Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, વલસાડ, દીવાળીબહેન ભીલ, રામીબહેન, ગજરીબહેન,

ઇમેજ સ્રોત, Apoorva Parekh

ગુજરાતના વલસાડમાં એક અજબનો કિસ્સો બન્યો છે. બે બહેનોએ આખી જિંદગી એકબીજાનો સાથ આપ્યો, એકબીજાનો સહારો રહ્યાં, એટલું જ નહીં પણ બંને બહેનોને એકબીજા પર એટલો પ્રેમ હતો કે એક વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતાં.

છેલ્લે જ્યારે મોત આવ્યું ત્યારે બંને બહેનોએ એક દિવસમાં જ જીવ છોડી દીધો.

વલસાડની એક હૉસ્પિટલમાં મોટી બહેનનું મોત થયું એનો આઘાત નાની બહેન જીરવી ન શકી અને આઘાતમાં નાની બહેન પણ એ જ દિવસે મોતને ભેટી.

નોંધનીય છે કે શુક્રવારે સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ 84 વર્ષીય મોટાં બહેન રામીબહેનનું મૃત્યુ થયું હતું, જેની લગભગ 10-15 મિનિટમાં જ નાનાં બહેન એવાં 82 વર્ષીય ગજરીબહેનનું પણ મોત થઈ ગયું.

આ બંને બહેનો વલસાડ સહિતના વિસ્તારોમાં ‘દિવાળીબહેન ભીલ’ તરીકે જાણીતાં હતાં.

‘બંનેનાં મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયાં’

બીબીસી ગુજરાતી, ગુજરાત, વલસાડ, દીવાળીબહેન ભીલ, રામીબહેન, ગજરીબહેન,

ઇમેજ સ્રોત, Apoorva Parekh

શુક્રવારે સવારે નવ વાગ્યે વલસાડની સિવિલ હૉસ્પિટલમાં સારવારાર્થે પહોંચેલાં રામીબહેન માંગ ચક્કર આવ્યાં બાદ મોતને ભેટ્યાં હતાં.

તેમનો મૃતદેહ જોઈ તેમની સાથે આવેલાં તેમનાં નાનાં બહેન પણ ઢળી પડ્યાં અને તેમણે પણ પ્રાણ ત્યાગી દીધા હતા.

વલસાડ સિવિલ સર્જન ડૉ. ભાવેશ ગોયાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે બંને બહેનનાં મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયાં છે.

તેમણે વધુમાં કહ્યું, “વલસાડ સિવિલમાં ફિઝિશિયન પાસે સારવારથી આવેલાં બે વૃદ્ધ મહિલાઓ 10થી 15 મિનિટના સમય ગાળામાં મૂર્છિત થઈ ગયાં હતાં. આવી ઘટનામાં સામાન્ય રીતે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોય એવું કહી શકાય. બંનેની ઉંમર હતી, જેના કારણે આ પ્રકારનો હુમલો સામાન્ય કહી શકાય.”

સિવિલ હૉસ્પિટલમાં એક સાથે બે મહિલાનાં મોતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોકે, એક સાથે મોતને ભેટેલાં આ બહેનોના જીવનની વાત પણ અનોખી છે.

મહિલાના પુત્ર શાંતારામભાઈએ બીબીસીને જણાવ્યું કે “રામીબહેન માંગ બ્લડપ્રેશરની બીમારીથી પીડાતાં હતાં. જેઓ તેમના જીવનભરનાં સાથી એવાં નાનાં બહેન ગજરીબહેન સાથે સિવિલ હૉસ્પિટલમાં ગયાં હતાં. જ્યાં તેમને ચક્કર આવ્યાં અને ઢળી પડ્યાં હતાં અને તેમને જોઈ તેમનાં નાનાં બહેન ગજરીબહેન પણ ઢળી પડ્યાં અને મોતને ભેટ્યાં હતાં.”

આજીવન સાથે રહેવું હતું, બંને બહેનોના પતિ એક

બીબીસી ગુજરાતી, ગુજરાત, વલસાડ, દીવાળીબહેન ભીલ, રામીબહેન, ગજરીબહેન,

ઇમેજ સ્રોત, Apoorva Parekh

વલસાડ-પારડીના બરુડિયાવાડમાં રહેતાં અને વલસાડનાં ‘દિવાળીબહેન ભીલ’ના નામે ઓળખાતાં આ બંને બહેનો જોડિયાં નહોતાં છતાં શરૂઆતથી જ તેઓ એવું સહજીવન જીવતાં હતાં કે તેમણે એક જ વ્યક્તિ (ઉક્કડભાઈ) સાથે લગ્ન કર્યાં અને તેમણે પોતાનું જીવન સુખેથી સંપીને કાઢ્યું હતું અને અંતે આ ઘટના બાદ એવું કહેવાઈ રહ્યું છે કે મોતમાં પણ તેમણે એકબીજાનો સાથ ન છોડ્યો હતો.

રામીબહેન બાદ ગજરીબહેનની ઉક્કડભાઈ સાથે લગ્ન કરવાની વાત પણ ખૂબ રસપ્રદ હોવાનું મનાય છે.

શરૂઆતમાં રામીબહેનનાં લગ્ન ઉક્કડભાઈ સાથે થયાં હતાં.

પરિવારજનો અનુસાર જ્યારે તેમનાં નાનાં બહેન ખેરગામ નજીકના પાણીખડક ગામે તેમના મંગેતર સાથે રહેવા ગયાં હતાં.

જોકે, તેમના મંગેતર ઝઘડાળુ હોઈ અને તેમને દારૂના નશાની આદત હોઈ તેઓ ત્યાંથી તેમનાં મોટાં બહેન રામીબહેનને ત્યાં આવી ગયાં અને તેમના પતિ ઉક્કડભાઈ સાથે લગ્ન કરી ત્યાં જ રહેવા લાગ્યાં હતાં.

બંને બહેનો વલસાડ વિસ્તારમાં ‘દિવાળીબહેન ભીલ’ તરીકે જાણીતાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, વલસાડ, દીવાળીબહેન ભીલ, રામીબહેન, ગજરીબહેન,

ઇમેજ સ્રોત, Apoorva Parekh

ઉક્કડભાઈના પુત્ર શાંતારામભાઈએ જણાવ્યું કે તેમના પિતાનું અવસાન 2002માં થયું હતું.

ત્યાર બાદ તેમનાં માતા રામીબહેન અને માસી ગજરીબહેને ગાવાનું છોડી દીધું હતું. આ અગાઉ બંને બહેનો ઉક્કડભાઈ સાથે ભજન પાર્ટીમાં ગાવાં જતાં હતાં.

ઉક્કડભાઈ હાર્મોનિયમ વગાડતા અને તેમની ભજન પાર્ટીનું નામ ‘શ્રી આદ્યશક્તિમંડળ’ હતું.

શાંતારામભાઈ આગળ જણાવે છે કે, “મારાં માતા અને માસીનો અવાજ ખૂબ જ મધુર હોઈ તેમને વલસાડના દિવાળીબહેન ભીલ કહેતાં હતાં. તેઓ વલસાડ જ નહીં, પરંતુ આજુબાજુનાં ગામોમાં ભજનકીર્તન તેમજ નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવવાં હતાં.”

તેમણે પોતાનાં માતા અને માસી અંગે વધુમાં જણાવ્યું કે, “તેઓ કોઈ પણ કામે સાથે જ જતાં, દીકરા-દીકરીને કહેતાં ન હતાં. એકબીજાનો સહારો તેઓ જ હતાં.”

બે ભાઈ અને ત્રણ બહેનનો પરિવાર છે

બીબીસી ગુજરાતી, ગુજરાત, વલસાડ, દીવાળીબહેન ભીલ, રામીબહેન, ગજરીબહેન,

ઇમેજ સ્રોત, Apoorva Parekh

ઉક્કડભાઈ અને રામીબહેનનાં એક પુત્ર અને બે પુત્રી હતાં. જ્યારે ગજરીબહેનનાં એક પુત્ર અને એક પુત્રી હતાં. આજે પણ બધાં ભાઈબહેનો સંપથી જ રહે છે.

ઉક્કડભાઈએ પોતાના ઘરની બાજુમાં જ ગજરીબહેનને ઘર બનાવી આપ્યું હતું. જ્યાં તેમનો પરિવાર રહે છે.

વાંસનાં ટોપલાં બનાવવા તેમનો પરંપરાગત વ્યવસાય છે. આજે પણ આ પરિવાર વાંસનાં ટોપલાં બનાવી ગુજરાન ચલાવે છે. બંને બહેનો પણ દિવસ દરમિયાન આ કામ કરતાં હતાં.

નોંધનીય છે કે બંને મૃતક બહેનો મહારાષ્ટ્રના થાણે નજીકના વિસ્તારના માંગ મરાઠી આદિવાસી પરિવારમાંથી આવે છે.

તેમનો પરિવાર ભજનકીર્તન સાથે જોડાયેલો હોઈ તેઓ દારૂબંધીના હિમાયતી હતાં.

તેમના પુત્ર શાંતારામે જણાવ્યું કે, “અમારા પરિવારમાં આજે પણ આ દૂષણ નથી. દારૂના દૂષણે અનેક યુવાનો મોતને ભેટતાં હોઈ, મારા પપ્પા ઉક્કડભાઈની ભજનમંડળીમાં દારૂ છોડવા હંમેશાં અપીલ કરતા. તેઓ દારૂનો નશો કરનારને સમજાવતા અને પોતાના ગુરુ પાસે લઈ જઈ દારૂ નહીં પીવાનું પ્રણ પણ લેવડાવતા હતા.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS