Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતનું વનવિભાગ ગીરના જંગલ અને તેની આજુબાજુમાં વસતા એશિયાઈ સિંહોની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરે છે.
એ પ્રક્રિયા અનુસાર વન વિભાગ આ વર્ષે સિંહોની વસ્તીનો અંદાજ કાઢવા માટે 10 મેથી 13 મે એમ ચાર દિવસ દરમિયાન Lion Population Estimation Exercise (લાયન પૉપ્યુલેશન ઍસ્ટિમેશન ઍક્સર્સાઇઝ) એટલે કે સિંહનો વસ્તીનો અંદાજ મેળવવાની કવાયત હાથ ધરશે.
સિંહો આમ તો ટોળાં એટલે કે પરિવારમાં રહેતા માંસાહારી પ્રાણીઓ હોવાથી તેમની વસ્તીનો કયાસ કાઢવાનું કામ એકલા રહેતા દીપડા કે વાઘની ગણતરી કરવાની તુલનાએ સરળ છે. પરંતુ, સિંહો ટેરિટોરિયલ એટલે કે પોતાની એક હદ-સીમા બાંધી રહેનાર પ્રાણી છે અને એક સિંહ પરિવારની હદ સો ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલ હોઈ શકે છે.
ગુજરાત સરકારે 21 એપ્રિલે આપેલી એક અખબારી યાદી પ્રમાણે આ વર્ષની સિંહ ગણતરી 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં થશે.
આ વિસ્તાર ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તાર એક લાખ 96 હજારના લગભગ 18 ટકા થાય અને તેમાં રાજ્યના 34માંથી 11 જિલ્લાનો સમાવેશ થાય છે.
આવા વિશાળ વિસ્તારમાં સિંહોની વસ્તીનો ચોકસાઈપૂર્વક અંદાજ મેળવવા ડાઇરેક્ટ બીટ વેરિફિકેશન મેથડનો ઉપયોગ થશે અને વનવિભાગના સેંકડો કર્મચારીઓ અને સ્વયંસેવકોને કામે લગાડવા ઉપરાંત વિવિધ ઉપકરણોનો પણ ઉપયોગ થશે.
ભૂતકાળમાં સિંહોની ગણતરી કઈ રીતે થતી?

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્ય સરકારની 21 એપ્રિલની અખબારી યાદી મુજબ ગીરના એશિયાઈ સિંહોની પ્રથમ ગણતરી 1936 માં હાથ ધરાઈ હતી. 2020માં કોરોના મહામારીના કારણે પરંપરાગત રીતે સિંહની ગણતરી હાથ ધરી શકાઈ નહોતી.
તેની જગ્યાએ વનવિભાગના આશરે 1400 કર્મચારીઓએ પાંચ અને છ જૂન, 2020 ના રોજ સિંહોની ગણતરી હાથ ધરી હતી. પાંચ અને છ જૂન વચ્ચેની રાત પૂનમની રાત હોવાથી તેને પૂનમ અવલોકન, 2020 તેવું નામ આપવામાં આવ્યું હતું.
પૂનમ અવલોકન, 2020નાં તારણોનો ચિતાર આપતા અહેવાલમાં પાનાં નં. 3 (ત્રણ) પર જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યનો વનવિભાગ 1963થી સામાન્ય રીતે દર પાંચ વર્ષે સિંહોની ગણતરી નિયમિત રીતે કરતો આવ્યો છે.
પૂનમ અવલોકનના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું, “1963માં થયેલી ગણતરી સિંહોનાં પગલાંના આધારે કરાઈ હતી અને જે સિંહો દેખાય તેને રંગ લગાવી તેમના પર નિશાન કરવાના પ્રયત્નો પણ કરાયા હતા.”
પૂનમ અવલોકનના અહેવાલમાં જણાવ્યા મુજબ સ્વતંત્રતા પૂર્વેના ભાવનગર રાજ્યના તત્કાલીન કુંવર ધર્મકુમારસિંહે ‘ફિલ્ડ ગાઇડ ટુ બિગ ગેમ સેન્સસ ઇન ઇન્ડિયા’ એટલે કે ભારતમાં વસતાં મોટાં વન્યપ્રાણીઓની ગણતરી કરવા માટેની માર્ગદર્શિકા તૈયાર કરી હતી અને ઑગસ્ટ 1959માં ભારતીય વન્યપ્રાણી બોર્ડે તેને ગણતરીઓમાં અપનાવવાની સલાહ આપી હતી.
આ માર્ગદર્શિકામાં એવું જણાવવામાં આવ્યું હતું કે માંસાહારી પ્રાણીઓને બકરી કે પાડા જેવા જીવતા શિકાર આપી, તે રીતે લલચાવીને કોઈ એક જગ્યાએ એકઠા કરી ગણતરી થઈ શકે છે.
ગુજરાત રાજ્યના વનખાતાએ પણ આ પદ્ધતિ અપનાવીને 1968થી 1995 દરમિયાન છ વાર સિંહોની ગણતરી કરી.
પૂનમ અવલોકન 2020ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, “પરંતુ, આ પદ્ધતિમાં પ્રાણીઓ ઉપર અત્યાચાર થાય છે તેવી દલીલ કરીને આ પદ્ધતિઓનો 2000ની સાલમાં વિરોધ કરવામાં આવ્યો. તેથી, 2000ની સાલમાં સિંહોની વસ્તી ગણતરી ડાઇરેક્ટ બીટ વેરિફિકેશન મેથડ અથવા બ્લૉક કાઉન્ટ મેથડ તરીકે જાણીતી પદ્ધતિથી કરવામાં આવી હતી.”
ડાઇરેક્ટ બીટ વેરિફિકેશન મેથડ એટલે શું અને સિંહની ગણતરી ઉનાળામાં કેમ થાય છે?

ઇમેજ સ્રોત, Forest Department, Gujarat
ગુજરાતમાં વનવિભાગ રક્ષિત વનોને વહીવટી સરળતા ખાતર નાનાં-નાનાં એકમોમાં વિભાજિત કરે છે. તે મુજબ બીટ એટલે કે એક નાનો ભૌગોલિક વિસ્તાર સૌથી નાનો વહીવટી એકમ બને છે અને સામાન્ય રીતે તેની જવાબદારી બીટ ગાર્ડ ઉપર હોય છે.
બે-ત્રણ બીટ ભેગા કરીને એક રાઉન્ડ બનાવાય છે અને બે-ત્રણ રાઉન્ડ મેળવીને એક રેન્જ એટલે કે એક પરિક્ષેત્રનું નિર્માણ કરાય છે અને તેના રક્ષણની જવાબદારી રેન્જ ફૉરેસ્ટ ઑફિસર (પરિક્ષેત્ર વન અધિકારી) એટલે કે આર.એફ.ઓ પર હોય છે.
આવી કેટલીક રેન્જ મળીને એક ડિવિઝન એટલે કે એક વનવિભાગનું નિર્માણ કરાય છે, જેની જવાબદારી નાયબ વનસંરક્ષક (ડેપ્યુટી કન્સર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ) પર હોય છે. આવા અમુક વિભાગોને મેળવીને એક સર્કલ એટલે કે એક વર્તુળનું નિર્માણ કરાય છે જેના રક્ષણની જવાબદારી કન્સર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ (વનસંરક્ષક) કે ચીફ કન્સર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ (મુખ્ય વનસંરક્ષક) પર હોય છે.
વળી, ગુજરાતનો વનવિભાગ તેના નિયંત્રણ હેઠળના વિસ્તારોને વહીવટી સરળતા ખાતર વાઇલ્ડલાઇફ સર્કલ (વન્યપ્રાણી વર્તુળ), ટેરિટોરિઅલ ફૉરેસ્ટ સર્કલ (પ્રાદેશિક વનવર્તુળ), સોશ્યિલ ફૉરેસ્ટ્રી સર્કલ (સામાજિક વનીકરણ વર્તુળ) જેવાં વર્તુળોમાં વિભાજિત કરે છે. જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળમાં ગીર પૂર્વ, ગીર પશ્ચિમ, સાસણ, શેત્રુંજી અને પોરબંદર વન્યપ્રાણી વિભાગોનો સમાવેશ થાય છે.
2020માં કોરોના મહામારીના કારણે પરંપરાગત રીતે સિંહોની ગણતરી હાથ ધરી શકાઈ ન હતી. તેની જગ્યાએ સામાન્ય રીતે વનવિભાગના કર્મચારીઓ દર મહિને કરે છે તે પૂનમ અવલોકનને વિસ્તૃત સ્વરૂપ આપી તે કવાયતને સિંહોની ગણતરી તરીકે ગણવામાં આવી હતી.
આ પૂનમ અવલોકન ડાઇરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી કરવામાં આવ્યું હતું.
પૂનમ અવલોકન, 2020ના અહેવાલમાં જણાવ્યા અનુસાર ડાઇરેક્ટ બીટ વેરિફિકેશન મેથડ એટલે કે બીટની સીધી જ ચકાસણીની પદ્ધતિમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યપ્રાણી અભયારણ્યો જેવા રક્ષિત વન વિસ્તારોના બીટને વસ્તી ગણતરી માટે એક એકમ તરીકે ગણવામાં આવ્યા હતા. રક્ષિત વન વિસ્તારોની બહારના વિસ્તારોમાં સિંહોની વસ્તી ગણતરી માટે 2020માં ત્રણથી 10 ગામોના સમૂહને એક બીટ ગણવામાં આવી હતી.
23 એપ્રિલે જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળના વનસંરક્ષક રામ રતન નાલાએ જૂનાગઢમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે આ વર્ષે પણ રક્ષિત વિસ્તારમાં બીટ અને રેવન્યુ વિસ્તારમાં સિંહોની અવરજવર હોય અથવા તેવી શક્યતા હોય તેવા ત્રણથી દસ ગામોના જૂથને ગણતરી એકમ તરીકે નિર્ધારિત કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું, “સમગ્ર વિસ્તારને આઠ રિજિયન, 32 ઝોન, 112 સબ-ઝોન અને 735 ગણતરી એકમોમાં વિભાજિત કરવામાં આવ્યા છે.”
આ પદ્ધતિમાં ગણતરીકારો તેમને ફાળવાયેલ બીટમાં જઈ પ્રથમ બે દિવસ દરમિયાન તેમના બીટમાં રહેલ સિંહોની વસ્તીની પ્રાથમિક ગણતરી કરે છે. પછીના બે દિવસ દરમિયાન અંતિમ એટલે કે પાક્કી વસ્તી ગણતરી કરે છે.
સામાન્ય રીતે વસ્તી ગણતરીકારો તેમને ફાળવવામાં આવેલ બીટની અંદર રહેલાં તળાવ, તલાવડી, હવાડા કે ધરા જેવા પાણીના સ્રોત પર નજર રાખી સિંહોની વસ્તીનો અંદાજ બાંધવાનો પ્રયાસ કરે છે, કારણ કે સામાન્ય રીતે સિંહો 24 કલાક દરમિયાન એક વાર પાણી પીવા પાણીના સ્રોત પર જાય છે.
વળી, મે મહિનામાં ગુજરાતમાં ઉનાળો બરાબર જામતો હોવાથી અને મે મહિના અગાઉ મહિનાઓ સુધી વરસાદ ન પડ્યો હોવાથી પાણીની તંગીવાળા સૌરાષ્ટ્ર પ્રાંતમાં પાણીના કુદરતી અને કૃત્રિમ સ્રોતોની સંખ્યા બહુ સીમિત થઈ જાય છે.
બીજી બાજુ અતિશય ગરમીના કારણે સિંહો સામાન્ય રીતે જે પણ પાણીના સ્રોત હોય તેની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે. આ પરિબળોના કારણે ગુજરાતમાં સિંહોની ગણતરી સામાન્ય રીતે ઉનાળામાં હાથ ધરવામાં આવે છે.
વનવિભાગ આ પદ્ધતિનો શા માટે ઉપયોગ કરે છે?

ઇમેજ સ્રોત, https://forests.gujarat.gov.in/
ગુજરાત વનવિભાગ આ પદ્ધતિનો ઉપયોગ 2000 ની સાલથી કરતો આવ્યો છે. 23 એપ્રિલ 2025ના રોજ રામ રતન નાલાએ જૂનાગઢમાં એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી અને ડાઇરેક્ટ બીટ વેરિફિકેશન મેથડના ફાયદા ગણાવ્યા.
“ડાઇરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ એશિયાઇ સિંહોની વસ્તી અંદાજ માટે ખૂબ ઉપયોગી છે. આ પદ્ધતિના કેટલાક વિશિષ્ટ ફાયદા છે. તેમાં રહેલી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણની સરળતાને કારણે તેેને અમલમાં મૂકવી ગણતરીકારો માટે આસાન બને છે. આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી લગભગ 100 ટકા ચોકસાઈ મળે છે અને સ્ટાન્ડર્ડ ઍરરનો અવકાશ લગભગ શૂન્ય રહે છે.”
“જંગલો, ઘાસનાં મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારો અને તેની વિશાળતા સહિત વિવિધ લૅન્ડસ્કેપને ધ્યાનમાં લેતા આ પદ્ધતિ અસરકારક અને આવાં વિવિધ રહેઠાણો માટે અનુકૂળ છે.”
“આ પદ્ધતિમાં ગણતરીનો સમય ઓછો લાગે છે અને તેમાં નવી ટકનૉલૉજીનો સમન્વય કરી શકાય તેવી અનુકૂળતા રહેલી છે.”
આ ઉપરાંત પણ તેના કેટલાક ફાયદા છે, તેમ પૂનમ અવલોકનના અહેવાલમાં ટાંકવામાં આવ્યું હતું કે “આ પદ્ધતિમાં ઓછા માનવબળ, સમય અને નાણાંની જરૂર રહે છે. આ પદ્ધતિમાં નવી ટેકનૉલૉજીનો ઉમેરો કરી શકાય છે. “
2020ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે “ગુજરાત વનવિભાગે એશિયાઈ સિંહોની ગણતરી કરવા માટે આ પદ્ધતિનો મોટા પાયે ઉપયોગ કર્યો છે. તેમજ કેટલાય સંશોધનાત્મક લેખોમાં પણ તેને ટાંકવામાં આવ્યાં છે… સમયાંતરે, જરૂરિયાત મુજબ તેમાં સુધારણા કરવામાં આવી છે અને તેમાં ટેકનૉલૉજીનો ઉમેરો કરવામાં આવ્યો છે.”
ગણતરી દરમિયાન બેવડી ગણતરી કઈ રીતે ટાળી શકાય છે

ઇમેજ સ્રોત, Forest Department, Gujarat
ડાઇરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સિંહોની ગણતરી કરતી વખતે જો કોઈ સિંહ પરિવાર ભ્રમણ કરતો હોય તો જે-તે બીટમાં તે જે જગ્યાએ એ પરિવાર જોવા મળે છે ત્યાંથી કઈ દિશા તરફ જઈ રહ્યો છે તેની અને સમયની પણ નોંધ ગણતરીકારો કરે છે. જેથી જો એવો સિંહ પરિવાર બાજુની બીટમાં પ્રવેશે તો તેની બીજી વાર ગણતરી થતા નિવારી શકાય.
વળી, ગણતરીકારો તેમને જોવા મળેલા સિંહોના પરિવારમાં કોણ કોણ છે, જો કોઈ બચ્ચાં હોય તો તે કેટલાં છે અને અંદાજે કેટલાં વર્ષની ઉંમરનાં જણાય છે, સિંહોનાં વ્યક્તિગત ઓળખચિહ્નો જેવાં કે શરીર પર કોઈ ઈજાનાં નિશાન, કાનનો કોઈ ખાસ વળાંક, પૂંછડીના વાળનું ફુમતું વગેરેની પણ નોંધ કરે છે.
તે ઉપરાંત તેઓ સિંહોના ફોટા લે છે અને તે ફોટોમાં જી.પી.એસ. (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) કોઓર્ડિનેટ્સ હોય છે. જેથી સિંહો દેખાય તે સ્થળ અને સમયની ચોક્કસ માહિતી રેકૉર્ડ પર રહે અને એક જ સિંહની બીજી વાર ગણતરી નિવારી શકાય.
આ ઉપરાંત, સિંહો દેખાય તેનું રીયલ-ટાઇમ રિપોર્ટિંગ પણ કરાય છે અને તેના કારણે પણ એક જ સિંહની બીજી વખતની ગણતરી નિવારી શકાય છે.
આ વર્ષે વનવિભાગના આશરે ત્રણ હજાર જેટલા કર્મચારીઓ અને સ્વયંસેવકો આ કવાયતમાં ભાગ લઈ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં સિંહોની વસ્તી ગણતરી કરશે.
આ વર્ષની સિંહોની ગણતરીમાં કેવાં સાધનો વપરાશે?

ઇમેજ સ્રોત, Forest Department, Gujarat
રાજ્ય સરકારની અખબારી યાદી મુજબ આ વર્ષની સિંહ વસ્તી ગણતરી દરમિયાન હાઈ રિઝોલ્યુશન કૅમેરા, કૅમેરા ટ્રેપ્સ જેવાં વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. “કેટલાક સિંહોને રેડિયો કૉલર પહેરાવવામાં આવ્યા છે, જે તે સિંહ તેમજ તેના ગ્રૂપનું લોકેશન મેળવવામાં મદદ કરશે. સિંહ અવલોકનના રીયલ ટાઇમ ડેટા ઍન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest ઍપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે, જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઈ અને કાર્યક્ષમતામાં વધારો થશે.
આ ઉપરાંત જીઆઈએસ (જિયૉગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ) સૉફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રૅક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવશે.
સિંહોની આ સોળમી ગણતરી હશે અને જૂનાગઢ વન્યપ્રાણી વર્તુળના વનસંરક્ષક રામ રતન નાલા જણાવે છે કે આ વર્ષે ટેકનૉલૉજીનો મહત્તમ ઉપયોગ થશે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા નાલાએ જણાવ્યું, “આ વર્ષની સિંહોની ગણતરીમાં અમે સિંહોને પહેરાવેલ રેડિયો કૉલરનો મહત્તમ ઉપયોગ કરીશું જેથી સિંહોનું લોકેશન મળી શકે. તે જ રીતે જરૂર પડ્યે ડ્રોન કૅમેરાનો પણ ઉપયોગ કરીશું, જેથી સિંહોની વસ્તી ગણતરી માટે ફોટા પાડી શકાય. હાઈ રિઝોલ્યૂશન કૅમેરાથી લેવાયેલા ફોટો/વીડિયો દ્વારા પણ સિંહો વિષે માહિતી મળી શકશે.”

ઇમેજ સ્રોત, Getty Images
હાથમાં પકડી શકાય તેવાં જીપીએસ ઉપકરણો ઉપરાંત ગણતરીકારો ટૅબ્લેટ, દૂરબીન વગેરેનો પણ ઉપયોગ કરશે તેમ વનવિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.
નાલાએ વધુમાં કહ્યું, “રેડિયો કૉલરનો ઉપયોગ 2020ની સિંહોની ગણતરી દરમિયાન પણ કરાયો હતો. પરંતુ, તે વસ્તી ગણતરી એક ઇન-હાઉસ (માત્ર વનવિભાગના કર્મચારીઓ દ્વારા જ હાથ ધરાયેલ) ઍક્સર્સાઇઝ હતી. પરંતુ, કોઈ એક ફૂલ-સ્કેલ સિંહ વસ્તી ગણતરીમાં અમે આ રેડિયો કૉલરનો મોટા પાયે ઉપયોગ પ્રથમ વાર કરીશું.”
કયા ક્યા જિલ્લામાં સિંહોની ગણતરી થશે?

ઇમેજ સ્રોત, Information Department, Gujarat
ગીરનું જંગલ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓમાં ફેલાયેલું છે. સાથે સાથે જૂનાગઢમાં આવેલ ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય, અમરેલીમાં આવેલ પાણીયા અને મીતીયાળા વન્યપ્રાણી અભયારણ્ય, પોરબંદરમાં આવેલ બરડા વન્યપ્રાણી અભયારણ્ય વગેરેમાં પણ સિંહોએ તેનાં રહેઠાણ બનાવ્યાં છે.
આ ઉપરાંત, ભાવનગર, બોટાદ, રાજકોટ અને જામનગર જિલ્લાના અમુક ભાગોમાં પણ સિંહો વિચરણ કરતા થયા છે. તેથી, આ વર્ષની સિંહ વસ્તી ગણતરી જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ 11 જિલ્લાના 58 તાલુકામાં થશે.
નાલાએ બીબીસીને જણાવ્યું હતું કે વર્ષ 2020માં સિંહોની ગણતરી નવ જિલ્લાઓ 53 તાલુકાને આવરી લેતા 30 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં થઈ હતી. પરંતુ આ વર્ષે તેમાં મોરબી અને અમદાવાદનો ઉમેરો થયો છે, કારણ કે સિંહોની અવરજવર આ બે જિલ્લાઓ તરફ વિસ્તરી રહી છે.
સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો

ઇમેજ સ્રોત, Information Department, Gujarat
આખી દુનિયામાં ગીરનું જંગલ અને તેની આસપાસના વિસ્તારો જ એવી જગ્યા છે, જ્યાં એશિયાઈ સિંહો મુક્ત રીતે તેમનાં નૈસર્ગિક રહેઠાણોમાં વિચરણ કરતાં જોવા મળે છે.
ઐતિહાસિક રીતે થયેલા શિકાર અને તેમનાં રહેઠાણોનાં નાશના કારણે સિંહો વર્ષ 1900ની આસપાસ વિલુપ્તિના આરે પહોંચી ગયા હતા. પરંતુ ત્યાર પછી તે વખતના જૂનાગઢ રાજ્યના નવાબ અને ત્યાર પછી ગુજરાત સરકારે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટેનાં પગલાં અને સ્થાનિક લોકોના સહયોગના કારણે છેલ્લાં 50 વર્ષોથી સિંહોની વસ્તીમાં ધીમે ધીમે પરંતુ નિરંતર વધારો થઇ રહ્યો છે.
સત્તાવાર આંકડા અનુસાર 1995માં સિંહોની વસ્તી ત્રણસોને પાર થતા 304 થઈ હતી. તે 2001માં વધીને 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523 અને 2002માં 674 થઈ હતી.
વનવિભાગનાં સૂત્રો અનુસાર આ વર્ષની વસ્તી ગણતરીમાં આ આંકડો વધારે ઊંચો જાય તેવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS