Source : BBC NEWS

સુરતમાં ગર્ભવતી શિક્ષિકા, ગર્ભપાત, વિદ્યાર્થી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

6 મિનિટ પહેલા

સુરતમાં એક ચર્ચાસ્પદ ઘટના સામે આવી હતી. જેમાં 23 વર્ષીય ટ્યૂશન શિક્ષિકા અને 13 વર્ષનો વિદ્યાર્થી 25 એપ્રિલે લાપતા થયાં હતાં. તે પછી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને સાથે સુરત રેલવે સ્ટેશન પર સીસીટીવી(ક્લોઝ્ડ સરકીટ ટીવી) કૅમેરામાં છેલ્લે દેખાયાં હતાં.

લાપતા થયાંના ચાર દિવસ પછી રાજસ્થાન અને ગુજરાતના કાંઠા વિસ્તાર શામળાજીથી પોલીસે તેમને બંનેને બસમાં સફર કરતાં ઝડપી લીધાં હતાં.

તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે શિક્ષિકા સગર્ભા છે. વિદ્યાર્થીને કથિત રીતે ભગાવી જવાના આરોપસર શિક્ષિકા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટની મંજૂરી માગી હતી. ડૉકટરના અભિપ્રાય પછી સુરતની સ્પેશિયલ પૉસ્કો(પ્રોટેક્શન ઑફ ચીલ્ડ્ર્ન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ ઍક્ટ) કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી દીધી હતી.

શિક્ષિકાને 22 સપ્તાહનો ગર્ભ હતો. ગુરુવારે સવારે સુરતની સ્મિમેર(સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ) હૉસ્પિટલમાં ગર્ભપાતની પ્રક્રિયા આટોપવામાં આવી હતી. જેના માટે શિક્ષિકાને સુરતની સેન્ટ્રલ જેલમાંથી ત્યાં લાવવામાં આવ્યાં હતાં.

સુરતના પુણાગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈએ અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસને જણાવ્યું હતું કે “ભ્રૂણને સુરક્ષિત રાખવામાં આવ્યું છે અને તેનાં નમૂના લઇને ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. ડીએનએ ટેસ્ટ દ્વારા જાણી શકાશે કે તેનો પિતા કોણ છે? એફએસએલનો જે રીપોર્ટ મળશે તે અમે વિશેષ પૉક્સો અદાલતમાં પણ રજૂ કરશું.”

“આરોપી યુવતીને શરીરમાં નબળાઈ છે તેથી થોડા દિવસ હૉસ્પિટલમાં રહેવું પડશે. જે પીડિત તરુણ છે તેની માનસિક હાલત ઠીક નહોતી તેથી પાંચ દિવસ સુધી મનોચિકિત્સક દ્વારા તેનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું. હવે તેની હાલત સારી છે.”

શિક્ષિકા પર ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ અપહરણ તેમજ ગેરકાયદે ગોંધી રાખવા જેવા આરોપ ઘડાયા હતા.

એક મેના રોજ આરોપી યુવતીએ વિશેષ પૉક્સો કોર્ટમાં અરજી કરી હતી, જેમાં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી ઍક્ટ હેઠળ ગર્ભપાતની મંજૂરી માંગી હતી. અરજીના આધારે, કોર્ટે સુરતની પુણાગામ પોલીસને નિષ્ણાત ડૉક્ટર્સ પાસેથી સલાહ લેવાનો નિર્દેશ આપ્યો હતો.

ગર્ભપાતની મંજૂરી વખતે કોર્ટે કહ્યું હતું કે “23 વર્ષીય આરોપી યુવતીના ગર્ભને ડીએનએ પરીક્ષણ માટે સાચવવામાં આવે.”

આરોપી મહિલાના વકીલે શું કહ્યું?

સુરતમાં ગર્ભવતી શિક્ષિકા, ગર્ભપાત, વિદ્યાર્થી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BBC/Shoonya

મેડિકલ તપાસ માટે પોલીસ મહિલાને શહેરની સ્મીમેર હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. તે પછી હૉસ્પિટલ સત્તાવાળાઓએ પોલીસને એક રિપોર્ટ સુપરત કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે “મહિલાનાં માનસિક અને શારીરિક જોખમોને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની સલાહ આપવામાં આવે છે”.

પોલીસે કોર્ટને તે રિપોર્ટ સુપરત કર્યો હતો.

શિક્ષિકાના વકીલ વાજીદ શેખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં 14 મેના રોજ કહ્યું હતું કે “ડૉક્ટરોએ જે રીપોર્ટ રજૂ કર્યો હતો તેમાં જણાવાયું છે તે પ્રમાણે આરોપી મહિલા અપરિણીત અને 23 વર્ષની હોવાથી, ગર્ભાવસ્થા ચાલુ રાખવી તેના માટે માનસિક અને સામાજિક રીતે જોખમી હોઈ શકે છે. એમટીપી ઍક્ટ મુજબ, ગર્ભાવસ્થાનાં 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરી શકાય છે, અને આરોપી હાલમાં ગર્ભપાત કરાવવા માંગે છે. જોખમોને ધ્યાનમાં લઇએ તો ગર્ભપાતનું પગલું અમારા તરફથી સલાહભર્યું છે.”

વાજીદ શેખે કોર્ટમાં જે લેખિત રજૂઆત કરી હતી તેમાં ગર્ભપાત ઉપરાંત પણ કેટલીક દલીલો રજૂ કરવામાં આવી હતી.

તે વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે “જો તેર વર્ષના તરુણથી ગર્ભ રહ્યો હોય તો એ ઍબનૉર્મલ પ્રેગ્નન્સી હોઈ શકે છે એવું મેડિકલ સાયન્સ કહે છે. આવા કિસ્સામાં કસુવાવડની શક્યતા રહે છે. જેને લીધે મહિલા અને અવતરનાર સંતાનના જીવનને ખતરો હોઈ શકે છે. જો બાળક અવતરે તો એનો પિતા કોણ હશે? આ દલીલો પણ અમે કોર્ટમાં રજૂ કરી હતી.”

વિશેષ પૉક્સો અદાલતમાં ગર્ભપાત માટે જે અરજી વકીલ મારફતે આરોપી યુવતીએ કરી છે. તેમાં તેનાં માતાપિતાએ પણ મંજૂરી માટે સહી કરેલી છે.

એ અરજીમાં એક મુદ્દો એવો પણ ટાંકવામાં આવ્યો છે કે, “જો આ રીતે બાળક જન્મ લેશે તો એનું ભરણપોષણ કોણ કરશે એ પણ એક વિચારવાનો વિષય છે. વધુમાં જણાવીએ તો આ ફરિયાદ મુજબ પોલીસના કહેવા પ્રમાણે આ બાળકના પિતાની ઉંમર 13 વર્ષ છે એટલે જન્મ લેનારા બાળકની સ્વીકાર્યતા નથી.”

ઍડિશનલ સિવિલ જજ, જે.એમ.એફ.સી. કોર્ટ-સુરતને પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે ભારતીય ન્યાય સંહિતાની કલમ 4,6,8 અને 12નો ઉમેરો કરવા માટે જે રીપોર્ટ કર્યો હતો.

આ રિપોર્ટમાં જણાવાયું હતું કે “પૂછપરછમાં તરુણે કહ્યું છે કે તે જ્યારે ટીચરના ઘરે ટ્યૂશન માટે જતો ત્યારે આશરે એકાદ મહિના પહેલાં ઘરે કોઈ ન હતું ત્યારે ‘ટીચરના કહેવાથી સેક્સ’ કરેલ.”

આરોપીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર કરવા માટે ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજની કોર્ટમાં જે લેખિત રજૂઆત પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે કરી છે તેમાં એ પણ જણાવ્યું છે કે “આરોપી યુવતીના મેડિકલ પરિક્ષણ દરમ્યાન પોતે ગર્ભવતી છે અને 20 સપ્તાહનું બાળક હોવાનું સર્ટીફીકેટ આપેલ છે. પૂછપરછમાં આરોપી યુવતી ‘બાળક(તરુણ) દ્વારા ગર્ભવતી થયેલ’ હોવાની હકીકત જણાવે છે.”

તેમાં એક મુદ્દો એ પણ છે કે ‘આરોપી શિક્ષિકાએ બાળક વિદ્યાર્થી હોય તે જાણવા છતાં અપહરણ કરી લઇ જઈને બાળકને પોતાની સાથે શરીર સંબંધ બાંધી ગુનો આચરેલ છે.’

જોકે, પોલીસ અને વકીલની રજૂઆતમાં કેટલું તથ્ય છે તેમજ આરોપી યુવતીના ગર્ભમાં રહેલું બાળક ખરેખર કોનું છે તે તેમના ગર્ભનું ડીએનએ પરીક્ષણ થયા પછી જે રીપોર્ટ આવશે તેમાં જ બહાર આવી શકશે.

આ મામલે બીબીસી સહયોગી રુપેશ સોનવણેએ 13 વર્ષના વિદ્યાર્થીનાં માતા-પિતા કે તેમના પરિજનોનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. તેમનો પક્ષ જાણ્યા બાદ આ અહેવાલમાં તેનો ઉમેરો કરવામાં આવશે.

શિક્ષિકા અને વિદ્યાર્થી કેવી રીતે પકડાયાં હતાં?

સુરતમાં ગર્ભવતી શિક્ષિકા, ગર્ભપાત, વિદ્યાર્થી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

13 વર્ષનો તરુણ એ 23 વર્ષની શિક્ષિકાને ત્યાં ટ્યૂશન માટે જતો હતો. 25 એપ્રિલથી બંને લાપતા હતાં. તે દરમ્યાન તેમણે સાથે ગુજરાતની બહાર પણ પ્રવાસ કર્યો હતો.

શામળાજીથી બંનેને ઝડપી પાડ્યા પછી સુરત પોલીસના ડીસીપી(ડૅપ્યુટી કમિશનર ઑફ પોલીસ) ભગીરથસિંહ ગઢવીએ 30 એપ્રિલે મીડિયાને જણાવ્યું હતું કે “શિક્ષિકા અને વિદ્યાર્થી 25 એપ્રિલે નીકળ્યાં એ પછી બીજે દિવસે અમદાવાદ ગયાં હતાં ત્યાંથી પછી દિલ્લી ગયાં હતાં. ત્યાં બજારમાં ફર્યાં હતાં અને પછી ત્યાંથી વૃંદાવન ગયાં હતાં. ત્યાંથી જયપુર ગયાં હતાં.”

“ત્યાં તેમને રહેવાની સગવડ મળી નહોતી. તેથી તેઓ બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા ગુજરાત તરફ આવી રહ્યાં હતાં. જેની માહિતી પોલીસને મળતા પોલીસની ટીમ સુરતથી રવાના થઈ ગઈ હતી અને રસ્તામાંજ આંતરીને તેમને પકડી પાડ્યાં હતાં. પ્રાથમિક પૂછપરછમાં તમણે પોલીસને જણાવ્યું હતું કે બંનેને ઘરેથી ઠપકો હતો.”

શિક્ષિકાએ અગાઉ નર્સ તરીકે પણ કામ કર્યું છે એવું તેમણે પોલીસને જણાવ્યું હતું.

ભગીરથસિંહ ગઢવીએ એમ પણ કહ્યું હતું કે, “શિક્ષિકા ટ્યૂશન કરાવતાં હતાં. તે દરમ્યાન તેમણે ઘર પણ બદલાવ્યું હતું. જેને લીધે કેટલાક વિદ્યાર્થી ટ્યૂશનમાંથી છૂટી ગયા હતા. જે તરુણ તેમની સાથે પકડાયો છે તેણે ટ્યૂશન ચાલુ રાખ્યું હતું. તે શિક્ષિકાના ઘરની નજીક જ રહેતો હતો. બંને વચ્ચે કોઈ આકર્ષણ હતું કે નહીં તે પણ પોલીસ તપાસી રહી છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS