Home તાજા સમાચાર gujrati શિમલા કરાર શું છે જેમાંથી બહાર નીકળવાની પાકિસ્તાને વાત કરી?

શિમલા કરાર શું છે જેમાંથી બહાર નીકળવાની પાકિસ્તાને વાત કરી?

2
0

Source : BBC NEWS

શિમલા કરાર બાદ પૂર્વ પાકિસ્તાન અલગ થઈને બાંગ્લાદેશ બન્યું અને બેઉ દેશોમાં મતભેદો શાંતિથી ઉકેલવા પર સહમતી સધાઈ

ઇમેજ સ્રોત, STF/AFP VIA GETTY IMAGES

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં 1972ના જુલાઈ મહિનામાં જોરદાર ગરમાગરમી હતી.

એ સમય હતો, જ્યારે પાકિસ્તાનના સૈન્યે પૂર્વ પાકિસ્તાનમાં ભારતીય સૈન્ય સામે આત્મસમર્પણ કરી દીધું હતું. પાકિસ્તાનના સત્તાવાર આંકડા અનુસાર, 73,000 યુદ્ધકેદીઓ ભારતની કેદમાં હતા. તેમાં 45,000 સૈનિકો અથવા અર્ધસૈનિકોનો પણ સમાવેશ થતો હતો. પશ્ચિમ પાકિસ્તાનનો લગભગ 5,000 ચોરસ માઇલ વિસ્તાર ભારતના કબજામાં હતો.

આ પશ્ચાદભૂમાં ભારતીય વડાં પ્રધાન ઇંદિરા ગાંધી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની શિમલામાં મુલાકાત થવાની હતી. એ મુલાકાતમાં જે થયું તેને શિમલા કરાર કહેવામાં આવે છે.

કરાર પર 2 જુલાઈ, 1972ની તારીખ નોંધાયેલી છે, પણ વાસ્તવમાં આ દસ્તાવેજ પર ત્રીજી જુલાઈની સવારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના 1971ના યુદ્ધ પછી પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ નામનો એક સ્વતંત્ર દેશ બની ગયું હતું. બન્ને દેશ શાંતિપૂર્ણ રીતે પારસ્પરિક વાતચીત મારફતે અને અન્ય શાંતિપૂર્ણ રીતો વડે પોતાના મતભેદોનું નિરાકરણ પારસ્પરિક સહમતી વડે કરવા સહમત થયા હતા.

શિમલા કરાર પરની સમજૂતીના દસ્તાવેજ પરની તારીખ 2 જુલાઈ પરંતુ વાસ્તવમાં દસ્તાવેજ પર સહીઓ 3 જુલાઈના રોજ કરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનમાં રાજકીય પરિસ્થિતિ એવી હતી કે તેનું કોઈ બંધારણ જ ન હતું. 1970ની સામાન્ય ચૂંટણી મારફત ચૂંટાયેલી નૅશનલ ઍસૅમ્બ્લીના ભવિષ્ય બાબતે કશું નિશ્ચિત રીતે કહી શકાય તેવું ન હતું. ચૂંટણીમાં હારી ગયેલા પક્ષો ચૂંટણી રદ્દ કરવાની માગણી કરી રહ્યા હતા.

એ દરમિયાન ભારતીય વડાં પ્રધાન ઇંદિરા ગાંધી એક વિજયી દેશનાં નેતા તરીકે ભારતીય નાગરિકોમાં વધારે લોકપ્રિય બની ગયાં હતાં.

એ સંજોગોમાં ભારતમાં ‘પાકિસ્તાનને પાઠ ભણાવવા’ની યોજનાની વાતો થઈ રહી હતી અને અનેક અખબારો જણાવતાં હતાં કે કાશ્મીર સહિતના તમામ બાકી વિવાદોનું નિરાકરણ ભારતીય શરતો અનુસાર કાયમી ધોરણે કરવા ‘પરાજિત પાકિસ્તાન’ને મજબૂર કરવામાં આવે.

પૂર્વ પાકિસ્તાનમાં આત્મસમર્પણ બાદ પાકિસ્તાની સૈન્યમાં અશાંતિ વધી ગઈ હતી અને ભારતમાં કેદ થયેલા સૈનિકોને મુક્ત કરાવવાનો કોઈ માર્ગ દેખાતો ન હતો, કારણ કે પાકિસ્તાનનું કોઈ બંધારણ ન હતું. તેથી માર્શલ લૉ નિયમ બહાર પાડવામાં આવ્યા હતા અને સત્તા એક નાગરિકને હસ્તાંતરિત કરવામાં આવી હતી. આ રીતે એક સિવિલિયન ચીફ માર્શલ ઍડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવામાં આવી હતી.

જોકે, ઇંદિરા ગાંધી પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયાર ન હતાં. પાકિસ્તાનના સિવિલિયન ચીફ માર્શલ ઍડમિનિસ્ટ્રેટર તરીકે રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો રશિયા ગયા હતા અને જણાવ્યું હતું કે પાકિસ્તાન, ભારત પર તેના જૂના મિત્ર રશિયા મારફત મંત્રણા શરૂ કરવા માટે દબાણ લાવવા ઇચ્છતું હતું. અનેક રાજદ્વારી પ્રયાસો પછી ઇંદિરા ગાંધી પાકિસ્તાન સાથે વાતચીત કરવા તૈયાર થયાં હતાં.

મંત્રણાનો પ્રારંભઃ ‘અમે અમારી જીત પર શરમ અનુભવતા’

ભારતની સેનાએ પાકિસ્તાનની 5 હજાર વર્ગ માઇલ જમીન પર કબજો કરી લીધો હતો અને પાકિસ્તાનની સેનાના સૈનિક અને અર્ધસૈનિક સહિત 73 હજાર યુદ્ધ કેદીઓ ભારતના તાબામાં હતા

ઇમેજ સ્રોત, Getty Images

સંપર્ક ફરી શરૂ થયો અને પ્રતિનિધિમંડળોની આવ-જા શરૂ થઈ. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભારત આવીને મંત્રણા કરશે એવો નિર્ણય થયો, જેથી પ્રારંભિક સ્તરે જે નક્કી કરવામાં આવી રહ્યું હતું તેને ઔપચારિક કરારનું સ્વરૂપ આપી શકાય.

મંત્રણાના પ્રારંભે ભારત સ્પષ્ટ રીતે એક વિજયી દેશ હતો, પણ એક ભારતીય રાજદ્વારી અધિકારીના જણાવ્યા મુજબ, મંત્રણા દરમિયાન એક તબક્કો એવો આવ્યો હતો, જ્યારે વિજયી દેશ ‘શરમ’ અનુભવતો હોય એવું લાગતું હતું.

ભારત તરફથી મંત્રણા કરનારી ટીમના એક અધિકારી કેએન બક્ષીએ 2007માં એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે પાકિસ્તાની સૈન્યે આત્મસમર્પણ કરી દીધું હતું અને આખું વિશ્વ ભારતની પડખે હતું, “છતાં અમે કશું વધુ મેળવી શક્યા નહીં. અમે અમારી જીત પર શરમ અનુભવતા હતા. કરાર કરવાની ઇચ્છામાં અમે પાકિસ્તાન સામે વધુને વધુ ઝૂકતા જતા હતા.”

ભારતના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર ઉદય બાલકૃષ્ણને ઇંદિરા ગાંધીના જન્મદિવસ નિમિત્તે ધ હિન્દુ દૈનિકના 20 નવેમ્બર, 2019ના અંકમાં એક લેખ લખ્યો હતો. તેમાં તેમણે ઇંદિરા ગાંધીને વખાણ્યાં પછી 1972ના શિમલા કરારને ઇંદિરા ગાંધીની ‘રાજકીય ભૂલ’ ગણાવ્યો હતો.

તેમણે લખ્યું હતું કે “આપણે એ ક્યારેય જાણી નહીં શકીએ કે કઈ પરિસ્થિતિએ 1971ના યુદ્ધ પછી ઇંદિરા ગાંધીને પાકિસ્તાન સાથે એક નુકસાનકારક સોદો કરવા મજબૂર કર્યાં હતાં. શિમલા કરાર અને એ પછી દિલ્હી કરારે પાકિસ્તાનને એ બધું જ આપ્યું હતું, જે પાકિસ્તાન ઇચ્છતું હતું: પાકિસ્તાનના જે વિસ્તારો ભારતીય સૈન્યે કબજે કર્યા હતા તે પરત આપવા અને પાકિસ્તાની સૈન્યના તમામ અધિકારીઓ પર બાંગ્લાદેશમાં નરસંહારના આરોપસર કેસ ચલાવ્યા વિના બધાની સલામત પાકિસ્તાન વાપસી.”

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ડૉ. બાલકૃષ્ણને લખ્યું હતું કે “પાકિસ્તાન સાથેના સંબંધમાં ભારતનો હાથ ઉપર હોવાની ઘટના, ભારતે તેની તાકાતને જોરે પાકિસ્તાનના 5,000 ચોરસ માઇલ વિસ્તાર પર કરેલો કબજો હતી અને પાકિસ્તાની સૈન્યના લગભગ 25 ટકા હિસ્સાને ભારતે યુદ્ધબંદી બનાવી લીધો હતો.”

“ભારતે એ બન્ને પાકિસ્તાનના આસાનીથી પરત શા માટે કર્યા હતા એ આશ્ચર્યજનક વાત છે.”

ભારતના ભૂતપૂર્વ રાજદ્વારી અધિકારી શશાંક બેનરજીએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના યુદ્ધકેદીઓને પરત મોકલવાનો નિર્ણય, શેખ મુજીબુર રહેમાનને તેમના દેશમાં જીવતા અને સહીસલામત મોકલવા માટે લેવામાં આવ્યો હતો.

શશાંક બેનરજીની આ દલીલનો જવાબ આપતાં ડૉ. બાલકૃષ્ણને લખ્યું હતું કે “શશાંકની આ વાત યોગ્ય નથી. યુદ્ધકેદીઓને 1973ના દિલ્હી કરાર પછી પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા હતા, જ્યારે શેખ મુજીબુર રહેમાન એ કરાર થયાના ઘણા સમય પહેલાં જાન્યુઆરી, 1972માં જ બાંગ્લાદેશ પહોંચી ચૂક્યા હતા.”

શિમલા કરાર સમયે ભારતમાં કેવો લોકમિજાજ હતો?

શિમલા કરાર માટે પાકિસ્તાનના વડા પ્રધાન 84 લોકોનો કાફલો લઈને આવ્યા હતા જેમાં રાજનેતાઓ, પત્રકારો, બુદ્ધિજીવીઓ, સૈન્ય અધિકારી ઉપરાંત બેનઝીર ભુટ્ટો પણ હતાં

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, ઇંદિરા ગાંધીના નિર્ણય બાબતે એવું કહેવામાં આવે છે કે પાકિસ્તાનની હાર પછી તેઓ એવા કરાર પર સહીસિક્કા કરવા ઇચ્છતા ન હતાં જે પ્રથમ વિશ્વયુદ્ધના ‘વર્સાય કરાર’ જેવો હોય. એ કરારની અપમાનજનક શરતોને કારણે જર્મનીમાં બદલો લેવાની કટ્ટર ભાવના જન્મી હતી અને તેના પરિણામે જર્મનીમાં નાઝી નેતૃત્વનો ઉદય થયો હતો.

કેએન બક્ષીએ આ કરાર બાબતે શિમલામાં લેવામાં આવનારાં અંતિમ પગલાંઓની કહાણી 2007ના એક ઇન્ટર્વ્યૂમાં જણાવી હતી. તે વાંચતા સમજાય છે કે ભારતીય સૈન્યની જીત પછી શિમલા કરારમાં રાજદ્વારી સ્તરે ‘હારવા’નું કારણ, ‘વર્સાય સિન્ડ્રોમ’ સાથેની પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની ‘ઉચ્ચ વ્યૂહરચના’ પણ હતી.

ભારતીય મંત્રણા ટીમના અધિકારી કેએન બક્ષીના શબ્દોમાં શિમલાની કહાણી

પ્રોફેસર ગૈરી જે બોસનું માનવું છે કે ઇંદિરા ગાંધીએ ખૂબ ચતુરાઈથી ભુટ્ટોની પાકિસ્તાનની સેનાની ચિંતાઓનો લાભ લઈને બાંગ્લાદેશને માન્યતા અપાવવાની કોશિશ કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

“(શિમલા કરારની) તમામ તૈયારી દરમિયાન અમે કેટલાક મુખ્ય મુદ્દાઓ ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો. પહેલી વાત એ હતી કે ભુટ્ટો ભરોસાપાત્ર ન હતા. અમે તેમના પર ભરોસો કરી શકીએ તેમ નહોતું. વાતચીતમાં તો અમે ત્યાં સુધી કહેતા હતા કે ભુટ્ટો પર તેમનાં માતા પણ સંપૂર્ણ ભરોસો કરી શકે નહીં.

1000 વર્ષ સુધી ભારત સાથે યુદ્ધની વાત કહેનારા ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ત્યારે બહુ મીઠા બની ગયા હતા. તેઓ દૂધ અને મધની નહેરો, શાંતિ તથા સમૃદ્ધિની વાતો કરી રહ્યા હતા. એ બધું અમારા કાન માટે મધુર સંગીત જેવું હતું (અને અમે તેમનો ભરોસો કરતા હતા).

અમારી સામે બહુ મીઠીમીઠી વાતો કરવામાં આવી રહી હતી. જેમ કે ” આપણા બન્ને દેશની જનતા શાંતિ વડે જ પ્રગતિ કરી શકશે. બન્ને દેશ વચ્ચેના સંઘર્ષ અને યુદ્ધના ઇતિહાસ પર પૂર્ણવિરામ મૂકવું પડશે. મારો ભરોસો કરજો, હું જ્યારે આવું કહું છું ત્યારે મને એવી અનુભૂતિ થાય છે કે આપણે માત્ર આ માર્ગે જ પ્રગતિ કરી શકીએ તેમ છીએ. ”

ભુટ્ટોએ તેમની બધી વાતો જાહેર અને ખાનગી રીતે આમ જ કરી હતી. તેમણે ભારતીય પત્રકારોને જણાવ્યું હતું કે નવી યુદ્ધવિરામ રેખા ‘લાઇન ઑફ પીસ’ હોવી જોઈએ. તેઓ તેમની લોકતાંત્રિક હેસિયત પર ભાર મૂકતા રહ્યા હતા. લાંબા સમય સુધી લશ્કરી શાસન પછી પહેલી વાર તેઓ પાકિસ્તાનમાં ચૂંટાયેલા નેતા બન્યા હતા.

(તેઓ એવું દર્શાવતા હતા કે) તેમને લોકશાહીના રક્ષણ માટે મદદ જોઈએ છે, કારણ કે શાંતિ જેવા પાયાના મુદ્દે માત્ર લોકતાંત્રિક સરકાર જ નિર્ણય કરી શકે છે. તેથી તેમને એક કરારની જરૂર હતી, જે તેઓ પાકિસ્તાની નાગરિકોને દેખાડી શકે. આ તેમનું પાત્ર ભજવવાનું એક પાસું હતું.

(આ રાજદ્વારી નાટકમાં) બીજી ભૂમિકા અઝીઝ અહમદે ભજવી હતી અને એ પાત્ર સંપૂર્ણપણે નકારાત્મક હતું. જટિલ, અહંકારી અને એ પ્રકારનું હતું, જેમ કે પાકિસ્તાનીઓએ ભારત સાથે હંમેશાં ખરાબ વર્તન જ કર્યું છે. એ લગભગ હોલીવૂડની ફિલ્મના દૃશ્ય જેવું હતું, જેમાં એક પોલીસવાળો સારો હોય છે અને બીજો ખરાબ. બન્ને પોલીસ સાથે મળીને એક જ લક્ષ્યને હાંસલ કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

અઝીઝ અહમદે એક ખરાબ પોલીસની ભૂમિકા ભજવી હતી. તેઓ ઓછું બોલતા હતા, પણ જ્યારે બોલતા ત્યારે એક જ વાત અલગઅલગ રીતે કહેતા હતા અને તેમાં જમ્મુ-કાશ્મીર સહિતના આપણા સંબંધનાં તમામ પાસાં બાબતે મોટા ભાગે પાકિસ્તાનનું પરંપરાગત વલણ જ જોવા મળતું હતું.”

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

(ઇસ્લામાબાદમાં દૈનિક મસાવતના તત્કાલીન સંવાદદાતા અહમદ હસન અલ્વી શિમલા પ્રતિનિધિમંડળનો હિસ્સો હતા. તેમણે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ‘દિગ્દર્શિત રાજકીય નાટક’ બાબતે ઘણાં વર્ષો પછી તેમના દોસ્તોને જણાવ્યું હતું. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ તેમનાં પુત્રી બેનઝીર ભુટ્ટોના સ્મિતથી માંડીને વસ્ત્રોની પસંદગી સુધીની સૂચના આપી હતી. કેએન બક્ષીએ કરેલી વાતોનો તાળો અહમદ હસન અલ્વીની વાતોમાં મળે છે. એ મુજબ, ભુટ્ટો એક માહોલ બનાવવા ઇચ્છતા હતા. તેમાં બધાએ કંઈને કંઈ ખાસ સંવાદ બોલવાના હતા અને એ નાટકનો મંચ કોઈ થિયેટરમાં નહીં, પણ શિમલાના એ બંગલામાં હતો, જ્યાં મંત્રણા ચાલી રહી હતી.)

આ (રાજકીય નાટકના) પ્રોડક્શનમાં અભિનેતાઓનું એક ત્રીજું ગ્રૂપ પણ સામેલ હતું. ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સંપૂર્ણ તૈયારી સાથે શિમલા આવ્યા હતા. તેઓ 84 સભ્યોનું પ્રતિનિધિમંડળ લઈને આવ્યા હતા. તેમાં રાજકારણીઓ, સરકારી કર્મચારીઓ, ગુપ્તચર અધિકારીઓ, પત્રકારો, બુદ્ધિજીવીઓ અને સૈન્યના અધિકારીઓ સામેલ હતા. ભારતમાં પ્રભાવ ધરાવતા પાકિસ્તાની નેતાઓ પણ તેમના પ્રતિનિધિમંડળમાં સામેલ હતા.

તેઓ નૅશનલ અવામી પાર્ટીના વલી ખાનને પણ ભારત લાવ્યા હતા. વલી ખાનને ભારતમાં ફ્રેન્ડલી પૉલિટિશિયન ગણવામાં આવતા હતા અને ભારતમાં તેમના ઘણા પ્રશંસકો અને દોસ્તો પણ હતા. ભુટ્ટો તેમની સાથે પંજાબના તત્કાલીન મુખ્ય સચિવને પણ લાવ્યા હતા, જે કાશ્મીરી હતા અને અનેક ભારતીય અધિકારીઓ તેમને વ્યક્તિગત ઓળખતા હતા.

આપણે યજમાન દેશ હતા. આપણી આસપાસ ઘણા લોકો હતા, પરંતુ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો જે કંઈ કરી રહ્યા હતા એ તેમની સુસંકલિત અને સુઆયોજિત યોજના હતી. ભુટ્ટો જે લોકોને તેમની સાથે લાવ્યા હતા, એ બધા તેમના દોસ્તો અને તેમની સાથે વાત કરવા તૈયાર હોય એવી કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા.

(કરારમાં દ્વીપક્ષી શરતો બાબતે સહમતી સધાઈ હતી એ સવાલના જવાબમાં) તેઓ સામાન્ય શરતોમાં પ્રસ્તાવિત લગભગ દરેક બાબત વિશે સહમત થયા હતા, પણ શિમલા કરાર પર નજર કરીએ તો મને લાગે છે કે કરારને બે હિસ્સામાં વહેંચવામાં આવ્યો છે. એક નક્કર કરાર અને બીજું તેનું પ્રત્યક્ષ સ્વરૂપ.

અમે માનતા હતા કે ભુટ્ટો છેતરપિંડી કરી રહ્યા નથી. અમે સ્થાયી શાંતિ ઇચ્છીએ છીએ કે એકમેકની વિરુદ્ધ શત્રુતાપૂર્ણ પ્રોપેગેન્ડા નહીં ચલાવીએ કે પછી અમે તમામ સમસ્યાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલીશું, સંબંધ સામાન્ય બનાવીશું, વ્યાપાર, આર્થિક સહયોગ વિજ્ઞાન અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં આદાન-પ્રદાન તથા સહયોગ કરીશું, એવું અમે જ્યારે કહેતા હતા ત્યારે તેઓ બધું માની લેતા હતા.

ઇન્દિરા ગાંધી, શિમલા કરાર

ઇમેજ સ્રોત, Getty Images

બે તરફી દૃષ્ટિકોણ જ આ નિર્ણયોનો આધાર હતો. આવી જોગવાઈઓનો અમલ કરવાનું સંપૂર્ણપણે બન્ને પક્ષોની રાજકીય પ્રતિબદ્ધતા પર જ નિર્ભર હોય છે, પરંતુ આ કરારના અમલમાં પણ બે ચાલાકી જોડી દેવામાં આવી હતી.

પાકિસ્તાન તરફથી (શિમલા કરારમાં) સામેલ કરવામાં આવેલા પૅરાગ્રાફ નંબર 1.1માં જણાવવામાં આવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘના નિયમ અને ઉદ્દેશ બન્ને દેશો વચ્ચેના સંબંધની પ્રકૃતિ તથા મંત્રણાની દિશા નક્કી કરશે. એ પછી પૅરાગ્રાફ 1.5 (6)માં જણાવવામાં આવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘના ચાર્ટર અનુસાર તેઓ શક્તિના ઉપયોગના જોખમથી દૂર રહેશે.

સૌથી વધુ ચાલાકી પૅરાગ્રાફ નંબર 4.1માં છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લાઇન ઑફ કંટ્રૉલનું 19 ડિસેમ્બર, 1971ના યુદ્ધવિરામના પરિણામમાં બન્ને પક્ષો તરફથી, કોઈ પણ પક્ષની સ્વીકાર્ય પૉઝિશનને પૂર્વગ્રહ વિના આદર આપવામાં આવશે.

આ અનુચ્છેદ નિશ્ચિત રીતે જ, વડાં પ્રધાન ઇંદિરા ગાંધી અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો વચ્ચે થનારી સીધી વાતચીત દરમિયાન અંતિમ સમયમાં ઉમેરવામાં આવ્યા હતા. (તેનો જવાબ આપતાં બક્ષીએ કહ્યું હતું કે એ તો એવું હતું કે લાઇનમાં ફેરફાર તો કરવામાં આવશે, પણ ભુટ્ટો કાશ્મીર વિશેનો પોતાનો દાવો પડતો મૂકશે નહીં) પાકિસ્તાન એવું માને છે કે સમગ્ર ક્ષેત્ર વિવાદિત છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રસ્તાવોના મુદ્દાનું નિરાકરણ જનમત સંગ્રહના માધ્યમથી થવું જોઈએ.

તેમણે આ પૉઝિશન જાળવી રાખી હતી. એક અન્ય દિલચસ્પ વાત એ છે કે વેપાર, પ્રવાસ, કૉમ્યુનિકેશન અને રાજદ્વારી ઑફિસો ફરી શરૂ કરવા બાબતે કોઈ અન્ય જોગવાઈમાં કોઈ સમય નક્કી કરવામાં આવ્યો ન હતો, પરંતુ પાકિસ્તાની ક્ષેત્રમાંથી ભારતીય સૈનિકોની વાપસી માટે કરાર અમલી બનાવવા માટે લગભગ 30 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.

પૅરાગ્રાફ નંબર 6નું અંતિમ વાક્ય બહુ મહત્ત્વનું હતું. તેમાં જમ્મુ-કાશ્મીરની અંતિમ સમજૂતીના શબ્દને સ્પષ્ટ રીતે ઉમેરવામાં આવ્યો હતો.

કરારથી બન્ને દેશોને શું મળ્યું?

ઇન્દિરા ગાંધી, શિમલા કરાર, ભારત, પાકિસ્તાન, ઝુલ્ફીકાર અલી ભુટ્ટો

ઇમેજ સ્રોત, Getty Images

પ્રિન્સ્ટન યુનિવર્સિટીની વૂડરો વિલ્સન સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મામલાઓના પ્રોફેસર ગેરી જે બોસે ઇન્ટરનૅશનલ સિક્યૉરિટી નામના એક જર્નલમાં લખ્યું છે કે “ભારત માટે કથિત રીતે યુદ્ધ અપરાધોમાં સંડોવાયેલા પાકિસ્તાની સૈનિકો પર કેસ ચલાવવા કરતાં કાશ્મીર મુદ્દાનું કાયમી નિરાકરણ વધારે મહત્ત્વનું હતું. તેમ છતાં ઇંદિરા ગાંધીએ ભુટ્ટોની પાકિસ્તાની સૈન્ય વિશેની ચિંતાનો બહુ જ ચતુરાઈપૂર્વક ઉપયોગ કરીને બાંગ્લાદેશને સ્વીકૃતિ અપાવવાનો પ્રયાસ કર્યો હતો.”

તેમના જણાવ્યા મુજબ, ઇંદિરા ગાંધીએ તેમની 12 જુલાઈની પત્રકાર પરિષદમાં મીડિયાને જણાવ્યા મુજબ, તેમણે ભુટ્ટોને કહ્યું હતું કે “યુદ્ધકેદીઓનો સવાલ છે ત્યાં સુધી આ મામલામાં એક ત્રીજા દેશને પણ આ સાથે ગાઢ સંબંધ છે. એ દેશ એટલે બાંગ્લાદેશ. જ્યાં સુધી બાંગ્લાદેશ પણ મંત્રણામાં સામેલ ન હોય ત્યાં સુધી આ મુદ્દાનું નિરાકરણ કરી શકાય નહીં. (એટલે કે પાકિસ્તાન તેને સ્વીકૃતિ ન આપે ત્યાં સુધી નિરાકરણ શક્ય નથી)”

ભારત પાકિસ્તાની સૈનિકોને તેમની સામે કેસ ચલાવવા માટે બાંગ્લાદેશને સોંપી દેશે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ભવિષ્યમાં વાતચીત અશક્ય બની શકે છે, એવા ભુટ્ટોના નિવેદન બાબતે તેમને પૂછવામાં આવ્યું હતું, ઇંદિરા ગાંધીએ બાંગ્લાદેશ બાબતે કહ્યું હતું કે “અમે એ વિશે વધારે કશું કરી શકીએ તેમ નથી, કારણ કે પાકિસ્તાની સૈન્યે બાંગ્લાદેશના સંયુક્ત કમાન્ડ સામે આત્મસમર્પણ કર્યું હતું. તેથી શું કરવું તેનો ફેંસલો બાંગ્લાદેશ સરકારે કરવાનો છે અને એ ઉપરાંત યુદ્ધના અપરાધના કેસ ચલાલવાનું જીનિવા કન્વેન્શનની વિરુદ્ધનું કામ નથી.”

બીજી તરફ ભારતની ઇચ્છાથી વિપરીત, શિમલા શિખર મંત્રણા અને જે કરાર થયો હતો એ પાકિસ્તાન માટે અપેક્ષાથી વધુ લાભકારક હતો. એ કરાર હેઠળ ભારતના કબજા હેઠળની પાકિસ્તાનની 5,000 ચોરસ માઇલ જમીન એ વર્ષના અંત સુધીમાં પાકિસ્તાનને પરત આપી દેવામાં આવી હતી.

વિખ્યાત સંશોધક ફરઝાના શેખે તેમના એક શોધપત્ર ‘ઝુલ્ફીકાર અલી ભુટ્ટોઃ ઇન પરસ્યૂટ ઑફ એશિયન પાકિસ્તાન’માં લખ્યું છે કે ભુટ્ટોએ બાંગ્લાદેશને સ્વીકૃતિ આપ્યા વિના કે પાકિસ્તાનના સૈનિકો પર યુદ્ધ અપરાધના કેસો ચલાલવા માટે તૈયારી દાખવ્યા વિના ભારત પાસેથી શાંતિનું વચન મેળવ્યું હતું. એ કરારે ભારતમાંથી પાકિસ્તાની યુદ્ધકેદીઓની મુક્તિનો માર્ગ મોકળો કર્યો હતો.

બેનઝીર ભુટ્ટોનો તેમના પિતાને સવાલ

બેનઝીર ભુટ્ટો શિમલા કરાર વખતે

ઇમેજ સ્રોત, Getty Images

‘ડોટર ઑફ ઇસ્ટ’ નામના પોતાના પુસ્તકમાં બેનઝીર ભુટ્ટોએ એક દૃશ્યનું વર્ણન કર્યું છે. તેમાં ઝુલ્ફીકાર અલી ભુટ્ટો કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ પોતાના રૂમમાં દાખલ થાય છે અને બેનઝીર તેમને પૂછે છે કે તમે યુદ્ધકેદીઓને બદલે યુદ્ધમાં હારેલા વિસ્તારો પરત મેળવવાને અગ્રતા શા માટે આપી હતી?

બેનઝીરે લખ્યું છે કે હું આશ્ચર્યચકિત હતી, કારણ કે યુદ્ધકેદીઓની વાપસીની તેમના પરિવારો રાહ જોઈ રહ્યા હતા. ઝુલ્ફીકાર અલીએ ભુટ્ટોએ તેમની પુત્રીને સવાલના જવાબમાં જણાવ્યું હતું કે ભારતીય વડાં પ્રધાને યુદ્ધબંધીઓ અથવા ભારતે જિતેલો પાકિસ્તાની પ્રદેશ એ બેમાંથી કોઈ એકને પરત આપવાની દરખાસ્ત મૂકી હતી.

ભુટ્ટોના જણાવ્યા મુજબ, તેમણે ભારતના કબજામાં આવી ગયેલો પ્રદેશ પરત આપવાની માગ કરી હતી, કારણ કે યુદ્ધકેદીઓ તો એક માનવીય મુદ્દો હોય છે. તેમને કાયમ રાખી શકાય નહીં. આંતરરાષ્ટ્રીય જનમત યુદ્ધકેદીઓને પાકિસ્તાન પરત મોકલી આપવા ભારતને મજબૂર કરશે. બીજી તરફ જિતાયેલો પ્રદેશ કોઈ માનવીય મુદ્દો નથી. તેને એકીકૃત કરી શકાય છે.

ભુટ્ટોએ પેલેસ્ટાઇનની જમીનનું ઉદાહરણ આપ્યું હતું. એ વર્ષો થયાં છતાં પરત મળી નથી. પાકિસ્તાન પાછા ફર્યા પછીના શરૂઆતનાં ભાષણોમાં તેમણે જાહેરાત કરી હતી કે આરબો તેમની જમીન પાછી મેળવવાના પ્રયાસ પાંચ વર્ષથી કરી રહ્યા છે. “મને મારી આ જમીન પાંચ મહિનાથી પણ ઓછા સમયમાં પાછી મળી ગઈ છે.” (ઇઝરાયલે 1967માં પશ્ચિમ જોર્ડન પર કબજો જમાવ્યો હતો. એ પ્રદેશ આજ દિવસ સુધી ઇઝરાયલના કબજામાં જ છે)

કાશ્મીરનો નવો બંધારણીય દરજ્જો અને શિમલા કરાર

સુરક્ષા નિષ્ણાત પ્રવીણ સાહની માને છે કે શિમલા કરાર આજે પણ અસરકારક છે અને બેઉ દેશો તણાવ બાદ પણ એના થકી વાતચીત પર જાય છે. તેઓ કહે છે કે 1947થી 1963 સુધી ભારત-પાકિસ્તાન સંવાદ માટે અનેક આંતરરાષ્ટ્રીય પ્રયાસો કરવામાં આવ્યા જેમાં સફળતા ન હતી મળી.

ઇમેજ સ્રોત, Getty Images

સવાલ એ છે કે આ કરારના પરિણામે ભુટ્ટોની કૂટનીતિથી પાકિસ્તાનને શું ફાયદો થયો હતો અને એ કરારને કારણે ઇંદિરા ગાંધીએ આજે પણ ટીકાનો સામનો શા માટે કરવો પડે છે?

પાકિસ્તાની વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, શિમલા કરાર હેઠળ બન્ને દેશો સંયુક્ત રાષ્ટ્રસંઘના સિદ્ધાંતો અને નિયમો મુજબ તેમની વચ્ચેના દ્વિપક્ષીય વિવાદોને શાંતિપૂર્ણ રીતે અને વાતચીતના માધ્યમથી ઉકેલવા બંધાયેલા છે. આ સંદર્ભમાં પાંચ ઑગસ્ટ, 2019ના રોજ ભારત દ્વારા જમ્મુ-કાશ્મીર રાજ્યની બંધારણીય સ્થિતિમાં કરાયેલું પરિવર્તન એક તરફી પગલું છે, જે શિમલા કરારનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.

શિમલા કરારમાં વિવાદોને દ્વિપક્ષી મંત્રણા મારફતે ઉકેલવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એ અનુચ્છેદની વ્યાખ્યાનો ભારત એવો અર્થ કરે છે કે દ્વિપક્ષીય મંત્રણાનો મતલબ એ છે કે હવે કોઈ પણ અન્ય પક્ષની, સંયુક્ત રાષ્ટ્રસંઘ સુધ્ધાંની, બન્ને દેશો વચ્ચેના વિવાદના નિરાકરણમાં કોઈ ભૂમિકા નથી.

તેનાથી વિપરીત શિમલા કરારના એ અનુચ્છેદની વ્યાખ્યા કરતાં પાકિસ્તાનનું કહેવું છે કે એ કરાર સંયુક્ત રાષ્ટ્રસંઘના ચાર્ટર અને નિયમોનું પાલન કરવા બંધાયેલો છે અને એ મુજબ જ બન્ને દેશો વચ્ચેના વિવાદોનું નિરાકરણ કરવાનું રહેશે.

આ સંબંધે ઇસ્લામાબાદમાં શિમલા કરારને આજે પણ એક પ્રમાણિક અને પ્રભાવી કરારના સ્વરૂપમાં સ્વીકારવામાં આવે છે. તેમજ એ વાત પર ભાર મૂકવામાં આવે છે કે શિમલા કરાર, દ્વિપક્ષી વિવાદમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની ભૂમિકા પર પૂર્ણવિરામ મૂકી શકે નહીં.

જોકે, કેટલાક વિશ્લેષકો હવે શિમલા કરારને એક ‘નકામો દસ્તાવેજ’ કહે છે.

‘શિમલા કરારમાં એકપક્ષી નિર્ણયોની કોઈ કલ્પના જ નથી’

સિક્યૉરિટી રિસ્ક એશિયાના સુરક્ષા સલાહકાર બ્રિગેડિયર રાહુલ ભોંસલે કહે છે કે બેઉ દેશો શિમલા કરારને લઈને આજે પણ પ્રતિબદ્ધ છે.

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે વાતચીત પછી કાશ્મીરની બંધારણીય સ્થિતિના નિર્ણય વિશે પુનર્વિચાર કરશે કે નહીં એ વિશે અત્યારે નિશ્ચિત રીતે કશું કહી શકાય તેમ નથી, પરંતુ આ ગતિવિધિથી ફરી એક વાર સાબિત થઈ ગયું છે કે ક્ષેત્રીય મામલાઓને વાતચીતના માધ્યમથી ઉકેલી શકાય છે, યુદ્ધ અને બળજબરીથી નહીં.

કાશ્મીરી બુદ્ધિજીવી, સંશોધક, કાયદા નિષ્ણાત અને ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના સિનિયર ફૅલો મિર્ઝા રાયબ બેગનું કહેવું છે કે શિમલા કરાર અત્યારે માત્ર ઉપયોગી જ નથી, બલકે બન્ને દેશ તેના અમલ માટે પ્રતિબદ્ધ પણ છે.

તેમણે કહ્યું હતું કે “શિમલા કરારનું ઉલ્લંઘન કરવા બદલ ભારતને સપડાવી નથી શકતું અને કોઈ આંતરરાષ્ટ્રીય દાવો પણ નથી કરી શકતું એ પાકિસ્તાનની અક્ષમતા છે. શિમલા કરારમાં એકપક્ષી નિર્ણયોની કોઈ કલ્પના જ નથી. આ સંદર્ભમાં માત્ર બે શક્યતા છે (1) કાં તો ભારતનો એકતરફી નિર્ણય ગેરકાયદે હતો અને પાકિસ્તાન શિમલા કરારના અમલમાં નિષ્ફળ રહ્યું છે અથવા (2) ભારતનો એ નિર્ણય એકપક્ષન ન હતો.”

મિર્ઝા સાયબ બેગ ભારપૂર્વક જણાવે છે કે પાકિસ્તાન તેના અધિકારો હેઠળ કરારના ઉલ્લંઘન બદલ ઇન્ટરનૅશનલ કોર્ટમાં કેસ કરવા ઇચ્છતું હશે, પણ તેણે આંતરરાષ્ટ્રીય અદાલતમાં કયા કારણસર કોઈ કેસ દાખલ કર્યો નથી એ પાકિસ્તાન વધારે સારી રીતે જાણતું હશે.

‘પ્રદેશમાં પરિસ્થિતિ શિમલા કરારના દૌરથી ઘણી આગળ વધી ગઈ છે’

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી ખુર્શીદ મહમૂદ કસૂરીને સવાલ કરવામાં આવ્યો હતો કે તમારા કાર્યકાળમાં ભારત સાથેની વાતચીત શિમલા કરારમાંની જોગવાઈ અનુસાર થઈ રહી હતી કે કેમ?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે “હવે પ્રદેશમાં પરિસ્થિતિ શિમલા કરારના દૌરથી ઘણી આગળ વધી ગઈ છે. પાછલા દાયકા સુધી તો લાહોર ડિક્લેરેશન અને ઇસ્લામાબાદ ડિક્લેરેશન મારફત વાત આગળ વધતી હતી. તેને કારણે બન્ને દેશે દ્વિપક્ષી મંત્રણા મારફત કાશ્મીર વિવાદનું એક નવું સમાધાન શોધી લીધું હતું. એ મુદ્દે વાત ઘણી આગળ વધી હતી.”

કસૂરીનું કહેવું હતું કે “ભારતના તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ સરક્રિક વિવાદના નિરાકરણના દસ્તાવેજ પર સહી કરવા માટે ઑગસ્ટ 2006માં ઇસ્લામાબાદ આવવાના હતા. એ વિવાદ લગભગ ઉકેલાઈ ગયો હતો અને કેટલાક મુદ્દાઓને અંતિમ સ્વરૂપ આપવાનું જ બાકી હતું, પણ ભારતમાં રાજ્યોની ચૂંટણીને કારણે તેમણે મુલાકાતની તારીખ બદલવા કહ્યું હતું.”

ખુર્શીદ કસૂરીના કહેવા મુજબ, “પાકિસ્તાનની ભૂલ એ થઈ કે મનમોહન સિંહને ડિસેમ્બરની નવી તારીખ આપવાને બદલે માર્ચ 2007ની તારીખ આપવામાં આવી હતી, પણ માર્ચ 2007માં મુખ્ય ન્યાયાધીશની ઘટના બની અને ફરીથી બધું અટકી ગયું.”

મુખ્ય ન્યાયાધીશનો વિવાદ વિદેશનીતિના આ મુદ્દા સંબંધી હતો કે કેમ એવા સવાલના જવાબમાં ખુર્શીદ કસૂરીએ કહ્યું હતું કે તે એક એવો મામલો છે, જેનો નિર્ણય ઇતિહાસ કરશે, પણ માર્ચમાં રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ભારતીય વડા પ્રધાનને આમંત્રણ પાઠવવા બાબતે તેમની પાસેથી સૂચનો માગ્યાં ત્યારે તેમણે ઇનકાર કરી દીધો હતો, કારણ કે એ સમયે વિરોધ પક્ષ તરફથી સહકાર મળવાની કોઈ આશા ન હતી.

ભૂતપૂર્વ વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે શિમલા કરારમાં વિવાદાસ્પદ મુદ્દાઓના દ્વિપક્ષી અને શાંતિપૂર્ણ રીતે નિરાકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો, પરંતુ ભારતે એકતરફી નિર્ણય વડે કાશ્મીરનો બંધારણીય દરજ્જો બદલી નાખ્યો હતો, જે આ દ્વિપક્ષી કરારનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. “લાઇન ઑફ કંટ્રૉલનો આદર કરવા બાબતે બન્ને દેશો સહમત થયા હતા.”

તેમણે જણાવ્યું હતું કે શિમલા કરારમાં જે સહમતિ સધાઈ હતી એ વાસ્તવિકતાની ઘણી નજીક હતી. બન્ને દેશો વચ્ચેના વિવાદોના નિરાકરણ માટે એ વખતે પણ યુદ્ધ યોગ્ય ન હતું અને આજે પણ નથી.

“કાશ્મીરના બંધારણીય દરજ્જામાં ફેરફાર છતાં તેની હાલતમાં કોઈ સુધારો થયો નથી. તેનાથી સાબિત થાય છે કે કાશ્મીરમાં સ્વતંત્રતા આંદોલન સ્વયંભૂ છે અને પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત નથી.”

તેમના કહેવા મુજબ, “તેથી આજે બે વર્ષ પછી, ભારતીય મીડિયાના જણાવ્યા અનુસાર મોદી સરકારે યૂ ટર્ન લેવો પડી રહ્યો છે.”

અલબત્ત, કસૂરીનું કહેવું એમ પણ છે કે શિમલા કરારને રદ્દ કરી શકાય નહીં, પરંતુ ભારત સરકારની કાર્યવાહીએ શિમલા કરારને નબળો પાડી દીધો છે. મોદીસાહેબે કરેલાં કામોથી તો આ કરારનો અંત આવી ગયો છે, પરંતુ હું તેનો અસ્વીકાર કરી શકું તેમ નથી, કારણ કે સરકારો અને તેની નીતિઓ હંમેશાં એકસમાન રહેતી નથી.

‘પાકિસ્તાનની સફળતા’

કેએન બક્ષી અનુસાર આ સમજૂતીમાં ઝુલ્ફીકાર ભુટ્ટોની 'ઉચ્ચ રણનીતિ' હતી

ઇમેજ સ્રોત, Getty Images

સૅનેટર મુશાહિદ હુસૈનના કહેવા મુજબ, “શિમલા કરાર વિવાદોના નિરાકરણનું સાધન ન હતો, પરંતુ 1971ના યુદ્ધ બાદ શાંતિ માટેનું એક ફ્રેમવર્ક હતો અને એ પાકિસ્તાનની સિદ્ધિ હતી કે આપણે મિસ્ટર ભુટ્ટોની કૂટનીતિ અને મંત્રણામાં ઉસ્તાદગીરીને કારણે તેને એક વિજેતાનો શાંતિકરાર બનવા દીધો નહીં.”

“સીઝફાયર લાઇન 1971 પછી લાઇન ઑફ કંટ્રૉલ બન્યા બાદ એ ભારત-પાકિસ્તાનના સંબંધ માટેનું એક ફ્રેમવર્ક હતો. અલબત્ત, કાશ્મીરવિવાદને જીવંત રાખવામાં આવ્યો હતો. આમ તો આ પ્રક્રિયા મુખ્યત્વે દ્વિપક્ષીય હતી, પણ આ કરારે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતાને ક્યાંય અટકાવી ન હતી, કારણ કે સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રસ્તાવો મુજબ જમ્મુ અને કાશ્મીર આજે પણ એક વિવાદિત પ્રદેશ છે.”

“દ્વિપક્ષી સ્વરૂપમાં શિમલા કરાર ભારતની હઠને કારણે કાશ્મીરવિવાદના નિરાકરણમાં અસફળ રહ્યો છે. તેથી આ વિવાદને હવે ફરીથી આંતરરાષ્ટ્રીય મુદ્દાના સ્વરૂપમાં ધ્યાનમાં લેવામાં આવી રહ્યો છે અને પાકિસ્તાન છેલ્લાં બે વર્ષમાં બે વખત આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદમાં લઈ ગયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતના કાશ્મીરની જનતાએ સ્ટેટસને ફગાવી દીધું છે. તેથી વર્તમાન સ્થિત અસ્વીકાર્ય છે.”

સૅનેટર મુશાહિદ હુસૈનના જણાવ્યા મુજબ, “ભવિષ્ય માટે શિમલાકરારની પ્રક્રિયાને શિમલા પ્લસ બનાવવી પડશે. તેનો અર્થ એ થાય કે આંતરરાષ્ટ્રીય સમુદાયની સાથે બે નવી બાબતોને પણ ધ્યાનમાં રાખવી પડશેઃ (1) 5 ઑગસ્ટ 2019ના રોજ કાશ્મીર ભારતમાં સામેલ થયા પછી હવે ચીન પણ આ વિવાદમાં એક પક્ષકાર છે અને (2) નરેન્દ્ર મોદીની હિન્દુત્વની નીતિએ પ્રદેશની પરિસ્થિતિને વધારે ખરાબ કરી નાખી છે.”

ભારતમાં શિમલાકરાર રદ થયો નથી

શિમલા કરારને રદ ન કરી શકાય પરંતુ ભારતની સરકાર એને નબળો પાડતી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના અગ્રણી સંરક્ષણ વિશ્લેષક પ્રવીણ સાહનીને સવાલ કરવામાં આવ્યો હતો કે શિમલાકરાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદોના દ્વિપક્ષીય રીતે નિરાકરણમાં નિષ્ફળ રહ્યો છે ત્યારે હવે તેની કોઈ હેસિયત છે ખરી? આ સવાલના જવાબમાં પ્રવીણ સાહનીએ જણાવ્યું હતું કે અન્ય કોઈ પણ કરારની માફક શિમલાકરાર પણ એક મિકેનિઝમ ઉપલબ્ધ કરાવે છે. તેણે કોઈ પણ પરિણામની ગૅરંટી આપી નથી અને એ આવી ગૅરંટી આપી પણ શકે નહીં.

“બન્ને દેશો જરૂર પડ્યે મદદ માટે વિદેશી સ્રોતો તરફ જ નજર કરે છે એ સાચું છે, જેમ કે કારગિલ વખતે તંગદિલી ઘટાડવા માટે અમેરિકાની મદદ લેવામાં આવી હતી. 2001-02માં બન્ને દેશો યુદ્ધની અણીએ પહોંચી ગયા હતા ત્યારે પણ આવું થયું હતું.”

બન્ને દેશોએ દ્વિપક્ષી રીતે પણ પોતાના મામલાઓમાં પેશકદમી કરી છે. દાખલા તરીકે મનમોહન સિંહ અને પરવેઝ મુશર્રફ વચ્ચેની મંત્રણામાં કે હાલની લાઇન ઑફ કંટ્રૉલ પર યુદ્ધવિરામના મામલામાં પણ એવું જ જોવા મળ્યું છે. તેથી હું માનું છું કે શિમલાકરાર આજે પણ એટલો પ્રભાવશાળી અને સફળ છે, કારણ કે કરારનો મૂળ વિચાર બન્ને દેશોને સાથે મળીને પોતાના મુદ્દાઓના નિરાકરણની તક ઉપલબ્ધ કરાવવાનો છે.

શિમલાકરાર કાશ્મીર વિવાદના નિરાકરણમાં આજે પણ ઉપયોગી સાબિત થઈ શકે કે કેમ, એવા સવાલના જવાબમાં પ્રવીણ સાહનીએ કહ્યું હતું કે “આખરે તો ભારત અને પાકિસ્તાને કાશ્મીર મુદ્દે સમજૂતીનો નિર્ણય કરવાનો છે. એ પછી જ બન્ને દેશોનો સંબંધ સારો બનશે.”

“યાદ રહે કે 1947થી 1963 સુધી મધ્યસ્થતા માટે અનેક આંતરરાષ્ટ્રીય પ્રયાસ કરવામાં આવ્યા હતા, જે નિષ્ફળ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય શક્તિઓ કોઈ પણ પક્ષને કોઈ પણ સમજૂતી સ્વીકારવા માટે મજબૂર કેવી રીતે કરી શકે એ હજુ સુધી સ્પષ્ટ નથી. તેથી તમને ગમે કે ન ગમે, બન્ને દેશોએ આગળ વધવા માટે પરસ્પરને સ્વીકાર્ય હોય એવી કોઈ રીત શોધવી પડશે.”

બન્ને દેશો શિમલાકરારમાં સુધારા કરે પોતાના મતભેદોનું નિરાકરણ કરી શકે કે કેમ એવા સવાલના જવાબમાં પ્રવીણ સાહનીએ કહ્યું હતું કે “મને લાગે છે કે અહીં બુનિયાદી ગેરસમજ છે. આ એક એવી પ્રક્રિયા એ સમજૂતી છે, જેમાં કાશ્મીરમાં શાંતિસ્થાપનાની ચાવી છુપાયેલી છે. આ ગેરસમજ છે. કાશ્મીર એક રાજકીય મુદ્દો છે અને તેનાં મૂળ ભારતીય ઉપખંડના વિભાજનમાં છે.”

“આ કોઈ સીમાંકન કે જળ વિતરણ જેવો ટેકનિકલ મુદ્દો નથી. બન્ને દેશોનું રાજકીય નેતૃત્વ એક સમજૂતી બાબતે સહમત થશે ત્યારે અને પોતપોતાના નાગરિકોને એક બુદ્ધિગમ્ય સમાધાન માટે રાજી કરવાને સક્ષમ થશે ત્યારે જ આ વિવાદનું નિરાકરણ થશે. અત્યારે આ પણ એક મોટો પડકાર છે, જેના માટે બહુ મહેનત કરવાની જરૂર છે, પરંતુ તેના સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી.”

શિમલાકરાર બાબતે બન્ને દેશો અત્યારે પણ પ્રતિબદ્ધ

અમુક નિષ્ણાતો કહે છે કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ પાકિસ્તાનમાં હારને જીત તરીકે બતાવી પાકિસ્તાની રાષ્ટ્રવાદની વાત કરી.

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીસ્થિત ડીફેન્સ મૅનેજમૅન્ટ કન્સલ્ટન્ટની ખાનગી સંસ્થા સિક્યૉરિટી રિસ્ક એશિયાના વડા અને નિવૃત્ત બ્રિગેડિયર રાહુલ ભોંસલેએ જણાવ્યું હતું કે બન્ને દેશોએ પોતપોતાના વહીવટ હેઠળના કાશ્મીરમાં મોટું અને બુનિયાદી પરિવર્તન કર્યું છે, પરંતુ શિમલા કરાર, ભવિષ્યમાં બન્ને પક્ષો વચ્ચેની કોઈપણ વાતચીત માટે એક મહત્ત્વનો દસ્તાવેજ છે.

બ્રિગેડિયર ભોંસલેના જણાવ્યા મુજબ, દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે દ્વિપક્ષી મંત્રણા ક્યારે થશે તેનો તાગ અત્યારે કોઈ મેળવી શકે તેમ નથી, પરંતુ શિમલા કરારની રૂપરેખાથી બન્ને દેશો કાશ્મીર સહિતના તેમના વિવાદિત મુદ્દાઓનું નિરાકરણ દ્વિપક્ષી મંત્રણાના માધ્યમથી કરવા માટે બંધાયેલા છે.

શિમલા કરાર વિશે ભુટ્ટો અને ગાંધીના વિચાર

ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ શિમલા કરારમાં પોતાની સફળતા માટે જે પગલાં લીધાં હતાં તેને નિરીક્ષકો અને લેખકો ભલે તેમની ‘ચાલાકી કે કૂટનીતિનું કૌશલ્ય’ ગણાવે, પણ તેમના સમર્થકો તેને પાકિસ્તાની રાષ્ટ્રવાદનું ઉદાહરણ ગણાવે છે. તેઓ પૂર્વ પાકિસ્તાનમાં તેમના સૈન્યના પરાજયને મંત્રણાના મેજ પર પોતાના દેશ માટેની જીતમાં બદલવા ઇચ્છતા હતા. તેથી ભુટ્ટોએ અમેરિકાના એક સામયિક ફૉરેન અફેર્સના એપ્રિલ 1973ના અંકમાં એક લેખ લખ્યો હતો.

એ લેખમાં ભુટ્ટોએ લખ્યું હતું કે “પાકિસ્તાન આક્રમણનો શિકાર બન્યું હતું તેમાં કોઈ શંકા નથી. તેનો પૂર્વ હિસ્સો ભારતીય સૈન્યએ કબજે કરી લીધો હતો. તે એક એવી સચ્ચાઈ હતી, જેના કારણે અમારા લોકોની કિસ્મતના લેખ સાથે સમજૂતી કરવાનું મુશ્કેલ હતું. તેઓ એવું સમજતા હતા કે તે આક્રમકતાની એક છૂટક ઘટના ન હતી. તેનાથી વિપરીત એ બન્ને સાર્વભૌમ અને સ્વતંત્ર દેશોની સ્થાપના બાદથી જ ભારત તરફથી પાકિસ્તાન વિરુદ્ધની દુશ્મની તથા આક્રમક કાર્યવાહીના એક લાંબા સિલસિલાનો હિસ્સો હતી.”

બીજી તરફ ઇંદિરા ગાંધીની વિપક્ષ તરફથી ટીકા કરતા લોકોએ ભારતીય લોકસભામાં ફરિયાદ કરી હતી કે તેમણે પાકિસ્તાન સાથે અત્યંત નરમાશભર્યું વર્તન શા માટે કર્યું હતું? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે “ભારતે પાકિસ્તાન સાથે (શિમલા કરારમાં) જેવો વ્યવહાર કર્યો એવો વ્યવહાર યુરોપિયન દેશોએ જર્મની સાથે પ્રથમ વિશ્વયુદ્ધ પછી કર્યો હોત તો હિટલર પેદા જ ન થયો હોત અને બીજું વિશ્વયુદ્ધ સર્જાયું ન હોત.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS