Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
વકફ બોર્ડના સંચાલન માટે લવાયેલા બિલ પર ગયા અઠવાડિયે જે રીતે જોરદાર ચર્ચા થઈ તેવી અત્યાર સુધી ખૂબ ઓછી જોવા મળી છે. ભારતની સંસદમાં છેલ્લાં 25 વર્ષમાં આવું દૃશ્ય ભાગ્યે જ જોવા મળ્યું હતું.
આ ચર્ચાની એટલી બધી અસર હતી કે રાજકારણમાં રસ ન ધરાવતા લોકોનું પણ ધ્યાન ખેંચાયું. કેન્દ્ર સરકારની આ પહેલનો વિરોધ કરનારા લોકોએ દલીલો કરી કે આ મુસલમાનોની સંપત્તિ પર સરકારની બિનજરૂરી દખલ છે, તો ઘણા લોકોએ તેની પ્રશંસા કરતાં કહ્યું કે, જો તેણે એવું ન કર્યું હોત તો “આપણે આપણી બધી જમીન વકફ બોર્ડમાં ગુમાવી બેઠા હોત.”
ઉપરના ઉદાહરણમાં જે ભાવના જોવા મળે છે તે, લોકસભા અને રાજ્યસભામાં આ બિલને રજૂ કરાયું તે પહેલાં ચલાવવામાં આવેલી સઘન ઝુંબેશના લીધે ઉત્પન્ન ‘નૅરેટિવ’નું પરિણામ છે.
આ નૅરેટિવના સમર્થનમાં આવેલા ભાજપના લોકસભા સાંસદ સંબિત પાત્રાના નિવેદને, સામાન્ય રીતે પ્રતિવાદ ન કરનાર કાયદાકીય અને ઇસ્લામી ઇતિહાસના નિષ્ણાતો સહિત અનેક લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા.
પાત્રાએ શું કહ્યું? ઇસ્લામી દેશોમાં વકફની વાસ્તવિકતા શી છે? મુસ્લિમ દેશો સાથે ભારતની સરખામણી કરવા સામે કાયદાના નિષ્ણાતો શા માટે વાંધો દર્શાવે છે?
વકફનો ખ્યાલ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો? તેની રાજકીય વિચારધારા શી છે અને ભારતમાં તે આટલી પ્રભાવશાળી કઈ રીતે થઈ ગઈ? ચાલો જાણીએ.
સંબિત પાત્રાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સંબિત પાત્રાએ સંસદમાં કહ્યું, “હું છાતી ઠોકીને કહેવા માગું છું કે, આખી દુનિયામાં મુસલમાન જો ક્યાંય પણ સલામત અને સુરક્ષિત હોય, તો તે ભારત દેશ છે. ઇસ્લામિક દેશોમાં વકફની શી સ્થિતિ છે? શું ઇસ્લામી દેશોમાં વકફ સંપત્તિઓ અસ્તિત્વમાં છે?”
તેમણે આગળ કહ્યું, “હું એવા ઇસ્લામિક દેશોનાં નામ વાંચીશ, જ્યાં વકફના નામનું અસ્તિત્વ જ નથી. તુર્કીમાં નથી, લીબિયામાં નથી, ઇજિપ્તમાં નથી, સુદાનમાં નથી, લેબનોનમાં નથી, સીરિયામાં નથી, જૉર્ડનમાં નથી, ટ્યૂનિશિયામાં નથી, ઇરાકમાં નથી. ભારતમાં વકફ બોર્ડ છે. વકફ સંપત્તિને કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે.”
પાત્રાનું આ નિવેદન પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (પીઆઇબી) કરતાં બહુ અલગ નહોતું, જે કેન્દ્ર સરકાર તરફથી માહિતી પ્રસારિત કરે છે.
ગયા વર્ષે ઑગસ્ટમાં પ્રસ્તાવિત બિલ લોકસભામાં રજૂ કરાયું ત્યારે પીઆઇબીએ સ્પષ્ટીકરણ જાહેર કર્યું હતું.
મુસ્લિમ દેશોમાં વકફની વાસ્તવિકતા શી છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વના દરેક મુસ્લિમ દેશમાં એક વકફ હોય છે. જોકે, એ જરૂરી નથી કે તેને વકફ જ કહેવામાં આવે. તેને ઔકાફ, ફાઉન્ડેશન, ઍન્ડોમેન્ટ [ધાર્મિક દાન] સહિત બીજાં ઘણાં નામોથી પણ ઓળખવામાં આવે છે.
તુર્કીમાં ફાઉન્ડેશનનું એક મહાનિયમક મંડળ છે. તે 1924થી ઇસ્લામિક કાયદા અનુસાર વકફનું સંચાલન અને ઑડિટ કરે છે. તે ઑટોમન સામ્રાજ્યના સમયથી આજ સુધી કાર્ય કરી રહ્યું છે.
ઇજિપ્તમાં ઔકાફ મંત્રાલય છે. તે ટ્રસ્ટના કાયદા જેવું છે. તેમાં ટ્રસ્ટી મસ્જિદ હોય છે. તે જમીન, બજાર અને હૉસ્પિટલ જેવી અન્ય સંપત્તિઓનું સંચાલન કરે છે.
મુહમ્મદ અલી (1805-1848)ના શાસન દરમિયાન ઔકાફનું રાષ્ટ્રીયકરણ કરી દેવાયું હતું.
આ જ પ્રકારે સુદાન, સીરિયા, જૉર્ડન, ટ્યૂનિશિયા અને ઇરાક જેવા દેશોમાં વકફ વિભાગ ધાર્મિક બાબતોના મંત્રાલય હેઠળ કામ કરે છે.
હકીકતમાં, ઇરાકમાં સુન્ની ઍન્ડોમેન્ટ ઑફિસ, શિયા ઍન્ડોમેન્ટ ઑફિસ અને બિનમુસ્લિમ સમુદાયોની ઍન્ડોમેન્ટ ઑફિસ છે.

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે સાઉદી અરેબિયા, ઓમાન, સંયુક્ત અરબ અમીરાત, બાંગ્લાદેશ, મલેશિયા, ઇન્ડોનેશિયા જેવા અન્ય ઘણા મુસ્લિમ દેશોમાં ધાર્મિક બાબતો માટેના મંત્રાલય હેઠળ ઍન્ડોમેન્ટ વિભાગ (જેમ કે ઇસ્લામી ધાર્મિક ઍન્ડોમેન્ટ, જેરુસલેમ) કે વકફ છે.
કેરળ યુનિવર્સિટીમાં ઇસ્લામનો ઇતિહાસ ભણાવનાર પ્રોફેસર અસરફ કડક્કલે બીબીસીને જણાવ્યું કે, “મોટા ભાગના મુસ્લિમ દેશોમાં એક ઔકાફ મંત્રાલય હોય છે, જે વકફ સંભાળે છે. તેના વિભાગોમાં ઉલેમા જેવા કાયદાશાસ્ત્રી કે ધાર્મિક વિદ્વાન હોય છે. તે દરેક ઇસ્લામી ન્યાયશાસ્ત્રનું પાલન કરે છે. આપણા દેશમાં આ વ્યવસ્થા જુદી છે; કેમ કે, એ મુસ્લિમ દેશ નથી.”
જામિયા મિલિયામાં ઇસ્લામિક સ્ટડીઝના એમેરિટસ પ્રોફેસર અખ્તરુલ વાસેએ બીબીસીને જણાવ્યું, “મુસ્લિમ દેશોમાં વકફ હોય છે, જે આપણા વકફ કે ઍન્ડોમેન્ટ વિભાગોની જેવા જ હોય છે.”
તેમણે જણાવ્યું, “વકફની શરૂઆત બહર-એ-મુલ્લામાં થઈ હતી. તે એક દાન હતું, જેને પયગંબર મહમદના પિતરાઈ ભાઈ અને સાથી ઉસ્માન ઇબ્ન અફ્ફાને શરૂ કર્યું હતું.”
વાસેએ કહ્યું કે, વકફનો ખ્યાલ ત્યારે ઊભરી આવ્યો જ્યારે ખલીફા ઉસ્માનને ખબર પડી કે રણ વિસ્તારમાં પાણીની અછતના લીધે મદીનાની નજીક એક વ્યક્તિ પાણી વેચતી હતી.
તેમણે કહ્યું કે, “એ કારણે તેમણે અલ્લાહના નામે પાણીની સુવિધા ખરીદી, જેથી ઊંટો માટે મફત પાણી મળી શકે. 1400 વર્ષ પછી પણ આ વકફ અસ્તિત્વમાં છે.”
મુસ્લિમ દેશો સાથે સરખામણી કરવા સામે કાયદાના નિષ્ણાતોને વાંધો શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
પટણામાં ચાણક્ય વિધિ યુનિવર્સિટીના કુલપતિ અને કાયદાકીય બાબતોના નિષ્ણાત વિદ્વાન ફૈઝાન મુસ્તફા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ શાહરુખ આલમ જેવા કાયદાના નિષ્ણાતોએ મુસ્લિમ દેશોની સાથે ભારતીય વકફની સરખામણી કરવા સામે મૂળભૂત રીતે વાંધો દર્શાવ્યો છે.
મુસ્તફાએ બીબીસીને કહ્યું, “આપણે મુસ્લિમ દેશો સાથે આપણી તુલના બિલકુલ ન કરવી જોઈએ, કેમ કે, આપણે કોઈ ધર્મ તંત્ર નથી. ઇસ્લામ તેમનો રાજકીય ધર્મ છે. મુસ્લિમ રાષ્ટ્રોમાં ધાર્મિક બાબતો માટે મંત્રાલય હોય છે. આપણી પાસે અલ્પસંખ્યક બાબતો માટેનું મંત્રાલય છે અને આપણે આપણા બંધારણ દ્વારા સંચાલિત છીએ.”
શાહરુખ આલમે બીબીસીને જણાવ્યું, “દરેક દેશોની પોતાની વ્યવસ્થા હોય છે. મુસ્લિમ રાષ્ટ્ર સાથે સરખામણી કરવી યોગ્ય નથી. જ્યારે પણ કોઈ વાત ભારતીય મુસલમાનો સાથે સંકળાયેલી હોય છે, ત્યારે કહેવામાં આવે છે કે બીજા દેશોમાં આવું નથી હોતું. તેના બદલે, ભારતમાં જે થઈ રહ્યું છે તેની સાથે તુલના થવી જોઈએ. જેમ કે, ભારતમાં કાયદો વ્યવસ્થા શું છે? મુસ્લિમ દેશો સાથે આપણે શી લેવાદેવા?”
તેઓ ઉદાહરણ આપતાં કહે છે કે, મુસ્લિમ દેશોમાં સડકો પર નમાજ પઢવાની મંજૂરી નથી, પરંતુ ભારતમાં સડકો પર ધાર્મિક શોભાયાત્રા કાઢવાની મંજૂરી છે. તેમની કાયદા વ્યવસ્થાની સરખામણી આપણી વ્યવસ્થા સાથે કઈ રીતે કરી શકાય?
શું વકફની બાબતમાં નૅરેટિવ રચાયું?

ઇમેજ સ્રોત, Getty Images
સાંસદ અને ડીએમકેના ઉપમહાસચિવ એ. રાજાએ ફેલાવવામાં આવતી ખોટી માન્યતાઓનો લોકસભામાં ઉલ્લેખ કર્યો.
તેમણે લોકસભામાં કહ્યું કે, સંસદમાં નવા કાયદાનો મુસદ્દો રજૂ કરતાં પહેલાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)એ એક તપાસ કરી હતી.
તેમણે કહ્યું કે, લોકસભામાં અલ્પસંખ્યક બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ જ્યારે વકફ સુધારા બિલ પ્રસ્તુત કર્યું હતું, ત્યારે કહેલું કે, તામિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાના એક આખા ગામની હજારો એકર જમીન વકફની સંપત્તિ જાહેર કરી દેવામાં આવી છે.
જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે એવું કંઈ છે જ નહીં. જિલ્લા કલેક્ટર, મહેસૂલ અધિકારી અને અન્ય એક અધિકારીએ જેપીસી સમક્ષ આ અંગેની જુબાની પણ આપી.
એ. રાજાએ કહ્યું કે, કાયદાને યોગ્ય ઠરાવવા માટે રિજિજૂએ આ પ્રકારની “પાયા વગરની કહાણી” બનાવી.
મુસ્તફા અને આલમ બંનેએ એ વાતનું ખંડન કર્યું કે વકફ બોર્ડ પોતાની ઇચ્છા અનુસાર કોઈ પણ જમીન લઈ શકે છે.
મુસ્તફાએ કહ્યું, “બોર્ડ મુસ્લિમોની ખાનગી સંસ્થા નથી. તે એક સરકારી સંસ્થા છે. ભારતના બંધારણની કલમ 12માં વકફને કેન્દ્ર અને રાજ્ય સરકારો, સંસદ અને રાજ્ય વિધાનસભાઓની સાથે સાથે વૈધાનિક [કાયદા પ્રમાણેની] સંસ્થાઓ તરીકે પરિભાષિત કરવામાં આવ્યું છે. વકફ બોર્ડ એક વૈધાનિક સંસ્થા છે. તેના માટે સરકાર એક સીઇઓ નીમે છે. તે એક સરકારી અધિકારી હોય છે. કૉમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ (સીએજી) વકફ બોર્ડોનું ઑડિટ કરે છે.”
આલમે જણાવ્યું કે, ઘણા પ્રસંગોએ સુપ્રીમ કોર્ટે આ દલીલને સાચી ઠરાવી છે, “વકફ બોર્ડ કલમ બાર હેઠળ આવે છે અને તે મનસ્વીપણે કાર્ય કરી શકતું નથી. કોઈ પણ જમીનને વકફ સંપત્તિ જાહેર કરતાં પહેલાં ત્રિસ્તરીય તપાસ કરવામાં આવે છે. ત્યાર પછી સર્વે કમિશનર રાજ્ય સરકારને એક રિપોર્ટ મોકલે છે. રાજ્ય સરકાર પુનઃવિચારણા માટે તેને ફરીથી વકફ બોર્ડમાં મોકલે છે. ત્યાર પછી બોર્ડ સંપૂર્ણ વિચાર કરીને ફરીથી સરકારને મોકલે છે. પછી મહેસૂલ વિભાગ ગૅઝેટમાં તેને સૂચિત કરે છે.
આખરે માન્યતાઓ આટલી શક્તિશાળી કઈ રીતે બને છે?

ઇમેજ સ્રોત, Getty Images
સાંસદ એ. રાજાએ લોકસભામાં માન્યતાઓ બાબતે જે વાત કરી, તે અન્ય જગ્યાઓએ પણ એવી જ રીતે ફેલાયેલી છે.
દાખલા તરીકે, ગયા અઠવાડિયે બૅંગલુરુમાં એક વૃદ્ધ મહિલાએ આનંદ પ્રકટ કર્યો કે લોકસભાએ વકફ બિલ પાસ કરી દીધું છે.
તેમણે કહ્યું, “નહીંતર આપણે આપણી બધી જમીનો વકફ બોર્ડમાં ગુમાવી દેત.”
કેટલાક લોકોનો આરોપ છે કે, વકફ વિરોધી માહોલ ઊભો કરવામાં આ જ પ્રકારના નૅરેટિવે અગત્યનો ભાગ ભજવ્યો. લોકોને એવું લાગવા માંડ્યું કે વકફ સામાન્ય લોકોની સંપત્તિ પર કબજો કરી લે છે.
તો શું ભારતમાં રાજકારણ પ્રેરિત અફવાઓ ફેલાવવાનું કામ આટલું બધું વધી ગયું છે?
બ્રાન્ડ ગુરુ હરીશ બિજૂરે બીબીસીને કહ્યું, “બ્રાન્ડની મારી વ્યાખ્યા ખૂબ જ સરળ છે. બ્રાન્ડ એક વિચાર છે. એ હદ સુધી વકફ પણ એક વિચાર છે. બ્રાન્ડ વિચારની સાથે એક ધારણા પણ છે અને એવું પણ બને છે કે કોઈ ધારણા સચ્ચાઈ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે.”
તેમણે કહ્યું કે, વકફ અને તેના વિશે જે કંઈ પણ છે, તે એક વિચાર છે. આ વિચારને પુષ્ટ કરવામાં મીડિયાની પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. આ વિચાર વાસ્તવિકતાથી ઘણો દૂર હોઈ શકે છે, વાસ્તવિક હોઈ શકે છે અને ક્યારેક ક્યારેક તેના વાસ્તવિક હોવાની જરૂર પણ નથી હોતી.
તેમણે કહ્યું, “ધારણાઓ, ખાસ કરીને ગ્રાહક ધારણાઓ ખૂબ ઝડપથી રચાય છે અને મોટા ભાગે આપણે ગ્રાહક ધારણાઓ ઊભી કરવા માટે માસ મીડિયા પર નિર્ભર રહીએ છીએ. સામાન્ય રીતે ગ્રાહકો તેમાં સામેલ નથી થતા, પરંતુ તેઓ દરેક વસ્તુ અંગે પોતાનો એક દૃષ્ટિકોણ રજૂ કરવા માગે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS