Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમાદ ખાલિક
- પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ
-
26 એપ્રિલ 2025, 18:16 IST
અપડેટેડ 2 કલાક પહેલા
22 એપ્રિલ, 2025 મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે આકરું વલણ અપનાવીને અટારી-વાઘા સરહદ બંધ કરવી, રાજદ્વારી સ્ટાફ ઘટાડી દેવો તથા વિઝા પર પ્રતિબંધની સાથે છ દાયકા જૂની સિંધુ જળ સંધિનો અમલ સ્થગિત કરી દેવા સહિતની કાર્યવાહી કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સુરક્ષા અંગેની કૅબિનેટ કમિટીની બેઠકમાં સિંધુ જળ કરાર સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.
બેઠકમાં લેવાયેલા નિર્ણયો જાહેર કરતાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, સિંધુ જળ કરાર તાત્કાલિક અસરથી મોકૂફ કરી દેવામાં આવ્યો છે.
વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન સીમા પાર આતંકવાદને સહાય કરવાનું બંધ કર્યાના પુરાવા નહીં આપે, ત્યાં સુધી ભારત સંધિનો અમલ પણ નહીં કરે કે ન તો તેના અમલ માટે બંધાયેલું રહેશે.
સિંધુ જળ કરાર અંતર્ગત, ભારતને બિયાસ, રાવી અને સતલજ નદીનાં પાણી પર અધિકાર આપવામાં આવ્યો હતો, જ્યારે પાકિસ્તાનને ત્રણ પશ્ચિમી નદી – સિંધુ, ચિનાબ અને જેલમનાં પાણી પર અધિકાર અપાયો હતો.
જોકે, આ સંધિ હેઠળ ભારત પાસે સિંધુ, ચિનાબ અને જેલમનું 20 ટકા પાણી છે.
ભારતે સિંધુ જળ કરાર મોકૂફ કરવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ, પાકિસ્તાન અગાઉથી જ જળસંકટનો સામનો કરી રહ્યું છે.
વળી, પાકિસ્તાનના સિંધ અને પંજાબ પ્રાંતમાં છ નવી કૅનાલના નિર્માણની યોજના પણ વિવાદમાં સપડાઈ છે.
સિંધુ જળ સંધિ અંગે પાકિસ્તાનના નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ઉર્દૂ સાથે વાત કરતાં પાકિસ્તાનમાં સિંધુ જળ સંધિના ભૂતપૂર્વ ઍડિશનલ કમિશનર શિરાઝ મેમણે જણાવ્યું હતું કે, આ જળ સંધિ હેઠળ બંને દેશોની પ્રાથમિક જવાબદારીઓમાં બંને દેશોના જળ કમિશનરો વચ્ચે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત બેઠકનું આયોજન, નદીઓમાં જળપ્રવાહ અંગેના ડેટાનું આદાન-પ્રદાન તથા બંને તરફની નદીઓ પર ચાલી રહેલા પ્રોજેક્ટ્સની ચકાસણી કરવા માટે સામેના દેશની ટીમની મુલાકાતની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યા પ્રમાણે, બંને દેશોના સિંધુ જળ કમિશનરો સામાન્ય રીતે મે મહિનામાં બેઠક યોજતા હોય છે અને તેનો વાર્ષિક અહેવાલ બંને દેશોની સરકારોને પહેલી જૂનના રોજ સુપરત કરવામાં આવે છે.
શિરાઝ મેમણના અભિપ્રાય અનુસાર, સંધિનો અમલ સ્થગિત કરી દેવાનો અર્થ એ નથી કે, બેઠકો, નિરીક્ષણ મુલાકાત કે નદીઓમાં પાણીના પ્રવાહના ડેટાનું આદાન-પ્રદાન નહીં થાય.
સાથે જ તેમણે દાવો કર્યો હતો કે, ભારતે અત્યારે કરારનો અમલ અટકાવી દેવાની જાહેરાત કરી હોવા છતાં વ્યવહારુ રીતે તો તેણે આશરે ચાર વર્ષથી તેનો અમલ રોકી દીધો છે.
શિરાઝ મેમણના જણાવ્યા પ્રમાણે, ભારત છેલ્લાં ચાર વર્ષથી વૉટર કમિશનરની વાર્ષિક બેઠક યોજી રહ્યું નથી અને નદીઓના પાણીનો માત્ર 30થી 40 ટકા ડેટા જ આપે છે.
તેમણે કહ્યું હતું, “ભારત માત્ર 30થી 40 ટકા ડેટા જ આપે છે, બાકી પર તે ‘નિલ’ કે ‘નૉન-ઑબ્ઝર્વન્ટ’ લખીને મોકલે છે.”
તેમણે આગળ વિગતો આપી હતી કે, ડેટાનું આદાન-પ્રદાન નહીં કરવાથી પાકિસ્તાનને ખાસ ફર્ક પડશે નહીં, કારણ કે તેના તરફની નદીઓ પર ઉપકરણો ગોઠવીને પાણીના પ્રવાહનો અંદાજ લગાવી શકે છે.
પાણી નહીં મળે તો પાકિસ્તાન પર કેટલી અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વૉટર ઍક્સ્પર્ટ ડૉક્ટર શોએબે બીબીસીને જણાવ્યું હતું કે, ભારતે તેના નિવેદનમાં પ્રતિબંધ અંગે સ્પષ્ટતા કરી નથી કે આ નિર્ણય હેઠળ તે શું કરશે, તેની વિગતો પણ આપી નથી. ભારત આમ પણ નદીઓમાં પાકિસ્તાનનો 19.84 ટકા ભાગ બ્લૉક કરી રહ્યું છે અને ભારત જળસંગ્રહ માટે તે પાણી તેનાં સંસાધનોમાં એકઠું કરે છે.
તેમણે કહ્યું કે સંધિ સ્થગિત કરી દેવાનો કશો અર્થ સરતો નથી કે નથી તેની કશી અસર પડવાની. હા, ફર્ક માત્ર એટલો પડશે કે, બંને દેશોના સિંધુ જળ કમિશનરો વચ્ચેનો સંવાદ તથા નદીઓના પાણીના ડેટાની આપ-લે અટકી જશે.
પરંતુ ભારતની આ જાહેરાત પાકિસ્તાન માટે કેવી સમસ્યા નોતરી શકે છે?
શિરાઝ મેમણે આ સવાલનો જવાબ આપ્યો હતો કે, ટૂંકા ગાળા માટે પાકિસ્તાન પર તેની ખાસ કોઈ અસર પડશે નહીં. ભારત પાસે હાલ આ નદીઓનું પાણી સંગ્રહ કરવા માટે કોઈ માળખાકીય સુવિધા કે સંસાધનો ન હોવાથી તે પાકિસ્તાનના ભાગનું પાણી અટકાવી શકે તેમ નથી.
જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે, આ નિર્ણયની લાંબા ગાળે પાકિસ્તાન પર અસર થશે.
ભારત હવે શું કરી શકે?

ઇમેજ સ્રોત, ANI
મેમણના મતે, “જો બંને દેશો વચ્ચેની મડાગાંઠ ન ઉકેલાય, તો ભારત પાકિસ્તાનને જાણ કર્યા વિના આ નદીઓ પર બાંધવામાં આવી રહેલા બંધ, બૅરેજ કે જળસંગ્રહની સુવિધાઓની ડિઝાઇનમાં ફેરફાર કરી શકે છે. જો આવું થાય, તો લાંબા ગાળે પાકિસ્તાનને નુકસાન પહોંચી શકે છે.”
તેમણે કહ્યું હતું કે, સંધિ હેઠળ ભારત તેના દરેક વૉટર પ્રોજેક્ટની ડિઝાઇન તથા લૉકેશનની વિગતો પાકિસ્તાનને પૂરી પાડવા માટે બંધાયેલું છે અને તે ભૂતકાળથી આ વિગતો આપતું આવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, “આ સિવાય ભારત પાકિસ્તાનને આવા પ્રોજેક્ટ્સની વિગતો આપ્યા વિના કામગીરી શરૂ કરી શકે છે, જેની અસર પાકિસ્તાનના ભાગમાં આવતા પાણી પર પડશે. જોકે, ભારત માટે આમ કરવું સરળ નથી, કારણ કે, વિશ્વ બૅન્ક આ સંધિની મધ્યસ્થી છે અને પાકિસ્તાન આ મામલો ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં પણ લઈ જઈ શકે છે.”
ડૉક્ટર શોએબ પણ સિંધુ જળ સંધિના ઍડિશનલ કમિશનરનાં મંતવ્ય સાથે સંમત છે. તેઓ કહે છે કે, “આ મોકૂફી માત્ર રાજકીય બયાનબાજી છે અને તેનાથી પાકિસ્તાનને ખાસ કશો ફરક પડશે નહીં. ભારત પાકિસ્તાનનું પાણી અટકાવવા માટે સક્ષમ નથી કે તેની પાસે આવી કાર્યવાહી કરવા માટેનાં સંસાધનો પણ મોજૂદ નથી.”
પાકિસ્તાનમાં પાણી અને વીજળીના ભૂતપૂર્વ ફેડરલ સેક્રેટરી મોહમ્મદ યુનૂસે પણ કહ્યું હતું કે, “આ નિવેદન ભારતની રાજકીય ગેરસમજનું પરિણામ છે. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેની વૈશ્વિક સંધિ છે અને તેને સ્થગિત કરી દેવી ભારત માટે શક્ય નથી. ભારતના આ નિર્ણયનું રાજકીય નિવેદનથી વિશેષ કશું મહત્ત્વ નથી.”
શું ભારત સંધિ રદ કરવાનો અધિકાર ધરાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સિંધુ જળ સંધિમાં વિશ્વ બૅન્ક મધ્યસ્થી છે અને શું ભારત એકતરફી રીતે તેનો અમલ અટકાવી દેવાનો અધિકાર ધરાવે છે?
આંતરરાષ્ટ્રીય કાયદા નિષ્ણાત અહમર બિલાલ સોફીએ બીબીસી સંવાદદાતા આઝમ ખાનને જણાવ્યું હતું કે, ભારત પાસે આ સંધિ મોકૂફ કરવાનો કે રદ કરી દેવાનો એકતરફી અધિકાર નથી.
તેમના મતે, સંધિને સ્થગિત કરી શકાય એવી કોઈ જોગવાઈ જ તેમાં નથી.
જોકે, આ કરાર હેઠળ બંને દેશો પારસ્પરિક સંમતિથી સંધિમાં ફેરફાર કરી શકે છે.
અહમર બિલાલનું કહેવું છે કે, પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પગલાને પડકારી શકે છે અને ભારત સામે સમાન કાર્યવાહી કરી શકે છે.
તેઓ કહે છે, “પાકિસ્તાનને બળનો ઉપયોગ કરવાનો અધિકાર છે, એટલું જ નહીં, તે તમામ પ્રકારનાં કડક પગલાં પણ ભરી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ સંધિ સાથે છેલ્લા સાત દાયકામાં કોઈ ચેડાં કરવામાં આવ્યાં નથી અને હવે ભારતનું આ કદમ સમગ્ર પ્રાંત અને વૈશ્વિક શાંતિ માટે અસાધારણ છે. આ સંધિ સાથે લોકોનું અસ્તિત્વ જોડાયેલું છે. આથી સંધિને રદ કરવાથી બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે.”

ઇમેજ સ્રોત, Getty Images
શિરાઝ મેમણે પણ આવો જ સૂર વ્યક્ત કર્યો હતો કે, “પાકિસ્તાન હોય કે ભારત, બંનેમાંથી કોઈ પણ એકતરફી પગલા ભરીને આ સંધિને સ્થગિત કરી શકે નહીં કે બદલી શકે નહીં. બંને દેશો વચ્ચે યુદ્ધો થયાં, એવા વખતે પણ સંધિ મોકૂફ કરવામાં આવી નહોતી.”
વધુમાં તેમણે કહ્યું હતું કે, સંધિમાં ફેરફાર કરવા માટે બંને દેશો વચ્ચે પારસ્પરિક સંમતિ સધાય, એ જરૂરી છે અને જો એવું ન થાય, તો આ મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈ શકે છે.
આ દરમિયાન, ડૉક્ટર શોએબે કહ્યું હતું કે, “આ કરારની કેટલીક જોગવાઈઓ વિયેના કન્વેન્શનનું પણ રક્ષણ ધરાવે છે અને સંધિને એકતરફી રીતે મોકૂફ કરી શકાય નહીં. ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિની માફક શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે પણ સમાન પ્રકારના કરારો કર્યા છે. આથી, જો ભારત પાકિસ્તાન સામે એકતરફી પગલું ભરે, તો ઉપરોક્ત દેશો પણ તેમની સંબંધિત સંધિઓ અંગે સતર્ક થઈ શકે છે અને જો આવું થાય, તો ભારત માટે મુશ્કેલી સર્જાઈ શકે છે.”
વધુમાં તેઓ કહે છે કે, આ જ રીતે ભારતમાંથી વહેતી બ્રહ્મપુત્રા નદીનું ઉદ્ભવસ્થાન ચીનમાં આવેલું છે અને જો ભારત પાકિસ્તાનનાં હિતોની પરવા નહીં કરે, તો તેણે પણ ચીન તરફથી દબાણ અને ધમકીનો સામનો કરવો પડી શકે છે.
સિંધુ જળ સંધિ શું ચરમપંથ સામે ભારતનું હથિયાર છે?

ઇમેજ સ્રોત, AFP
પાકિસ્તાનના નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે, ભારતે કોઈ ચરમપંથી કૃત્ય પછી સિંધુ જળ સમજૂતીનો ‘શસ્ત્ર’ તરીકે ઉપયોગ કરવાની ચીમકી આપી હોવાનો આ પ્રથમ બનાવ નથી.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણખા ઝર્યા હોય, ત્યારે ભારત તરફથી સિંધુ જળ સમજૂતી તોડી દેવાની વાત કરાઈ છે.
છેલ્લા બે દાયકામાં અને ખાસ કરીને ભાજપના શાસનકાળ દરમિયાન સિંધુ જળ કરાર પર ભારતનું વલણ આકરું બન્યું છે.
2001 અને 2002માં જ્યારે બંને દેશો વચ્ચે તંગદિલી વ્યાપી હતી, ત્યારે તત્કાલીન જળ સંસાધન મંત્રી વિજયા ચક્રવર્તીએ જણાવ્યું હતું, “પાકિસ્તાન પર દબાણ લાવવા માટે ભારત ઘણાં પગલાં ભરી શકે છે અને જો અમે સિંધુ જળ કરારનો અંત આણવાનો નિર્ણય લઈશું, તો પાકિસ્તાનમાં દુકાળની સ્થિતિ સર્જાશે અને ત્યાંની પ્રજાએ પાણી માટે વલખાં મારવાં પડશે.”

ઇમેજ સ્રોત, Getty Images
2016માં ઉરીમાં ભારતીય સૈન્યના કૅમ્પ પર થયેલા હુમલાના દોઢ સપ્તાહ પછી યોજાયેલી સમીક્ષા બેઠકમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, “લોહી અને પાણી એકસાથે ન વહી શકે.”
સ્પષ્ટ છે કે, નરેન્દ્ર મોદીનું આ નિવેદન સિંધુ જળ સંધિના સંદર્ભમાં હતું.
એ જ રીતે, 2019માં પુલવામામાં સુરક્ષાદળો પર થયેલા હુમલા બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું, “સરકારે પાકિસ્તાનને પાણીનું વિતરણ અટકાવી દેવાનું નક્કી કર્યું છે.”
એ પછી ઑગસ્ટ, 2019માં ભારતના તત્કાલીન જળ સંસાધનમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હતું, “સિંધુ જળ કરારનો ભંગ કર્યા વિના પાણીને પાકિસ્તાનમાંથી વહેતું અટકાવવાનું કાર્ય શરૂ કરી દેવાયું છે.”
ગત ઑગસ્ટમાં ભારતે સિંધુ જળ કરારની કલમ 13 (3) હેઠળ પાકિસ્તાનને નોટિસ પાઠવીને સંધિની “સમીક્ષા કરીને તેમાં સુધારો” કરવા સરકારના સ્તરે મંત્રણા કરવાની માગણી કરી હતી. તેમાં તેણે “સીમા પારની આતંકવાદી ગતિવિધિ”નો પણ ઉલ્લેખ કર્યો હતો.
એ નોટિસમાં પણ ભારતીય પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ‘સીમા પારની આતંકવાદી પ્રવૃત્તિ’ આ સંધિના સુચારુ અમલ આડે અવરોધરૂપ બની રહી છે.
1960માં બંને દેશો વચ્ચે કરવામાં આવેલા કરારમાં ફેરફાર કરવાની માગણી ભારત સરકાર આ પૂર્વે પણ કરી ચૂકી છે.
બે વર્ષ પહેલાં ભારતે આ અંગે પાકિસ્તાનને નોટિસ પાઠવી હતી, પણ તેમાં માત્ર ‘ફેરફારો’ વિશે વાત કરવામાં આવી હતી.
જોકે, ઑગસ્ટ, 2024માં પાઠવવામાં આવેલી નોટિસમાં ભારતે સંધિમાં ફેરફારોની સાથે સંધિની ‘સમીક્ષા’ કરવાની પણ નોંધ કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સિંધુ જળ કરાર શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટિશરાજ દરમિયાન દક્ષિણ પંજાબના સિંધુ નદીના ઘાટી પ્રદેશમાં એક વિશાળ કૅનાલનું બાંધકામ કરવામાં આવ્યું હતું.
તે વિસ્તારને આ નિર્માણથી એટલો લાભ થયો કે આગળ જતાં તે દક્ષિણ એશિયાનો મહત્ત્વનો ખેતીકીય પ્રદેશ બન્યો.
ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન જ્યારે પંજાબનું વિભાજન થયું, તે સમયે તેનો પૂર્વ ભાગ ભારતમાં અને પશ્ચિમ ભાગ પાકિસ્તાનમાં ભળ્યો.
દેશના ભાગલા દરમિયાન, સિંધુ નદીના ઘાટીપ્રદેશ અને તેની વિશાળ કૅનાલોનું પણ વિભાજન થયું. પણ, તેમાંથી મળતા પાણી માટે પાકિસ્તાન સંપૂર્ણપણે ભારત પર નભતું હતું.
પાણીનો પ્રવાહ જાળવી રાખવાના આશય સાથે પૂર્વ અને પશ્ચિમ પંજાબના ચીફ એન્જિનિયરો વચ્ચે 20મી ડિસેમ્બર, 1947ના રોજ સમજૂતી થઈ હતી.
આ સમજૂતી હેઠળ એવું નક્કી થયું કે, ભાગલા પહેલાં નક્કી થયા પ્રમાણે ભારત 31મી માર્ચ, 1948 સુધી પાકિસ્તાનને પાણીનો નિશ્ચિત ભાગ પૂરો પાડવાનું ચાલુ રાખશે.
પહેલી એપ્રિલ, 1948ના રોજ જ્યારે સંધિ અમલી ન રહી, ત્યારે ભારતે બે મહત્ત્વની કૅનાલનો જળપુરવઠો અટકાવી દીધો, જેના લીધે પાકિસ્તાનના પંજાબની 17 લાખ એકર જમીનની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ.
ભારતનાં આ પગલાં માટે ઘણાં કારણો રજૂ કરવામાં આવ્યાં, જે પૈકીનું એક કારણ એ હતું કે, ભારત કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને દબાણમાં લાવવા માગતું હતું.
તે પછીની સમજૂતીને પગલે ભારત પાણીનો પુરવઠો ચાલુ રાખવા માટે સંમત થયું.
એક અભ્યાસ મુજબ, 1951માં વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ટેનેસી વેલી ઑથૉરિટીના ભૂતપૂર્વ વડા ડેવિડ લિલિયેન્થલને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
લિલિયેન્થલે પાકિસ્તાનની પણ મુલાકાત લીધી અને અમેરિકા પરત ફર્યા બાદ તેમણે સિંધુ નદીના પાણીના વિતરણ પર એક લેખ લખ્યો હતો.
આ લેખ વિશ્વ બૅન્કના તત્કાલીન વડા અને લિલિયેન્થલના મિત્ર ડેવિડ બ્લૅકે પણ વાંચ્યો અને એ પછી તેમણે ભારત અને પાકિસ્તાનના વડાઓનો સંપર્ક સાધ્યો, તે પછી બંને પક્ષે બેઠકોનો સિલસિલો શરૂ થયો.
આ બેઠકો આશરે એક દાયકા સુધી ચાલુ રહી અને આખરે 19મી સપ્ટેમ્બર, 1960ના રોજ કરાચી ખાતે સિંધુ નદી ઘાટી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
સમજૂતી પ્રમાણે, સિંધુ, જેલમ અને ચિનાબને પશ્ચિમી નદીઓ ગણાવીને તેનું પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવ્યું. જ્યારે રાવી, સતલુજ અને બિયાસને પૂર્વીય નદીઓ જાહેર કરીને તેનું પાણી ભારતના ફાળે આવ્યું.
આ અનુસાર, ભારત અમુક અપવાદોને બાદ કરતાં પૂર્વીય નદીઓનું પાણી નિર્વિઘ્ને વાપરી શકે છે.
આ સાથે જ, ભારતને પશ્ચિમી નદીઓનાં પાણીનો ઉપયોગ કરવા માટે કેટલાક મર્યાદિત હક્કો પણ અપાયા હતા. જે અનુસાર, તે વીજળી ઉત્પન્ન કરવા તથા ખેતી, વગેરે હેતુઓ માટે મર્યાદિત પાણીનો ઉપયોગ કરી શકે, એવી જોગવાઈ હતી.
આ સંધિમાં બંને દેશો વચ્ચે સમજૂતી અંગે વાટાઘાટ તથા સ્થળની તપાસ, વગેરે માટેની જોગવાઈ પણ કરવામાં આવી હતી.
કરારમાં સિંધુ કમિશનની પણ સ્થાપના કરવામાં આવી. આ કમિશન હેઠળ બંને દેશોના કમિશનરો વચ્ચે બેઠક યોજાય, તેવી દરખાસ્ત હતી.
સંધિમાં બંને કમિશનરો વચ્ચે કોઈ પણ વિવાદિત મુદ્દા પર મંત્રણા કરવાની જોગવાઈ છે.
તેમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, જો એક દેશ કોઈ પ્રોજેક્ટ પર કામ કરતો હોય અને બીજા દેશને તેની સામે વાંધો હોય, તો પ્રોજેક્ટ હાથ ધરનાર દેશ તેનો જવાબ આપશે. આ માટે બંને પક્ષો વચ્ચે બેઠકનું આયોજન થશે.
જો બેઠકથી ઉકેલ ન આવે, તો બંને દેશોની સરકારોએ સાથે મળીને તેનું નિવારણ કરવાનું રહેશે.
વળી, આવા કોઈ વિવાદિત મુદ્દા પર તટસ્થ નિષ્ણાતની મદદ લેવાની કે કોર્ટ ઑફ આર્બિટ્રેશનનું શરણું લેવાની પણ તેમાં જોગવાઈ છે.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS