Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images/ANI
એક કલાક પહેલા
સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે ગુરુવારે એક એવું નિવેદન આપ્યું જેના કારણે વિરોધ પક્ષોએ તેમની ટીકા કરી છે.
રામગોપાલ યાદવે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું કે, “સોફિયા કુરેશીને ભાજપના મંત્રી એટલા માટે નિશાન બનાવે છે કે તેઓ મુસ્લિમ છે. પરંતુ વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ પોતાની જાતિના કારણે બચી ગયાં.”
રામગોપાલ યાદવે કહ્યું કે “તેમને વ્યોમિકાસિંહ કે ઍર માર્શલ એકે ભારતી વિશે કંઈ ખબર ન હતી. નહીંતર તેમણે તેમને પણ અપશબ્દો કહ્યા હોત.”
આ નિવેદન પછી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે સેનાના યુનિફૉર્મને જાતિવાદી ચશ્માંથી જોવા ન જોઈએ.
સીએમ યોગીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “ભારતીય સેનાના દરેક સૈનિક રાષ્ટ્રધર્મ નિભાવે છે. તેઓ કોઈ જાતિ કે ધર્મના પ્રતિનિધિ નથી હોતા.”
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી અને કર્નલ સોફિયા કુરેશીની સાથે વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ ‘ઑપરેશન સિંદૂર’ની પ્રેસ બ્રીફિંગમાં સામેલ થતાં હતાં.
અગાઉ મધ્ય પ્રદેશની ભાજપ સરકારના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર પછી મધ્ય પ્રદેશ હાઈકોર્ટે તેમની વિરુદ્ધ એફઆઇઆરના આદેશ આપ્યા હતા.
નીરવ મોદીની નવી જામીન અરજી લંડન હાઇકોર્ટે ફગાવી

ઇમેજ સ્રોત, Getty Images
લંડનમાં જેલવાસ ભોગવતા હીરાના વેપારી નીરવ મોદીની નવી જામીન અરજીને ગુરુવારે લંડનની હાઇકોર્ટે ફગાવી દીધી હતી.
નીરવ મોદી છેલ્લાં છ વર્ષથી બ્રિટનની જેલમાં છે અને પ્રત્યર્પણથી ભારતને સોંપણી ન કરાય તે માટે કાનૂની લડત આપે છે.
તેમના પર પંજાબ નૅશનલ બૅન્ક સાથે 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેમણે પોતાના મામા મેહુલ ચોકસી સાથે મળીને આ કૌભાંડ કર્યું હતું તેવો આરોપ છે.
સીબીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે, “નીરવ દીપક મોદી દ્વારા દાખલ થયેલી નવી જામીન અરજીને લંડનની હાઇકોર્ટ ઑફ જસ્ટિસ, કિંગ્સ બેન્ચ ડિવિઝને ગુરુવારે ફગાવી દીધી હતી.”
19 માર્ચ, 2019ના રોજ લંડનના હોબર્ન ખાતે મેટ્રો બૅન્ક બ્રાન્ચમાંથી નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી જ્યાં તેઓ પોતાનું ખાતું બૅન્ક ખાતું ખોલાવવા ગયા હતા.
2018ની શરૂઆતમાં પંજાબ નૅશનલ બૅન્કમાં હજારો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. તે વખતે બૅન્કે મેહુલ ચોકસી, નીરવ મોદી સહિત કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
ઇઝરાયલી હુમલામાં મૃત્યુઆંક 114 થયો, નાકાબંધીથી લોકોની હાલત ખરાબ

ઇમેજ સ્રોત, Abdalhkem Abu Riash/Anadolu via Getty Images
ગાઝામાં ગુરુવારે મધરાત પછી ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 114 લોકો માર્યા ગયા છે.
હમાસ સંચાલિત સિવિલ ડિફેન્સ એજન્સી અને બચાવકર્મીઓએ આ માહિતી આપી છે.
ઇઝરાયલ તરફથી આ હવાઈ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે ઇઝરાયલે 10 અઠવાડિયાથી ગાઝામાં રાહત સામગ્રી પહોંચાડવાનું રોકી દીધું છે.
ઇઝરાયલે ગાઝામાં પત્રકારોના પ્રવેશને પણ પ્રતિબંધિત કર્યો છે.
ગાઝાના એક મહિલાએ બીબીસીને મૅસેજ દ્વારા કહ્યું કે બાળકો ભૂખથી રડે છે અને માતા પણ રડે છે કારણ કે તેમની પાસે બાળકોને ખવડાવવા માટે કંઈ નથી.
જોકે,ઇઝરાયલી સરકારનો દાવો છે કે ગાઝામાં ખોરાકની કોઈ અછત નથી.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઑક્ટોબર, 2023થી યુદ્ધ શરૂ થયું હતું. ગાઝામાં યુદ્ધવિરામની સમજૂતીનો ભંગ થયા પછી ઇઝરાયલે ત્યાં અનેક હવાઈ હુમલા કર્યા છે. 7 ઑક્ટોબર 2023થી અત્યાર સુધીમાં ગાઝામાં ઓછામાં ઓછા 52,829 લોકો માર્યા ગયા છે એમ હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS