વિસ્તારમાંથી પકડ્યા હોય તે જ વિસ્તારમાં પાછા છોડવા જોઈએ.”

લોકોએ શું કરવું?

ડૉ. દેવકર કહે છે કે “નદીનું ખોદકામ શરૂ થશે એટલે મગર, સાપ જેવાં પ્રાણીઓ બહાર આવશે જેથી આસપાસની વસાહતો અને સોસાયટીના લોકોએ ધ્યાન રાખવું જોઈએ. વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશને તે માટે હેલ્પલાઇન પણ જાહેર કરવી જોઈએ કે કોઇ મગર, સાપ, ટર્ટલ ,શાહૂડી જેવાં પ્રાણીઓ દેખાય તો લોકો ઑથૉરિટીને ફોન કરે. જેથી ઑથૉરિટી તેમને રૅસ્ક્યૂ કરીને સુરક્ષિત વાતાવરણમાં કે વિસ્તારમાં ફરી છોડી.”

લક્ષ્યાંક જણાવે છે કે “વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ટૉલ-ફ્રી નંબર છે. કામગીરી દરમિયાન જરૂર જણાશે તો અમે તે હેલ્પલાઇન નંબરનો યોગ્ય પ્રચાર પણ કરીશું અને લોકોને અમારો સંપર્ક કરવા અપીલ કરીશું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS